સુપરહિટ ટીવી-સિરિયલ ‘અનુપમા’માં અનુપમાનાં સાસુ લીલા શાહ ઉર્ફે બાના રોલમાં ખૂબ નામના મેળવી ચૂકેલાં અલ્પના બુચે મિડ-ડે સાથે કરી ઘણી જાણીઅજાણી રસપ્રદ વાતો
અલ્પના બુચ
હકીકતમાં માત્ર એક દાયકા એટલે કે ૨૦૧૪થી જ ફુલટાઇમ ઍક્ટિંગમાં આવેલાં અલ્પના બુચ હિન્દી-ગુજરાતી ફિલ્મો, ટેલિવિઝન-સિરિયલો અને ગુજરાતી નાટકોમાં તેમના ટૅલન્ટેડ અને જબરદસ્ત પર્ફોર્મન્સથી જાણીતાં બની ગયાં છે. સમય અને સંજોગોને લઈને એક સમયે ઍક્ટિંગને ન્યાય નહીં આપી શકેલાં અલ્પનાબહેનને જ્યારે પણ એ તક મળી ત્યારે તેમની પ્રતિભા ઝળકી ઊઠી છે. ‘યમલા પગલા દીવાના ફિર સે’, ‘લવયાત્રી’ જેવી હિન્દી ફિલ્મો; ‘શરતો લાગુ’, ‘લવની લવ-સ્ટોરી’, ‘ઇટ્ટા કિટ્ટા’, ‘વિકીડાનો વરઘોડો’, ‘વેન્ટિલેટર’, ‘કેમ છો લંડન’, ‘મુસાફિર છું યારો’ જેવી ગુજરાતી ફિલ્મો તથા ‘સરસ્વતીચંદ્ર’, ‘પાપડ પોળ’, ‘શાહબુદ્દીન રાઠોડ કી રંગીન દુનિયા’, ‘બાલવીર’, ‘ઉડાન’, ‘અગ્નિફેરા’, ‘રૂપ - મર્દ કા નયા સ્વરૂપ’, ‘સાવધાન ઇન્ડિયા’, ‘ક્રાઇમ પૅટ્રોલ’ જેવા ટીવી-શોઝનાં અભિનેત્રી અલ્પના બુચે અલગ-અલગ સિરિયલોમાં તેમના વર્સટાઇલ રોલને લઈને ટૂંક સમયમાં જ ભારે લોકચાહના મેળવી; જેમાં ‘અનુપમા’ સિરિયલે છોગું લગાવ્યું છે. ‘અનુપમા’માં અનુપમાનાં સાસુ લીલા શાહ આજે ઘર-ઘરમાં જાણીતું પાત્ર છે. સિરિયલોમાં પ્રભાવશાળી ઍક્ટિંગ અને મજબૂત સ્ક્રીન-પ્રેઝન્સના કારણે આજે અલ્પનાબહેન ખૂબ લોકપ્રિય બની ચૂક્યાં છે.



