અમિતાભ બચ્ચનમાં મિડાસ ટચ છે, મિડાસ ટચ પણ છે અને મૅજિક પણ છે, જે મૅજિક તમને તેમના પ્રત્યે ખેંચવાનું કામ કરે છે
ફાઇલ તસવીર
તમે જુઓ તો ખરા, આજે પણ બચ્ચનબાપુની કેવી ડિમાન્ડ છે. ઑલરેડી દીકરાની પેઢી સાથે તો તેમણે કામ કરી લીધું, પણ એ પછીની પેઢી એટલે કે પૌત્ર કહેવાય એ પેઢીના ઍક્ટર સાથે પણ તેઓ એટલી જ માગ સાથે ઊભા રહે છે. અરે, માત્ર કામમાં જ નહીં, તેમને એક નજર જોવા મળે એને માટે પણ લાખો-કરોડો લોકો કેવા તલપાપડ હોય છે. અમિતાભ બચ્ચનમાં મિડાસ ટચ છે, મિડાસ ટચ પણ છે અને મૅજિક પણ છે, જે મૅજિક તમને તેમના પ્રત્યે ખેંચવાનું કામ કરે છે. આજે તેમનો બર્થ-ડે છે ત્યારે એ જ કહેવાનું કે જરા વિચારજો કે એક માણસ જીવનના આઠ દાયકા પૂરા કર્યા પછી પણ આવી ડિમાન્ડમાં શું કામ રહેતો હશે? શું કામ લોકો આજે પણ તેમની સાથે કામ કરવાની એક તક મળે એને માટે રીતસર ભગવાનને પ્રાર્થના કરતા હોય છે? શું કામ લોકો તેમની સાથે એક વાર વાત કરવા મળે એ માટે પણ ભગવાન પાસે માનતા રાખતા હશે? શું કામ એ વાત પણ લોકોને સપના જેવી લાગતી હશે કે બચ્ચનબાપુ એક વખત, માત્ર એક વખત રિપ્લાય કરે?
મહેનત અને કામ પ્રત્યેની તેમની ખંત. હું તો મારી જાતને નસીબદાર માનું જ છું કે મને તેમની સાથે કામ કરવા મળ્યું છે, પણ એનાથી વધારે નસીબવાન હું મારી જાતને એટલે માનું છું કે તેઓ આંખ સામે છે અને તેમની પાસેથી સતત શીખવા મળી રહ્યું છે. આખેઆખી એ જનરેશન પૂરી થઈ ગઈ જેમણે તેમને ‘ધ ઍન્ગ્રી યંગમૅન’નું બિરુદ અપાવ્યું. હા, એ આખી પેઢી ઑલમોસ્ટ ખતમ થઈ ગઈ અને એ પછી પણ આપણા બચ્ચનબાપુ અડીખમ ઊભા છે. અડીખમ પણ અને અલમસ્ત પણ. કારણ છે, સતત નવા લોકો સાથે કામ કરતા રહીને જાતને વધારે ને વધારે ટૅલન્ટસભર બનાવવી અને તેમનો આ જ સ્વભાવ તેમને મિલેનિયમ સ્ટાર બનાવી રાખે છે.
નવું શીખવાની જો તમારી તૈયારી નહીં હોય, નવું કરવાની જો તમારી ક્ષમતા નહીં હોય અને નવું મેળવવાની જો તમારી ઇચ્છા નહીં હોય તો તમે ક્યારે બધાથી દૂર થઈ જશો એની તમને ખબર સુધ્ધાં નહીં પડે અને બચ્ચનબાપુ એ તૈયારી સાથે જ દરરોજની સવાર જુએ છે. ટેક્નૉલૉજીથી માંડીને નવી ટૅલન્ટને તેઓ સ્વીકારે છે. સ્વીકારે છે અને તેમની પાસેથી શીખવાની તૈયારી પણ રાખે છે. તેઓ ક્યાંય એવું નથી માનતા કે તું જે કરે છે એ કરતાં-કરતાં આજે મને પાંચ દાયકા થઈ ગયા, તું મને ક્યાં શીખવવાનો? ના, એવો ભાવ પણ તેમની આસપાસ ક્યાંય ઘૂમરાતો તમને દેખાય નહીં, કારણ કે તેઓ કામને સમર્પિત છે અને કામને જે આ પ્રકારનું સમર્પણ આપે એ જ ઊંચાઈ પામે અને એ જ એ ઊંચાઈ પર અકબંધ રહે. બચ્ચનબાપુએ તો ઊંચાઈ પણ પોતાની બનાવી છે અને પહોંચ પણ પોતાની બનાવી છે. એ પહોંચ બનાવવા માટે, એ ઊંચાઈ બનાવવા માટે તમારી બાળક બનીને સતત શીખતા રહેવાની ભાવના હોવી જોઈએ, જો એ ભાવના હોય તો તમે પણ તેમની જેમ જીવનના આઠ દાયકા પસાર કર્યા પછી પણ ડિમાન્ડમાં રહો. જોઈ લેવું હોય તો જોઈ લેજો.
ADVERTISEMENT
અનુભવે સમજવા મળી જશે.
અઢળક દસકા તમારી સામે પડ્યા જ છે.


