દેશમાં સામાજિક વિખવાદ ન વધે એવા હેતુથી બ્રિટિશ સલ્તનતે પણ એવો આદેશ જાહેર કરી દીધો કે સોમનાથ મંદિર નહીં બને, પણ મહારાણી અહલ્યાબાઈ હોળકર અડગ રહ્યાં અને તેમણે મહાદેવનું મંદિર બનાવવાનો નિર્ધાર પકડી રાખ્યો
ફાઇલ તસવીર
સોમનાથ મહાદેવની મૂર્તિ બનાવવાનું કામ શરૂ થયું એ અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. કહેવાય છે કે મૂર્તિ બનાવવાનું કામ કરવા માટે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને એ ભોંયરામાંથી અવાજ બહાર ન આવે એ માટે આ આખા વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવતો, જેમાં ઢોલ-નગારાં અને અન્ય વાજિંત્રો વાગતાં રહે એવું આયોજન કરવામાં આવતું.
રાણી અહલ્યાબાઈ હોળકર વતી સોમનાથ મહાદેવ મંદિરના હાલહવાલ જોવા માટે આવેલા લોકોએ જોયું કે મંદિરના માત્ર અવશેષ જ બચ્યા છે. દીવાલો નહોતી રહી એટલે શિખરોનું પણ અસ્તિત્વ નહોતું રહ્યું. મંદિર નવું જ બનાવવાનું હતું અને એને માટે મહારાણી અહલ્યાબાઈ બધી રીતે તૈયાર હતાં. એક તબક્કે તેમણે પોતાનો રાજમહેલ પણ ગીરવી મૂકવાની તૈયારી કરી લીધી હતી અને નક્કી કરી લીધું હતું કે મૂળ સ્થાને હતું એ જ પ્રકારનું મંદિર બનશે અને મહાદેવની સ્થાપના ફરી થશે, પણ સૌથી પહેલો વિરોધ મુસ્લિમ શાસકો દ્વારા શરૂ થયો, જે ધીમે-ધીમે મોટો થવા માંડ્યો એટલે મુસ્લિમ શાસકોના પક્ષે બ્રિટિશ સલ્તનત પણ જોડાઈ અને તેમણે પણ મંદિરના પુનઃ નિર્માણનો વિરોધ કર્યો. બ્રિટિશ સલ્તનતના વિરોધમાં મુદ્દો આખો બદલી નાખવામાં આવ્યો અને સામાજિક અરાજકતાને આગળ ધરી દેવામાં આવી હતી.
ADVERTISEMENT
હિન્દુસ્તાનમાં આંતરિક યુદ્ધ શરૂ થાય એવું બ્રિટિશરો ઇચ્છતા નહોતા. હજી તેમણે દેશ પર સંપૂર્ણપણે કબજો નહોતો કર્યો, તો અમુક વિસ્તારમાં હજી પણ તેમણે વિરોધની સામે ઝઝૂમવાનું હતું. આવી પરિસ્થિતિમાં મહારાણી અહલ્યાબાઈને કારણે જો ધર્મયુદ્ધ છેડાઈ જાય તો પરિસ્થિતિ બગડે. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે મહારાણી પોતાની વાત પરથી પાછાં નહીં વળે એ જાણ્યા પછી બ્રિટિશરાજ દ્વારા ઇન્દોર પર હુમલો કરવા સુધીની તૈયારી કરી લેવામાં આવી હતી અને એની સાથોસાથ સોમનાથ મંદિરની આસપાસ પણ કિલ્લેબંધી કરી લીધી હતી.
સમય, સંજોગ અને શિવજીની ઇચ્છાને ધ્યાનમાં રાખીને મહારાણી અહલ્યાબાઈએ પોતાના નિર્ણયમાં ચેન્જ કર્યો અને તેમણે નક્કી કર્યું કે મંદિર બનશે અને શિવજીની સ્થાપના પણ થશે, પરંતુ હવે મુસ્લિમ શાસક કે બ્રિટિશ સલ્તનતને એની જાણ પણ થવા નહીં દેવાય. મહારાણીએ આદેશ પછી સરસમજાની યુક્તિ કરી અને તેમણે સામેથી જ બ્રિટિશ સલ્તનત સાથે મીટિંગ કરીને
સોમનાથમાં મંદિર બનાવવાની દરખાસ્ત પાછી ખેંચી લેવાનું કહી દીધું અને સાથોસાથ એ પણ કહી દીધું કે અમે મંદિર બનાવીશું, પણ એ બ્રિટિશ સલ્તનતના નિયમ અનુસાર બનાવીશું. બ્રિટિશ અધિકારીએ મૂળ મંદિરથી અમુક અંતર દૂર મંદિર બનાવવાની હામી ભણી એટલે મહારાણીએ પ્રભાસ પાટણના એ સમયના રાજવી કૃષ્ણસિંહજી પાસેથી સત્તાવાર રીતે પરવાનગી લીધી અને એ પરવાનગી પણ ખાનગીમાં લેવામાં આવી. મળેલી એ પરવાનગી પછી સૌથી પહેલું કામ જે કામ શરૂ થયું એ કામ હતું શિવલિંગના સર્જનનું.
મૂર્તિનું કામ શરૂ થયું એ અત્યંત ગુપ્ત રીતે કરવામાં આવતું હતું. કહે છે કે મૂર્તિ બનાવવાનું કામ કરવા માટે ભોંયરું બનાવવામાં આવ્યું હતું અને એ ભોંયરામાંથી અવાજ બહાર ન આવે એ માટે આખા વિસ્તારમાં ઉત્સવ મનાવવામાં આવતો, જેમાં ઢોલ-નગારાં અને અન્ય વાજિંત્રો વાગતાં રહે એવું આયોજન કરવામાં આવતું. આ આયોજન પણ એ રીતે થતું જાણે પ્રભાસ પાટણના લોકોનો એ સ્થાનિક ઉત્સવ હોય.
મૂર્તિ બનાવવાનું કામ ખાનગી રાખવાનું હોવાથી એ કાર્ય દરમ્યાન સહેજ પણ કોઈને શંકા ન જાય એની પણ સાવચેતી રાખવામાં આવતી. મૂર્તિ બનાવનારા મૂર્તિકારો મહિનો-મહિનો એ ભોંયરામાં જ રહેતા અને સૂર્યપ્રકાશ પણ તેમને જોવા ન મળતો. કહેવાય છે કે મૂર્તિ બનાવવાનું કામ સાતેક મહિના સુધી ચાલ્યું હતું અને આ સાત મહિના દરમ્યાન મહારાણી અહલ્યાબાઈએ પણ એકાંતવાસ લઈ લીધો હતો. મહારાણી અહલ્યાબાઈએ સ્વીકારેલો આ જે એકાંતવાસ હતો એ સ્વૈચ્છિક હતો. મહાદેવની મૂર્તિ બનાવનારાઓને જો સૂર્યપ્રકાશ જોવા ન મળતો હોય તો પોતે કેવી રીતે એ પ્રકાશ લે એવા ભાવથી જ તેમણે એવું નક્કી કર્યું હતું.

