બેલાર્ડ પિયરના ટાઇગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઑફિસ ધમધમી રહી હતી. સમય સવારના સાડાદસ. ટાઇગર ગેટનો લોખંડી દરવાજો સહેજ પણ કિચૂડાટ કર્યા વગર ખૂલ્યો. પહેલાં ઇન્ડિયન નેવીની ખુલ્લી સફેદ જીપ બહાર આવી.
નાણાવટી ખૂનકેસમાં ઇન્ડિયન નેવીના વડાની અને વિશ્વવિખ્યાત ડૉક્ટરની જુબાની
બેલાર્ડ પિયરના ટાઇગર ગેટ નજીક આવેલા વેસ્ટર્ન નેવલ કમાન્ડની ઑફિસ ધમધમી રહી હતી. સમય સવારના સાડાદસ. ટાઇગર ગેટનો લોખંડી દરવાજો સહેજ પણ કિચૂડાટ કર્યા વગર ખૂલ્યો. પહેલાં ઇન્ડિયન નેવીની ખુલ્લી સફેદ જીપ બહાર આવી. એમાં નેવીના જવાનો ભરી બંદૂકે ઊભા હતા. લશ્કરનાં વાહનોની નંબર-પ્લેટ મારા-તમારા વાહનની નંબર-પ્લેટ કરતાં સાવ જુદી હોય છે. એમાં સૌથી પહેલાં બ્રૉડ ઍરો કે ઊભા તીરનું નિશાન હોય છે, જે જણાવે છે કે આ વાહન લશ્કરનું છે. પછીના બે આંકડા એ વાહન કયા વર્ષમાં ખરીદાયું એ બતાવે છે. એ પછી અંગ્રેજી વર્ણમાળાનો એક અક્ષર હોય છે જે આ વાહન લશ્કરના કયા વિભાગનું છે એ જણાવે છે. એ પછીના ચાર આંકડા જે-તે વાહનનો સિરિયલ-નંબર બતાવે છે. છેલ્લે ફરી એક અક્ષર મુકાય છે જે બતાવે છે કે વાહન કયા પ્રકારનું છે: મોટર, ટ્રક, મોટરસાઇકલ, વગેરે. આવી નંબર-પ્લેટ માત્ર લશ્કરનાં વાહનો માટે જ વાપરી શકાય છે. ખાનગી વાહનો માટે એ વાપરવી ગંભીર ગુનો ગણાય છે અને લશ્કરનાં બધાં જ વાહનોની નોંધણી સ્થાનિક RTO પાસે નહીં પણ સંરક્ષણ મંત્રાલયના ખાસ વિભાગ પાસે થતી હોય છે.
તો આવી નંબર-પ્લેટવાળી સફેદ જીપની પાછળ આવી રહી હતી એવી જ નંબર-પ્લેટવાળી સફેદ ઍમ્બૅસૅડર મોટર. એના બોનેટ પર હતી ઇન્ડિયન નેવીના વડાની માનક પતાકા. હા જી. એ વખતે આ દેશમાં બે જ મોટર બનતી હતી : ઍમ્બૅસૅડર અને ફિયાટ. અને સરકારી વાહનો એટલે સફેદ ઍમ્બૅસૅડર. એની પાછળ ફરી નેવીની એક જીપ, ખુલ્લી, સશસ્ત્ર સૈનિકોવાળી. બંધ કાચવાળી સફેદ ઍમ્બૅસૅડરમાં બેઠા હતા ઍડ્મિરલ રામદાસ કટારી, ઇન્ડિયન નેવીના પહેલવહેલા હિન્દુસ્તાની વડા. જન્મ ૧૯૧૧ના ઑક્ટોબરની આઠમીએ, અવસાન ૧૯૮૩ના જાન્યુઆરીની ૨૧ તારીખે. દેશ આઝાદ થયો એ પછી પણ ઇન્ડિયન નેવીના પહેલા બે વડા અંગ્રેજ હતા. તેમાંના બીજા વાઇસ ઍડ્મિરલ સર સ્ટીફન હોપ કારલીલ પછી એ હોદ્દો સંભાળ્યો ઍડ્મિરલ રામદાસ કટારીએ. ૧૯૫૮ના એપ્રિલની ૨૨મીથી ૧૯૬૨ના જૂનની ચોથી સુધી તેઓ આ હોદ્દા પર રહ્યા. તેઓ આ હોદ્દા પર હતા એ દરમ્યાન પહેલવહેલું ઍરક્રાફ્ટ કૅરિયર INS વિક્રાન્ત ઇન્ડિયન નેવીમાં દાખલ થયું. તેમની રાહબરી નીચે ગોવાના મુક્તિસંગ્રામમાં ઇન્ડિયન નેવીએ મહત્ત્વનો ભાગ ભજવ્યો. નિવૃત્ત થયા પછી ઍડ્મિરલ કટારીએ પોતાના અનુભવો વિશેનું પુસ્તક પ્રગટ કર્યું હતું: A Sailor Remembers.
ઇન્ડિયન નેવીનો આ કાફલો આવી પહોંચ્યો જજ મહેતાની અદાલત પાસે. કમ્પાઉન્ડની બહાર ફરી ઇન્ડિયન નેવીના સશસ્ત્ર સૈનિકો. આગલી જીપમાંના એક સૈનિકે તરત ઊતરીને ઍમ્બૅસૅડરનું ડાબી બાજુનું પાછળનું બારણું ખોલ્યું. ઍડ્મિરલ રામદાસ કટારી ઊતર્યા. બૉમ્બે હાઈ કોર્ટના પ્રોટોકૉલ ઑફિસરે તેમને આવકાર આપ્યો અને અદાલતના મકાન તરફ લઈ ગયા. બરાબર અગિયારમાં બે મિનિટે બચાવ પક્ષના પહેલા સ્ટાર વિટનેસ ઍડ્મિરલ રામદાસ કટારી કોર્ટરૂમમાં દાખલ થયા. અગિયાર વાગ્યે જજ મહેતા આવ્યા પછી ઍડ્મિરલ રામદાસ કટારીની જુબાની શરૂ થઈ.
આવા ક્રિમિનલ કેસોમાં આરોપીનો સ્વભાવ, તેની ચાલચલગત, તેની આદતો વગેરેનો વિચાર કરીને એને ધ્યાનમાં રાખવાનું બહુ મહત્ત્વનું હોય છે. એટલે બચાવ પક્ષે કમાન્ડર નાણાવટીની બાબતમાં આ બધાની માહિતી મેળવવા માટે ઇન્ડિયન નેવીના સર્વોચ્ચ અફસર ઍડ્મિરલ રામદાસ કટારીને જુબાની આપવા વિનંતી કરી હતી અને તેમણે જુબાની આપવાનું સ્વીકાર્યું હતું. શરૂઆતમાં જજ મહેતાના સવાલના જવાબમાં ઍડ્મિરલ રામદાસ કટારીએ કહ્યું હતું કે કમાન્ડર નાણાવટીનો આજ સુધીનો સર્વિસ રેકૉર્ડ કશા ડાઘ વગરનો છે. તેમનો સ્વભાવ અને તેમનું ચારિત્ર્ય ચોખ્ખાં છે.
પછી બચાવ પક્ષના વકીલના સવાલના જવાબમાં ઍડ્મિરલ કટારીએ કહ્યું કે કમાન્ડર નાણાવટી અને પ્રોવોસ્ટ માર્શલ કમાન્ડર સૅમ્યુઅલ બન્નેને હું અંગત રીતે ઓળખું છું.
કમાન્ડર નાણાવટીને રાજી રાખવા માટે સૅમ્યુઅલે તેમની તરફેણમાં જુબાની આપી એ વાત સાચી છે?
બિલકુલ નહીં. કમાન્ડર સૅમ્યુઅલ કમાન્ડર નાણાવટીના હાથ નીચે કામ કરતા નથી. કમાન્ડર સૅમ્યુઅલની બઢતી, પગારવધારો વગેરે કોઈ બાબત પર કમાન્ડર નાણાવટીનો અખત્યાર નથી. એટલે કમાન્ડર સૅમ્યુઅલે તેમને રાજી રાખવાનું કોઈ કારણ નથી. ઇન્ડિયન નેવીમાં પ્રોવોસ્ટની બ્રાન્ચ બીજી બ્રાન્ચો કરતાં અલગ અને સ્વતંત્ર હોય છે. એનું મુખ્ય કામ નેવીમાં શિસ્ત જાળવવાનું હોય છે.
તમે કહ્યું કે તમે કમાન્ડર નાણાવટીને અંગત રીતે ઓળખો છો. કઈ રીતે?
કમાન્ડર નાણાવટીએ ત્રણ વખત સીધેસીધા મારા હાથ નીચે કામ કર્યું છે. પહેલી વાર ૧૯૪૬માં જ્યારે તેઓ INS કાવેરીના કમાન્ડિંગ ઑફિસર હતા ત્યારે. બીજી વાર ૧૯૫૧માં જ્યારે તેઓ દિલ્હીમાં નેવલ હેડ ક્વૉર્ટર્સમાં મુખ્ય ઑફિસર તરીકે કામ કરતા હતા ત્યારે. અને ત્રીજી વાર ૧૯૫૭-૧૯૫૮માં જ્યારે હું મારા ફ્લૅગશિપ INS માઇસોર પર ફ્લૅગ ઑફિસર હતો ત્યારે કમાન્ડર નાણાવટી એ જહાજના એક્ઝિક્યુટિવ ઑફિસર હતા ત્યારે.
અચ્છા. કમાન્ડર નાણાવટીના સ્વભાવ વિશે, તેમના ગમા-અણગમા વિશે તમે શું કહેશો?
તેઓ એક પ્રામાણિક, ઠરેલ, કાર્યદક્ષ માણસ છે. તેમને આકરા-ઉતાવળા થતા મેં જોયા નથી. તેઓ સ્વભાવે શાંત છે અને બીજાની સાથે હળીમળીને કામ કરવામાં માને છે.
ફરજના ભાગરૂપે તમે તેમને મળ્યા હો એટલાને આધારે આમ કહો છો?
ના. એ ઉપરાંત પણ સામાજિક કાર્યક્રમો કે મેળાવડાઓમાં પણ અમારે મળવાનું થયું છે. તેઓ કોઈ સાથે ઝઘડ્યા હોય કે આકરા થયા હોય એવું મેં જોયું-જાણ્યું નથી.
કમાન્ડર નાણાવટીને ઇન્ડિયન નેવીની નોકરીમાંથી સસ્પેન્ડ શા માટે કરવામાં આવ્યા છે?
ગવર્નમેન્ટ ઑફ ઇન્ડિયાના અને નેવલ હેડ ક્વૉર્ટર્સના એમ કરવા વિશેના હુકમને કારણે.
એવા હુકમ પાછળનું કારણ?
એક માણસનું ખૂન કરવાનો આરોપ તેમના પર મૂકવામાં આવ્યો છે અને એ વિશે તેમના પર આ અદાલતમાં ખટલો ચાલે છે એટલે.
ખટલો ચાલે એ દરમ્યાન કમાન્ડર નાણાવટીને મુંબઈ પોલીસના તાબામાં નહીં પણ નેવલ પોલીસના તાબામાં રાખવાની ભલામણ તમે કરી હતી?
એવી ભલામણ મેં પોતે કરી નહોતી કારણ કે એવી ભલામણ કરવાની મને સત્તા નથી. પણ આમ કરવા માટે મેં નેવલ હેડ ક્વૉર્ટસને વિનંતી કરી હતી, જે તેમણે સ્વીકારી હતી.
અત્યારે કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીની નોકરીમાં છે કે નથી?
નોકરીમાં છે, પણ તેમને બરતરફ કરવામાં આવ્યા છે. પણ આજેય તેઓ ઇન્ડિયન નેવીના એક અફસર છે જ.
બરતરફ થયા હોવા છતાં કમાન્ડર નાણાવટી જ્યારે પણ અદાલતમાં હાજર થાય છે ત્યારે નેવીનો યુનિફૉર્મ પહેરીને કેમ આવે છે?
એમ કરવા વિશેનો હુકમ મેં નથી કર્યો.
તો કોણે કર્યો છે?
ઇન્ડિયન નેવીના પ્રોવોસ્ટ માર્શલે, કારણ કે એ તેમના અધિકારક્ષેત્રની બાબત છે.
આ ખટલામાં સાક્ષી તરીકે હાજર રહેવા તમે સંમતિ શા માટે આપી?
કારણ કે કમાન્ડર નાણાવટી ઇન્ડિયન નેવીના એક મહત્ત્વના અફસર છે. હું તેમનો વડો છું એટલું જ નહીં, તેમને અંગત રીતે પણ હું ઓળખું છું. અને હું તેમને ઓળખું છું એક ચારિત્ર્યવાન, સીધાસાદા આદમી તરીકે. એટલે આ ખટલામાં જુબાની આપવાની હું મારી ફરજ સમજું છું.
બચાવ પક્ષના વકીલ: થૅન્ક યુ ઍડ્મિરલ કટારી. યૉર ઑનર! આરોપી કમાન્ડર નાણાવટીના સ્વભાવ અને ચારિત્ર્ય વિશે દેશના નૌકાસૈન્યના વડાએ જે કાંઈ કહ્યું એની ઉચિત રીતે નોંધ લેવાની આપને અરજ ગુજારું છું.
ભારતીય લશ્કરના વાહનની નંબર-પ્લેટ
ઍડ્મિરલ કટારી કોર્ટમાંથી જઈ રહ્યા હતા ત્યારે કમાન્ડર નાણાવટીએ તેમની સામે જઈને સૅલ્યુટ કરી અને પછી બન્નેએ શેકહૅન્ડ કરી હતી. ઍડ્મિરલ કટારી નીચે ઊતર્યા એટલે ફરી તેમને વળાવવા બૉમ્બે હાઈ કોર્ટના પ્રોટોકૉલ ઑફિસર આવ્યા. ઍડ્મિરલ કટારીનો રસાલો ફરી ટાઇગર ગેટ જવા રવાના થયો.
બચાવ પક્ષના બીજા સ્ટાર વિટનેસ હતા પ્રખ્યાત સર્જ્યન ડૉ. એ. વી. બાલીગા. જન્મ ૧૯૦૪માં, અવસાન ૧૯૬૪માં. ગ્રેટ બ્રિટનની રૉયલ કૉલેજ ઑફ સર્જ્યન્સના ફેલો હતા. ગ્રેટ બ્રિટનમાં અભ્યાસ કરીને પાછા આવ્યા પછી તેઓ કે. ઈ. એમ. હૉસ્પિટલમાં અસિસ્ટન્ટ ઑનરરી સર્જ્યન નિમાયા હતા. વખત જતાં એક અત્યંત બાહોશ ડૉક્ટર તરીકે તેમની ખ્યાતિ દેશમાં અને દેશની બહાર ફેલાઈ હતી. તેમણે કેટલીક શૈક્ષણિક સંસ્થાઓ ઊભી કરી હતી અને પાછલાં વરસોમાં ‘પેટ્રીઅટ’ નામનું વર્તમાનપત્ર અને ‘લિન્ક’ નામનું મૅગેઝિન શરૂ કર્યાં હતાં. તેમના અવસાન વખતે પંડિત જવાહરલાલ નેહરુએ કહ્યું હતું : ‘ડૉક્ટર બાલીગા એક અસાધારણ કુશળ સર્જ્યન હતા એટલું જ નહીં, એક ઉમદા માણસ પણ હતા. સમાજને ઉપયોગી થાય એવાં સારાં કામ માટે તેમણે છૂટા હાથે દાન આપ્યાં હતાં. તેઓ સાચા અર્થમાં દેશભક્ત હતા.’

ઇન્ડિયન નેવીના ઍડ્મિરલની પતાકા
આવા જગવિખ્યાત ડૉક્ટર બાલીગાએ તેમની જુબાની દરમ્યાન પ્રેમ આહુજાનું મૃત્યુ કઈ રીતે થઈ શક્યું હોય, કેવા હથિયારને કારણે થયું હોય, એ માટે કોણ જવાબદાર હોઈ શકે વગેરે ઘણા પ્રશ્નોની મેડિકલ દૃષ્ટિએ છણાવટ અને સ્પષ્ટતા કરી જે મારા-તમારા જેવા માટે સમજવી જરા મુશ્કેલ.
એક-બે વખત ફરિયાદ પક્ષના વકીલ અને ડૉ. બાલીગા વચ્ચે શાબ્દિક ચકમક પણ ઝરી. અગાઉ બૅલિસ્ટિક (દારૂગોળાને લગતા) નિષ્ણાતે જે અભિપ્રાય આપ્યો હતો એના કરતાં ડૉ. બાલીગાએ જુદી શક્યતા સૂચવી. ત્યારે ફરિયાદ પક્ષના વકીલે કહ્યું કે તમે ડૉક્ટર છો, બૅલિસ્ટિક એક્સપર્ટ નહીં. છતાં વાત એવી રીતે કરો છો કે જાણે તમે તેમના કરતાં સવાયા જાણકાર હો.
ડૉક્ટર બાલીગા : મેં એવું કહ્યું જ નથી. મેં એટલું જ કહ્યું છે કે આ બનાવ વિશે વિચાર કરતી વખતે બીજી શક્યતાઓ – જેમ કે અકસ્માતની શક્યતા – પણ તપાસવી જોઈએ.
ડૉ. એ. વી. બાલીગા
ફરિયાદ પક્ષના વકીલે એક-બે પ્રશ્ન પૂછવાનો પ્રયત્ન કર્યો હતો પણ નામદાર જજસાહેબે એ પ્રશ્નો પૂછવાની મંજૂરી આપી નહોતી. ડૉક્ટર બાલીગાની જુબાની કુલ સાડાછ કલાક ચાલી હતી.
ઍડ્મિરલ રામદાસ કટારી અને ડૉ એ. એસ. બાલીગા જેવા મહત્ત્વના સાક્ષીઓ પછી બીજા દિવસે પણ એક ખૂબ જ મહત્ત્વની વ્યક્તિ અદાલતમાં હાજર થવાની હતી. જોકે ફરિયાદ પક્ષના વકીલે પહેલેથી જ જણાવ્યું હતું કે આ સાક્ષી ઉપર અમને મુદ્દલ ભરોસો નથી એટલે હું તેમની ઊલટતપાસ નહીં લઉં. પણ બચાવ પક્ષે એ સાક્ષીની જુબાની માટે આગ્રહ રાખ્યો હતો અને એટલે નામદાર જજસાહેબે બીજા દિવસે તેને હાજર રાખવાની સૂચના આપી હતી.
એ સાક્ષી તે કોણ અને તેની જુબાની વિશેની વાત હવે પછી.


