આખો દિવસ દીકરો અને સાંજે બાપ બનતા હાર્દિક સાંગાણીનું પાત્ર થોડા સમય માટે મારા દીકરા અમાત્યએ પણ કર્યું, જેને કારણે અમે બન્ને બાપ-દીકરો સ્ટેજ પર સાથે કામ કરી શક્યા, જે આ નાટકની સૌથી મોટી સુખદ યાદ
બે અલગ-અલગ ટાઇટલ સાથે ચાલતા એક જ નાટક ‘આ ન.મો. બહુ નડે છે’ના ‘મિડ-ડે’માં જે ફ્રન્ટ પેજ ન્યુઝ આવ્યા એ કૉપી મારી પાસે આજે પણ છે. ભાગ્યે જ કોઈ નાટક ન્યુઝપેપરની હેડલાઇન બનતું હોય છે.
‘આ ન.મો. બહુ નડે છે’ નાટકમાં મારા દીકરાનું જે કૅરૅક્ટર હાર્દિક સાંગાણી કરતો એ રોલ મારા દીકરા અમાત્યએ પણ કર્યો હતો. મને ઘણા કહેતા કે બાપ-દીકરાને સ્ટેજ પર જોવાની બહુ મજા આવે છે. હવે તો ઓછું થઈ ગયું, પણ આ નાટક પછી થોડા સમય સુધી તો ઘણા મને પૂછતા પણ ખરા કે બન્ને બાપ-દીકરો સ્ટેજ પર ફરી ક્યારે આવો છો
‘આ ન.મો.ને નડતા નહીં’ ટાઇટલ રાખીએ
ADVERTISEMENT
તો ચાલે?’
અમારા પ્રોડક્શનના ૭૦મા નાટક ‘આ ન.મો. બહુ નડે છે’ના ટાઇટલ સામે ગુજરાત સરકારના મનોરંજન વિભાગે વિરોધ નોંધાવ્યો એટલે અમે નવું ટાઇટલ વિચાર્યું અને મેં એ સમયના વિભાગીય વડા ચિનુ મોદીને ફોન કર્યો. ચિનુભાઈએ નવા ટાઇટલ ‘આ ન.મો.ને નડતા નહીં’ ટાઇટલ માટે હામી ભણી એટલે અમને ગુજરાતમાં નાટક ભજવવા માટે સેન્સર સર્ટિફિકેટ મળી ગયું. જોકે આ ઘટના સાથે ગુજરાતી રંગભૂમિ પર પણ ઇતિહાસ રચાયો. પહેલી વાર એવું બન્યું કે એક જ નાટક બે અલગ-અલગ ટાઇટલ સાથે ભજવાયું. મુંબઈમાં ‘આ ન.મો. બહુ નડે છે’ના ટાઇટલ સાથે નાટક ખૂબ ચાલે. ગુજરાતમાં ‘આ ન.મો.ને નડતા નહીં’ ટાઇટલ સાથે અને ગુજરાત બહાર ‘આ ન.મો. બહુ નડે છે’ ધમાલ મચાવે, પણ ગુજરાતમાં નાટકની ટૂર શરૂ થાય એ પહેલાં શરૂ થયેલા પ્રમોશનમાં આ ચેન્જ થયેલા ટાઇટલ પર નજર પડી ‘મિડ-ડે’ના જ પત્રકાર રશ્મિન શાહની અને તેમણે મને ફોન કર્યો, ‘સંજયભાઈ, આવું કેમ? શું બધી જગ્યાએ ટાઇટલ ચેન્જ કર્યું કે પછી માત્ર ગુજરાતમાં?’
‘માત્ર ગુજરાતમાં...’ મેં જવાબ આપ્યો અને સાથોસાથ સ્પષ્ટતા પણ કરી, ‘નાટક એ જ છે જે મુંબઈમાં ‘આ ન.મો. બહુ નડે છે’ના નામે ભજવાય છે.’
રશ્મિન સાથે મારી વર્ષોજૂની દોસ્તી. લેખક તરીકે રશ્મિન ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલો પણ ખરો એટલે અમારે ઘણી વાર વાતો થયા કરતી. મેં ચોખવટ કરી કે તરત જ રશ્મિનનો નવો પ્રશ્ન આવ્યો.
‘નાટક સુપરહિટ થઈ ગયા પછી ગુજરાતમાં એનું ટાઇટલ બદલવાનું કારણ શું?’ સવાલની સાથે જ તેણે પૂછી પણ લીધું, ‘નરેન્દ્ર મોદી...’
‘નૉટ ડિરેક્ટલી, પણ ન.મો. શબ્દ તેમની સાથે એટલી હદે જોડાઈ ગયો છે કે લોકોમાં ખોટો સંદેશો ન જાય એવા હેતુથી મનોરંજન વિભાગે આવી ડિમાન્ડ કરી હતી.’
એ પછી મેં તેને આખી ઘટના કહી અને બીજા દિવસે એટલે કે ૨૦૧૩ની ૨૧ જૂન અને શુક્રવારે ગુજરાતી ‘મિડ-ડે’ની બની એ ફ્રન્ટ પેજ સ્ટોરી. એ દિવસનું પેપર આજે પણ મારી પાસે છે. એ ન્યુઝનું હેડિંગ હતું, ‘નાટકને પોતાને જ નડી ગયા ન.મો.’. નાટક ન્યુઝમાં આવે અને એ પણ ફ્રન્ટ પેજ પર, લીડ સ્ટોરી તરીકે એવું ભાગ્યે જ બનતું હોય છે, પણ ‘આ ન.મો. બહુ નડે છે’ નાટકના નસીબમાં એ પણ લખાયું હતું. મારે સ્વીકારવું રહ્યું કે નાટક હેડલાઇનમાં આવ્યા પછી તો એની ડિમાન્ડ ઑર વધી. ગુજરાતમાં પણ અમે આ નાટકના ખૂબ બધા શો કર્યા.
આ નાટકના અમે કુલ ૧૨૮ શો કર્યા. જે નાટક માત્ર પાંચ જ શોમાં બંધ થવાનું હતું એ નાટક ૧૨૫થી વધારે શો કરશે એવું કોઈએ ધાર્યું નહોતું, પણ ૬ દિવસમાં અમે જે સુધારા-વધારા કર્યા હતા એનું આ રિઝલ્ટ હતું. નાટકમાં મારા કામનાં તો ખૂબ વખાણ થયાં જ હતાં, પણ મારા સિવાય આ નાટકમાં કાજલ શાહ, ભાસ્કર ભોજક અને હાર્દિક સાંગાણીએ પણ બહુ સરસ કામ કર્યું હતું એ મારે કહેવું જ રહ્યું. દિવસે દીકરો અને સાંજે નરોત્તમ મોરબીવાળાનો આત્મા શરીરમાં આવ્યા પછી મારો બાપ બનતા હાર્દિકનો પર્ફોર્મન્સ જોઈને ઑડિયન્સ તાળીઓ પાડતી તો કાજલે પણ કમાલ કરી હતી. પોતાના હેવી બૉડી સાથે તે સ્ટેજ પર ડાન્સ કરતી અને એ ડાન્સને વન્સ મોર મળતા હતા. અહીં મારે એક આડવાત કહેવી છે.
મેં નક્કી રાખ્યું હતું કે હું ક્યારેય પણ વન્સ મોર કરીશ નહીં. આજે પણ મેં એ જ પ્રિન્સિપલ પકડી રાખ્યો છે. પ્રેક્ષકો ગમે એટલી વાર વન્સ મોર કરે તો પણ હું ક્યારેય વન્સ મોર કરતો નથી, પણ અહીં વાત જુદી હતી. પ્રેક્ષકો કાજલના ડાન્સને વન્સ મોર કરતા હતા અને કાજલ એ દોહરાવતી પણ હતી એટલે હું એમાં માથું મારતો નહીં. એ વન્સ મોર આવે એટલે હું ધીમેકથી સાઇડ પર સરકી જાઉં અને પછી નાટક જ્યાંથી આગળ વધારવાનું હોય ત્યાંથી ફરી કામે લાગી જતો, પણ નવા વિષય પર આવતાં પહેલાં કહી દઉં કે આજે પણ કોઈ વન્સ મોર કરે તો હું એ કરવાના વિરોધમાં છું.
આ નાટકના અમે ઑસ્ટ્રેલિયા અને ન્યુ ઝીલૅન્ડમાં પણ શો કર્યા હતા અને ત્યાં પણ નાટક બહુ હિટ ગયું હતું. નાટકની એક સુખદ અને રસપ્રદ વાત કહું. આ નાટકમાં મારા દીકરાનું જે કૅરૅક્ટર હાર્દિક સાંગાણી કરતો હતો એ રોલ મારા દીકરા અમાત્યએ પણ કર્યો હતો. મને ઘણા એવા લોકો મળ્યા જેમણે નાટક જોયા પછી મને કહ્યું હતું કે બાપ-દીકરાને સ્ટેજ પર જોવાની બહુ મજા આવે છે. હવે તો ઓછું થઈ ગયું, પણ આ નાટક પછી થોડા સમય સુધી ઘણા મને પૂછતા રહેતા કે તમે બન્ને બાપ-દીકરો સ્ટેજ પર ફરી ક્યારે આવો છો. હું તેમને સમજાવતો કે મારા દીકરાને ઍક્ટિંગમાં ઇન્ટરેસ્ટ નથી અને આજે તે જેકંઈ કરી રહ્યો છે એનાથી હું ખુશ છું. અમાત્ય અમારી સાથે ઑસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડની ટૂરમાં પણ આવ્યો હતો.
અમારું આ નાટક ચાલતું હતું એ દરમ્યાન લેખક વિનોદ સરવૈયાએ મને એક વાર્તા કહી હતી. અગાઉ અમે વિનોદે લખેલું નાટક ‘ભાભુ રિટાયર થાય છે’ કર્યું હતું, જેની તમને મેં વાત પણ કરી હતી. ગુજરાતી રંગભૂમિની ઘણીબધી સાચી વાતો અમે કૉમેડી-વેમાં એ નાટકમાં લીધી હતી, જે જોઈને નાટકલાઇનના બધા બહુ હસ્યા હતા. તેમણે એ બધી વાતોને સ્પોર્ટ્સમૅન સ્પિરિટ સાથે લીધી હતી. એ નાટકના સમયથી વિનોદ અમારા સંપર્કમાં.
‘આ ન.મો. બહુ નડે છે’ નાટક દરમ્યાન વિનોદે કહેલી વાર્તા એક દિવ્યાંગ છોકરીની હતી. આંખ નહીં હોવા છતાં એ છોકરી અદ્ભુત ડાન્સર હતી. મને વાર્તા બહુ ગમી એટલે મેં વિપુલને કહ્યું કે વિનોદ પાસે જે વાર્તા છે એના પર બહુ સરસ નાટક બની શકે છે. મેં વિપુલને વાર્તા કહી અને વિપુલને પણ વાર્તા સાંભળીને મજા આવી ગઈ. તેણે તરત જ કહ્યું કે ‘ચાલો સંજયભાઈ, આપણે આ નાટક કરીએ’ અને આમ અમારા પ્રોડક્શનના ૭૧મા નાટકનાં મંડાણ થયાં.
એ નાટક એટલે ‘ગરવી ગુજરાતણે રંગ રાખ્યો’. નાટકના મેકિંગ વિશે હવે આપણે વાત કરીશું આવતા સોમવારે. આવજો, પણ હા, રોજ ‘મિડ-ડે’ વાંચજો. હું તો દુનિયામાં ક્યાંય પણ હોઉં, ‘મિડ-ડે’ પર અચૂક નજર નાખી લઉં. મુંબઈની બહાર હોઉં તો ડિજિટલ પેપર રોજ જોઈ લેવાનું.
મળીએ, આવતા સોમવારે.
જોક સમ્રાટ
સાસુ ગુજરી ગયાં એટલે વહુએ ન્યુઝપેપરમાં શ્રદ્ધાંજલિ આપી અને મોટા અક્ષરે લખ્યું, ‘બા તો બા હતાં, પણ બીજા દિવસે પેપરમાં જે છપાયું એ વાંચીને આખું કુટુંબ ઊભું થઈ ગયુંઃ ‘બા તોબા હતાં.’
અંતે વહુના મનનો ભાવ બહાર આવી ગયો ખરો!
(આ લેખોમાં રજૂ થયેલાં મંતવ્યો લેખકનાં અંગત છે, ન્યુઝપેપરનાં નહીં.)

