° °

આજનું ઇ-પેપર
Friday, 12 August, 2022


જમશેદજીની યાદને સંઘરીને બેઠેલી લાઇબ્રેરી

06 August, 2022 12:36 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

છેક ૧૮૫૬માં એલ્ફિન્સ્ટન કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ઉપયોગ માટે કોટ વિસ્તારમાં એક નાનકડી લાઇબ્રેરી ઊભી કરી હતી. એ વખતે એ ‘ફોર્ટ ઇમ્પ્રૂવમેન્ટ લાઇબ્રેરી’ તરીકે ઓળખાતી હતી. જમશેદજી આ લાઇબ્રેરીના લાઇફ મેમ્બર હતા

જે. એન. પેટિટ લાઇબ્રેરી ચલ મન મુંબઈ નગરી

જે. એન. પેટિટ લાઇબ્રેરી

માત્ર બત્રીસ વર્ષની ટૂંકી જિંદગીમાં જમશેદજી નસરવાનજી પેટિટ બે મોટાં કામ કરી ગયા. ૧૮૫૬ના જાન્યુઆરીની ૨૪મી તારીખે જન્મ. મમ્મા દીનબાઈ હતાં મેહરવાનજી જીજીભાઈ મુગાનાં બેટી. મુંબઈના કોટ વિસ્તારમાં બજાર ગેટ સ્ટ્રીટમાં આવેલા એ કુટુંબના મકાનમાં જમશેદજીનો જન્મ. નસરવાનજી પેટિટને બે બચ્ચાં - એક જમશેદજી અને બીજાં આવાંબાઈ. એક તો દોલતમંદ ખાનદાન. વળી એકનો એક નબીરો એટલે ચાંદીના નહીં, પણ સોનાના ઘૂઘરે રમેલો. મુંબઈની ફોર્ટ હાઈ સ્કૂલમાં અને પછી બૉમ્બે પ્રોપ્રાઇટરી સ્કૂલમાં ભણ્યા. ત્યારથી પરગજુ અને ખેરાતી સ્વભાવ. પોતાની સાથે ભણતા ગરીબ વિદ્યાર્થીઓને પૈસા, પુસ્તકો, કાગળ, પેન્સિલ વગેરેની અવારનવાર મદદ કર્યા કરતા. અંગ્રેજી સાહિત્યની લગન પણ ત્યારથી જ લાગેલી. પોતીકું નાનકડું પણ સમૃદ્ધ પુસ્તકાલય વસાવેલું. એ વખતે જાણીતા કવિઓના કાવ્યસંગ્રહો ઉપરાંત શેક્સપિયરની તમામ કૃતિઓ એમાં હતી. શેક્સપિયરનું કોઈ પણ નાટક મુંબઈમાં ભજવાય તો એમાં જમશેદજી અચૂક હાજર હોય. તેમની સાથે ભણતા બીજા કેટલાક વિદ્યાર્થીઓ ગુજરાતી વાંચવા-બોલવામાં નાનમ માનતા; પણ જમશેદજી અંગ્રેજી ઉપરાંત ગુજરાતી પુસ્તકો, સામયિકો અને વર્તમાનપત્રો પણ નિયમિત વાંચતા. 
૧૮૭૫માં મેટ્રિક થયા પછી જમશેદજી એલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા પણ સેકન્ડ લૅન્ગ્વેજ બાબતે કશીક મુશ્કેલી ઊભી થતાં બીજા પારસી વિદ્યાર્થીઓ સાથે સેન્ટ ઝૅવિયર્સ કૉલેજમાં ભણવા ગયા. જોકે થોડા વખત પછી મુશ્કેલી દૂર થતાં જમશેદજી ફરી એલ્ફિન્સ્ટન કૉલેજમાં ગયા પણ પોતાની અપેક્ષાઓ નહીં સંતોષાતાં થોડા જ વખતમાં તેમણે કૉલેજનો અભ્યાસ છોડ્યો. પિતા નસરવાનજીએ તરત જ તક ઝડપી લીધી. એ જ વખતે તેમને ઓરિયેન્ટલ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ કંપનીની એજન્સી મળી હતી એટલે પિતાએ પોરિયાને ધંધામાં લગાડી દીધો. થોડા વખતમાં જમશેદજી ઓરિયેન્ટલ સ્પિનિંગ ઉપરાંત બીજી સાતેક કંપનીમાં ડિરેક્ટરના પદે નિમાયા. જમશેદજીનો વાંચનનો શોખ તો પહેલાંની જેમ જ જળવાઈ રહ્યો હતો એટલે તેઓ કેટલાંક જાહેર પુસ્તકાલયોના વહીવટ સાથે પણ સંકળાયા. એમાં ફોર્ટ રીડિંગ રૂમ ઍન્ડ લાઇબ્રેરી, દીનશાહ પેટિટ લાઇબ્રેરી અને નવસારીના મહેરજી રાણા કિતાબખાનાનો સમાવેશ થાય છે.
સ્કૂલમાં ભણતા હતા ત્યારથી જમશેદજીએ ગુજરાતીમાં કવિતા લખવાનું શરૂ કર્યું હતું. ૧૮ ભાગમાં વહેંચાયેલી લાંબી કૃતિ ‘માહરી મજેહ’નો ઘણોખરો ભાગ ૧૮૭૩ સુધીમાં એટલે કે જમશેદજી મેટ્રિક થયા એ પહેલાં લખાઈ ચૂક્યો હતો અને એ જ અરસામાં ‘જ્ઞાનવર્ધક’ નામના સામયિકમાં હપ્તાવાર પ્રગટ થયો હતો. એ ઉપરાંત વિદ્યામિત્ર, ગુલ અફશાન, ફુરસદ, પખવાડિયાની મજા નામનાં સામયિકોમાં પણ તેમનાં કાવ્યો અવારનવાર છપાતાં. પોતાનો કાવ્યસંગ્રહ પ્રગટ થાય એ માટે જમશેદજી સ્વાભાવિક રીતે જ આતુર હતા પણ તેમનો એકમાત્ર કાવ્યસંગ્રહ ‘માહરી મજેહ તથા બીજી કવિતાઓ’ તેમના મૃત્યુ બાદ ૧૮૯૨માં પ્રગટ થયો.  
આ સંગ્રહ લગભગ ૫૦૦ પાનાંનો છે. એમાં જમશેદજીના નિકટના મિત્ર અને પુસ્તકના સંપાદક જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ જમશેદજીના જીવનનો અહેવાલ આપ્યો છે, તેમનાં કાવ્યોની ચર્ચા કરી છે અને જમશેદજીની કવિતાને ગુજરાતી કવિતાની પરંપરામાં યોગ્ય પરિપ્રેક્ષ્યમાં મૂકી આપવાનો પ્રયત્ન કર્યો છે. આ સંગ્રહમાંનાં કાવ્યોને કુલ ચાર ભાગમાં વહેંચવામાં આવ્યાં છે. પહેલા ભાગમાં માહરી મજેહ નામનું લાંબું કાવ્ય સમાવાયું છે જે ૧૬૬ પાનાં રોકે છે. બીજા ભાગમાં તેમની છૂટક કવિતા આપી છે. ત્રીજા ભાગમાં જમશેદજીએ કરેલા અનુવાદ કે રૂપાંતર મૂકવામાં આવ્યા છે અને ચોથા ભાગમાં અગાઉ પ્રગટ ન થઈ હોય એવી કવિતાઓ મૂકવામાં આવી છે. પુસ્તકને બને એટલું આકર્ષક કરવા માટે એમાં ઠેર-ઠેર ચિત્રો મૂકવામાં આવ્યાં છે જે ખાસ ઇંગ્લૅન્ડથી આ પુસ્તક માટે મગાવવામાં આવ્યાં હતાં. જમશેદજીની બધી જ કવિતા પારસી ગુજરાતીમાં લખાયેલી છે. તેમણે પરંપરાગત રીતે પંક્તિના અંતે પ્રાસ મેળવવાનો આગ્રહ રાખ્યો નથી પણ અંગ્રેજીમાં જેને રનઑન લાઇન કહે છે એ રીતે કાવ્યોની રચના કરી છે. પારસી ગુજરાતી કવિતામાં આ રીતે કાવ્યરચના કરનાર જમશેદજી કદાચ પહેલા જ છે.  
અલબત્ત, આ કાવ્યો વાંચતી વખતે આજે આપણને સંતોષ થાય એવાં કાવ્યો બહુ ઓછાં મળે છે પણ એ હકીકત ધ્યાનમાં રાખવી જોઈએ કે હજી તો જેને જુવાનીની મૂછનો દોરો માંડ ફૂટ્યો છે તેવા એક પારસી યુવાને પોતાના કવિતા માટેના પ્રેમથી પ્રેરાઈને આ રચનાઓ કરી છે. આ સંગ્રહમાંનાં કાવ્યો કાવ્યની દૃષ્ટિએ ઉત્તમ છે એવો નથી તેમનો દાવો કે નથી પુસ્તકના સંપાદકનો દાવો. જમશેદજીની કવિતાનો અંદાજ મેળવવા તેમના માહરી માશુક નામના કાવ્યની થોડી પંક્તિઓ જોઈએ. 
અંધારી રાતે હું ઝબકી ઊઠું છ,
વિચાર તાહારો કરવા, ઓ માશુક માહરી!
પવન જ્યારે ધીમેથી બારીની માંહે
સરકતો હોય છ, ને તારાઓ બાહર,
ગુલમહોરનાં ઝાડોમાં ધુજતા દિસે છ 
મલસકું થતાં હું આશાની માંહે,
મેલાપ તાહરો કરવા, ઓ માશુક માહરી!
બારીથી સામેનાં ઝાડોમાં જોઊં છ,
કે તેઓની ડાહલોમાં તાહરો આકાર,
ઘાસોમાં સરકતો આવે છ કે નહિ
(ભાષા-જોડણી મૂળ પ્રમાણે)
માહરી મજેહ નામના લાંબા કાવ્યમાં જમશેદજીએ આ બે પંક્તિઓ લખી છે :
કવિતા લખવી, ને ચાહવાનું સુખ,
એ બે મળ્યાં મહને, ત્યાં બીજી શી ભૂખ?
કવિતા લખવી એ જ જમશેદજીને મન મોટી વાત હતી.
કવિતા લખવાની સાથોસાથ સ્કૂલના અભ્યાસકાળથી જ જમશેદજીને કહેવતો એકઠી કરવાનો શોખ લાગ્યો હતો. આ રીતે તેમણે એકઠી કરેલી ૧૦ હજાર જેટલી કહેવતો ‘કહેવતમાળા’ એવા નામ સાથે વિદ્યામિત્ર સામયિકમાં હપ્તાવાર પ્રગટ થઈ હતી. જમશેદજીએ એ બધી કહેવતોને અકારાદિ ક્રમે ગોઠવી હતી. તેમના અવસાન સુધીમાં ‘ફ’ અક્ષર સુધીની કહેવતો વિદ્યામિત્રમાં છપાઈ હતી. તેમના અવસાન પછી ૧૯૦૩માં બે ભાગમાં કહેવતમાળા પુસ્તક પ્રગટ થયું હતું. જમશેદજીના મરણ પછી તેમના નિકટના મિત્ર જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ આ બન્ને પુસ્તકોને પ્રગટ કરવા માટે ઘણી મહેનત કરી હતી. બન્ને પુસ્તકો સાથે સંપાદક તરીકે તેમનું નામ જોડાયું છે. 
જમશેદજીનાં બે પુસ્તકોમાંથી કહેવતમાળા પરિશ્રમ અને અભ્યાસને કારણે તેમ જ એના વ્યાપ અને વિસ્તારને કારણે પણ વધુ ધ્યાનપાત્ર બને એમ છે. ગુજરાતીની લગભગ ૧૨ હજાર જેટલી કહેવતો અહીં અકારાદિ ક્રમે ગોઠવીને તેમણે રજૂ કરી છે. આટલી મોટી સંખ્યામાં ગુજરાતી કહેવતો આ પહેલી વાર અહીં સંગ્રહાઈ છે. પણ જમશેદજી એટલેથી અટક્યા નથી. ગુજરાતી કહેવતને સમાંતર એવી બીજી કહેવત જ્યાંથી મળી ત્યાંથી તેમણે સાથોસાથ રજૂ કરી છે. આ માટે તેમણે બે-પાંચ જાણીતી ભાષાઓ સુધી જ નજર દોડાવી નથી. ભારતની સંસ્કૃત, હિન્દી, મરાઠી, કાશ્મીરી અને તેલુગુ જેવી ભાષા ઉપરાંત અંગ્રેજી, ફ્રેન્ચ, જર્મન, ઇટાલિયન, ડૅનિશ, ફારસી વગેરે ભાષાઓની કહેવતો પણ અહીં સમાવાઈ છે. અને આપણે યાદ રાખવું જોઈએ કે ગૂગલ દેવની કૃપા આપણા પર ઊતરી એ પહેલાં તેમણે આવું ગંજાવર કામ એકલે હાથે કર્યું હતું. જમશેદજીના અવસાન પછી તેમના અધૂરા રહેલા કાર્યને પૂરું કરી પ્રગટ કરવામાં જીજીભાઈ પેસ્તનજી મિસ્ત્રીએ ઘણી મહેનત કરી હતી એટલે આ પુસ્તક જે રૂપે આપણી સામે છે એ રૂપ એને આપવામાં જીજીભાઈનો ફાળો પણ નાનોસૂનો નહીં જ હોય. પણ એટલું તો જરૂર કહી શકાય કે ગુજરાતી કહેવતોના દસ્તાવેજીકરણનો આ એક અત્યંત સમર્થ પ્રયત્ન છે. 
અલબત્ત, જમશેદજીનું પુસ્તક પ્રગટ થયું એ પહેલાં ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતી કહેવતો વિશેનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયાં હતાં. આથી કહેવતો વિશેનાં પુસ્તકોની એક લાંબી પરંપરાનો વારસો જમશેદજીને મળ્યો અને વીસમી સદીની શરૂઆતમાં ૧૯૦૩માં જમશેદજીનું પુસ્તક આપણને મળ્યું. એ પછી આજ સુધીમાં કહેવતો વિશેનાં બીજાં કેટલાંક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાંનાં ઘણાંએ સીધી કે આડકતરી રીતે જમશેદજીના પુસ્તકની મદદ લીધી છે. કેટલાકે ઋણસ્વીકાર સાથે તો કેટલાકે એવું સૌજન્ય દાખવ્યા વગર પણ. 
જમશેદજીનાં લગ્ન સર દીનશાહજી માણેકજી પેટિટ બૅરોનેટનાં બેટી બાઈ હીરાબાઈ જોડે થયાં હતાં. તેમને સંતાન નહોતું. ૧૮૮૭થી જમશેદજીની તબિયત લથડવા માંડી હતી અને ૧૮/૧૯ માર્ચ, ૧૮૮૮ની પાછલી રાતે લગભગ દોઢ વાગ્યે તેમનું અવસાન થયું. છેક ૧૮૫૬માં એલ્ફિન્સ્ટન કૉલેજના કેટલાક વિદ્યાર્થીઓએ પોતાના ઉપયોગ માટે કોટ વિસ્તારમાં એક નાનકડી લાઇબ્રેરી ઊભી કરી હતી. એ વખતે એ ‘ફોર્ટ ઇમ્પ્રૂવમેન્ટ લાઇબ્રેરી’ તરીકે ઓળખાતી હતી. જમશેદજી આ લાઇબ્રેરીના લાઇફ મેમ્બર હતા એટલું જ નહીં, એના સંચાલનમાં પણ રસ લેતા. તેમના અવસાન પછી નસરવાનજી પેટિટે પચીસ હજાર રૂપિયાનું દાન આપતાં ફરી એક વાર એનું નામ બદલાયું : જે. એન. પેટિટ ઇન્સ્ટિટ્યૂટ ઍન્ડ લાઇબ્રેરી. એ વખતે ચર્ચગેટ સ્ટ્રીટ પરના એક મકાનમાં ભાડાની જગ્યામાં એ ચાલતી હતી. જમશેદજીનાં મમ્મા દીનબાઈએ અઢી લાખ રૂપિયાનું માતબર દાન આપતાં દાદાભાઈ નવરોજી રોડ પરની હાલની જગ્યાએ લાઇબ્રેરીનું પોતીકું મકાન બંધાયું. ૧૮૯૮ના મે મહિનાની પહેલી તારીખે એનું ઉદ્ઘાટન થયું. ગોથિક રિવાઇવલ સ્ટાઇલમાં બંધાયેલું એનું મકાન કોટ વિસ્તારમાંનાં મકાનોમાં ધ્યાન ખેંચે એવું છે. અલબત્ત, વખત જતાં એની હાલત બગડતી ચાલી હતી પણ ૨૦૧૪-૨૦૧૫માં નામાંકિત કન્ઝર્વેશન આર્કિટેક્ટ વિકાસ દિલાવરી અને તેમની ટીમે મકાનનો જીર્ણોદ્ધાર કર્યો હતો. નવાવતાર પામેલા મકાનને યુનેસ્કો તરફથી અવૉર્ડ પણ મળ્યો હતો. આ લાઇબ્રેરીમાંનાં દોઢ લાખ જેટલાં પુસ્તકોમાં ૧૯મી સદીનાં ઘણાં દુર્લભ પુસ્તકો અને સામયિકોનો સમાવેશ થાય છે.  
માત્ર ૩૨ વર્ષની જિંદગી. ધન-વૈભવનો પાર નહીં. સાધન-સગવડ માગ્યા પહેલાં જ મળે. પણ એ બધાંનો ઉપયોગ જમશેદજીએ મોજમજા માટે ન કર્યો; કવિતા અને કહેવતો માટેના પોતાના પ્રેમને, લગાવને પોષવા માટે કર્યો.

06 August, 2022 12:36 PM IST | Mumbai | Deepak Mehta

અન્ય લેખો

રાજ કપૂર જાણે ચાહકોને કહેતા હતા, ‘જાઇએગા નહીં, મેરા તમાશા અભી ખત્મ નહીં હુઆ’

પ્રેક્ષકોની માગને વશ થવાને બદલે તેમને ‘ઇન્સપાયર’ કરે એવી ફિલ્મો બનાવવાની હથોટી રાજ કપૂર પાસે હતી. એમ છતાં ‘મેરા નામ જોકર’ નિષ્ફળ ગઈ એનું બીજું એક મોટું કારણ હતું પ્રેક્ષકો. 

06 August, 2022 12:43 IST | Mumbai | Rajani Mehta

‘મેરા નામ જોકર’ની કારમી નિષ્ફળતાને કારણે રાજ કપૂરનાં વાણી અને વર્તનમાં કડવાશ આવી

‘મેરા નામ જોકર’ની નિષ્ફળતા પચાવવી રાજ કપૂર માટે મુશ્કેલ હતું. તેઓ પરિવાર, સાથીઓ, ટેક્નિશ્યન્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ દરેકને પોતાના વ્યવહારથી એવો એહસાસ કરાવતા કે ફિલ્મની નિષ્ફળતા માટે તમે પણ એટલા જ જવાબદાર છો.

30 July, 2022 08:17 IST | Mumbai | Rajani Mehta

નામ ગુમ જાએગા, ચેહરા યે બદલ જાએગા, મેરી આવાઝ હી પેહચાન હૈ, ગર યાદ રહે

૨૦૦૭ની ૩ મેની સાંજે અમે સંગીતકાર આર. ડી. બર્મનની યાદમાં એક કાર્યક્રમ ‘યે શામ મસ્તાની’નું આયોજન કર્યું ત્યારે મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવા હું તેમના અંધેરીના નિવાસસ્થાને ગયો

24 July, 2022 07:21 IST | Mumbai | Rajani Mehta

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK