સાઇકલ માટેનો આવો લગાવ ક્યાંય ક્યારેય નહીં જોયો હોય
ડૉ. કૃષ્ણકાંત ગુજર
૮૮ વરસની ઉંમરે પણ દરરોજના સાતથી દસ કિલોમીટર સાઇકલ ચલાવી લેતા ડૉ. કૃષ્ણકાંત ગુજરની ની-રિપ્લેસમેન્ટ સર્જરી થઈ ચૂકી છે. ઍન્જિયોપ્લાસ્ટી પછી પણ તેમના સાઇક્લિંગ રૂટીનમાં કોઈ બ્રેક નથી લાગી. કોઈ તેમને અટકાવવાની કોશિશ કરે તો સાઇક્લિંગની બાબતમાં તેઓ કોઈનું કંઈ નથી સાંભળતા
‘હું અને મારી સાઇકલ, જાણે કે અમારી વચ્ચે જનમોજનમનો નાતો છે. મારી પત્ની, પરિવાર પ્રત્યે મને જેટલો લગાવ છે એટલો જ મારી સાઇકલ પ્રત્યે છે. અને શ્વાસ મારા માટે જેટલા જરૂરી છે એટલું જ જરૂરી છે સાઇક્લિંગ’
ADVERTISEMENT
૧૯૪૯થી સાઇક્લિંગ કરતા અને એ પછી ક્યારેય એમાંથી બ્રેક નહીં લેનારા ડૉ. કૃષ્ણકાંત ગુજરના આ શબ્દો છે. બારામતીમાં જન્મેલા ૮૮ વર્ષના આ અંકલ ‘સાઇકલ’ બોલે અને તેમનો ઉત્સાહ આકાશને આંબવા માંડે છે. આજે પણ દરરોજ સવારે સાડાઆઠ વાગ્યે સાઇકલ લઈને રાઉન્ડ મારવા માટે તેઓ નીકળી પડે છે. એવું નથી કે ઉંમરની કોઈ અસર તેમના શરીર પર નથી પડી, એવું નથી કે તેમને કોઈ બીમારી નથી; પણ એકેય શારીરિક પડકારોને તેમણે તેમના સાઇક્લિંગ પર હાવી નથી થવા દીધા. બન્ને ઘૂંટણોમાં ની-રિપ્લેસમેન્ટની સર્જરી થઈ છે. ઍન્જિયોપ્લાસ્ટી પણ થઈ છે અને છતાં સાઇક્લિંગ નિયમિત ચાલુ છે. સાઇકલ પ્રત્યેનો આવો શોખ ક્યાંથી આવ્યો અને તેમના જીવનમાં સાઇક્લિંગ કઈ રીતે ઉમેરાયેલું છે એ વિષય પર ચર્ચા કરીએ.
ઉન દિનોં કી બાત
આજકાલની નહીં પણ ૭૬ વર્ષ પહેલાંની વાત છે. કૃષ્ણકાંતભાઈ વાતની શરૂઆત કરતાં કહે છે, ‘મારો જન્મ બારામતીમાં અને અભ્યાસ પુણેમાં થયો છે. હું લગભગ આઠ વર્ષનો હતો ત્યારે જાતે જ સાઇક્લિંગ કરતાં શીખ્યો. દસ વર્ષની ઉંમરે મને બારામતીમાં એક મેડલ મળ્યો હતો સાઇક્લિંગ માટે. એ પછી અત્યાર સુધીમાં સાઇક્લિંગની અનેક કૉમ્પિટિશનમાં ભાગ લીધો છે. એકસાથે સો કિલોમીટર સાઇકલ ચલાવવાનો રેકૉર્ડ પણ બનાવ્યો છે. જ્યારે આજ જેટલાં સાઇક્લિંગ ગ્રુપ નહોતાં ત્યારથી હું ઍક્ટિવ છું અને આજે આટલો અડીખમ છું તો એ પણ માત્ર સાઇક્લિંગને કારણે.’ સાદું જીવન, સાદું ભોજન અને હેલ્થ માટે સાઇક્લિંગના રૂટીનને કૃષ્ણકાંતભાઈના ડૉક્ટર પર બદલી નથી શક્યા.
જુનૂન છે
લગભગ ૫૫ વર્ષ સુધી ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ કરનારા ડૉ. કૃષ્ણકાંતભાઈ અને તેમનાં પત્ની મમતાબહેન છેલ્લાં પાંચ વર્ષથી થોડો સમય સિલવાસા દીકરા પાસે અને થોડો સમય ઘાટકોપર દીકરી રાખી પાસે રહે છે. મમતાબહેન કહે છે, ‘તેમનામાં સાઇક્લિંગની એનર્જી ક્યાંથી આવે છે એ અમને પણ નથી સમજાતું. ૨૦૧૨માં જ્યારે તેમનાં ઘૂંટણોનું ઑપરેશન થયું પછી અમને હતું કે હવે તેઓ સાઇક્લિંગ બંધ કરશે, પણ સાઇક્લિંગ કરવાની તેમની ઇચ્છા એવી જોરદાર હતી કે તેમની રિકવરી પણ ડૉક્ટરોએ ધાર્યા કરતાં ફાસ્ટ થઈ ગઈ. તેમનાં જેટલાં પણ સાઇક્લિંગ ગ્રુપ્સ સિલવાસામાં છે એ બધાંમાં તેઓ સિનિયર મોસ્ટ રાઇડર છે. તેમને ખૂબ સન્માન પણ મળતું રહે છે. ઘણી વાર ચાલતી વખતે તેમનું બૅલૅન્સ ચુકાઈ જાય પણ સાઇક્લિંગમાં વાંધો નથી આવતો.’
રૂટીન પણ જીવંત
દરરોજ સવારે સાત વાગ્યે ઊઠવાનું. ચા-નાસ્તો કરીને આઠેક વાગ્યે સાઇક્લિંગ માટે જવાનું. પાછા આવીને રેસ્ટ કરવાનો. કૃષ્ણકાંતભાઈની દીકરી રાખી મહેતા કહે છે, ‘પપ્પાનો વિલપાવર અતિશય સ્ટ્રૉન્ગ છે. તેમને કોઈ પણ કામ કરવાનું પૅશન જે સ્તરનું હોય છે એ જોઈને યુવાનો પણ ઝાંખા પડે. ઇન્જરી થઈ હોય તો પણ તેમની ગાડીને બ્રેક નથી લાગતી. તમે માનશો નહીં, પણ જ્યારે તેઓ ઘરે હોય ત્યારે અમારા બધામાં પણ જુદા સ્તરની એનર્જી હોય છે. તેમની લાઇફનો એક જ ફન્ડા છે કે ક્યારેય અટકવું નહીં, ક્યારેય થાકવું નહીં અને ક્યારેય સંજોગો સામે હથિયારો મૂકવાં નહીં. કદાચ આ જ કારણ છે કે તેમના તેમની ઉંમર કરતાં તેમનાથી નાની ઉંમરના મિત્રો વધારે છે.’


