પર્વત ચડવા, સાઇકલ ફેરવવી, કેલેસ્થેનિક્સ એટલે કે પી.ટી.ના દાવ કરવા વગેરે પ્રકારની કસરતોને કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે.
પ્રતીકાત્મક તસવીર
એવા ઘણા લોકો છે જેમણે જીવનમાં એક્સરસાઇઝ કરી જ નથી. તેઓ પણ વૃદ્ધ થાય ત્યારે એક્સરસાઇઝ શરૂ કરે છે અને જો ન કરતા હોય તો કરવી જ જોઈએ કારણ કે જાગ્યા ત્યારથી સવાર સમજીને ચાલુ કરેલી એક્સરસાઇઝ વૃદ્ધાવસ્થામાં ઘણો ફાયદો આપે છે. એક્સરસાઇઝની શરૂઆત કાર્ડિયો એક્સરસાઇઝથી કરી શકાય અને પછી ધીમે-ધીમે આગળ વધી શકાય. જો તમને બીજી કોઈ જ એક્સરસાઇઝમાં રસ ન હોય તો પણ કાર્ડિયો તો કરવી જ. વૉકિંગ, જૉગિંગ, રનિંગ, સ્વિમિંગ, સ્કિપિંગ એટલે કે દોરડા કૂદવા, પગથિયાં ચડવાં, પર્વત ચડવા, સાઇકલ ફેરવવી, કેલેસ્થેનિક્સ એટલે કે પી.ટી.ના દાવ કરવા વગેરે પ્રકારની કસરતોને કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે.
કોઈ પણ પ્રકારની એક્સરસાઇઝના પોતાના માનસિક ફાયદાઓ તો છે જ પરંતુ કાર્ડિયો એક્સરસાઇઝના ફાયદાઓ ખાસ કરીને વૃદ્ધાવસ્થામાં વધુ થાય છે. મારો અનુભવ કહે છે જે વ્યક્તિએ યુવાવસ્થાથી કાર્ડિયો એક્સરસાઇઝની સાથે-સાથે ફ્રી-હૅન્ડ એક્સરસાઇઝ જેમ કે યોગ કે ફંક્શનલ ટ્રેઇનિંગ કરી હોય તેમને વૃદ્ધાવસ્થામાં પ્રૉબ્લેમ આવતા નથી. ખાસ કરીને મૂવમેન્ટ રિલેટેડ પ્રૉબ્લેમ આવતા નથી. ઘણા લોકો ૮૦-૯૦ વર્ષે પણ પોતાનાં બધાં કામ ખુદ કરી શકે છે અને તેમને કોઈના પર નિર્ભર થઈને જીવવું પડતું નથી. જે એક્સરસાઇઝ થકી ધબકારા વધી જાય જેને લીધે લોહીનું પરિભ્રમણ સારું થાય અને શરીરમાં શ્વસનની પ્રક્રિયા પ્રબળ બને એ એક્સરસાઇઝને જ કાર્ડિયો એક્સરસાઇઝ કહે છે. એનો બેઝિક સિદ્ધાંત જ હાર્ટ અને ફેફસાં સાથે જોડાયેલો છે. આ એક્સરસાઇઝ હાર્ટ અને ફેફસાંની કાર્યક્ષમતા વધારે છે, જે હેલ્ધી જીવન માટે ખૂબ જ જરૂરી છે.એનાથી મસલ્સની ગ્લુકોઝ વાપરવાની ક્ષમતા વધે છે જેથી એ ડાયાબિટીઝના દરદીઓ માટે ખૂબ જ ઉપયોગી છે એનાથી તેમનું શુગર લેવલ એકદમથી વધી કે ઘટી જતું નથી.
ADVERTISEMENT
મોટા ભાગે કાર્ડિયો એક્સરસાઇઝની શરૂઆત ૩૦ મિનિટથી લઈને ૯૦ મિનિટ સુધી વધારી શકાય છે જે અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ અને વધુમાં વધુ ૫ દિવસ કરી શકાય. એ કસરત કુદરતના ખોળે કરવામાં આવે ત્યારે એ વધુ ઉપયોગી છે એટલે કે ટ્રેડમિલ પર દોડવા કરતાં બીચ પર કે ગાર્ડનમાં દોડવું વધુ સારું છે. કાર્ડિયો એક્સરસાઇઝ કરતી વખતે ધબકારાનું ખાસ ધ્યાન રાખવું. ધીમે-ધીમે એની સ્પીડ વધે અને ધીમે-ધીમે એને કાબૂમાં લાવવા જરૂરી છે નહીંતર એકદમ હાર્ટ બંધ થઈ જાય એવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે.
- મિકી મહેતા
(મિકી મહેતા સેલિબ્રિટી હોલિસ્ટિક હેલ્થ ગુરુ છે.)

