દરરોજના ત્રણ સામાયિક અને બાર નવકારવાળી ગણતાં દાદીએ સિત્તેર વર્ષથી ભગવાનનાં દર્શન કર્યા વિના મોઢામાં પાણી નથી નાખ્યું
ગયા અઠવાડિયે ત્રીજી જુને આસબાઈ લીલાધર દેઢિયાએ ૧૦૬મા વર્ષમાં પ્રવેશ કર્યો એ સમયની તસવીર.
વડાલામાં રહેતાં આસબાઈ લીલાધર દેઢિયાને જે પણ મળે તેમને તેઓ અચૂક કહે કે મને ૧૦૦ ઉપર ૫ વર્ષ થયાં. જૂની તમામ વાતો કંઠસ્થ અને આજેય પોતાનાં કામ જાતે કરતાં આ બાના બત્રીસમાંથી એકત્રીસ દાંત સલામત છે. દરરોજના ત્રણ સામાયિક અને બાર નવકારવાળી ગણતાં દાદીએ સિત્તેર વર્ષથી ભગવાનનાં દર્શન કર્યા વિના મોઢામાં પાણી નથી નાખ્યું
મોટા ભાગે જ્યારે કોઈ કહે કે, ‘અરે તમને જ યાદ કરતા હતા, તમે ૧૦૦ વર્ષના થશો’ ત્યારે મોટા ભાગના લોકો એને અભિશાપરૂપે જોતા હોય છે. મોટા ભાગના લોકોને ૧૦૦ વર્ષ જીવવાની કોઈ ઝંખના નથી હોતી. જોકે આ દાદી જેવાં ૧૦૦ વર્ષ જીવવા મળે તો તમે પણ કહેશો વાય નૉટ. વાત કરી રહ્યા છીએ વડાલામાં રહેતાં અને હમણાં જ ૧૦૬મા વર્ષમાં પ્રવેશ કરનારાં આસબાઈ લીલાધર દેઢિયાની. આ બાનો દબદબો જુદો છે. આજે પણ તેમના અવાજમાં પહાડીપણું અકબંધ છે પરંતુ સાથે જ વાણીની સૌમ્યતા દિલ જીતનારી છે. નિયમનાં પાક્કાં અને ધર્મધ્યાનમાં જ લીન દાદી ખાવાનાં શોખીન છે. પાણીપૂરી અને આઇસક્રીમ મોટા ભાગના જુવાનિયાઓની જેમ આ દાદીની પણ વીકનેસ છે. વડાલામાં મોજથી રહેતાં આ દાદીની જર્ની જેટલી ઇન્સ્પાયરિંગ છે એટલી જ મજેદાર તેમની વાતો છે. ચાલો ઐતિહાસિક પળોનાં સાક્ષી રહી ચૂકેલાં આ પરપરદાદી સાથે ગુફ્તગૂ કરીએ.
ADVERTISEMENT
પાંચ પેઢી સાથે રહેતાં આસબાઈનો લગભગ પાંત્રીસ જણનો પરિવાર છે.
સંઘર્ષથી ડર્યાં નહીં
કચ્છના સણોસરા નામના નાનકડા ગામમાં ૧૯૧૯ની ત્રીજી જૂને જન્મેલાં આસબાઈનાં ૧૩ વર્ષની ઉંમરે તો લગ્ન થઈ ગયાં હતાં. લગ્ન પછી પોતે કચ્છમાં રહેતાં અને પતિ લીલાધરભાઈ મુંબઈમાં ક્રૉફર્ડ માર્કેટમાં એક કરિયાણાની દુકાનમાં કામ કરતા. લગ્નનાં ૧૪ વર્ષે બાળકો થયાં. હેમલતા, હેમચંદ અને ચંદ્રકાંત એમ ત્રણ બાળકો. સૌથી મોટી દીકરી આઠ વર્ષની હતી ત્યારે ટ્રેન-ઍક્સિડન્ટમાં અચાનક પતિનો દેહાંત થયો. ત્યારથી બાળકોને મોટાં કરવાથી લઈને ઘરની જવાબદારી સુપેરે નિભાવનારાં આસબાઈનાં અત્યારે બે બાળકો હયાત નથી. અત્યારે વડાલામાં બા સાથે રહેતો તેમનો પૌત્ર નિમેશ કહે છે, ‘સંઘર્ષ વચ્ચે પણ સમતાભાવ એ તમે બાની ખાસિયત કહી શકો. ધર્મમાં એટલાં રત રહેતાં કે ઘરનાં કામ વચ્ચે પણ ધાર્મિક ક્રિયાઓમાં તેમણે બ્રેક નથી પાડ્યો. ૨૦૦૦ અને ૨૦૦૧માં એક જ વર્ષના ગૅપમાં મારાં મમ્મી-પપ્પા ગુજરી ગયાં. ત્યારે મારી ઉંમર સોળ વર્ષની હતી. મારાં બા એ સમયે મારો મજબૂત સહારો બન્યાં છે. મારાં દાદી તરીકે નહીં પણ મિત્ર તરીકે પણ ઘણી વાર હું જ્યારે જીવનના સંઘર્ષોમાં હોઉં ત્યારે બા સધિયારો આપતાં. દિશા દેખાડતાં. બહુ ભણેલાં નથી પણ ભરપૂર ગણેલાં છે એ તમે આજે પણ બાની વાતો સાંભળો તો સમજી જાઓ.’
યુવાનીના દિવસોની પતિદેવ અને ત્રણ બાળકો સાથેની તસવીરમાં બા.
પાણીપૂરી અને કુલ્ફી ખાવાનાં શોખીન છે આ બા.
નિયમબદ્ધ જીવન
છેલ્લાં ૭૦ વર્ષની જૈન પરંપરા મુજબ ઉકાળેલું પાણી જ પીતાં બા દેરાસર જઈને ભગવાનનાં દર્શન કર્યા વિના મોંમાં અન્નનો દાણો ન નાખવાનો નિયમ આજે પણ પાળે છે. ત્રણ મહિના પહેલાં સુધી તેઓ લાકડી વિના ચાલતાં. તેમની દોહિત્રી સીમા ગાલા કહે છે, ‘બાનું જીવન એકદમ નિયમિત છે. સવારે ઊઠીને પ્રતિક્રમણ કરીને દર્શન કરવા જાય. દર્શન કર્યા પછી નાસ્તો કરે. રૂટીન પતાવીને ત્રણ કલાક સામાયિકમાં બેસે. દરરોજથી દસથી પંદર નવકારવાળી ગણે. પહેલાં તો રોજની પચાસ નવકારવાળી ગણતાં. આજે પણ લિમિટેડ આહાર લેવાનો અને સમયસર આહાર લેવાનો નિયમ પાળે છે. તેમને કોઈ વસ્તુની ઝંખના નથી હોતી પણ કોઈની ડિમાન્ડ આવે તો એ પૂરી કરવાના પૂરા પ્રયાસ કરે. આજે પણ, હા આજે ૧૦૫ વર્ષની ઉંમરે પણ દરવાજાની બેલ વાગે તો બા પોતે ઊભાં થઈને દરવાજો ખોલે. ઘરનાં કામ તેમને કરવા માટે અમે જ નથી આપતાં પણ બાને નવરાં બેસી રહેવું ન ગમે. માળા તેમના હાથમાં જ હોય. પોતાના જીવનમાં તેમણે બે વખત વર્ષીતપની તપસ્યા કરી છે. અત્યારે અમારો ૩૫ લોકોનો પરિવાર છે અને બા બધાને બરાબર ઓળખે છે. ઇન ફૅક્ટ તેમને જૂનામાં જૂની વાતો યાદ છે. કાને સાંભળે છે ઓછું પણ એ સિવાય શરીર નીરોગી છે. નિયમિત હોવા છતાં એ વાતનો ભાર તેમણે બીજા પર નથી નાખ્યો. તેમનો એવો કોઈ આગ્રહ નથી હોતો કે દરેક વસ્તુ તેમના અનુસાર જ હોવી જોઈએ. તેમની જેટલાં તો અમે પણ ફ્લેક્સિબલ નથી. એવું ઘણી વાર બન્યું છે કે અમે ધીરજ ખોઈ દઈએ પણ બા રાહ જુએ. તેમને થાક કે કંટાળો ન આવે. કદાચ આવો લેટ ગોનો ગુણ બહુ ઓછા લોકોમાં હોય છે. ખરેખર અમે પોતે પણ બા પાસેથી ખૂબ શીખ્યાં છીએ અને હજી પણ શીખી રહ્યાં છીએ.’
બાની સૌથી મોટી ખાસિયત એટલે તેમના દાંત. હસતાં-હસતાં તેમનો પૌત્ર નિમેશ કહે છે, ‘અરે અમસ્તાં જ જિજ્ઞાસાવશ હું બાને એક ડેન્ટિસ્ટ મિત્ર પાસે લઈ ગયો. ૧૦૫ વર્ષની ઉંમરે ૩૨માંથી ૩૧ દાંત સલામત હોય એવો તેણે આ પહેલો કેસ જોયો હતો. દેખીતી રીતે તેણે બાના દાંત ચેક કર્યા કે ખરેખર અસલી જ છેને અને તે દંગ હતો. દાંત હોવાને કારણે કડકમાં કડક વસ્તુ પણ બા મસ્તીથી ખાઈ શકે છે. પાણીપૂરી તેમની ફેવરિટ છે. આમ ઉકાળેલું પાણી વાપરતાં બા માત્ર આઇસક્રીમ ખાય છે. મહિને એકાદ વાર કુલ્ફી લઈને જઈએ તો બાને જલસો પડી જાય.’
બર્થ-ડે સાથે ઊજવીએ
દર વર્ષે ૩૫ જણનું કુટુંબ બાના બર્થ-ડે પર ભેગું થાય. છેલ્લાં છ વર્ષથી ખાસ કેક બનાવીને બાનો જન્મદિવસ એક મહોત્સવની જેમ આ પરિવાર સેલિબ્રેટ કરે છે. સીમાબહેન કહે છે, ‘મારો ભાઈ જિતેન નિસર બા માટે ખાસ કસ્ટમાઇઝ્ડ કેક બનાવીને લાવે છે. બાને પણ કેક ખૂબ ભાવે. જોકે છેલ્લા ત્રણ મહિનાથી તેઓ કહે છે કે હવે બહુ જીવી લીધું, હવે જવું છે. હવે ધીમે-ધીમે શરીરમાં નબળાઈ આવી રહી છે. જોકે એની વચ્ચે પણ એક વાત તેઓ કહે છે કે સેવા કરો તો મેવા મળશે. તેમણે પોતાના જીવનમાં જૈન ધર્મનાં સાધુસાધ્વીની ખૂબ સેવા કરી છે. બીમાર હોય એવા મહાત્માને અનુકૂળ આહાર આપીને, તેમની દરેક ચાકરી કરીને બાએ ખૂબ આશીર્વાદ કમાયા છે. તેમના દીર્ઘાયુનું પણ કદાચ આ જ રહસ્ય છે. તેઓ હંમેશાં પ્રેમ અને સ્નેહની ભાષા સાથે જ બધા સાથે વર્તતાં રહ્યાં છે અને પ્રેમ થકી જ તેમણે લોકોની સેવા કરી છે. તેમણે જીવનમાં ખૂબ સહન કર્યું છે પરંતુ ક્યારેય એની ફરિયાદ તેમના મોઢે નથી આવી. દરેક વાતમાં પૉઝિટિવિટી જોવી એ તેમનો કમાલનો ગુણ છે. કદાચ આ જ કારણ છે કે સો વર્ષે પણ તેમની પાસે બેસો એટલે તમે પૉઝિટિવિટીથી ચાર્જ થઈને ઊભા થાઓ.’

