આપણે ગયા સપ્તાહે અહીં દિલીપકુમારની મીનાકુમારી સાથેની ફિલ્મ ‘કોહિનૂર’ની વાત કરી હતી. એમાં લખ્યું હતું એ પ્રમાણે ‘કોહિનૂર’ કૉમિક દૃશ્યોથી ભરપૂર મારધાડવાળી મસાલા ફિલ્મ હતી. દિલીપકુમારની ઇમેજ ત્યારે ટ્રૅજેડી કિંગની હતી
દિલીપકુમારને એવો અહેસાસ થયો હતો કે ‘દેવદાસ’ની લોકપ્રિયતા કદાચ પ્રેમમાં નાસીપાસ યુવાનોમાં શરાબખોરીને પ્રોત્સાહન આપશે.
શરૂઆતમાં મને એ વાતની તકલીફ થતી હતી કે હું એક એવું કિરદાર ભજવી રહ્યો છું જેની ભીતર ગહેરી પીડા અને ઉદાસી છે અને કદાચ અધકચરા યુવાનોમાં એવું માનવાની ગેરસમજ થાય કે પ્રેમની નિરાશામાંથી છૂટવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શરાબ છે. મેં જેમ-જેમ એ વિષય પર વિચાર કર્યો તો મને લાગ્યું કે હું જો પૂરતા વિવેક સાથે આ પાત્ર ભજવું તો એક યાદગાર ફિલ્મ બને એમ છે: દિલીપકુમાર
આપણે ગયા સપ્તાહે અહીં દિલીપકુમારની મીનાકુમારી સાથેની ફિલ્મ ‘કોહિનૂર’ની વાત કરી હતી. એમાં લખ્યું હતું એ પ્રમાણે ‘કોહિનૂર’ કૉમિક દૃશ્યોથી ભરપૂર મારધાડવાળી મસાલા ફિલ્મ હતી. દિલીપકુમારની ઇમેજ ત્યારે ટ્રૅજેડી કિંગની હતી. કરુણ પાત્રો ભજવીને તેમના માનસિક સ્વાસ્થ્ય પર એવી અસર થઈ હતી કે સાઇકિયાટ્રિસ્ટની સલાહથી તેમણે હળવી અને મનોરંજક ફિલ્મો કરવાનું શરૂ કર્યું હતું. ‘કોહિનૂર’ એ દિશામાં પહેલો પ્રયાસ હતો.
ADVERTISEMENT
દિલીપકુમારે કહ્યું હતું કે બીજા ઍક્ટરો કારકિર્દીના અંત ભાગે ટ્રૅજિક ફિલ્મો કરતા હોય છે, પણ મારા કિસ્સામાં હું શરૂઆતથી જ એવી ફિલ્મો કરતો થયો હતો. ટ્રૅજિક ફિલ્મોના એ દૌરની સૌથી મહત્ત્વની અને યાદગાર ફિલ્મ ૧૯૫૫માં આવેલી ‘દેવદાસ.’ આ ફિલ્મ દિલીપકુમારની ધમાકેદાર કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ તો છે જ ઉપરાંત સિનેમાની દુનિયામાં પણ એનો દબદબો અસાધારણ છે.
‘દેવદાસ’ વ્યક્તિનું નામ નથી, એ એક માનસિક પરિસ્થિતિનું રૂપક છે. બંગાળીબાબુ શરતચંદ્ર ચટ્ટોપાધ્યાય ૧૭ વર્ષના હતા ત્યારે તેમણે પ્રેમમાં નાસીપાસ થઈને તવાયફના કોઠા પર શરાબમાં ખુવાર થતા બંગાળી બ્રાહ્મણ યુવાન દેવદાસની નવલકથા લખી હતી. શરતબાબુને તેમની નવલકથા બહુ પસંદ પડી નહોતી. તેમને લાગતું હતું કે તેમની કહાનીમાં પરિપક્વતા નથી. એ નાદાની જ એની તાકાત બની ગઈ.
૨૧મી સદીના ભારતમાં આવો કમજોર અને આત્મઘાતી હીરો હાસ્યાસ્પદ લાગે, પણ એક જમાનામાં એનો એટલો પ્રભાવ હતો કે અલગ-અલગ ભાષામાં એના પરથી ૨૦ ફિલ્મો બની છે અને પાંચ ફિલ્મી ગીતોનો એ વિષય બન્યો છે. અસલ જીવનમાં કોઈ પ્રેમી નાસીપાસ રહેતો હોય તો તેને કહેવાતું હતું કે ‘શું દેવદાસ જેવો ફરે છે?’
હિન્દીમાં એના પરથી અત્યાર સુધીમાં ૪ મોટી ફિલ્મો બની છે; ૧૯૩૫માં કે. એલ. સૈગલની ‘દેવદાસ,’ ૧૯૫૫માં દિલીપકુમારની ‘દેવદાસ,’ ૨૦૦૨માં શાહરુખ ખાનની ‘દેવદાસ’ અને ૨૦૦૯માં અભય દેઓલની ‘દેવ ડી.’ એમ તો શક્તિ સામંતે ૧૯૭૧માં રાજેશ ખન્નાની ‘અમર પ્રેમ’ ફિલ્મમાં દેવદાસનું પોતાનું વર્ઝન પેશ કર્યું હતું. એમાંથી દિલીપકુમારની ‘દેવદાસ’ ટ્રૅજિક હીરો માટે ટેક્સ્ટબુક બની ગયો. આ ફિલ્મથી તેમને ટ્રૅજેડી કિંગનો ખિતાબ મળ્યો અને આ ફિલ્મથી જ તેમનું સ્ટારડમ સ્થાપિત થયું.
‘દેવદાસ’ સાથે સિનેમાનો રોમૅન્સ શરૂ થયો ૧૯૨૮માં. એ વર્ષે બંગાળી અભિનેતા-નિર્દેશક નરેશ મિત્રાએ બંગાળીમાં ‘દેવદાસ’ પરથી પહેલી વાર મૂંગી ફિલ્મ બનાવી હતી. ૧૯૩૫ સુધીમાં બોલતી ફિલ્મો આવી ગઈ હતી અને કલકત્તાની ન્યુ થિયેટર કંપનીએ બંગાળી અને હિન્દીમાં બોલાતી ‘દેવદાસ’ બનાવી હતી. આસામમાં ગૌરીપુરાના મહારાજાના દીકરા પ્રમથેશચંદ્ર બરુઆએ બન્ને ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. બંગાળીમાં એ પોતે જ હીરો હતા અને એમાં તવાયફના કોઠા પર હાર્મોનિયમ વગાડતા કુંદન લાલ સૈગલ હિન્દીમાં હીરો બન્યા હતા.
આ ફિલ્મમાં, બિમલ રૉય કૅમેરા અસિસ્ટન્ટ હતા. તેમણે ૧૯૫૩માં ‘દો બિઘા જમીન’ ફિલ્મથી સ્વતંત્ર નિર્માતા-નિર્દેશક તરીકે પદાર્પણ કર્યું હતું. એ પછી તેમણે મધ્યમ કક્ષાની ‘બિરાજ બહૂ’, ‘નૌકરી’ અને ‘બાપ બેટી’ બનાવી. સ્વતંત્ર ફિલ્મસર્જક તરીકે મુંબઈમાં બરાબર જામી ગયેલા બિમલ રૉય ૧૯૫૫માં મોટી તોપ જેવી ‘દેવદાસ’ લઈને આવ્યા. એવું કહેવાય છે કે બિમલ રૉયની ‘દેવદાસ’ શરતચંદ્રની નવલકથાની સૌથી પ્રામાણિક ફિલ્મી કૉપી છે.
બિમલ રૉયની અગાઉની બંગાળી ફિલ્મોના લેખક નબેન્દુ ઘોષે ‘દેવદાસ’ની પટકથા લખી હતી (સંવાદો ઉર્દૂ-હિન્દીના મશહૂર લેખક રાજીન્દર સિંહ બેદીએ લખ્યા હતા). લતા ખુબચંદાની નામની પત્રકાર સાથે એક ઇન્ટરવ્યુમાં ઘોષ કહે છે;
‘અમે બન્ને સાહિત્યના શોખીન હતા. શરતચંદ્રની ‘દેવદાસ’ નવલકથાને લોકોએ પસંદ કરી હતી અને એના પરથી બનેલી ફિલ્મો સારી ચાલી હતી. બિમલદા સૈગલની ફિલ્મમાં કૅમરામૅન હતા. સૈગલસા’બ દેખાવડા નહોતા, પણ અવાજના જાદુથી તે ફિલ્મને ખેંચી ગયા. બિમલદાને ત્યાંથી ખંજવાળ ઊપડી હતી. અમે તેને ફરીથી હિન્દીમાં બનાવવાનું નક્કી કર્યું. અમે પી. સી. બરુઆની નકલ કરી નહોતી. અમને લાગ્યું કે શરતચંદ્રની વાર્તાને જ વળગી રહેવું જોઈએ.
બિમલ રૉયે પહેલી જ નક્કી કરી રાખ્યું હતું કે તેમનો દેવદાસ દિલીપકુમાર જ હશે. દિલીપકુમારે ત્યાં સુધીમાં ૨૩ ફિલ્મો કરી હતી અને શહીદ, અંદાઝ, સંગદિલ અને આન જેવી ફિલ્મોથી પોતાનું સ્થાન બનાવ્યું હતું. મુશ્કેલી હિરોઇનોને લઈને થઈ. બિમલ રૉય અને નબેન્દુ ઘોષ પારોની ભૂમિકામાં મીનાકુમારીને અને ચંદ્રમુખીની ભૂમિકામાં નર્ગિસને લેવા માગતા હતા. એમાં પારો તરીકે મીના સેન્ટ પર્સન્ટ ફિટ હતી, પરંતુ તેના પતિ કમાલ અમરોહીએ કંઈક એવી શરતો મૂકી કે બિમલ રૉય સહમત થઈ ન શક્યા. નબેન્દુ ઘોષ કહે છે કે ફિલ્મ કરવા ન મળી એટલે મીના રડી પડી હતી.
નર્ગિસે ચંદ્રમુખીની ભૂમિકા કરવાની ના પાડી દીધી. તેણે કહ્યું કે મને પારો આપો. બિમલ રૉય પારો તરીકે નર્ગિસને જોઈ શકતા નહોતા. એટલે નર્ગિસનું નામ પણ કૅન્સલ થયું. તેમણે બીના રૉયનો સંપર્ક કર્યો, તેણેય ના પાડી. સુરૈયાને પૂછ્યું તો તેણે કહ્યું કે પારોનો રોલ આપો. એ પછી બંગાળી ઍક્ટ્રેસ સુચિત્રા સેનનો વિચાર કરવામાં આવ્યો. તેણે હા પાડી, કારણ કે તેને ‘દેવદાસ’થી હિન્દી ફિલ્મોમાં આવવા મળતું હતું. નબેન્દુ ઘોષ કહે છે કે ‘પાર્વતીની ભૂમિકા માટે સુચિત્રાનો ચહેરો બહુ સૉફિસ્ટિકેટેડ અને સભ્ય હતો. એટલે મને લાગે છે કે મીનાકુમારી એકદમ અનુકૂળ હતી, તેનામાં મધ્યમ વર્ગની અર્ધશિક્ષિત છોકરીની સાદગી હતી.’
ઘોષ એવું પણ કહે છે કે ચંદ્રમુખીની ભૂમિકામાં વૈજયંતીમાલાની પસંદગી પણ મંજૂર નહોતી, પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો; કારણ કે ચંદ્રમુખીની ભૂમિકા કરવા કોઈ તૈયાર નહોતું. બિમલ રૉયનું યુનિટ તૈયાર હતું અને વિલંબ પાલવે તેમ નહોતો. ઇન ફૅક્ટ, વૈજયંતીમાલા રણમાં મીઠી વીરડી સમાન હતી. તેણે સામે ચાલીને બિમલ રૉયને કહ્યું હતું કે તમને જો ઠીક લાગતું હોય તો હું એ ભૂમિકા કરવા તૈયાર છું.
દિલીપકુમાર અને બિમલ રૉય એકબીજાને સારી રીતે જાણતા હતા. બન્ને એક જ સ્ટુડિયોમાં દોઢ વર્ષ સુધી બાજુ-બાજુમાં કામ કરતા હતા. બન્ને વચ્ચે એક ફિલ્મને લઈને ચર્ચા પણ થઈ હતી, પરંતુ એ ન બની શકી. બન્ને વચ્ચે વાતોનો સિલસિલો ચાલતો હતો એવામાં એક દિવસ બિમલદાએ કહ્યું કે તેમને દિલીપકુમાર સાથે ‘દેવદાસ’ બનાવવી છે. દિલીપકુમારને સૈગલની ‘દેવદાસ’ ફિલ્મ કે નવલકથા વિષે કશી ખબર નહોતી. બિમલ રૉયે તેમને નવલકથાનો અનુવાદ વાંચવા આપ્યો હતો.
એક ઇન્ટરવ્યુમાં તે કહે છે, ‘મેં શરતચન્દ્રની નવલકથા અનેક વાર વાંચી. હું વાર્તાથી સારી પેઠે અવગત થયો. મેં તેમની અન્ય નવલકથાઓ પણ વાંચી. ‘દેવદાસ’માં જે પાત્રો, વાતાવરણ અને પ્રકૃતિ છે એની સાથે તમે સંબંધ કેળવતા થઈ જાઓ. એટલે ઉત્તરોત્તર હું દેવદાસથી પરિચિત થતો ગયો અને મને દેવદાસ તરીકે જોતો થયો.’
દિલીપકુમારનો દેવદાસ પરંપરાવાદી છે. તે પાર્વતીને અત્યંત ચાહે છે, પરંતુ ઘર-સમાજના નિયમો સામે વિદ્રોહ નથી કરી શકતો એટલે એની સજા તે ખુદને આપે છે. આ એ જમાનાની વાત હતી જ્યારે છોકરો કે છોકરી મન પડે તેમ કરી શકતાં નહોતાં અને પરિવારના વડીલો કહે એમ કરવા માટે મજબૂર હતાં. કદાચ એ કારણથી શરતચંદ્રની નવલકથા અને ફિલ્મ અત્યંત લોકોપ્રિય થઈ હતી.
આજે આવો પ્રેમ ટૉક્સિક લાગે, કારણ કે એમાં દેવદાસ અને તેની સાથે જોડાયેલા તમામ લોકો બહેતર થવાને બદલે બરબાદ થાય છે. એમાં દેવદાસ તેની નિરાશા, એકલતા અને શરાબીપણાને રોમૅન્ટિસાઇઝ કરે છે. દેવદાસ જ્યારે ઘર અને પારોને છોડીને જતો રહે છે ત્યારે તે ખુદને સંભાળવાને બદલે ખુવાર કરી નાખે છે. દિલીપકુમારને એવો અહેસાસ થયો હતો કે ‘દેવદાસ’ની લોકપ્રિયતા કદાચ પ્રેમમાં નાસીપાસ યુવાનોમાં શરાબખોરીને પ્રોત્સાહન આપશે. તેમની આત્મકથામાં તેઓ લખે છે;
‘હું બહુ વિગતોમાં ઊંડો નહીં ઊતરું, પણ શરૂઆતમાં મને એ વાતની તકલીફ થતી હતી કે હું એક એવું કિરદાર ભજવી રહ્યો છું જેની ભીતર ગહેરી પીડા અને ઉદાસી છે અને કદાચ અધકચરા યુવાનોમાં એવું માનવાની ગેરસમજ થાય કે પ્રેમની નિરાશામાંથી છૂટવા માટેનો સૌથી શ્રેષ્ઠ ઉપાય શરાબ છે. મેં જેમ-જેમ એ વિષય પર વિચાર કર્યો તો મને લાગ્યું કે હું જો પૂરતા વિવેક સાથે આ પાત્ર ભજવું તો એક યાદગાર ફિલ્મ બને એમ છે.’
દિલીપકુમારે જાતને આપેલું એ વચન પાળી બતાવ્યું હતું. જોકે એ સહેલું નહોતું. એક દિવસ શૂટિંગમાં બ્રેક પડ્યો ત્યારે નબેન્દુ ઘોષે જોયું કે દિલીપસા’બ ક્યાંક ખોવાયેલા છે અને છેટા રહે છે. ઘોષ તેમની પાસે ગયા અને પૂછ્યું કે શું થયું છે? તો ટ્રૅજેડી કિંગે કહ્યું, ‘નબેન્દુ બાબુ, એ ત્રણે જણ મારા ખભા પર ચડી બેઠા છે.’ કોણ ત્રણ જણ? તેમણે કહ્યું, ‘શરતબાબુ, પ્રમથેશ બરુઆ, કુંદનલાલ સૈગલ.’
દિલીપકુમાર ‘દેવદાસ’માં એ ભાર ઊંચકીને ત્રણેથી આગળ નીકળી ગયા હતા.
જાણ્યું-અજાણ્યું...
ગુરુ દત્તની ‘કાગઝ કે ફૂલ’ માં થોડો અંશ ‘દેવદાસ’નો હતો અને વહીદા રહેમાનની ભૂમિકા પારો જેવી હતી
‘હાથ કી સફાઈ’માં પીનેવાલોં કો પીને કા બહાના ચાહિએ ગીતમાં રણધીર કપૂરે દેવદાસ અને હેમા માલિનીએ ચંદ્રમુખીની નકલ કરી હતી
‘દેવદાસ’ના તામિલ વર્ઝનમાં કમલ હાસને દેવદાસ અને શ્રીદેવીએ ચંદ્રમુખીની ભૂમિકા કરી હતી
શાહરુખ ખાનની ‘દેવદાસ’ની સરખામણીમાં જૂની ‘દેવદાસ’માં પહેરવેશથી લઈને સેટ્સ સુધી દરેક બાબતમાં બંગાળી સંસ્કૃતિની સાદગી હતી
રાજીન્દર બેદીએ લખેલા ‘દેવદાસ’ના સંવાદો બહુ લોકપ્રિય થયા હતા (કૌન કમબખ્ત હૈ જો બરદાશ્ત કરને કે લિએ પીતા હૈ... મેં તો પીતા હૂં ઇસ લિએ કી બસ સાંસ લે સકૂં)
નસરીન મુન્ની કબીરે ‘દેવદાસના સંવાદો’ નામથી પુસ્તક લખ્યું હતું
મારા પેરેન્ટ્સને ‘દેવદાસ’ ગમતી હતી : શાહરુખ
‘હું ‘દેવદાસ’ ફિલ્મ કરી શકીશ એવું કહેવું મારા માટે મૂર્ખામી હતી. મને લાગે છે કે મારે નહોતી કરવા જેવી. મારા પેરન્ટ્સને ‘દેવદાસ’ ગમતી હતી. હું યુવાન હતો અને મૂર્ખામીમાં મેં કરી હતી. દિલીપસા’બની કોઈ નકલ ન કરી શકે. મારી જેમ કોઈ કરવા જાય તો ઇડિયટ કહેવાય. હું જેમ-જેમ પરિપક્વ અને કદાચ હોશિયાર પણ થતો જાઉં છું તેમ-તેમ લાગે છે કે આજે કદાચ હું એ ફિલ્મ ન કરું. ‘દેવદાસ’ મારા માટે લાભદાયી રહી હતી. એ એટલી સરસ રીતે બનાવાઈ હતી કે જેણે પણ કરી હોત તો સરસ જ લાગત. દરેક માતાની જેમ મારી માતાને લાગતું કે હું દિલીપકુમાર જેવો દેખાઉં છું. હું જોકે દિલીપકુમારની નજીક પણ ન આવી શકું.’
શાહરુખ ખાન, દિલીપકુમારની આત્મકથાના લોકાર્પણવેળા

