° °

આજનું ઇ-પેપર
Tuesday, 21 September, 2021


ઍક્સિડન્ટમાં એક પગ ભલે ખોયો, પણ આત્મવિશ્વાસ અને હિંમત અકબંધ હતાંને!

30 July, 2021 12:54 PM IST | Mumbai | Ruchita Shah

પૅરા બૅડ્મિન્ટનમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી માનસી જોશીના આ શબ્દો છે. ટાઇમ મૅગેઝિનના કવર પેજથી લઈને અઢળક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, મેડલો જીતનારી માનસીએ અચીવ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. એક ઍક્સિડન્ટે તેના જીવનના ધ્યેયને ૩૬૦ ડિગ્રી ફેરવી નાખ્યો.

માનસી જોશી

માનસી જોશી

પૅરા બૅડ્મિન્ટનમાં વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલી માનસી જોશીના આ શબ્દો છે. ટાઇમ મૅગેઝિનના કવર પેજથી લઈને અઢળક આંતરરાષ્ટ્રીય પુરસ્કારો, મેડલો જીતનારી માનસીએ અચીવ કરવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. એક ઍક્સિડન્ટે તેના જીવનના ધ્યેયને ૩૬૦ ડિગ્રી ફેરવી નાખ્યો. અત્યારે પૅરા ઑલિમ્પિક્સ માટે ટ્રેઇનિંગ લઈ રહેલી માનસી પાસેથી શીખવા જેવું છે કે જીતવાનું જુનૂન હોય તો કેવા ચમત્કારો સરજાઈ શકે

ઉદ્યમેન હિ સિધ્યન્તિ

કાર્યાણિ ન મનોરથૈઃ

પૅરા બૅડ્મિન્ટનની દુનિયામાં ઇતિહાસ રચનારી ગુજરાતી ગર્લ માનસી જોશી આ વાતને દૃઢતાથી માને છે. માત્ર મનોરથ કે વિચાર કરવાથી નહીં પણ ઉદ્યમ કરવાથી, પરિશ્રમ કરવાથી જ કાર્યમાં સફળતા મળતી હોય છે. છેલ્લાં ચાર વર્ષમાં સિલ્વર, ગોલ્ડ, બ્રૉન્ઝ એમ દરેક પ્રકારના મેડલ નૅશનલ અને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટમાં મેળવનારી માનસી જોશી બહુ ઓછા ભારતીયોમાંની એક છે જેને ટાઇમ મૅગેઝિને કવર પેજ પર સ્થાન આપ્યું હોય. અઢળક પ્રકારનાં અવૉર્ડ્સ અને પારિતોષિકોની હકદાર બનેલી માનસીનું નામ હવે લોકો માટે અજાણ્યું નથી. અકસ્માતમાં એક પગ ખોયા પછી નવેસરથી જીવવાની શરૂઆત કરી વર્લ્ડ ચૅમ્પિયનશિપ સુધીની સફર કેવી રીતે પાર પાડી એ દાસ્તાન જાણવા જેવી છે. અત્યારે હૈદરાબાદમાં જાણીતા કોચ પુલેલા ગોપીચંદ પાસે પૅરાઑલિમ્પિક્સ માટે ટ્રેઇનિંગ લઈ રહેલી માનસી શારીરિક અક્ષમતાઓ ધરાવતા લોકોને સમાજમાં ટકી રહેવા માટે કેવો સંઘર્ષ કરવો પડી રહ્યો છે અને સમાજ અને સરકાર પાસેથી કેવા બદલાવો થવા જોઈએ એ વિશે પણ જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે. ટ્રેઇનિંગ સાથે વચ્ચે-વચ્ચે આર્થિક સધ્ધરતા અકબંધ રહે એ માટે તેણે જૉબ પણ કરતા રહેવું પડ્યું છે. તેણે જોયેલાં જીવનના ઉતારચડાવ વિશે માનસી સાથે આજે થોડીક ગુફ્તગૂ કરીએ.

કારમો અકસ્માત

માનસીના પિતા ભાભા એટમિક સેન્ટરમાં સાયન્ટિસ્ટ તરીકે કામ કરતા હતા. એટલે સાયન્સનો માહોલ ઘરમાં પણ હતો. માનસીએ કે. જે. સોમૈયા કૉલેજમાં સૉફ્ટવેર એન્જિનિયરિંગ કર્યા પછી જૉબ ચાલુ કરી. ઘરથી સાત કિલોમીટરના અંતરે જ ઑફિસ હોવાથી તે ટૂ-વ્હીલર લઈને ઑફિસ જતી. જોકે ૨૦૧૧માં ડિસેમ્બર મહિનાનો એ શુક્રવારનો દિવસ માનસીના જીવનમાં ટર્નિંગ પૉઇન્ટ લઈને આવ્યો. રૉન્ગ સાઇડ ચાલી રહેલી એક ટ્રકે માનસીના સ્કૂટરને અડફેટે લીધું. ટ્રકનું ટાયર તેના એક પગ પરથી પસાર થઈ ગયું. નસીબ એટલાં સારાં કે બ્રેઇનને કોઈ ઇન્જરી નહોતી થઈ. માનસી કહે છે, ‘ભયંકર પીડા વચ્ચે હું ભાનમાં હતી. ઈજા ગંભીર છે એ મને સમજાઈ ગયું હતું. જોકે મારી આસપાસ ટોળે વળેલા લોકોને સમજાતું નહોતું કે શું કરવું. ઍક્સિડન્ટનો કેસ હતો એટલે પોલીસ વચ્ચે પડી. જોકે બધી ફૉર્માલિટી, મુંબઈનો ટ્રાફિક વગેરેને લીધે મને ટ્રીટમેન્ટ મળતાં-મળતાં સાંજના પાંચ વાગી ગયા હતા. ઘણુંબધું લોહી વહી ગયું હતું. ડૉક્ટરોએ ખૂબ પ્રયાસ કર્યા કે મારો પગ બચી જાય પરંતુ ઇન્ફેક્શન આગળ વધતું જતું હતું એટલે છેલ્લે ડાબો પગ કાપવાનો નિર્ણય લેવાઈ ગયો. મને અફસોસ હતો કે નહીં એ મને અત્યારે ખબર નથી પડતી, કારણ કે એ સમયે મારા માટે જાણે એક સ્વપ્ન સમાન બધું ચાલી રહ્યું છે. જોકે એ ગાળામાં મિત્રો, પરિવારજનો, ડૉક્ટરો અને હૉસ્પિટલના સ્ટાફે જે હકારાત્મકતા સાથે મને મદદ કરી છે એને શબ્દોમાં વર્ણવી શકું એમ નથી. લગભગ દોઢ મહિનો હૉસ્પિટલમાં રહી. ઘરે આવ્યા પછીના રીહૅબિલિટેશન દરમ્યાન કેટલીક વાસ્તવિકતાઓ આંખ સામે આવી. એક પગની ગેરહાજરીમાં જીવવું કેવું દુષ્કર થવાનું છે એ સમજાવા માંડ્યું. પ્રોસ્થેટિક્સના સહારે ચાલવું અઘરું છે એની ખબર પડવા માંડી. જોકે વાસ્તવિકતાને સ્વીકારવા સિવાય છૂટકો પણ નહોતો. મેં એને હકારાત્મકતા સાથે સ્વીકારવાનું નક્કી કરી લીધું. હું સ્ટ્રૉન્ગ રહીશ તો પરિવાર પણ સ્ટ્રૉન્ગ રહેશે એ પણ મનમાં ઊંડે-ઊંડે હતું.’

બૅડ્મિન્ટનની જર્ની

કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરનારી માનસીએ નાનપણમાં લગભગ બધી જ એક્સ્ટ્રા કરિક્યુલર ઍક્ટિવિટીમાં ભાગ લીધો છે. બધી જ સ્પોર્ટ્સ પણ તે રમતી. જોકે નાનપણથી પિતા સાથે માનસી બૅડ્મિન્ટન રમતી હતી. એ તેની ફેવરિટ સ્પોર્ટ હતી. એમાં તે ખૂબ શાર્પ પણ હતી પરંતુ એ માત્ર ટાઇમપાસ પૂરતું હતું. જોકે આ વખતે પ્રોસ્થેટિકલ લેગ સાથે ચાલવાની પ્રૅક્ટિસ કરવા રીહૅબિલિટેશનના ભાગરૂપે બૅડ્મિન્ટન રમવાનું તેણે શરૂ કર્યું. ધીમે-ધીમે તેનો હાથ બેસવા માંડ્યો. એવામાં એક મિત્રની તેના બૅડ્મિન્ટનના શૉટ્સ પર નજર ગઈ તો તેને પૂછવામાં આવ્યું કે તું નૅશનલ લેવલ પર રમી શકે છે, વાય ડોન્ટ યુ ટ્રાય? બસ, માનસીએ વાત પકડી લીધી. કોચની મદદથી જોરદાર ટ્રેઇનિંગ શરૂ કરી. તેની ગેમ જોઈને તેને આગળ વધવાની તક મળવા માંડી. ડિસ્ટ્રિક્ટથી, સ્ટેટ, નૅશનલ અને ઇન્ટરનૅશનલ લેવલ પર ક્યારે પહોંચી જવાયું એ ખબર જ નથી પડી. ૨૦૧૯માં માનસીએ સ્વિટ્ઝરલૅન્ડમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતીને ઇતિહાસ રચનારી માનસી કહે છે, ‘મારા માટે બૅડ્મિન્ટન પૅશન છે એટલે હું એન્જૉય કરું છું. જોકે એની ટ્રેઇનિંગ ટફ અને ડિમાન્ડિંગ છે જે કોઈ પણ સ્પોર્ટ્સમાં તમે નૅશનલ લેવલ પર રમવા માંડો ત્યારે હોય જ. એક વાત શીખી છું કે અટકવું એ જવાબ નથી, જ્યાં પણ છો ત્યાંથી આગળ વધો. મહેનત કરો અને એક દરવાજો બંધ થાય તો બીજા દરવાજામાં ટ્રાય કરો. બધી દિશાઓ એકસાથે ક્યારેય બંધ નહીં થાય.’

પડકાર તો આજે પણ છે!

ડિસેબિલિટી સાથે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવું એ પડકારજનક તો છે જ અને એ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી સમાજ અને સરકાર આ બાબતોને લઈને સેન્સિટિવ નહીં થાય. માનસી કહે છે, ‘સામાન્ય લોકો માટે જે સહજ રૂટીન હોય છે એ ડિસેબલ લોકો માટે ટાસ્ક છે. જેમ કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો તમામ લોકો માટે એક નૉર્મલ બાબત છે પરંતુ પગ, હાથ કે અન્ય કોઈ પણ પ્રકારની અક્ષમતા ધરાવતી વ્યક્તિએ એ રીતે ટ્રાવેલ કરવા માટે સત્તર વિચાર કરવા પડશે. આવું શું કામ છે? કારણ કે તેમની અનુકૂળતાનું ધ્યાન રાખીને આ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કોઈ વ્યવસ્થા નથી. તેઓ સરળતાથી ચડી શકે, ઊતરી શકે એવી રીતને આપણે ફૉલો નથી કરી રહ્યા. બીજું, તમે સ્પોર્ટ્સમાં પણ ઍક્ટિવ હો તો પણ તમારે ફાઇનૅન્શિયલી સ્ટેબલ રહેવા માટે ટ્રેઇનિંગ સાથે મહેનત કરતા રહેવાની છે. આ બધી દિશામાં કોઈ વ્યવસ્થાઓ થાય એવાં કૅમ્પેન કરવાં, કૉલેજમાં આવી વર્કશૉપ્સ યોજવી જેવા પ્રોગ્રામ્સમાં હું ભાગ લઈ રહી છું.’

અનલિમિટેડ અચીવમેન્ટ્સ

અત્યાર સુધીમાં માનસીની ઝિંદાદિલી અને સ્પોર્ટ્સમાં તેના કૉન્ટ્રિબ્યુશન બદલ તેને ત્રીસેક જેટલા મેડલ્સ અને અઢળક અવૉર્ડ મળી ચૂક્યા છે. ૨૦૧૯માં ‘કૌન બનેગા કરોડપતિ’માં પણ તે જોવા મળી હતી. વિશ્વમાં પહેલી વાર સ્પોર્ટ્સ પર્સન પર બહાર પડ્યું હોય એવું વન ઍન્ડ ઑન્લી બાર્બી ડૉલનું એક વર્ઝન કંપનીએ માનસીને અર્પણ કરેલું છે. ટાઇમ મૅગેઝિનના કવર પર તેને સ્થાન મળ્યું છે. એ સિવાય ૨૦૧૭માં મહારાષ્ટ્ર એકલવ્ય ખેલ ક્રીડા પુરસ્કાર, નૅશનલ અવૉર્ડ ફૉર બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન વિથ ડિસેબિલિટી, ડિફરન્ટ્લી એબલ્ડ ઍથ્લીટ ઑફ ધ યર અવૉર્ડ, ટાઇમ્સ ઑફ ઇન્ડિયા સ્પોર્ટ્સ અવૉર્ડ ફૉર બેસ્ટ પૅરા ઍથ્લીટ, બીબીસી ઇન્ડિયન સ્પોર્ટ્સ વુમન ઑફ ધ યર, નૅશનલ અવૉર્ડ ફૉર બેસ્ટ સ્પોર્ટ્સ પર્સન વિ્થ ડિસેબિલિટી, ટાઇમ નેક્સ્ટ જનરેશન લીડર સેલ્ફમેડ વિ્મેન ઑફ ફૉર્બ્સ ઇન્ડિયા ૨૦૨૦માં તેનું નામ નોંધાઈ ચૂક્યું છે.

30 July, 2021 12:54 PM IST | Mumbai | Ruchita Shah

અન્ય લેખો

વારસદાર (વાર્તા-સપ્તાહ | પ્રકરણ ૧)

‘અતુલ્ય માટે મને આવી જ સંસ્કાર-લક્ષ્મી જોઈતી હતી. મારા અત્તુને ખુશ રાખજો વહુબેટા, મને બીજું કાંઈ ન જોઈએ!’

21 September, 2021 08:14 IST | Mumbai | Samit (Purvesh) Shroff

વિશ્વનું એક માત્ર ગામ જ્યાં સંસ્કૃતમાં વાતચીત થાય છે

કર્ણાટકમાં આવેલા આ ગામે સંસ્કૃતિનાં મૂળિયાંને પકડી રાખીને વિકાસને પામવાની જે જહેમત ઉઠાવી છે એને કારણે વૈશ્વિક સ્તરે એની સુવાસ પ્રસરી છે અને દેશવિદેશના લોકો અહીં સંસ્કૃત શીખવા આવે છે

20 September, 2021 09:19 IST | karnataka | Aashutosh Desai

બેધારી તલવાર બની શકે છે 5G

રેડિયેશનની અસરો તેમ જ સાઇબર સિક્યૉરિટી એ બે બાબતોનું જોખમ તો છે જ, પણ સાથે હજી બીજી કોઈ બાબતે નુકસાન ન કરે એ બાબતે સચેત થવું જરૂરી છે

19 September, 2021 05:05 IST | Mumbai | Aashutosh Desai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK