આધ્યાત્મિક બેલડીએ સ્થાપેલા સેવા અને સાધનાના સંગમતીર્થ નંદિગ્રામની સફરે
દક્ષિણ ગુજરાતમાં વલસાડ-ધરમપુર માર્ગ પર વાંકલ ગામ પાસે આવેલું નંદિગ્રામ.
ઈશામા ઉર્ફે કુન્દનિકા કાપડીઆ. આ નામ આગળ મારા મતે કોઈ વિશેષણ લગાવવાની જરૂર નથી લાગતી.
કુન્દનિકા કાપડીઆને સમાજનો મોટા ભાગનો વર્ગ લેખિકા-સાહિત્યકાર તરીકે જ ઓળખે છે, પણ આ ખમીરવંતા બાહોશ, સાહસિક મહિલાનો સેવા, સાદગી અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓનો બીજો સંનિષ્ઠ ચહેરો બહુ ઓછા લોકોના ધ્યાનમાં આવ્યો હશે. સ્ત્રીઓની સ્વતંત્રતા અને સંસ્કારનો સુમેળ કરાવવા માટે જાણીતાં બનેલાં કુન્દનિકા કાપડીઆએ મિત્ર જેવા જીવનસાથી મકરંદ દવે સાથે મળીને આદિવાસી વિસ્તારમાં સેવાકીય અને આધ્યાત્મિક્તાની ધૂણી ધખાવી. દક્ષિણ ગુજરાતમાં વલસાડ–ધરમપુર માર્ગ પર આવેલા વાંકલ ગામ નજીક આ સાહિત્યસર્જક બેલડીએ ઉજ્જડ જમીન પર વર્ષો પહેલાં સેવા અને સાધનાનાં બીજ રોપ્યાં અને નંદિગ્રામનું સર્જન કર્યું. આજે નંદિગ્રામ સેવા અને સાધનાનું સંગમતીર્થ બની ગયું છે અને આ તપોભૂમિ દેશ અને દુનિયામાં નામાંકિત બની છે.
શાળા તમારા ફળીએ, દોસ્તી ઘર, કલબલ ગ્રુપ બનાવીને બાળકોને શિક્ષિત કરવા અક્ષરજ્ઞાનનો યજ્ઞ શરૂ કર્યો. આદિવાસી બહેનોને બચત કરતા શીખવવા ઉપરાંત રોજગારી અપાવવા, ખેતી વિષયક કાર્યો, અસહાય વૃદ્ધો માટે રૅશન સેવા, પાણીનો સંચય, ટૉઇલેટ સહિતની ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિઓ આદરીને કુન્દનિકા કાપડીઆએ ગ્રામ્ય વિસ્તારના ઉત્થાન માટે એક અલગ જ ચિલો ચાતર્યો હતો.
છેક ૧૯૮૮થી આ આશ્રમની સેવા અને સાધનાની પ્રવૃત્તિઓમાં કાર્યરત રહેલા નંદિગ્રામના ટ્રસ્ટી ધર્મેન પારેખ ‘મિડ-ડે’ને કહે છે કે ‘કુન્દનિકાબહેનનું વાંચન ખૂબ બહોળું, ચિંતન એથીયે ઊંડું. એક અમેરિકન સામાયિકમાં ઇતિહાસકાર વિલિયમ ઇરવીન થોમસનનો એક લેખ અને સ્કૉટલૅન્ડમાં ફિન્ડહોન ફાઉન્ડેશન અને એનાં સ્થાપિકા એલીન કૅડીનના વિચારોથી તેઓ પ્રભાવિત હતાં. જીવનનાં ઉચ્ચ મૂલ્યો અને કેવી રીતે જીવન જીવવું એ વિશેના એ લેખ હતા. તેમને વાંચ્યા પછી જ કુન્દનિકાબહેનને આશ્રમ બનાવીને રહેવાનો વિચાર આવેલો અને થયું કે આવુ કંઈક કરીએ તો. કુન્દનિકાબહેને આ લેખનો ગુજરાતીમાં ‘નવતર જીવન શૈલી’ તરીકે અનુવાદ કર્યો હતો. તેમણે મકરંદભાઈને જીવન વિશેના પોતાના વિચારોની વાત કરી. મકરંદભાઈ નખશીખ આધ્યાત્મિક વ્યક્તિ હતા. તેઓ બન્નેએ નક્કી કર્યું કે જીવન જીવવાનાં મૂલ્યોને સાકાર કરતો આશ્રમ બનાવીએ. એમાંથી સર્જન થયું નંદિગ્રામનું. કુન્દનિકાબહેન પર મહાત્મા ગાંધીજીનાં મૂલ્યો અને વિચારશૈલીનો ઊંડો પ્રભાવ હતો એમાં ફિન્ડહોનનો પ્રભાવ ઉમેરાયો. નંદિગ્રામમાં ગાંધીજીનાં મૂલ્યો અને ફિન્ડહોનના આધ્યાત્મિકતાની વાતને આધારિત સેવા અને સાધનાનો સંગમ કર્યો. ૧૯૮૨માં નંદિગ્રામ સંસ્થા રજિસ્ટર્ડ કરાવી. વાંકલ ગામની બાજુમાં જમીન લીધી અને નંદિગ્રામ ટ્રસ્ટ બનાવીને નંદિગ્રામને કર્મભૂમિ બનાવી ત્યાં જ વસી ગયા. જ્યારે તેમણે આ પચીસ એકર જમીન લીધેલી એ સમયે એ સાવ ઉજ્જડ જમીન હતી જેમાં સમ ખાવા પૂરતાંય વૃક્ષો નહોતાં.’
જમીન લીધા પછી ૧૯૮૫–૮૬માં કુન્દનિકાબહેન અને મકરંદભાઈ મુંબઈ છોડીને નંદિગ્રામમાં રહેવા આવ્યાં. આ આશ્રમને તેમણે કેટલી કાળજી, પ્રેમ અને નજાકતથી તૈયાર કર્યો અને એમાં કેવી સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ થઈ એ વિશે વાત કરતાં ધર્મેન પારેખ કહે છે, ‘મકરંદભાઈ અને કુન્દનિકાબહેન લગ્ન પછી મુંબઈના અંધેરીમાં રહેતાં હતાં. મકરંદભાઈ ગોંડલના હતા અને કુન્દનિકાબહેન લીમડીના. કુન્દનિકાબહેન મુંબઈમાં નવનીત મૅગેઝિનના તંત્રી તરીકે કામ કરતાં હતાં. નંદિગ્રામમાં આવવા માટે એ સમયે કુન્દનિકાબહેન અને મકરંદભાઈને ૧૦-૧૫ લોકોએ પ્રૉમિસ કરી હતી, પણ તેમાંથી કાંતાબહેન મહેતા અને બાબુભાઈ રાઠોડ તેમની સાથે નંદીગ્રામમાં આવ્યાં હતાં, અન્ય લોકો અન્ય કોઈ કારણસર આવી શક્યા નહોતા. એ પછી જસુબહેન ચિતલિયા આ આશ્રમ જોવા આવ્યાં અને રોકાઈ ગયાં. નંદિગ્રામમાં કુન્દનિકાબહેને વૃક્ષો વાવ્યાં અને તેમના માટે ઘર બાંધ્યું હતું. મારા અંકલ ડૉ. દિલીપ પારેખ કુન્દનિકાબહેનને મળ્યાં હતાં અને તેઓએ કહ્યું હતું કે હું ડૉક્ટર છું, મારી કોઈ જરૂર હોય તો
કહેજો ત્યારે કુન્દનિકાબહેને ગ્રામ્યજનોને મેડિકલ-સેવા મળી રહે એ માટે નંદીગ્રામમાં દવાખાનું ચાલુ કર્યું.’
વાંકલની આજુબાજુનો વિસ્તાર પૂરો આદિવાસી હતો. કોઈ પણ નવી શરૂઆત થાય એટલે પહેલાં એને શંકાની નજરે જોવામાં આવે અને વિરોધ પણ થાય. ધર્મેનભાઈ કહે છે, ‘શરૂમાં આજુબાજુનાં ગામોના ગ્રામજનોનો સંપર્ક કેવી રીતે કરવો એની મૂંઝવણ હતી એટલે એ જમાનામાં કુન્દનિકાબહેને રસ્તા પર ઊભા રહીને છાશનું વિતરણ શરૂ કર્યું હતું અને ગ્રામજનોને છાશ પીવડાવતાં જેથી એ બહાને લોકોની સાથે વાતચીતનો દોર બંધાય. ગ્રામજનો સાથે વાતો કરતાં-કરતાં તેમના પ્રશ્નો જાણ્યા–સમજ્યા પછી દવાખાનું શરૂ કર્યું. એ પછી વિક્રમશીલા એજ્યુકેશન સેન્ટર બનાવ્યું. ઇલેક્ટ્રિક, વેલ્ડિંગ, સિવણ સહિતના રોજગારલક્ષી ક્લાસિસ શરૂ કર્યા. અંતરિયાળ વિસ્તારમાંથી ધરમપુર અભ્યાસ કરવા આવતા ધોરણ ૧૧ અને ૧૨ના વિદ્યાર્થીઓને રહેવાની તકલીફ પડતી હોવાનું જાણ્યા બાદ જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ માટે હૉસ્ટેલ શરૂ કરી જ્યાં આજે પણ ૨૫ જેટલા વિદ્યાર્થીઓ રહે છે. આ વિદ્યાર્થીઓ માટે નિ:શુલ્ક સુવિધા ઊભી કરી હતી.’
બાળકો સુધી સ્કૂલ પહોંચતી કરી
ગામડાંમાં બાળકોને ભણાવવા માટે એટલી જાગૃતિ નહોતી. બાળકોને સ્કૂલ સુધી ખેંચી લાવવા અઘરા હોવાથી તેમણે દાયકાઓ પહેલાં સ્કૂલને લોકોના ઘરે પહોંચાડતી મોબાઇલ સ્કૂલની શરૂઆત કરેલી. આ પ્રોજેક્ટનું નામ પડ્યું ‘શાળા તમારા ફળીએ’. ધર્મેનભાઈ કહે છે, ‘ગ્રામ્ય વિસ્તારનાં બાળકોને શિક્ષિત કરવા માટે કુન્દનિકાબહેનને લંડનના સંજીવ શાહની મદદ મળી અને તેમણે એક ટેમ્પો આપ્યો. કુન્દનિકાબહેને આ ટેમ્પોને ક્લાસરૂમમાં ફેરવી નાખ્યો. નંદિગ્રામથી ૩૦ કિલોમીટર દૂર આવેલા હરખમાળ ગામ અને કાસ્ટુનિયા ગામના ફળિયામાં આ ટેમ્પો જઈને ઊભો રહેતો. ત્રણ શિક્ષકો દ્વારા ધોરણ ૪ સુધીનાં બાળકોને ગણીત–વિજ્ઞાન સહિતના વિષયોનો અભ્યાસ કરાવાય. આ બાળકોને પાંચમા ધોરણમાં સ્કૂલમાં ઍડ્મિશન અપાવવામાં આવે. એ ઉપરાંત નંદિગ્રામમાં દર શનિવાર અને રવિવારે દોસ્તી ઘર ચાલે છે. છોકરાઓ અહીં આવે અને તેમને ડ્રોઇંગ, મ્યુઝિક જેવી કળા અને રમતગમત રમાડતા હતા. આ છોકરાઓ કુન્દનિકાબહેનની લાઇબ્રેરીમાં પણ જતા. રાત્રિ શાળા પણ અહીં ચાલતી. દર મહિને ૩૦૦ જેટલા અસહાય વૃદ્ધોને રૅશન આપવાનું કામ શરૂ થયેલું. આજે પણ આ બધી પ્રવૃત્તિઓ ચાલુ છે. વિશેષ વાત એ છે કે કુન્દનિકાબહેને ગ્રામ્યજનોને ટૉઇલેટનો ઉપયોગ કરતા શીખવાડ્યું. કપરાડા તાલુકામાં ૩૦૦૦ જેટલાં ટૉઇલેટ બનાવી આપ્યાં. આ ઉપરાંત અહીં વરસાદ બહુ પડે છે એટલે પાણીનો સંગ્રહ થાય એ માટે જરૂરિયાત પ્રમાણેની પાણીની ટાંકીઓ આપી. આવી કેટલીય સેવાપ્રવૃત્તિઓ નંદિગ્રામમાં થતી આવી છે અને થઈ રહી છે. આમ કુન્દનિકાબહેનનું જીવન સેવા અને સાધનામાં વણાઈ ગયું હતું. તેમણે અને મકરંદભાઈએ આદિવાસી સમાજને ઊંચો લાવવા માટે ખરેખર સેવાની ધૂણી ધખાવી હતી.’
ADVERTISEMENT
‘ગાંધીજી કહેતા કે સમાજના છેવાડાના માણસો સુધી પહોંચવું જોઈએ. કુન્દનિકાબહેન ગાંધી બાપુથી પ્રભાવિત હોવાથી તેઓના વિચાર પર ચાલીને આદિવાસી વિસ્તારમાં સેવાકીય અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ શરૂ કરી હતી.નંદિગ્રામમાં ઊર્જા અને શક્તિ મકરંદભાઈની હતી અને સંસ્થાનો વહીવટ અને મહેનત કુન્દનિકાબહેન કરતાં હતાં. અહીં મૂલ્યો અને આદર્શ આધારિત સાદું જીવન, શક્તિ પ્રમાણે કામ કરવું, નાના-મોટાનો ભેદ ન રાખવો એવી વિચારસરણી હતી અને આજે પણ છે. નંદિગ્રામમાં અત્યારે સાત કાયમી નિવાસીઓ છે અને સાત જેટલા કર્મચારીઓ છે. અહીં પ્રાર્થના થાય છે, પાઠ થાય છે, ધ્યાન ધરવામાં આવે છે, ભજન–કીર્તન થાય છે.’
૯૩ વર્ષની વયે પણ કુન્દનિકાબહેનનું મનોબળ જબરદસ્ત હતું એમ જણાવતાં ધર્મેન પારેખ કહે છે, ‘કુન્દનિકાબહેન ખૂબ બાહોશ હતાં. કોઇ પણ પરિસ્થિતિને સમજવાની ગજબની શક્તિ હતી. તેમને કોઈનોય ભય નહોતો. નંદિગ્રામનો કાર્યવ્યવહાર અને જીવનવ્યવહાર સાદાઈ, સેવા, સહકાર અને સાધના પર મંડાયેલો છે એટલે જ નંદિગ્રામ તપોભૂમિ બની છે.’
‘સાત પગલાં આકાશમાં’ અને એવી કંઈ કેટલીય નવલકથાઓ, નવલિકા સહિતનાં પુસ્તકો લખીને દેશ અને દુનિયામાં જાણીતાં બનેલાં લેકિકા–સાહિત્યકાર કુન્દનિકા કાપડીઆનો આ બીજો સેવા, સદકાર્ય અને આધ્યાત્મિકતાનો ચહેરો છે. સાહિત્યની સાથે-સાથે સાદગી અને સાધનાને વરેલાં ગુજરાતનાં આ ગૌરવવંતા લેખિકા–સમાજસેવિકા કુન્દનિકા કાપડીઆ આજે આપણી વચ્ચે સદેહે નથી, પણ તેઓ અક્ષરદેહે અને તેમનાં સદ્કાર્યોથી આપણી વચ્ચે કાયમ જીવંત રહેશે.
‘આપણે શક્તિનો સ્રોત બનીએ; પરિસ્થિતિ ગમે એ આવે, ઢીલા નહીં પડવાનું’
‘સ્ત્રીઓ બાપડી, બીચારી, ગરીબડી જણાય ત્યારે કુન્દનિકાબહેન કહેતાં કે આપણે એવા નથી, શક્તિનો સ્રોત્ર છીએ. પરિસ્થિતિ ગમે એ આવે, ઢીલા નહીં પડવાનું.’
આવું નંદિગ્રામનાં ટ્રસ્ટી વૈદ્ય અમી પરીખનું કહેવું છે. સજ્જન મહાપુરુષોના સત્સંગમાં આવીને આજથી ૨૦ વર્ષ પહેલાં મુંબઈને અલવિદા કહીને કુન્દનિકાબહેન અને મકરંદભાઈના સાંનિધ્યમાં આવી ગયેલાં અમીબહેન કહે છે, ‘આવા સંતનું સાંનિધ્ય જોઈતુ હતું એટલે બધુ છોડીને હું અને મારા મિસ્ટર ડૉ. મહેશ પરીખ અહીં આવી ગયાં. કુન્દનિકાબહેનને મોટા ભાગના લોકો લેખિકા સમજે છે, પણ તેમનું જીવન આધ્યાત્મિક હતું. બહુ સ્પષ્ટ વક્તા હતાં એટલે ઘણાને અપ્રિય લાગતાં હતાં. તે બહુ ઓછું બોલતાં. લખે વધુ અને બોલે ઓછું. છેલ્લી ઘડી સુધી તેઓ સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહ્યાં હતાં. તેઓ કહેતાં કે જીવનમાં આનંદ અને રમતગમત હોવી જોઈએ. મૃત્યુના બે દિવસ પહેલાં અમને તેમણે રમત રમાડી હતી. યાદ શક્તિની રમત હતી. સેવા, સાદગી અને સહકાર તેમનો મંત્ર હતો. જીવનમાં ડિસિપ્લિન પણ બહુ જ રાખતાં.’
તેમની આધ્યાત્મિકતા વિશે અમીબહેન કહે છે, ‘તેમનામાં દિવ્ય ચેતના હતી. ધ્યાનમાં ઊંડા ઊતરી જતાં. તેમની આધ્યાત્મિકતાનો એક નક્કર દાખલો આપું કે તેમણે અઢી વર્ષ પહેલાં એક પત્ર લખીને આપ્યો હતો જેમાં એમ લખ્યું હતું કે ‘આ પત્ર છેલ્લી ક્ષણોમાં ખોલજો. મારી સ્મશાન યાત્રામાં ૧૦–૧૫થી વધારે લોકો જોડાતા નહીં. અગ્નિ સંસ્કાર પછી બધાને જાણ કરજો.’ જાણે કે ઇશ્વરે તેમનો રસ્તો કરી આપ્યો હોય એમ લૉકડાઉનમાં તેમનું મૃત્યુ થયું અને બહુ બધા લોકો એકઠા ન થઈ શક્યા. ભગવાને અમારી લાજ રાખી, કેમ કે અમે કોને કહીએ અને કોને ના કહીએ એવી અસમંજસ હતી, પણ આપ મેળે રસ્તો નીકળ્યો, આ આધ્યાત્મિકતાનો નક્કર દાખલો નથી શું?’
સ્ત્રીસન્માન અને સ્વતંત્રતાની તેમની વિચારધારા વિશે વૈદ્ય અમી પરીખ કહે છે, ‘સ્ત્રીઓની સ્વતંત્રતા અને સ્વાભિમાન સચવાય એ માટે તેઓ આગ્રહી હતાં. નંદિગ્રામમાં બહેનો તેમની પાસે આવતી ત્યારે તેઓ તેમને રાખતાં, તેમને સમજાવતાં અને રસ્તો કાઢી આપતાં. આદિવાસી મહિલાઓના ઉત્કર્ષ માટે તેઓએ બહુ જ કામ કર્યું છે. બહેનો નાની-નાની ખેતી કરે એ માટે બીજ આપતાં, દર મહિને ૫૦–૧૦૦ રૂપિયાની બચત ભેગી કરાવે અને એ રીતે પૈસા બચાવવાનું શીખવતા. સિલાઈ મશીન આપીને હુન્નર શીખવતા અને બહેનોમાં સ્વતંત્રતાની સાથે-સાથે સંસ્કારનું બીજ પણ રોપતા. ખૂબ જ ખમીરવંતા કુન્દનિકાબહેનને ‘સાત પગલાં આકાશ’માં લખવા પાછળની પ્રેરણા મકરંદભાઈએ આપી હતી.’
તુંજ તારું યંત્ર થઈ જા, ધ્યાન થઈ જા, મંત્ર થઈ જા, અન્યનો આધાર છોડી સર્વતંત્ર થઈ જા : મકરંદ દવે
નખશીખ આધ્યાત્મિક વ્યક્તિત્વ ધરાવતા મકરંદભાઈ નંદિગ્રામને આત્માનું આનંદધામ બનાવનાર હતા ‘નંદિગ્રામની ઊર્જાશક્તિ મકરંદભાઈ હતા’ એમ કહેતાં ટ્રસ્ટી ધર્મેન પારેખ કહે છે કે ‘મકરંદભાઈ ઉચ્ચ કોટીના આધ્યાત્મિક વ્યક્તિ હતા. નખશીખ આધ્યાત્મિક વ્યક્તિત્વ. તેમણે સાથે મળીને નંદિગ્રામનું સર્જન કર્યું હતું, તેમનું ક્ષેત્ર જુદું હતું. મેં મકરંદભાઈના મોઢે સંસારની વાતો સાંભળી નથી. તેમની વાતમાં ઇશ્વર જ હોય. તેમની ભૂમિકા વિશાળ હતી. તેઓ કહેતાં કે ‘નંદિગ્રામને આત્માનું આનંદધામ બનાવવું છે. કોઈ પંથ નથી, કોઈ ગુરુપદે નથી. કંઠી બાંધે તો કુંઠીત થઈ જવાય. તુંજ તારું યંત્ર થઈ જા, ધ્યાન થઈ જા, મંત્ર થઈ જા, અન્યનો આધાર છોડી સર્વતંત્ર થઈ જા.’ મકરંદભાઈના સાંનિધ્યમાં નંદિગ્રામ આધ્યાત્મિક સેવા અને સાધનાનું કેન્દ્ર બની રહ્યું હતું.’


