Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > હાંફતા-હાંફતા, ઉધરસ ખાતા, લથડતી તબિયતે રાજ કપૂરે ભાગ્યે જ ફિલ્માંકન થયાં હોય એવાં નયનરમ્ય દૃશ્યોનું હિમાલયમાં

હાંફતા-હાંફતા, ઉધરસ ખાતા, લથડતી તબિયતે રાજ કપૂરે ભાગ્યે જ ફિલ્માંકન થયાં હોય એવાં નયનરમ્ય દૃશ્યોનું હિમાલયમાં

07 January, 2023 03:55 PM IST | Mumbai
Rajani Mehta | rajnimehta45@gmail.com

તેમની આદત હતી કે દિમાગમાં જે કંઈ નવા વિચારો આવે એના પર કામ કરવાનું શરૂ કરી દે.

હિમાલયમાં ડોલીમાં બેસીને શૂટિંગ કરવા જઈ રહેલા રાજ કપૂર.

હિમાલયમાં ડોલીમાં બેસીને શૂટિંગ કરવા જઈ રહેલા રાજ કપૂર.


‘We must take adventure in order to know where we truly belong.’

અવતરણ (Quotation)ની  મજા એ છે કે એક નાનું વાક્ય ઉપનિષદની ગરજ સારે છે. જાતને ઓળખવી હોય તો જોખમ લેવું પડે. જેને આપણે જોખમ માનીએ, એને સાહસ ગણીએ તો જીવનનું પ્રયોજન જડી જાય. ક્યાંક વાંચ્યું હતું, Jobs fill pocket, adventure fills soul.  જીવનની સાચી શરૂઆત આપણા ‘કમ્ફર્ટ ઝોન’માંથી બહાર નીકળીએ ત્યારે જ થતી હોય છે. આઉટડોર શૂટિંગ જેમનું પૅશન હતું એવા રાજ કપૂરે નાદુરસ્ત તબિયત હોવા છતાં હિમાલયમાં શૂટિંગ કરવાનું સાહસ કર્યું. 



‘રામ તેરી ગંગા મૈલી’ માટે હિમાલયમાં ગંગાના ઉદ્ગમસ્થાન ગંગોત્રી અને આજુબાજુના બરફ આચ્છાદિત પહાડો પર શૂટિંગ કરવાનો રાજ કપૂરનો નિર્ણય કેવળ તેમના  માટે જ નહીં, પૂરા યુનિટ માટે એક મોટો પડકાર હતો. લગભગ ૧૩,૦૦૦ ફીટની ઊંચાઈ પર ઑક્સિજનની અછતને કારણે સ્વસ્થ વ્યક્તિ માટે પણ શૂટિંગ કરવું એક મુશ્કેલ કામ હતું; પરંતુ રાજ કપૂર એ માટે તન, મન, ધન કુરબાન કરવા તૈયાર હતા. 
તેમની આદત હતી કે દિમાગમાં જે કંઈ નવા વિચારો આવે એના પર કામ કરવાનું શરૂ કરી દે. એ દિવસોમાં ફુરસદના સમયમાં રાજ કપૂર ‘રિટાયર્ડ આર્મી મૅન’ મેજર અશોક કૌલે     લખેલી ‘પરમ વીર ચક્ર’ નામની  સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા હતા. પ્રોડક્શન કન્ટ્રોલરની ગેરહાજરીમાં તેમણે આઉટડોર શૂટિંગની પૂરી જવાબદારી મેજરના હાથમાં સોંપી અને યુદ્ધના ધોરણે શૂટિંગની તડામાર શરૂઆત થઈ.  


આમ નવા અને વર્ષો જૂના અનુભવી રાધુ કરમાકર (સિનેમૅટોગ્રાફર), અલાઉદ્દીન (સાઉન્ડ રેકૉર્ડિસ્ટ), કલા ચંદ્ર (અસિસ્ટન્ટ ડિરેક્ટર) અને બીજા અનેક ટેક્નિશ્યન્સનો મોટો રસાલો ‘હિમાલયન ઍડ્વેન્ચર’ માટે રવાના થયો. રાજ કપૂરની નાજુક તબિયતને કારણે અને સાથે-સાથે કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો માણવા માટે પૂરો પરિવાર શૂટિંગમાં સામેલ હતો. જોકે પરિવાર ‘બેઝ કૅમ્પ’થી આગળ ન ગયો. ગંગોત્રીમાં રહેવું અને શૂટિંગ કરવું એ કાચાપોચાનું કામ નહોતું. 

એક ફિલ્મમેકર તરીકે રાજ કપૂરની ‘પૅશન’ને કેવળ દાદ નહીં, સલામ કરવી જોઈએ. કાતિલ ઠંડી, ઑક્સિજનની અછત, શ્વાસની તકલીફ અને કથળતી તબિયત; બધી હાલાકીઓને  અવગણીને રાજ કપૂરે શૂટિંગ કર્યું. સાંકડી કેડી  પર ચાલતાં જો એક પગલું ચૂકી જવાય તો ઊંડી ખીણમાં પાડવાનો ભય સતત માથે મંડરાતો હોય ત્યારે ભલભલાના હાજાં ગગડી જાય. એ ઉપરાંત રહેવાની, ખાવાપીવાની, કુદરતી હાજતની અગવડ જેવાં અનેક કારણોસર આ શૂટિંગ ભારતીય ફિલ્મોના ઇતિહાસમાં એક ‘માઇલસ્ટોન અચીવમેન્ટ’ તરીકે હંમેશાં યાદ રહેશે (૨૫  વર્ષ પહેલાં અમરનાથની યાત્રા દરમ્યાન હિમાલયમાં ગાળેલી ત્રણ રાત અત્યારે યાદ આવે છે ત્યારે ઘરમાં બેસીને હૂંફાળા વાતાવરણમાં આર્ટિકલ લખતાં શરીરમાંથી ઠંડીનું લખલખું પસાર થઈ જાય છે).  
રાજ કપૂર હાંફતા-હાંફતા, ઉધરસ ખાતા, સતત ઑક્સિજન લેતા કામ કરતા રહ્યા. હિન્દી ફિલ્મોમાં ભાગ્યે જ ફિલ્માંકન થયું હોય એવાં અનેક નયનરમ્ય દૃશ્યોનું શૂટિંગ તેમણે કર્યું. અફસોસ કે તેમની આ મહેનતની ઇન્ડસ્ટ્રીમાં કોઈએ નોંધ નથી લીધી. હા, ઈશ્વરે તેમના આ કમિટમેન્ટને જરૂર બિરદાવ્યું. પૂરા શૂટિંગ દરમ્યાન તેમને અને યુનિટમાં રાધુ કરમાકર  સિવાય બીજા કોઈ વ્યક્તિને મોટી તકલીફ ન થઈ. રાધુ કરમાકરને શ્વાસની તકલીફ અને બીજાં કારણોસર સતત નાકમાંથી લોહીની ધાર નીકળતી. તેમને તાબડતોડ બેઝ કૅમ્પ મોકલવામાં આવ્યા અને સારવાર શરૂ કરવામાં આવી. લગભગ દોઢ  મહિનો શૂટિંગ ચાલ્યું. રાજીવ કપૂર અને મંદાકિનીનાં ઉત્કટ પ્રણય દૃશ્યો, ગીતો, ફાઇટ સીક્વન્સ અને બીજાં અગત્યનાં દૃશ્યો સાથે હિમાલયના પહાડોનું અદ્ભુત સૌંદર્ય કૅમેરામાં કેદ કરીને રાજ કપૂર હેમખેમ મુંબઈ પહોંચ્યા. 


રાજ કપૂરની ફિલ્મ કેવળ રાજ કપૂરના નામે જ વેચાય છે એ વાત નિર્વિવાદ હતી. મુંબઈ આવ્યા બાદ ડિસ્ટ્રિબ્યુટર્સ અને પ્રેસ, રાજ કપૂરને મળવા ઉતાવળા હતા. આ તરફ રાજ કપૂરના પેટનું પાણી હલતું નહોતું. કેવળ જૂના નહીં, નવા ડિસ્ટ્રિબ્યુટર્સ પણ રાજ કપૂરની ફિલ્મના રાઇટ્સ લેવા માટે અધીરા થયા હતા. થોડો સમય દરેકને રાહ જોવડાવ્યા બાદ રાજ કપૂરે ફિલ્મ માટે અધધધ કિંમત માગી અને તેમને એ મળી પણ ખરી. 

રાજ કપૂરના પારિવારિક મિત્ર અને પત્રકાર બની રૂબેન કહે છે. ‘મોંમાગી કિંમત મળ્યા બાદ રાજસા’બે ફિલ્મની પબ્લિસિટી બાબત મારી સાથે ચર્ચા કરતાં કહ્યું કે પૂરું ફોકસ મંદાકિની પર હોવું જોઈએ. ફિલ્મમાં (પુત્ર) રાજીવ કપૂર હોવા છતાં તેમનું માનવું હતું કે મંદાકિનીનું પાત્ર વધારે મહત્ત્વનું છે એટલે એ બાબત કોઈ પણ જાતની બાંધછોડ ન થવી જોઈએ. ‘સત્યમ શિવમ સુંદરમ’ સમયે ઝીનત અમાનનાં અર્ધનગ્ન દૃશ્યોને કારણે પ્રેસમાં ફિલ્મને નેગેટિવ પબ્લિસિટી મળી હતી. એટલે રાજ કપૂરે મને તાકીદ કરી કે આ વખતે મંદાકિનીના એવા ફોટોગ્રાફ્સ પ્રેસના હાથમાં ન જવા જોઈએ. 
જોકે પ્રેસમાં એ વાતની ખૂબ ચર્ચા હતી કે રાજ કપૂરે મંદાકિનીનાં સ્નાન દૃશ્યોનું ખૂબ કલાત્મક રીતે ફિલ્માંકન કર્યું છે. દરેક રિપોર્ટર મારી પાસે આવીને કહેતો કે અમને સંપૂર્ણ વસ્ત્રોથી ઢંકાયેલી મંદાકિનીના ફોટોગ્રાફ્સને બદલે પાણીના ધોધ નીચે કેવળ સાડી પહેરેલી મંદાકિનીના ફોટોગ્રાફ્સ પબ્લિસિટી માટે જોઈએ છે. એ સિવાય દરેકની માગણી હતી કે અમારે રાજ કપૂરનો ઇન્ટરવ્યુ લેવો છે. 

થોડો સમય પત્રકારોને ટટળાવ્યા બાદ મેં એક મહિલા પત્રકાર સાથે રાજ કપૂરની મુલાકાત નક્કી કરી અને એમાં જ મોટી ગરબડ થઈ. એ ઇન્ટરવ્યુ મોટી આફત બની ગયો. આજ સુધી એવું બનતું કે સ્વ. એસ. એસ. પિલ્લે (‘સ્ક્રીન’ના એડિટર), પંડિત શિમપી—shimpi (વિખ્યાત ફિલ્મ કૉલમનિસ્ટ), બહેરામ કૉન્ટ્રૅક્ટર (જાણીતા કૉલમનિસ્ટ) અને બીજા સિનિયર પત્રકારો રાજ કપૂરનો ઇન્ટરવ્યુ લેતા. તેઓ કોઈ પણ જાતની ગૉસિપ ઉમેર્યા વિના જવાબદારીથી રિપોર્ટિંગ કરતા. થોડા સમયથી ‘સ્ટારડસ્ટ’ જેવા મૅગેઝિનને કારણે ફિલ્મ પત્રકારિતામાં તથ્યોને બદલે ગપશપને વધુ મહત્ત્વ આપવાનું શરૂ થયું. આ પ્રકારના ઇન્ટરવ્યુ આપવાની રાજ કપૂરની મરજી પણ નહોતી કે નહોતી તૈયારી. 
પેલી મહિલા પત્રકારે રાજ કપૂરને પૂછ્યું કે પદ્મિની કોલ્હાપુરેએ (જેને સો ટકા ખાતરી હતી કે ગંગાનો રોલ મને જ મળશે) તમારા પર ગંભીર આક્ષેપો કરતાં અશોભનીય નિવેદન કર્યાં છે એ વિશે તમારું શું માનવું છે? આ સાંભળતાં જ રાજ કપૂર ધીરજ ખોઈને પદ્મિની માટે ખરી ખોટી બોલવા લાગ્યા. સાચું કહું તો તેમણે વ્યવહારકુશળતા દાખવીને આવા પ્રશ્નોના  ઉત્તર આપવાનું ટાળીને ફિલ્મ વિશે વાત કરવી જોઈતી હતી પરંતુ નવી જનરેશનની મોઢામાં આંગળાં ઘાલીને વાતનું વતેસર કરવાની જાળમાં તે ફસાઈ ગયા. મગજ ગુમાવીને તેમણે ત્યાં સુધી કહ્યું કે ‘પ્રેમ રોગ’માં તેનો રોલ એવો હતો જેમાં તેના પર બળાત્કાર થાય છે. હવે આ ફિલ્મમાં એક કુંવારી અક્ષત કન્યાનો રોલ તેને આપું તો ઑડિયન્સ સ્વીકારે જ નહીં. આ સિવાય તેમણે બીજાં નિવેદન કર્યાં જે જરૂરી નહોતાં. 
એ દિવસે મેં નક્કી કર્યું હતું કે ઇન્ટરવ્યુ સાથે હું મંદાકિનીના કલાત્મક રીતે ફિલ્માંકન થયેલાં સ્નાન દૃશ્યના ફોટો મહિલા પત્રકારને આપીશ. મારા હિસાબે સમય થઈ ગયો હતો કે દુનિયાને ખબર પડવી જોઈએ કે રાજ કપૂર પોતાની ફિલ્મમાં કેટલી ખૂબસૂરતી અને નજાકત સાથે હિરોઇનના સૌંદર્યને રજૂ કરી શકે છે.   
મૅગેઝિન પબ્લિશ થયું અને બે કારણોસર એ ઇન્ટરવ્યુની ખૂબ ચર્ચા થઈ. સામાન્ય જનતા  જ નહીં, ઇન્ડસ્ટ્રીના લોકો પણ એ જોવા ઉત્સુક હતા કે જાણીતાં નામોની ઉપેક્ષા કરીને રાજ કપૂરે કોને પસંદ કરી છે. ધોધ નીચે નહાતી ગંગાની ભીની સાડીમાંથી ઊભરાતું જોબન જોવા હજ્જારો આંખો બેચેન હતી. એ ઉપરાંત રાજ કપૂરે પદ્મિની કોલ્હાપુરે સામે જે બળાપો ઠાલવ્યો એ પણ ચર્ચાનો વિષય બન્યો હતો.
આ તરફ રાજ કપૂર મારા પર ખૂબ ગુસ્સે હતા. કોઈ પણ જાતની શેહશરમ રાખ્યા વિના, શબ્દો ચોર્યા વિના તેમણે મને ખખડાવી નાખ્યો. તેમને ડર હતો કે આ જાતની નેગેટિવ પબ્લિસિટી ફિલ્મને નુકસાન પહોંચાડશે. મેં સમજદારીથી કામ લઈને તેમનો આક્રોશ શાંત થાય ત્યાં સુધી ચૂપ રહેવાનું મુનાસિબ સમજ્યું. મને દુઃખ એ વાતનું હતું કે તેમના જેવા મહાન ફિલ્મમેકર એક પત્રકારની જાળમાં ફસાઈ ગયા.’ 
શું રાજ કપૂરનો ડર સાચો હતો? મંદાકિનીનાં સ્નાન દૃશ્યોના ફોટોગ્રાફ્સ પ્રેસને પબ્લિશ કરવા આપ્યા એ બની રૂબેનની ભૂલ હતી? એ ઇન્ટરવ્યુ ફિલ્મ માટે નુકસાનકારક હતો કે ફાયદાજનક? આ સવાલોના જવાબ આવતા શનિવારે.

 

Whatsapp-channel Whatsapp-channel

07 January, 2023 03:55 PM IST | Mumbai | Rajani Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK