Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > આમિર ખાનની જેમ તમે પણ સંતાનો માટે ઘર કી મુર્ગી દાલ બરાબર છો?

આમિર ખાનની જેમ તમે પણ સંતાનો માટે ઘર કી મુર્ગી દાલ બરાબર છો?

02 May, 2024 10:11 AM IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

ખરી રીતે તો માતા-પિતાના વર્ષોના અનુભવનું, તેમના જ્ઞાનનું ભાથું જ ખરો વારસો છે જે તેઓ તેમનાં સંતાનોને આપવા માગતાં હોય છે; પરંતુ જ્યારે સંતાન એ લેવા જ તૈયાર ન હોય એનાથી મોટું દુઃખ તેમને માટે બીજું કશું હોતું નથી

આમિર ખાન તેના બાળકો સાથે

યે જો હૈ ઝિંદગી

આમિર ખાન તેના બાળકો સાથે


હાલમાં આ​મિર ખાને કહ્યું હતું કે મારાં છોકરાંઓને મારી ગણના નથી, તેઓ મને કશું પૂછતાં નથી કે મારી સલાહ લેતાં નથી. આ પરિસ્થિતિ લગભગ દરેક ઘરની છે. ખરી રીતે તો માતા-પિતાના વર્ષોના અનુભવનું, તેમના જ્ઞાનનું ભાથું જ ખરો વારસો છે; પણ જો એ સંતાનો લેવા જ ન માગતાં હોય તો એ પરિસ્થિતિમાં આજે સમજવાની કોશિશ કરીએ કે ઉપાય શું છે. સફળ માતા-પિતા કઈ રીતે પોતાના સંતાન સુધી પોતાની સમજણ પહોંચાડી શકે

હાલમાં આમિર ખાને એક શોમાં કબૂલ્યું હતું કે તેમનાં બાળકો માટે તે ઘર કી મુર્ગી દાલ બરાબર છે. આમિરનો દીકરો જુનૈદ હવે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનું શરૂ કરવાનો છે ત્યારે તેને પૂછવામાં આવ્યું કે તમે તેને શું સલાહ આપી? ત્યારે આમિરે કહ્યું કે મારાં છોકરાંઓ મને કશું પૂછતાં નથી, મારી સલાહ લેતાં નથી અને જો હું સામેથી કહું તો પણ તો તેઓ મારું સાંભળતાં નથી. આ​મિરની આ વાત દરેક માતા-પિતાને લાગુ પડે છે. આ ઘર ઘર કી કહાની છે. માતા-પિતા ગમે એટલાં સક્સેસફુલ હોય, પરંતુ તેમનાં સંતાનોને તેમની પાસેથી શીખવાની ઇચ્છા નથી હોતી. ખરી રીતે તો માતા-પિતાના વર્ષોના અનુભવનું, તેમના જ્ઞાનનું ભાથું જ ખરો વારસો છે જે તેઓ તેમનાં સંતાનોને આપવા માગતાં હોય છે; પરંતુ જ્યારે સંતાન એ લેવા જ તૈયાર ન હોય એનાથી મોટું દુઃખ તેમને માટે બીજું કશું હોતું નથી. આ પરિસ્થિતિ ઘણી ગંભીર છે અને એટલે જ આજે વિશેષજ્ઞો પાસેથી જાણીએ કે આ પ્રૉબ્લેમનો ઉપાય શું છે? 

તમારા પ્રયાસોનું પ્રતિબિંબ સંતાનના પ્રતિભાવમાં ઝળકશે - કિંજલ પંડ્યા, સાયકોલૉજિસ્ટ




આ તકલીફ માટે ભલે આપણને એવું લાગે કે વાંક બાળકોનો છે, તેમને દેખાતું નથી કે તેમનાં માતા-પિતા આટલાં અનુભવી અને સફળ એમનેમ નથી થયાં. હકીકત પણ એ જ છે કે તેઓ જો માતા-પિતાનો અનુભવ કે તેમની સલાહ નહીં માને તો નુકસાન તેમનું જ છે, પરંતુ તેમને આ માટે કેમ મનાવવાં એ પણ માતા-પિતાના હસ્તક જ છે. આજનાં ૧૨થી ૨૦ વર્ષ સુધીનાં બાળકોમાં જિજ્ઞાસા પ્રગટે એ પહેલાં જ તેમના હાથમાં માહિતીનો ખડકલો હોય છે એટલે તેમને ઇચ્છા નથી થતી માહિતી કે સલાહ એકઠી કરવાની, પરંતુ અહીં સમજવા જેવી વાત એ છે કે તેમને જો કોઈ ઇન્ફ્લુએન્સર કે મિત્રની સલાહ જોઈતી હોય તો આત્મમંથન તો કરવું જ રહ્યું કે આવું કેમ છે? મિત્ર કે તેમનો ઓળખીતો તેમને ક્યારેય જજ નથી કરતો. એટલે તેમની સલાહ તેમને કઠતી નથી. તેમની સલાહમાં મોકળાશ છે, ફરજિયાતપણું નથી. જે માતા-પિતાએ પોતાની વાત સંતાન સુધી પહોંચાડવી છે તેમની પાસે રસ્તો એ જ છે કે તેઓ સંતાનને આમ જ કરવું જોઈએ કે આમ જ કરવું પડશે એમ ન કહે, પરંતુ એને બદલે આમ કરીએ તો કદાચ સારું થાય, તને શું લાગે છે એમ પૂછે તો સંતાન મોકળાશ અનુભવશે અને સલાહનો સ્વીકાર કરશે. 


ઘણી વખત એવો પ્રશ્ન થઈ આવે છે કે માતા-પિતા અને બાળકોના પ્રશ્નોમાં આજની તારીખે બધાં માતા-પિતાને જ કેમ સલાહ આપ્યા કરે છે, પરંતુ સાચું કહું તો આ સંબંધ જ એવો છે જેમાં નાનપણથી તમે સંતાનને કેવું ઘડ્યું છે એના પર ઘણું બધું નિર્ભર કરે છે. તમારા તરફથી જે પ્રયાસ થઈ રહ્યા છે એનું જ પ્રતિબિંબ તમને સંતાનના પ્રતિભાવમાં જોવા મળશે એનું ખાસ ધ્યાન રાખો.

બાપ -દીકરા તેમ જ બૉસ -કર્મચારીના સંબંધોને મિક્સ ન કરવા - ડૉ. મીતા દીક્ષિત, ફૅમિલી બિઝનેસ ઍડવાઇઝર



મારી પાસે ઘણા એવા ક્લાયન્ટ આવે છે જેમાં બિઝનેસ એક જ હોય, બાપે એટલો આગળ વધાર્યો હોય અને દીકરો એ જૉઇન પણ કરે, પરંતુ એ બાપનો બિઝનેસ ચલાવવા માટે તેને બાપની સલાહ ન ખપે. તે કહેશે કે મને મારી રીતે બિઝનેસ ચલાવવા દ્યો. હવે આમાં ક્યારેક તકલીફ એ થાય છે કે દીકરાના આઇડિયા બધા નવા હોવાના, જે બાપને જો ન ગમે તો ડખળ થાય. એવું પણ હોય કે અનુભવને કારણે પિતાને ખબર હોય કે આના આઇડિયા ચાલવાના નથી અને નુકસાન થશે. તકલીફ એ છે કે મહામહેનતે ઊભો કરેલો બિઝનેસ બાપ પોતાની આંખ સામે ડૂબતો જોઈ ન શકે અને એવું પણ બને કે દીકરાનો આઇડિયા ખૂબ સારો હોય, પણ બાપ સમજી જ ન શકતો હોય. આ બન્ને પરિસ્થિતિમાં બિઝનેસનું અને સંબંધોનું નુકસાન ન થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. તકલીફ ત્યાં છે કે બાપ બિઝનેસમાં દીકરાનો બૉસ છે. દીકરાને પૈસા બૉસ પાસેથી નહીં, બાપ પાસેથી જોઈતા હોય છે. તમે મારા પિતા થઈને આટલો વિશ્વાસ નથી રાખી શકતા અને બાપને અપેક્ષા છે કે દીકરો એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે પણ તેની સાથે વર્તન એ દીકરો સમજીને કરતા હોય છે.

કોઈ પણ કર્મચારીની કાબેલિયત પર વિશ્વાસ કરી શકે, પરંતુ દીકરાની નહીં. એનું વચગાળાનું સૉલ્યુશન એ છે કે બાપે હંમેશાં દીકરા સાથે અને બૉસે હંમેશાં તેના કર્મચારી સાથે વાત કરવાની. બન્ને સંબંધોને મિક્સ ન કરવા. અમુક ટકા પૈસાનું રોકાણ થાય અને રિસ્ક ઓછું હોય એ રીતે થાય એ બધા માટે હિતાવહ છે એ સમજદારી કેળવવાની. આમાં જો દીકરાનો આઇડિયા ન ચાલ્યો, નુકસાન થયું તો તેને સમજાશે કે પપ્પાની વાત માનવાની હતી. એ સમયે તેને રિયલાઇઝ થશે, પણ પિતા તરીકે વ્યક્તિએ તેને સાથ આપવો જોઈએ. બને કે તેનો આઇડિયા ખૂબ સારો નીકળે અને નફો થાય તો એ સમયે તેને વખાણો અને બિરદાવો. આ બન્ને પરિસ્થિતિમાં તમારું વર્તન એવું છે કે એ નક્કી બીજી વખત તમારી પાસે સલાહ માટે કે શૅરિંગ માટે આવશે જ. 

સંતાનને પર્ફેક્ટ બનાવવા કરતાં સંબંધ પર્ફેક્ટ બનાવો તો ફાયદો થશે - દીપ્તિ સાવલા ગાલા, પેરન્ટિંગ કોચ


માતા-પિતા અને સંતાન વચ્ચેનો સંબંધસેતુ ચાર સ્તંભ પર નિર્ભર હોય છે: માન, પ્રેમ, કાળજી અને વિશ્વાસ. નાનપણથી તમારે આ ચારેય સ્તંભને જડથી રોપીને મજબૂત કરવા ખૂબ જ જરૂરી છે. આ સ્તંભ જેટલા કાચા એટલી તમારા સંબંધોમાં તિરાડ પડતી રહેવાની. આમાં એવું છે કે તમે તમારા ઇમોશનલ અકાઉન્ટમાં કશું ઉમેરતા જ નથી અને એન્કૅશ જ કરતા રહો તો એ એક દિવસ ખાલી થઈ જવાનું છે. આજનાં બાળકો ઘણાં હોશિયાર છે. તેમને માતા-પિતાની સલાહ કરતાં તેમના સાથની જરૂર વધુ રહે છે. આ સત્ય સ્વીકારીને ચાલવું અનિવાર્ય છે છતાં જ્યારે તમે તમારા સંતાનના મિત્ર બનીને રહેશો, તેની જોડે પેટછૂટી વાત કરતા થશો, તમારો ઈગો છોડીને તેની ઇચ્છા અને તેની વાતને પણ માન આપતાં શીખશો તો તે સાંભળશે. 

જે માતા-પિતાને એવું છે કે છોકરાઓને જેમ કીધું છે એમ તે આંખ બંધ કરીને કરી દે તો એ આજની તારીખે શક્ય નથી. તેને સલાહ ન આપો. નાનપણથી તેની જોડે તમારો એક સ્ટ્રૉન્ગ બૉન્ડ હશે તો એ તમારા આંખના ઇશારાથી પણ બધું સમજી જશે. આમ તેને પર્ફેક્ટ બનાવવા કરતાં તમારા બન્ને વચ્ચેનો સંબંધ પર્ફેક્ટ બનાવો. એનાથી વધુ ફાયદો થશે. દરેક બાબતનાં સારાં અને નબળાં પાસાંઓ તેમની સામે મૂકીને તેને જ નિર્ણય લેવાનું કહો. તમારું કામ પથદર્શકનું છે. ચાલવાનું તો તેણે જ છે. 


Whatsapp-channel Whatsapp-channel

02 May, 2024 10:11 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK