Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > અસવાર વગરનો કાળો ઘોડો આજેય ઊભો છે મુંબઈમાં

અસવાર વગરનો કાળો ઘોડો આજેય ઊભો છે મુંબઈમાં

10 June, 2023 04:22 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

કાળા ઘોડા વિસ્તાર અને અહીં જ થતો ફેસ્ટિવલ તો લોકજીભે ચડેલું નામ છે પરંતુ એની પાછળ કયો ઘોડો હતો અને એ ઘોડાનું સ્થાન કોણે લીધું એની વાતો પણ રસપ્રદ છે

અસલી કાળા ઘોડા પર આરૂઢ પ્રિન્સ ઑફ વેલ્સ (ડાબે) અને રાણી બાગમાં રાજકુમાર.

ચલ મન મુંબઈનગરી

અસલી કાળા ઘોડા પર આરૂઢ પ્રિન્સ ઑફ વેલ્સ (ડાબે) અને રાણી બાગમાં રાજકુમાર.


અંગ્રેજ રાજવટ દરમ્યાન મુંબઈમાં પૂતળાં તો ઘણાં ઊભાં થયાં પણ ‘દેશી’ લોકોના મનમાં આજ સુધી જેનો વાસ રહ્યો હોય એવું પૂતળું તે કિયું? પૂતળું હતું ત્યારે અને એ ખસેડાયું એ પછી પણ છેક આજ લગી એક આખો વિસ્તાર એ પૂતળાથી ઓળખાય છે : ‘કાળા ઘોડા’. અંગ્રેજ સરકાર માટે ઘોડો મહત્ત્વનો નહોતો, એના પર બેઠેલો અસવાર મહત્ત્વનો હતો. પણ આપણા લોકોના મનમાં વસી ગયો એ કાળો ઘોડો, એના પર આરૂઢ થયેલો અસવાર નહીં. પણ એ અસવાર હતો કોણ? પ્રિન્સ ઑફ વેલ્સ, જે પછીથી થયા હતા સાતમા કિંગ એડ્વર્ડ. જન્મ ૧૮૪૧માં, અવસાન ૧૯૧૦માં. ૧૮૧૯માં જન્મેલાં રાણી વિક્ટોરિયાનો શાસનકાળ ૧૯૦૧માં તેમના અવસાન સાથે પૂરો થયો. એટલે પ્રિન્સ ઑફ વેલ્સ છેક ૧૯૦૧માં રાજગાદી પર બેઠા હતા. ૧૯૧૦ના મે મહિનાની છઠ્ઠી તારીખે તેમનું અવસાન થયું. આ પ્રિન્સ ઑફ વેલ્સે ૧૮૭૫ના નવેમ્બરની આઠમી તારીખે મુંબઈના અપોલો બંદર પર પગ મૂક્યો હતો. એ વખતે હજી આઉટડોર ફોટોગ્રાફી પ્રચલિત થઈ નહોતી એટલે રસાલામાં કેટલાક ચિતારા રાખવામાં આવેલા જેમણે શાહી મુલાકાતનાં અનેક ચિત્રો દોરેલાં. એમાંનું એક ચિત્ર અહીં મૂક્યું છે. મુંબઈમાં અને હિન્દુસ્તાનમાં જ્યાં-જ્યાં ગયા ત્યાં-ત્યાં તેમનું ભવ્ય સ્વાગત થયું પણ ૧૯૨૧માં તેમના અનુગામી (જે પછીથી આઠમા કિંગ એડ્વર્ડ બનેલા) મુંબઈ આવ્યા ત્યારે આખું વાતાવરણ બદલાઈ ગયું હતું. કૉન્ગ્રેસે તેમની મુલાકાતનો બહિષ્કાર જાહેર કર્યો હતો એટલે મુંબઈના રસ્તાઓ પરથી તેમની શાહી સવારી નીકળી ત્યારે રસ્તા સૂમસામ હતા. સરકારી દબદબો તો કદાચ વધુ હતો, પણ લોકોની હાજરી સાવ પાંખી હતી. 
અને છતાં મુંબઈગરા લાંબા વખત સુધી પ્રિન્સને ભૂલ્યા નથી. લશ્કરી યુનિફૉર્મમાં કાળા રંગના ઘોડા પર બેઠેલા પ્રિન્સનું ભવ્ય પૂતળું હાલના દાદાભાઈ નવરોજી રોડ, મહાત્મા ગાંધી રોડ અને રામપાર્ટ રૉના જંક્શન પર, પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમના મુખ્ય પ્રવેશદ્વારની બરાબર સામે મૂકવામાં આવ્યું હતું. આ પૂતળું હતું તો કાંસાનું, પણ એને કાળા રંગે એવી રીતે રંગવામાં આવેલું કે એ જાણે કાળા આરસનું બનેલું હોય એવું લાગતું હતું. ઑસ્ટ્રિયન મૂળના અંગ્રેજ શિલ્પકાર સર જોસેફ બોમે (૧૮૩૪-૧૮૯૦) આ પૂતળું તૈયાર કર્યું હતું. પૂતળાં બનાવવા ઉપરાંત તેઓ સિક્કા કે મેડલ પરની ડિઝાઇન બનાવવા માટે પણ ખૂબ જાણીતા હતા.૧૮૮૭માં રાણી વિક્ટોરિયાની તાજપોશીને ૫૦ વરસ પૂરાં થયાં ત્યારે બહાર પડાયેલા સિક્કા માટે તેમણે તૈયાર કરેલી ડિઝાઇન સૌથી વધુ જાણીતી છે. લંડનમાં આ પૂતળું તૈયાર કરવાનો ખરચ ૧૨,૫૦૦ રૂપિયા (ના જી, છાપભૂલ નથી, સાડાબાર હજાર રૂપિયા ફક્ત) આવ્યો હતો. ત્યાંથી હિન્દુસ્તાન લાવ્યા પછી ૧૮૭૯ના જૂનની ૨૯મી તારીખે મુંબઈના એ વખતના ગવર્નર સર રિચર્ડ ટેમ્પલે એને ખુલ્લું મૂક્યું હતું.

અને હા, આ સાડાબાર હજાર રૂપિયા બ્રિટિશ સરકારે નહોતા ખર્ચ્યા પણ એ જમાનાના પ્રખ્યાત દાનવીર સર આલ્બર્ટ સાસૂને મુંબઈ શહેરને આ પૂતળું ભેટ આપ્યું હતું. આ સાસૂન કુટુંબ બગદાદી જ્યુ હતું અને કપાસ અને અફીણના વેપારમાં માલેતુજાર થયું હતું. કાળા ઘોડા વિસ્તારમાં જ આવેલી મુંબઈની એક અગ્રણી લાઇબ્રેરી સર ડેવિડ સાસૂન લાઇબ્રેરી પણ એની જ દેણ. કોલાબા વિસ્તારમાં આવેલો સાસૂન ડૉક પણ તેમણે બંધાવેલો. પુનાની સાસૂન જનરલ હૉસ્પિટલ પણ આ કુટુંબની સખાવતનું પરિણામ. ભાયખલાનું મ્યુઝિયમ, ગેટવે ઑફ ઇન્ડિયા, બૅન્ક ઑફ ઇન્ડિયા, મસીના હૉસ્પિટલ વગેરે ઊભાં કરવામાં પણ તેમનો ફાળો. 



આ કાળા ઘોડા વિસ્તાર એટલે શિક્ષણ, સંસ્કાર, સંસ્કૃતિનું કેન્દ્ર. મુંબઈની પહેલવહેલી કૉલેજ એલ્ફિન્સ્ટન કૉલેજ આજે અહીં આવેલી છે. ગોળાકાર મકાનમાં આવેલી એક વખતની રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, જેને ભોંયતળિયે આવેલો હતો જાજરમાન સર કાવસજી જહાંગીર હૉલ. સંગીત, નૃત્ય, નાટકના પ્રયોગો આ હૉલમાં થતા. પ્રવીણચંદ્ર રૂપારેલ સંચાલિત પ્રવૃત્તિ 
સંઘ દર વરસે આ જ હૉલમાં કવિ સંમેલન/મુશાયરાનું આયોજન કરતો. તો સામી બાજુ મ્યુઝિયમ અને જહાંગીર આર્ટ ગૅલરી. 


પણ ચડતી પછી પડતી. બીજાં બ્રિટિશ પૂતળાંની સાથે ‘કાળા ઘોડા’ને પણ એની જગ્યાએથી ઉખેડીને ભાઉ દાજી લાડ મ્યુઝિયમમાં ધકેલી દીધું. વિધિની વક્રતા તો જુઓ! બ્રિટિશ રાજવટ દરમ્યાન બંધાયું ત્યારે એનું નામ હતું વિક્ટોરિયા ઍન્ડ આલ્બર્ટ મ્યુઝિયમ અને હવે રાણી વિક્ટોરિયાના આ અનુગામીને જગ્યા મળી એ જ મ્યુઝિયમની પાછળના કમ્પાઉન્ડમાં. પણ હવે આ પૂતળું એકલું-અટૂલું નથી, બીજા ઘણા બ્રિટિશરોનાં પૂતળાં ત્યાં એને કંપની આપી રહ્યાં છે. સત્તાવાળાઓ કાળા ઘોડાને તો એની જગ્યાએથી ખસેડી શક્યા પણ મુંબઈગરાના મનમાંથી ખસેડી શક્યા નહીં. આજ સુધી લોકોની જીભ પર રમતું નામ એ તો કાળા ઘોડા જ. 


નવું પૂતળું: ઘોડો રહ્યો, અસવાર ગાયબ! 

પછી શરૂ થયો કાળા ઘોડા આર્ટ ફેસ્ટિવલ. એણે પણ ચડતી-પડતી જોઈ, અદાલતોનાં પગથિયાં ઘસ્યાં. કેટલાકના મનમાં વિચાર ઘોળાવા લાગ્યો : આ આપણે  બધા ‘કાળા ઘોડા, કાળા  ઘોડા’ કરીએ છીએ પણ અહીં કાળો, ધોળો કે બીજા કોઈ રંગનો ઘોડો તો છે જ નહીં. એને પાછો લાવવો જોઈએ. પણ અસલ પ્રિન્સ ઑફ વેલ્સવાળા ઘોડાને પાછો લાવવાનું તો નહોતું યોગ્ય, નહોતું શક્ય. એટલે અહીં અસવાર વગરના એક કાળા ઘોડાનું પૂતળું મૂકવાનું નક્કી થયું. અને ૨૦૧૭માં મૂળ પૂતળાની જગ્યાથી થોડે દૂર કાળા ઘોડાનું નવું પૂતળું મૂકવામાં આવ્યું. કાળા ઘોડા અસોસિએશને એ માટેની જરૂરી રકમ ઊભી કરી. ૨૫ ફીટ ઊંચું આ પૂતળું શિલ્પકાર શ્રીહરિ ભોસલેએ બનાવ્યું. અલબત્ત, કેટલાક લોકો માને અને કહે છે કે અસવાર વગરના ઘોડાનું પૂતળું મૂકવાનો કશો અર્થ નથી, કારણ કે જેના નામ પરથી આ વિસ્તારનું નામ પડ્યું એ અસલ પૂતળું કાંઈ ઘોડાનું સ્મારક નહોતું; પ્રિન્સ ઑફ વેલ્સનું સ્મારક હતું. કાળા ઘોડાની સામે આવેલા મ્યુઝિયમ સાથે પ્રિન્સ ઑફ વેલ્સનું નામ જોડાયું હતું. બીજાં ઘણાં અંગ્રેજ નામોની જેમ આઝાદી પછી એ મ્યુઝિયમનું નામ બદલીને છત્રપતિ શિવાજી મહારાજ વસ્તુ સંગ્રહાલય કરવામાં આવ્યું. 
lll

‘કંપની સરકારે મુંબઈમાં સૌથી પહેલું પૂતળું કોનું મૂકેલું એ તો જાણવા મળ્યું નથી પણ કૉટન ગ્રીન વિસ્તારનાં બે પૂતળાં વિશેની માહિતી મળે છે. આ પૂતળાં કદાચ મુંબઈમાંનાં પહેલવહેલાં બ્રિટિશ પૂતળાં.’ ગયા શનિવારે પ્રગટ થયેલા આ શબ્દો લખતી વખતે ખાતરી નહોતી, પહેલવહેલા પૂતળા વિશે. પણ જેમ માણસ ખરજવું ખણ્યા કરે એમ આવી વાતોનું સમાધાન ન થાય ત્યાં સુધી મન એને વલૂર્યા કરે. અને હકીકત ખાતરીપૂર્વક જાણવા મળે પછી જ જીવને ટાઢક થાય. આ રીતે જાણવા મળેલી થોડી વાતો : કૉર્નવાલિસનું પૂતળું બનાવવાનો ખરચ એ જમાનામાં પાંચ હજાર પાઉન્ડ જેટલો આવ્યો હતો. જોકે હકીકતમાં એક નહીં, પણ પૂતળાં ત્રણ હતાં! એક કૉર્નવાલિસનું, એની બંને બાજુએ એક-એક પૂતળું – એક વિઝડમ કહેતાં ડહાપણનું, બીજું ઇન્ટિગ્રિટી કહેતાં વફાદારીનું. કેટલાંક વરસ ગોદામની હવા ખાધી. ૧૮૨૪ના ઑક્ટોબરની ૧૪મી તારીખે આ પૂતળાને કૉટન ગ્રીન ખાતે ઊભાં કરવાનું કામ શરૂ થયું. એ કામ ક્યારે પૂરું થયું એ તો હજી નથી જણાયું પણ જેવું આ પૂતળું ખુલ્લું મુકાયું કે તરત એક સાવ અણધારી બાબત બની. સવાર-સાંજ લોકો આ પૂતળાનાં દર્શન કરવા આવવા લાગ્યા. કોઈ દીવા-અગરવાટ કરે, કોઈ હાર પહેરાવે, અરે કોઈ તો ચંદન કે સિંદૂરનો લેપ પણ કરે! કારણ કે મુંબઈના એ વખતના લોકો દેવ-દેવીની મૂર્તિપૂજાથી ટેવાયેલા પણ આવા હાડચામના માનવીનાં પૂતળાંથી ટેવાયેલા નહીં. ચોંકેલા સત્તાવાળાઓએ પહેલાં તો આવું કશું જ ન કરવું એમ જણાવતું પાટિયું મરાઠી અને ગુજરાતીમાં લગાડ્યું. પણ વાંચે કોણ? અને એ વખતે વાંચી-લખી શકતા હતાય કેટલા? એટલે પછી ત્યાં ચોકીદાર બેસાડ્યો જે આવી ‘પૂજા’થી પૂતળાનું રક્ષણ કરતો! તોય ઘણા વખત સુધી લોકો થોડે દૂર ઊભા રહીને હાથ જોડતા કે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા!

મુંબઈના બારામાં પ્રિન્સ ઑફ વેલ્સનું આગમન દર્શાવતું ચિત્ર.

બીજી એક વાત : પૂતળાં કે તૈલચિત્રો વિશે હુંસાતુંસી આજે જ થાય છે એવું નથી. અંગ્રેજોનાં પૂતળાં કે તૈલચિત્રો વિશે અંગ્રેજોમાં પણ થતી. જૉન પીટર ગ્રાન્ટ (૧૭૭૪-૧૮૪૮) ૧૮૧૨થી ૧૮૨૬ સુધી બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય હતા. એ પછી ૧૮૨૭થી ૧૮૩૦ સુધી તેઓ મુંબઈની ‘સુપ્રીમ કોર્ટ’માં જજ હતા. તેમણે મુંબઈ છોડ્યું એ પછી અદાલતમાં તેમનું તૈલચિત્ર મૂકવાનું નક્કી થયું. એ ચિત્ર તૈયાર થઈને ૧૮૩૩ના ડિસેમ્બરની ત્રીજી તારીખે મુંબઈ આવ્યું. પણ એ વખતના ચીફ જસ્ટિસ સર હર્બર્ટ કૉમ્પટને એ ચિત્ર અદાલતમાં ક્યાંય પણ મૂકવાની મંજૂરી ન આપી. હવે? નાખો ગોડાઉનમાં. છેક ૧૮૯૨માં સર ચાર્લ્સ સાર્જન્ટ ચીફ જસ્ટિસ બન્યા ત્યારે તેમણે પોતાની બેઠકની બરાબર સામે એ ચિત્ર મુકાવ્યું! તો જેમના પરથી ‘કર્નાક બંદર’ નામ પડ્યું એ સર જેમ્સ કર્નાકનું પૂતળું ૧૮૪૬માં મુંબઈ આવ્યું. પૅકિંગ પણ ખોલ્યા વગર તેને ટાઉન હૉલ ધકેલી દેવામાં આવ્યું. ત્યાં દાદરની નીચે એ ખોખું પૂરાં છ વરસ પડ્યું રહ્યું! 
પણ પછી સફાઈ કરતી વખતે ‘અકસ્માત’ એની ભાળ મળી! આના પરથી એક વાત સાબિત થાય છે : જેમ કાગડા બધે કાળા એમ સરકારી ગતિ બધે ગોકળ ગાયની! 
lll

પ્રિય વાચક : ૨૦૧૯ના જુલાઈની ૧૩મી તારીખે શરૂ થયેલી મુંબઈની આપણી સહિયારી સફરનું આજે આ ૨૦૦મું પગલું છે. આ સફરમાં સતત સાથ આપનાર સૌ વાચક-મિત્રોનો આભારી છું. ગુજરાતી ‘મિડ-ડે’ના તંત્રી બાદલ પંડ્યા અને તેમના સાથીઓના સાથ-સહકાર વગર આ સફર શક્ય જ ન બની હોત. એટલે તેમનો સવિશેષ આભારી છું અને આજે આ ૨૦૦મો હપ્તો પૂરો કરતી વખતે મનમાં એક ગીતના શબ્દો ગુંજી રહ્યા છે : ‘થંભો ના, હે ચરણ ચલો.’

Whatsapp-channel Whatsapp-channel

10 June, 2023 04:22 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK