Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > બજેટ પછીનું બજારઃ ના કોઈ ઉમંગ (ઉત્સાહ) હૈ, ના કોઈ તરંગ (ટ્રિગર) હૈ!

બજેટ પછીનું બજારઃ ના કોઈ ઉમંગ (ઉત્સાહ) હૈ, ના કોઈ તરંગ (ટ્રિગર) હૈ!

15 July, 2019 09:06 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ
શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

બજેટ પછીનું બજારઃ ના કોઈ ઉમંગ (ઉત્સાહ) હૈ, ના કોઈ તરંગ (ટ્રિગર) હૈ!

બજેટ પછીનું બજારઃ ના કોઈ ઉમંગ (ઉત્સાહ) હૈ, ના કોઈ તરંગ (ટ્રિગર) હૈ!


બજેટની જાહેરાત બાદ નવા સપ્તાહના પ્રથમ દિવસની જે ધારણા હતી એ સાચી પડી, માર્કેટ કડાકા સાથે તૂટતું ગયું. ગયા સોમવારે સતત ઘટતું રહેલું બજાર અંતમાં સેન્સેક્સના 793 પૉઇન્ટ અને નિફ્ટીના 247 પૉઇન્ટના ઘટાડા સાથે બંધ થયું હતું. સુપર રિચ વર્ગ પર સરચાર્જ, પબ્લિક હોલ્ડિંગ વધારવાની દરખાસ્ત, ફૉરેન ઇન્વેસ્ટરો પર પણ ટૅક્સ બોજ વધવાના મુદ્દે માર્કેટમાં તેમની આક્રમક વેચવાલી હતી. સરકાર સોમવારે આ વિષયમાં સ્પષ્ટતા કરવાના સંકેત આપતી હતી, પરંતુ નુકસાન થઈ ગયું એ થઈ ગયું હતું. વધુમાં અમેરિકી જૉબ-ડેટા સારા આવતાં ત્યાં વ્યાજદરમાં કાપ લંબાઈ જશે એવી હવા વહેતી થઈ હતી તેમ જ એશિયામાં જીઓપૉલિટિકલ ટેન્શનને લીધે ક્રૂડના ભાવની ચિંતા વધી હતી. ઇન શૉર્ટ, બજેટના અને એના બીજા દિવસે એટલે કે સોમવાર સહિત બે જ દિવસમાં રોકાણકારોની ૫.૫ લાખ કરોડ રૂપિયા જેટલી મૂડીનું ધોવાણ થયું હતું. હજી આ ધોવાણનો વરસાદ ચાલુ રહેવાની શંકા ઊભી ગણાય. નવાઈની વાત એ છે કે બૅન્કોના ભાવ પણ તૂટ્યા હતા, જ્યારે કે બજેટે સરકારી બૅન્કોને ૭૦ હજાર કરોડ રૂપિયાની સહાય કરવાની જાહેરાત કરી છે. મંગળવારે બજારે શરૂઆત નબળી જ કરી હતી, પરંતુ પછીથી બજાર સતત વૉલેટાઇલ રહ્યું અને આખરમાં સેન્સેકસ ૧૦ પૉઇન્ટ પ્લસ થઈ ૩૮,૭૩૦ અને નિફ્ટી ૩ પૉઇન્ટ માઇનસ થઈ ૧૧,૫૫૬ બંધ રહ્યા હતા. આ દરમ્યાન સેન્સેક્સ ૩૭૦ પૉઇન્ટ ઘટીને રિકવર થયો હતો એ નોંધવું રહ્યું.

સપ્તાહનો અંત નેગેટિવ



બુધવારે માર્કેટે વધુ ઘટાડાતરફી દોર ચાલુ રાખ્યો હતો જેમાં સેન્સકેસ ૧૭૪ પૉઇન્ટ અને નિફ્ટી ૫૭ પૉઇન્ટ ઘટીને બંધ રહ્યા હતા. માર્કેટ બ્રેડ્થમાં સ્થિતિ એવી હતી કે દર બે શૅરના વધારા સામે દર ત્રણ શૅર ઘટ્યા હતા. લગભગ બધાં જ સેક્ટરમાં માઇનસ ટ્રેન્ડ હતો. ગુરુવારે બજારનો ટ્રેન્ડ બદલાયો હતો અને માર્કેટ પૉઝિટિવ શરૂઆત સાથે વધતું ગયું જેમાં સેન્સેક્સ એક તબકકે ૩૦૦ પૉઇન્ટ પાર કરી ગયો હતો. જોકે અંતમાં સેન્સેક્સ ૨૬૬ અને નિફ્ટી ૮૪ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. મોટા ભાગનાં સેક્ટર અગાઉના માઇનસ ટ્રેન્ડમાંથી ગુરુવારે પૉઝિટિવ ટ્રેન્ડમાં આવી ગયાં હતાં. જોકે શુક્રવારે બજાર ફરી સાધારણ વધઘટ સાથે માઇનસ બંધ રહ્યું હતું. સેન્સેક્સ ૮૬ પૉઇન્ટ અને નિફ્ટી ૩૫ પૉઇન્ટ નીચે બંધ આવ્યા હતા. આમ બજેટ બાદ આખું સપ્તાહ એકાદ દિવસના અપવાદ સિવાય નેગેટિવ રહ્યું હતું.


નવા સપ્તાહનો દોર પણ નબળો?

આ સપ્તાહમાં પણ બજારનો દોર નબળો રહેવાની ધારણા છે. બજેટની નકારાત્મક અસર ચાલુ રહેશે, જ્યારે કે બજારને હવે ઇન્ફ્લેશનના આંકડા બાદ વ્યાજદર ઘટવાની આશા છે. વ્યાજદર ઘટે તો કોઈ મોટો ફરક નહીં પડે, પણ સાધારણ રાહત થશે. પ્રથમ ક્વૉર્ટરનાં કૉર્પોરેટ પરિણામમાં કંપનીઓની કમાણીમાં ઘટાડો આવવાના સંકેત પણ નબળાઈ દર્શાવે છે. ઇન્ફોસિસનાં પરિણામોની અસર પણ આ સપ્તાહમાં જોવા મળશે. જાહેર સાહસોના શૅરની ઑફર આ સપ્તાહમાં એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ઈટીએફ) મારફત ખૂલવાની છે જેમાં નાણાં રોકાણપ્રવાહ વહી શકે છે જે ઑફરમાં સરકાર ડિસ્કાઉન્ટ પણ આપે છે. બજાર એકંદરે ઘટાડાતરફી રહેવા છતાં ખરીદીનો ઉત્સાહ આવવાની શક્યતા ઓછી છે, કારણ કે બજાર હજી ઘટવાનું માનસ ધરાવે છે.

એફપીઆઇને કૉર્પોરેટ હસ્તી બનવાનો વિકલ્પ


સપ્તાહના શરૂના બે દિવસ ફૉરેન ઇન્વેસ્ટરોના માથે બજેટની ટૅક્સ પ્રપોઝલની તલવાર લટકી રહી હોવાથી બજાર નર્વસ ઝોનમાં જ રહ્યું હતું. શરૂમાં આ મુદ્દાને અધ્ધર રખાયો હતો. જોકે મંગળવારે સરકારે સુપર રિચ ટૅક્સ માત્ર ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર (એફપીઆઇ)ને ટાર્ગેટ કરવા નથી નાખ્યો, બલકે દરેક સુપરરિચને આમાં આવરી લીધા છે એવી સ્પષ્ટતા કરી દેતાં આ મામલે રિવર્સની શક્યતા નહીંવત બની ગઈ છે. હા, સેબી આ વિષયમાં અભ્યાસ કરીને સરકારને કોઈ રજૂઆત કરે તો વાત જુદી છે. પ્રાપ્ત માહિતી મુજબ બજેટ બાદ ૧૧ જુલાઈ સુધીમાં ફૉરેન ઇન્વેસ્ટરોએ ૨૦૦૦ કરોડ રૂપિયાના શૅર વેચ્યા હતા અને એની સામે સ્થાનિક સંસ્થાઓએ ૨૪૧૧ કરોડ રૂપિયાના શૅર ખરીદયા હતા. સરકારના મતે જો એફપીઆઇ આ વ્યક્તિગત સુપરરિચ ટૅક્સ ટાળવા માગતા હોય તો તેઓ પોતાને કૉર્પોરેટમાં રૂપાંતરિત કરી શકે છે. હવે આ સ્પષ્ટતા બાદ એફપીઆઇનો માર્કેટને શું પ્રતિભાવ રહે છે એ જોવાનું રહેશે. સરકાર સેબી પાસે એફપીઆઇ મારફત આવતા નાણાપ્રવાહમાં કોઈ ગરબડ તો નથીને એની તપાસ કરાવે છે જેને લીધે માર્કેટ પર થોડો વધુ સમય એની નેગેટિવ અસર રહી શકે છે.

આમ પણ બજેટના દિવસ બાદ તેઓ સતત વેચવાલ રહ્યા છે. કરબોજની દરખાસ્તને ધ્યાનમાં રાખવા ઉપરાંત તેમને હાલ ભારતીય માર્કેટમાં કોઈ ટ્રિગર પણ જણાતાં નથી. ન ઇકૉનૉમીના ફન્ડામેન્ટલ્સમાં કોઈ મોટા ફેરફાર દેખાય છે કે ન એમાં નજીકના ભવિષ્યમાં કોઈ પૉઝિટિવ પરિવર્તનની આશા જણાય છે. બીજી બાજુ, દેશના ફાઇનૅન્શિયલ સેક્ટરમાં નક્કર પ્રવાહિતા વૃદ્ધિના યા સુધારાના સંકેતો પણ નજરે પડતા નથી. આવા સંજોગોમાં ફૉરેન ઇન્વેસ્ટરોનો રસ ઘટે એ સ્વાભાવિક છે.

ફૉરેન ફન્ડની જરૂર છે

જાણકારોના મતે ભારતને વાસ્તવમાં ફૉરેન ફન્ડની વધુ જરૂર છે ત્યારે આ ઊંચો ટૅક્સ વિદેશી રોકાણપ્રવાહને વિપરિત અસર ન કરે એની તકેદારી રાખવી જોઈશે. વધુમાં નિષ્ણાત વર્ગનું માનવું છે કે હાલમાં બજારમાં જે ઘટાડાનો દોર ચાલ્યો છે એ બજેટ કરતાં પણ વધુ પ્રવાહિતાની અછતને કારણે છે. વપરાશ અને બિઝનેસ બન્ને મંદ છે, પરિણામે નાણાંની હેરફેર ઓછી છે. એનબીએફસીના સેગમેન્ટમાં શરૂ થયેલી લિક્વિડિટી ક્રાઇસિસ હજી લાંબી ચાલશે એવું લાગે છે. બાકી બજાર ઘટવાનું એક કારણ હાઈ વૅલ્યુએશન પણ ગણી શકાય છે, બજેટ પહેલાંના દિવસોમાં જ નવી સરકાર બની ત્યારથી બજાર ઊંચે પહોંચી ગયું હતું જે વધારો એનાં ફન્ડામેન્ટલ્સ સાથે મેળ ખાતો નહોતો.

પબ્લિક હોલ્ડિંગ વધારવાથી લાભ, પણ?

લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક હોલ્ડિંગ ૨૫ ટકાથી વધારી ૩૫ ટકા કરવાની બજેટ દરખાસ્તને કારણે સારી કંપનીઓના પ્રમોટર્સે પોતાનો હિસ્સો વેચવા કાઢવો પડશે એ બાબતે શૅરબજારમાં ઘટાડો થઈ રહ્યો‍ છે ત્યારે સરકાર આ વિષયમાં સેબી સાથે મસલત કરી રહી હોવાનું પણ જાણવા મળે છે. આ મુજબ સેબી કંપનીઓને આ હોલ્ડિંગ ઓછું કરવા માટે બે વરસ જેવો સમયગાળો આપે એવું બની શકે છે જેથી વેચવાલી એકસાથે અને મોટેપાયે ન આવે. આ ઉપરાંત સેબી આ હોલ્ડિંગના નિકાલ માટે રાઇટ ઇશ્યુ, ઑફર ફૉર સેલ, બોનસ ઇશ્યુ અને ફૉલો ઑન પબ્લિક ઑફર જેવા માર્ગ પણ દર્શાવી શકે છે જેથી માર્કેટ પર વેચવાલીનું આક્રમણ ટાળી શકાય. અત્યારે તો આશરે ૧૩૦૦ કંપનીઓમાં પ્રમોટર્સનું હોલ્ડિંગ ૬૫ ટકાથી વધુ છે જેમાંથી દસ ટકા પણ વેચવા કાઢવામાં આવે તો અંદાજે ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ વેચાણ બજારમાં આવી શકે. આમ માત્ર એક જ વરસમાં કરવાની ફરજ પડાય તો બજારની દશા વધુ બગડી શકે.

સરકારનો ઉદ્દેશ

અહીં એ નોંધવું જરૂરી છે કે પબ્લિક હોલ્ડિંગના વધારા મારફત સરકાર ઇચ્છે છે કે માર્કેટમાં ફલોટિંગ સ્ટૉક્સ વધે તો મૅનિપ્યુલેશનની શક્યતા ઘટી શકે. ઇક્વિટી કલ્ચર વધી શકે, લોકો પાસે સારી ઇક્વિટીનું પ્રમાણ વધે તેમ જ આ વેચાણ મારફત સરકારની કૅપિટલ ગેઇન ટૅક્સની આવક પણ વધી શકે. જોકે આ કદમ ભરવા માટે સરકારે અયોગ્ય સમય પસંદ કર્યો હોવાનું પણ નિષ્ણાતો માને છે.

જાણવા જેવી નાની–મોટી વાત

આઇએલએફએસના મસમોટા કૌભાંડ બાદ સરકાર હવે રેટિંગ સંબંધી સુધારા લાવવાનું વિચારે છે. બિઝનેસની મંદીના પરિણામે પ્રથમ ક્વૉર્ટરનાં પરિણામો નબળાં યા નિરાશાજનક રહેવાની ધારણા વ્યક્ત થાય છે જેની અસર બજાર પર પડશે. નૅશનલ ઍગ્રીકલ્ચર બૅન્ક (નાબાર્ડ) ચાલુ નાણાકીય વરસે બજારમાંથી ૫૫,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાની યોજના ધરાવે છે.સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા, ઓરિયેન્ટલ બૅન્ક ઑફ કૉમર્સ સહિત કેટલીક બૅન્કોએ ધિરાણ પરના વ્યાજદરમાં નજીવો કાપ મૂક્યો છે. સરકાર સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇસિસ (સીપીએસઈ) ઈટીએફ (એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ) મારફત આ ૧૮ જુલાઈએ ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવા માગે છે.

રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કૉર્પોરેશન (આરઈસી)એ ૭૫.૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરવાનું વિચાર્યું છે. જેટ ઍરવેઝ બાદ હવે ઇન્ટરગ્લોબ એવિયેશન (ઇન્ડિગો) ઍરલાઇન્સ ગંભીર મુસીબતમાં આવી છે. અત્યારે તો આ કંપનીનું ભાવિ ધુંધળું નજરે પડે છે.

આ પણ વાંચોઃ જો તમે પણ ક્રેડિટ કાર્ડ યૂઝ કરો છો જાણો તેના ફાયદા અને નુકસાન

સમજવા જેવી વાત

યાદ રહે, બજારમાં ખરીદીનો ખરો સમય ઘટાડા–કડાકા વખતે જ હોય, પરંતુ લાંબા ગાળાની તૈયારી હોય તો જ. આવા કડાકાના સમયમાં કમ સે કમ પૅનિકમાં આવીને સારા શૅર વેચી દેવાની ભૂલ તો ન જ કરાય. અલબત્ત, પ્રૉફિટ બુક કરીને ઘટાડે પાછી ખરીદી કરવાની આવડત હોય તો નફો ઘરમાં લઈ લેવાય.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:06 AM IST | દલાલ સ્ટ્રીટ મુંબઈ | શૅરબજારની સાદી વાત - જયેશ ચિતલિયા

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK