ભારતનું ક્રેડિટ રેટિંગ કેમ ઘટ્યું? શું છે વાસ્તવિકતા અને એની અસર કેવી રહેશે

Published: Jun 03, 2020, 07:48 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

બાવીસ વર્ષ પછી મૂડીઝે ભારતનું ક્રેડિટ રેટિંગ નેગેટિવ કર્યું

મૂડીઝ
મૂડીઝ

વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે બાવીસ વર્ષ પછી ભારતનું સૉવરિન રેટિંગ ઘટાડ્યું છે. સાથે  આઉટલૂકને નેગેટિવ કર્યું છે. પહેલાં ભારતનું રેટિંગ ‘BAA2’ હતું, જેને ઘટાડીને ‘BAA3’ કરવામાં આવ્યું છે, મૂડીઝે કહ્યું કે ભારત સામે ગંભીર આર્થિક મંદીનો ખતરો છે, જેને કારણે રાજકોષીય ખાધ વધી રહી છે અને દેશની સામે જીડીપી સામે દેવું વધી રહ્યું હોવાનો પડકાર ઊભો થયો છે.

મૂડીઝે ભારતની વિદેશી કરન્સી અને લોકલ કરન્સી લાંબા ગાળાના ઇશ્યુઅરને પણ ઘટાડીને આઉટલૂકને નેગેટિવ રાખવામાં આવ્યું છે.

નબળી નાણાકીય સિસ્ટમ, ધીમો આર્થિક વિકાસ અને જીડીપી સામે દેવાનું પ્રમાણ વધારે : મૂડીઝની દલીલ

વિશ્વની અગ્રણી ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝ દ્વારા ભારતનું ક્રેડિટ રેટિંગ ઘટાડીને ભવિષ્યનો અંદાજ નકારાત્મક કે નેગેટિવ કરવામાં આવ્યો છે. આને માટે મૂડીઝે જણાવ્યું હતું કે કોઈ એક ચોક્કસ કારણથી નહીં, પણ શ્રેણીબદ્ધ રીતે ભારત સામે પડકાર વધી રહ્યા છે. દેશમાં નાણાકીય ક્ષેત્ર નબળું છે. દેશનો આર્થિક વિકાસદર ધીમો રહે એવી આગાહી છે અને દેશના જીડીપી સામે દેવાનું પ્રમાણ વધુ છે તેમ જ આર્થિક સુધારણાની ગતિ ધીમી પડી છે. કોરોના વાઇરસની મહામારી પહેલાં જ આ પરિબળો જોવા મળી રહ્યાં હતાં.

કોરોનાને કારણે આ પડકાર વધારે વિકરાળ બન્યા છે, પણ આમાંનાં ઘણાં નેગેટિવ પરિબળો આ પહેલાંથી જ જોવા મળી રહ્યાં હતાં એમ મૂડીઝના અસોસિયેટ મૅનેજિંગ ડિરેક્ટર જીન ફેંગ જણાવે છે. એજન્સી નવેમ્બર મહિનાથી ભારતનો આર્થિક વિકાસદર નબળો પડી રહ્યો છે એના પર નજર રાખી રહી હતી અને કોરોના આવ્યો હોત કે નહીં, આ વૃદ્ધિ દરનો ટ્રેન્ડ નબળો પડી રહ્યો હતો.

ભારતમાં આર્થિક સુધારણાની ગતિ ધીમી પડી છે અને એને કારણે દેશનો આર્થિક વિકાસ પણ ઘટી રહ્યો છે. આ પરિબળ પણ એવું છે જે કોરોના મહામારી પહેલાં જોવા મળી રહ્યું હતું.

શું મૂડીઝની દલીલ અનુસાર ખરેખર ભારત સામે પડકાર છે?

વર્તમાન પરિસ્થિતિમાં માત્ર ભારત જ નહીં, સમગ્ર વિશ્વ માટે આર્થિક વૃદ્ધિ એક પડકાર છે અને એને માટે અલગ-અલગ દેશોએ પોતાની રીતે પગલાં લીધાં છે. ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ દેશનો વિકાસ પૉઝિટિવ રહે એવી ધારણા વ્યક્ત કરી રહ્યો છે. યુનાઇટેડ નેશન્સ ભારતને ૨૦૨૦નું સ્ટાર ગણે છે. રિઝર્વ બૅન્ક ભારતનો વિકાસ નેગેટિવ રહે એવી શક્યતા વ્યક્ત કરી રહી છે. જીડીપી નબળો રહેશે એ નક્કી છે, પણ મૂડીઝ એમ માને છે કે કેન્દ્ર સરકારે ૨૦૧૯માં જાહેર કરેલાં પગલાં અને પછી આત્મનિર્ભર ભારત હેઠળ ભવિષ્યમાં અમલી બને એવાં પગલાંની લાંબા ગાળે પણ અસર થશે નહીં એ જરા માનવું અશક્ય છે. મૂડીઝના મતે ભારતમાં આર્થિક સુધારણા અટકી ગઈ છે અને એને કારણે વિકાસ ઘટી રહ્યો છે, પણ સામે કૉર્પોરેટ ટૅક્સમાં ઘટાડો, માઇનિંગ ક્ષેત્રે ખાનગી રોકાણ, ડિફેન્સમાં વિદેશી મૂડીરોકાણની મર્યાદામાં વધારો, કૃષિ પેદાશના વેચાણમાં ખેડૂતોને સંભવિત વધુ છૂટ જેવાં પગલાં ચોક્કસ ફાયદાકારક છે. અત્યારે નહીં તો ભવિષ્યમાં એનો લાભ ચોક્કસ મળવાનો છે.

મૂડીઝ કહે છે કે કેન્દ્ર સરકારની નાણાખાધ એક ચિંતાનો વિષય છે. આ દલીલમાં તથ્ય છે. ૨૦૧૯-’૨૦માં ૩.૮ ટકા સામે ખાધ વધીને ૪.૫૩ ટકા થઈ ગઈ છે. લૉકડાઉન અને સરકારના પૅકેજને કારણે ૨૦૨૦-’૨૧માં પણ ખાધ વધવાની છે. આની સાથે કેન્દ્ર અને રાજ્યો બજારમાંથી વધારે રકમ ઉપાડશે એટલે દેવું પણ વધવાનું છે. દેશનું દેવું ૨૦૧૯માં ૭૨ ટકા હતું, જે વધીને ૨૦૨૦માં ૮૪ ટકા થયું છે અને આ વર્ષે પણ એમાં વૃદ્ધિ થવાની છે. આ સ્થિતિમાં જીડીપી વૃદ્ધિ નબળી રહે તો દેવું વધારે થશે એ પણ સત્ય જ છે.

ક્રેડિટ રેટિંગ નેગેટિવ થવાથી ભારત પર શું અસર થશે?

કેન્દ્ર સરકાર પોતે એટલે કે સૉવરિન પોતે વિદેશની બજારમાંથી લોન ઉપાડતું નથી એટલે સરકાર પર એની કોઈ અસર થશે નહીં. સૉવરિન ક્રેડિટ રેટિંગમાં ઘટાડો એટલે કે એમ માનવાનું કે દેશનાં બૉન્ડ કે સરકારનાં બૉન્ડમાં જોખમ વધારે છે. હા, જે કૉર્પોરેટ બહારથી દેવું કરે છે એમાં જોખમ વધારે લાગે તો તેમનો નાણાં એકત્ર કરવાનો ખર્ચ અને વ્યાજખર્ચ ચોક્કસ વધી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK