મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓ બીજેપી માટે ‘વેક-અપ કૉલ’ જેવી

Published: Oct 28, 2019, 08:47 IST | અર્થતંત્રના આટાપાટા - જિતેન્દ્ર સંઘવી | મુંબઈ

મહારાષ્ટ્ર અને હરિયાણામાં બીજેપીની તરફેણનો જનાદેશ એ બીજેપીના સુચારુ વહીવટ પરનો રબર સ્ટેમ્પ છે, એવું વડા પ્રધાનનું વિધાન ભલે હોય પણ આ ચૂંટણીઓ બીજેપી માટે ‘વૅક અપ કૉલ’ છે એની કોઈ ના કહી શકે તેમ નથી.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અને હરિયાણા વિધાનસભાની ચૂંટણીઓનાં પરિણામો બીજેપી અને મોદી સરકારની અપેક્ષા પ્રમાણેનાં નથી. મહારાષ્ટ્રમાં બીજેપી અને શિવસેનાની યુતિએ સત્તા જાળવી રાખી છે તો હરિયાણામાં બીજેપી સૌથી વધુ બેઠકો સાથે સૌથી મોટા પક્ષ તરીકે સ્થાપિત થયો છે, પણ સરકાર રચવા માટેની સ્પષ્ટ બહુમતી એને મળી નથી.
કાશ્મીરમાંથી ૩૭૦ની કલમ હટાવી લીધા પછી અને જમ્મુ અને કાશ્મીરનું બે અલગ યુનિયન ટેરિટરીમાં વિભાજન કરવાનું ઐતિહાસિક પગલું લીધા પછી રાજ્યોની વિધાનસભાઓમાં મહારાષ્ટ્ર અને હરિયાણાની ચૂંટણીઓ સર્વપ્રથમ હોવાથી એ મોદી સરકારની કસોટીરૂપ હતી.
મહારાષ્ટ્રની ૨૦૧૪ અને ૨૦૧૯ની ચૂંટણીઓનો તફાવત એ હતો કે ૨૦૧૪માં બીજેપી અને શિવસેના આમનેસામને હતા (યુતિ ચૂંટણીનાં પરિણામો પછીની હતી) તો ૨૦૧૯માં પરિસ્થિતિની ગંભીરતા સમજીને બીજેપીએ ઘણીબધી ગડમથલ અને બાંધછોડ પછી ચૂંટણીઓ પહેલા જ શિવસેના સાથે સમજૂતી કરી લીધી હતી અને એ જોડાણને કારણે યુતિને ૨૦૦થી વધુ બેઠકો મળવાની તેને અપેક્ષા હતી. પક્ષની એ ધારણા નિષ્ફળ રહી છે. એટલું જ નહીં, ચૂંટણી પહેલાના જોડાણ પછી અને છતાં પણ બંને પક્ષોને ૨૦૧૯માં ૨૦૧૪ કરતાં ઓછી બેઠકો મળી છે. એ બેઠકોનો ફાયદો કૉન્ગ્રેસ અને એનસીપીની યુતિને થયો છે.
૨૦૧૯ની લોકસભાની ચૂંટણીઓમાં એકતરફી જીત ૩૦૩ બેઠકો મેળવ્યા પછી અને કૉન્ગ્રેસ અને એનસીપીમાંથી બીજેપીમાં પક્ષાંતર થયા પછીના આ પરિણામો બીજેપીને આંચકો આપે તેવા છે. આમાં બીજેપી મરાઠા જૂથની ઓછી આંકેલી તાકાતનું પરિબળ કામ કરી ગયું છે.
મોદી અને અમિત શાહ પછી પક્ષના ખમીરવંતા નેતા તરીકે ઊભરેલા દેવેન્દ્ર ફડણવીસનો જાદુ (કરિશ્મા) પણ પક્ષને ધારી સફળતા અપાવી શકયો નથી. રાજ્યમાં બીજેપીની સ્થિતિ થોડી નબળી પડતાં શિવસેનાની માગણીઓ ખાસ કરીને સરકારમાં તેને મળનાર પ્રતિનિધિત્વ માટેની વધશે. એ નક્કી છે.
હરિયાણાના પરિણામો કર્ણાટકની ચૂંટણીઓની યાદ અપાવે તેવા છે. હવે બીજેપીએ બીજા પક્ષો કે અન્ય બિનપક્ષીય વિજેતાઓની સહાયથી સરકાર બનાવવી પડશે. વિકલ્પ એ પણ છે કે તે પોતાની સરકાર રચવાનો દાવો જતો કરીને બીજા નંબરના મોટા પક્ષ કૉન્ગ્રેસને સરકાર બનાવવા દે. હરિયાણામાં બીજેપીએ જાટ જૂથની ઓછી આંકેલી તાકાતનું પરિબળ કામ કરી ગયું છે.
મે મહિનાની લોકસભાની ચૂંટણીઓમાં બીજેપીના જબરદસ્ત વિજય પછી કૉન્ગ્રેસ સહિતના વિપક્ષો અસ્તવ્યસ્ત થઈ ગયા હતા. આ બે રાજ્યોની ચૂંટણીઓમાં પ્રચારના સ્કેલ અને ઇન્ટેન્સિટી બંનેમાં વિપક્ષો ઉણા ઊતર્યા હોવા છતાં અપેક્ષાએ તેમનો દેખાવ સારો રહ્યો ગણાય.
આ ચૂંટણીઓનો એક બોધપાઠ એ છે કે વિરોધ પક્ષો ગમે તેટલા નબળા પડયા હોય તો પણ તેની તાકાત ન તો ઓછી આંકી શકાય કે ન તો તેને નજરઅંદાજ કરી શકાય. બીજો બોધપાઠ એ છે કે લોકસભાની અને રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ (જ્યાં સ્થાનિક મુદ્દાઓ કે પ્રશ્નોની મહત્તા વધુ હોય)ના મુદ્દાઓ અલગ હોવા છતાં અર્થતંત્ર અનેક આપદાઓનો સામનો કરી રહ્યું હોય ત્યારે પ્રજાના સ્તરે મતદાનના આંકડાઓમાં થોડે ઘણે અંશે એનું પ્રતિબિંબ પડવાનું જ. મતપેટી દ્વારા પ્રજા તેનો શેષ ઠાલવ્યા સિવાય ન જ રહે.
૨૦૧૮ના અંતમાં યોજાયેલ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રજાએ ત્રણ રાજ્યો (રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ)માં બીજેપીને જાકારો આપેલ. ૨૦૧૯ની મધ્યમા લોકસભાની ચૂંટણીઓમાં આ જ રાજ્યોમાં બીજેપીને જીતાડેલ અને હાલની ચૂંટણીઓમાં બીજેપીને એવી બહુમતી ન આપી કે પક્ષ જે માટે ગર્વ લઈ શકે.
લોકસભાની ચૂંટણીઓમાં પ્રજાએ એટલે આ ચૂંટણીઓનો બીજો બોધપાઠ એ છે કે રાષ્ટ્રની ધુરા સંભાળવાની વાત આવે ત્યારે બીજેપી પર પસંદગીનો કળશ ઢોળ્યો (જે પક્ષ સત્તા સંભાળતો હોય તેને સત્તામાંથી દૂર કરવાના એન્ટિ ઇન્કમબન્સી ફેકટર)ની અવગણના કરીને તો રાજ્યના સ્તરે વહીવટ સંભાળવાની વાત આવે ત્યારે પ્રજાના દિલોદિમાગમાં બીજેપી સિવાયના અન્ય વિકલ્પો પણ ધ્યાનમાં આવે છે.
મતદાનની ઘટેલી ટકાવારીએ પણ આ ચૂંટણીના ચોંકાવનારાં પરિણામોમાં ભાગ ભજવ્યો છે. હરિયાણામાં મતદાનની ટકાવારી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીના ૭૬ ટકામાંથી ઘટીને આ ચૂંટણીમાં ૬૮ ટકા થઈ. મહારાષ્ટ્રમાં પણ મતદાનની ટકાવારીમાં નજીવો પણ ઘટાડો થયો. ૬૩ ટકામાંથી ૬૧ ટકા મે ૨૦૧૯માં લોકસભાની અને જે પણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ થઈ તેમાં મતદાનની ટકાવારી આગળની ચૂંટણીઓ કરતાં સુધરી હતી. મતદાનની ટકાવારી સુધરે અને વધે તો જનાદેશ વધુ નિર્ણાયક અને મજબૂત હોય છે. મે ૨૦૧૯માં બીજેપીએ ફરી નિર્ણાયક બહુમતી સાથે સત્તાના સૂત્રો સંભાળ્યા એ એનો નક્કર દાખલો છે. તો બીજી તરફ મતદાનની ટકાવારી ઘટે તો કોઈ પક્ષને નિર્ણાયક જનાદેશ મળતો નથી. હરિયાણા અને મહારાષ્ટ્રની ગયા અઠવાડિયાની ચૂંટણીઓએ એ પુરવાર કર્યું છે.
ગયા અઠવાડિયે બે રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીઓ સાથે અન્ય રાજ્યોમાં ખાલી પડેલ ૫૧ બેઠકો માટેની પેટાચૂંટણી પણ હતી. એમાંથી બીજેપીને પોતાના બળ પર ૧૭ જ અને કૉન્ગ્રેસને પોતાના જોર ઉપર ૧૨ બેઠકો મળી છે. પક્ષપલટો કરીને બીજેપીમાં જોડાઈને ચૂંટણી લડનાર ઉમેદવારને ક્યાંક જાકારો પણ મળ્યો છે.
રાજ્યોની ચૂંટણીઓમાં સત્તા પર હોય તે પક્ષ કે પક્ષના જોડાણને લોકો ભાગ્યે જ ચૂંટણીમાં જીતાડીને સરકાર બનાવવાની તક આપે છે, એવા સમયે પણ મહારાષ્ટ્ર અને હરિયાણામાં બીજેપીની તરફેણનો જનાદેશ એ બીજેપીના સુચારુ વહીવટ પરનો રબર સ્ટેમ્પ છે, એવું વડા પ્રધાનનું વિધાન ભલે હોય પણ આ ચૂંટણીઓ બીજેપી માટે ‘વૅક અપ કૉલ’ છે એની કોઈ ના કહી શકે તેમ નથી.
રિટેઇલ આઉટલેટમાંથી મળતા રિપોર્ટ પ્રમાણે ઑકટોબરના પહેલા પખવાડિયામાં બજારમાં ખરીદી નીકળી છે પણ તે દિવાળીના તહેવારોને કારણે અને અગાઉ મુલતવી રખાયેલ ખરીદી જેવી છે, પણ તેમાં જોઈએ તેવું જોશ નથી. પૈસાપાત્ર લોકો પણ ખરીદી મુલતવી રાખી રહ્યા છે, એવા અહેવાલો વચ્ચે દિવાળી પછી બજારોની ખરીદી ટકી રહેશે કે કેમ એ ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. મૉલમાં અને મોટી કંપનીઓના શૉ-રૂમમાં પડતા ફટફોલ (પ્રવેશનારની સંખ્યા)માં ખાસ્સો વધારો નોંધાયો છે, પણ એ બધા વિઝિટરો ખરીદનારમાં ટ્રાન્સલેટ થતા નથી. મોટા અને મધ્યમ કદના કૉર્પોરેટના ગિફટ માટેના બજેટમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે.
સરકાર ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંકોને બાજુએ રાખીને ખાનગી વપરાશ-ખર્ચ કેમ વધે તેના પ્રયાસ કરી રહી છે ત્યારે પ્રાપ્ત થતા અહેવાલો પ્રમાણે સરકારની કરવેરાની આવક (ગ્રોસ)ના ૨૪.૬૦ લાખ કરોડ રૂપિયાના અંદાજમાં ચાલુ નાણાકીય વરસે બે લાખ કરોડ રૂપિયાની ઘટ પડવાની સંભાવના ઊભી થઈ છે. કરવેરાની આવકમાં ચાલુ વરસે એપ્રિલ જુલાઈમાં માત્ર ૬.૬ ટકા (આગલા વરસે ૧૧.૭ ટકાનો વધારો) થયો છે. આ ઘટાડાનાં કારણોમાં કરવેરાની આવકના મહત્ત્વાકાંક્ષી અને અવાસ્તવિક લક્ષ્યાંકો, આર્થિક સ્લોડાઉન અને તાજેતરમાં કરાયેલ કૉર્પોરેટ ટૅકસ દરના ઘટાડાને ગણાવી શકાય.
કરવેરાની આવકના આ ઘટાડાને સરભર કરવા માટે અને ફિસ્કલ ડેફિસિટને અંકુશમાં રાખવા માટે સરકારે જાહેર ક્ષેત્રના સાહસોનો તેનો હિસ્સો વેચીને ઓછો કરવાની પ્રક્રિયા (ડાઇવેસ્ટમેન્ટ) પર આધાર રાખવો પડશે.
નાણાપ્રધાને તાજેતરમાં કૉર્પોરેટ ટૅકસના દર ઘટાડ્યા તે એવી આશા સાથે કે તેને કારણે મૂડીરોકાણ વધશે. ગયે અઠવાડિયે ભારતની મુલાકાતે આવેલા આ વરસના અર્થશાસ્ત્ર નોબેલ પ્રાઇઝ વિજેતા અભિજિત બૅનરજીના મતે કૉર્પોરેટ ટૅકસના દર ઊંચા હોય એટલે મૂડીરોકાણ ન વધે. ધંધાનો વિકાસ ન થાય એવો પુરાવો આપણી પાસે છે. ચીનમાં કૉર્પોરેટ ટૅકસના ઊંચા દર હોવા છતાં સરકાર તે દ્વારા થયેલ આવકનાં નાણાં માળખાકીય સવલતોના અપગ્રેડેશન માટે કે તે વિસ્તૃત કરવા માટે ખર્ચે છે. એટલે મૂડીરોકાણકારોની લોજિસ્ટિક કોસ્ટ અને ટ્રાન્ઝેકશન કોસ્ટ ઘટે છે. તે દ્વારા તેમની ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ વધે છે. એટલે તે દ્વારા ઉદ્યોગ ધંધાનો અને અર્થતંત્રનો વિકાસ જળવાઈ રહે છે.
આપણે ત્યાં યોગ્ય પ્રકારની અને યોગ્ય પ્રમાણની માળખાકીય સવલતોનો અભાવ મૂડીરોકાણના ઉત્સાહ પર ઠંડું પાણી રેડે છે, કારણ કે તે થકી તેમની વૈશ્વિક બજારની હરીફશકિત ઘટે છે. ધંધા આડે આવતા અવરોધો દૂર કરે અને તો પણ કારીગરોનાં હિતોનું રક્ષણ કરે એવા લેબર રિફોર્મ્સને સરકારે અગ્રક્રમ આપવો પડશે. પ્રજાનો ખાનગી વપરાશખર્ચ વધારવા જેટલી જ અગત્યતા નિકાસોને વેગ આપવાની છે. એકબીજા દેશો પર આધાર રાખતી વિશ્વની હાલની અર્થવ્યવસ્થામાં (ઇન્ટરડિયેન્ડન્ટ)આયાતો વધારવી હશે તો નિકાસોના વધારા દ્વારા જ લાંબા ગાળે ટ્રેડ બેલેન્સ કરી શકાશે.
એપ્રિલ-જુલાઈમાં સરકારના મૂડીરોકાણ માટેના ખર્ચમાં ૩.૪ ટકાનો ઘટાડો થયો છે. તેનું મુખ્ય કારણ સરકારના ખાસ કરીને રાજ્ય સરકારોનો વેલ્ફેર સ્કીમો માટેની રોકડ સહાય (સબસીડી)નો વધતો જતો ખર્ચ હોઈ શકે.

આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું

તો બીજી તરફ ખાનગી મૂડીરોકાણ ન વધવાનું કારણ બૅન્ક લોનનો અભાવ નહીં પણ સિસ્ટમમાં રહેલ વણવપરાયેલ સ્થાપિત ઉત્પાદનશક્તિ હોઈ શકે. જેવો વપરાશ-ખર્ચ વધવા માંડે અને વણવપરાયેલ સ્થાપિત ઉત્પાદનશક્તિ વપરાઈ જાય એટલે ખાનગી મૂડીરોકાણ પણ વધવા માંડે એવી સંભાવના છે. એ સંદર્ભમાં સરકારે યેન કેન પ્રકારેણ ખાનગી વપરાશ-ખર્ચ કેમ વધે અને તે માટે પ્રજાજનોના હાથમાં વધારાનાં નાણાં (એડિશનલ ઇન્કમ) કેમ આવે તેવા ઉપાયો યુદ્ધના ધોરણે હાથ ધરવા પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK