Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અંદાજપત્રમાં જાહેર કરાયેલાં બહુ જરૂરી લેબર રિફૉર્મ્સ ક્યારે?

અંદાજપત્રમાં જાહેર કરાયેલાં બહુ જરૂરી લેબર રિફૉર્મ્સ ક્યારે?

15 July, 2019 09:14 AM IST | મુંબઈ
અર્થતંત્રના આટાપાટાઃ જિતેન્દ્ર સંઘવી

અંદાજપત્રમાં જાહેર કરાયેલાં બહુ જરૂરી લેબર રિફૉર્મ્સ ક્યારે?

બજેટ રજૂ કરી રહેલા નિર્મલા સીથારમણ

બજેટ રજૂ કરી રહેલા નિર્મલા સીથારમણ


૨૦૨૪-’૨૫માં ભારતનું અર્થતંત્ર પાંચ ટ્રિલ્યન ડૉલરનું બને એવા વડા પ્રધાનના વિઝનને પાંખ આપવા માટે ૨૦૧૯-’૨૦ના અંદાજપત્રમાં નાણાપ્રધાને ૧૦ પગથિયાંનો રોડમૅપ રજૂ કરેલો. આર્થિક વિકાસનો દર વધારીને બેરોજગારીના પ્રશ્નને હલ કરીને આ વિઝન સાકાર કરી શકાય એવાં ક્ષેત્રોમાં નીચેનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છેઃ ખેતીક્ષેત્ર, ગ્રામીણ વિસ્તાર, સ્ટાર્ટઅપ્સ, ઇલેક્ટ્રિક વેહિકલ્સ (ઈવી), શિક્ષણ અને સ્કિલ ડેવલપમેન્ટ, મેક ઇન ઇન્ડિયા, માળખાકીય સવલતો, ઈઝ ઓફ ડૂઇંગ બિઝનેસ, ઈઝ ઑફ લિવિંગ (રોજિંદા જીવનમાં સુખશાંતિ) અને ડિજિટલ ઇકૉનૉમી. આ બધાં ક્ષેત્રોના વિકાસ માટે કોઈક ને કોઈક પ્રોત્સાહનો જાહેર કરાયાં છે એ હેતુથી કે આ ક્ષેત્રોમાં મૂડીરોકાણ વધે, રોજગારી વધે અને વપરાશખર્ચ વધે.

અંદાજપત્રની રજૂઆત પછી ઘટેલી કેટલીક ઘટનાઓ કે જાહેરાતો એવી છે જે સરકારના પાંચ ટ્રિલ્યન ડૉલરના વિઝનને પુશ કરે અને કેટલીક એવી છે જે આ વિઝનને પુલ કરે (પાછું ખેંચીને અટકાવે).



આવી કેટલીક ઘટનાઓ કે જાહેરાતો જોઈએ.


૧. ફેડરલ રિઝર્વ દ્વારા નજીકના ભવિષ્યમાં વ્યાજના દર ઘટાડવાના અપાયેલ સંકેત. અમેરિકામાં છેલ્લા દસકાનો આ પહેલો ઘટાડો હશે. આને કારણે વિકસતા અને ઊભરતા દેશોમાંથી, તેમના વ્યાજના દર ઘટે તો પણ મૂડીનો આઉટફલો અટકે.

યુરોપ અને એશિયામાં ફૅક્ટરી ઍક્ટિવિવટીમાં જૂન મહિનામાં ઘટાડો થયો છે અને અમેરિકામાં એમાં નજીવો જ વધારો થયો છે. ઊભરતા દેશો - રશિયા, મલેશિયા, ભારત, ફિલિપીન્સ અને ચિલીમાં તાજેતરના મહિનાઓમાં વ્યાજના દર ઘટવાની શરૂઆત થઈ છે.

અંદાજપત્રમા લિસ્ટેડ કંપનીઓમાં પબ્લિક હોલ્ડિંગ વધારવાની અને લૉન્ગ-ટર્મ કૅપિટલ ગેઇન્સ પર સરચાર્જની જાહેરાતે લગભગ ૨૦૦૦ જેટલાં વિદેશી ફન્ડોને પણ અવળી અસર થશે. અંદાજપત્રની દરખાસ્તોને કારણે સેન્સેક્સમાં ૨૦૧૯નો સૌથી મોટો અને ૧૧ વર્ષનો સૌથી મોટો બીજા નંબરનો કડાકો આવેલો એ ફેડરલ રિઝર્વની જાહેરાત સાથે અટક્યો છે.


જોકે આ રાહત કામચલાઉ પણ નીવડી શકે. એનબીએફસીની કટોકટી અને વિદેશી પોર્ટફોલિયો રોકાણ પર વધેલા કરવેરાના ઊંચા દરને કારણે ટૂંકા ગાળામાં સેન્સેક્સનો બહુ વધવાનો અવકાશ નથી. વેપારયુદ્ધને કારણે વધી રહેલો તણાવ પણ બજારને બહુ વધવા નહીં દે.

૨. સાઉથ-વેસ્ટ મૉનન્સૂન છેલ્લા અઠવાડિયામાં સક્રિય બનતાં વરસાદની ખાધ (ડેફિસિટ) જૂનના અંતે ૩૦ ટકા જેટલી હતી (છેલ્લાં ૧૦૦ વર્ષની સૌથી ખરાબ પરિસ્થિતિમાંની એક) એ ઘટીને ૧૨ ટકા જેટલી થઈ છે. પરિણામે ખરીફ પાકનું વાવેતર વધ્યું છે અને જળાશયોમાં પાણીની સપાટી પણ વધી છે.
જોકે ગ્રામ્ય વિસ્તારોમાં પાકના વાવેતરની છેલ્લી તારીખો પૂરી થાય એ પહેલાં ચોમાસું ચાલુ મહિને વધુ સક્રિય બને એ જરૂરી છે. પાણીની ઉપલબ્ધિની સ્થિતિ ફૂડ કે પેટ્રોલ કરતાં પણ વધુ ઉગ્ર બની રહી છે. દેશનાં કુલ શહેર અને નગરો ૧૭ ટકા પાણીની અછત ભોગવી રહ્યાં છે અને તામિલનાડુ એમાં મોખરે છે.
ભારતમાં ચોમાસાનું ૬૦ વર્ષનું એક ચક્ર (સાઇકલ) હોય છે જેમાં થોડાં વર્ષો ઓછાં વરસાદનાં અને પરિણામે દુષ્કાળનાં, તો થોડાં વર્ષો વધુ વરસાદનાં હોય છે. હાલમાં આપણે આ ચક્રના એવા ભાગે છીએ જ્યાં હવે પછીનાં થોડાં વર્ષ ઓછા વરસાદનાં રહેવાનાં.

વરસાદના કુલ જથ્થામાં આવતાં થોડાં વર્ષોમાં વધ-ઘટની સંભાવના નથી, પણ વરસાદ વિનાના દિવસો (ડ્રાય સ્પેલ)ની સંખ્યા વધી રહી છે એટલે વરસાદ પડે એ દિવસોમાં ભારે વરસાદ થાય જે શહેરોમાં જીવનવ્યવહાર ખોરવી શકે. મુંબઈ શહેરને આવો અનુભવ અવારનવાર થતો હોય છે. તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીક્ષેત્ર માટે આ ઘટનાના ગંભીર સૂચિતાર્થો છે. વરસાદના દિવસોમાં પડેલા એ પાણીનો તળાવ અને ટાંકામાં સંગ્રહ કરીને જરૂર પ્રમાણે પાકની સિંચાઈ માટે આખું વર્ષ વાપરવું પડે.

સ્થાનિક ભૂગોળને કારણે ચોમાસાના વરસાદની આગાહી કરવાનું ભારત જેવા દેશમાં મુશ્કેલ બને છે. અમેરિકાનું હવામાનનું ગણિત ભારત કરતાં તદ્દન જુદું છે એટલે ત્યાં વધુ ચોકસાઈભરી આગાહી કરી શકાય છે.

૩. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કન્ઝ્‍યુમર ફાઇનૅન્સની સરળ ઉપલબ્ધિને કારણે બૅન્કોની લોન દ્વારા વપરાશખર્ચ વધ્યો હતો. હવે બૅન્કોની ખરાબ બૅલૅન્સશીટને કારણે વપરાશખર્ચ માટેનો એ માર્ગ હાલ પૂરતો બંધ થયો છે. રિઝર્વ બૅન્કે વ્યાજના દર છેલ્લે સળંગ ત્રણ વાર ઘટાડ્યા છે અને આવતા ૧૨ મહિનામાં બીજા બે-ત્રણ ઘટાડા આવવાની સંભાવના છે જે આર્થિક વિકાસને ટેકો આપશે. ઑગસ્ટ-સપ્ટેમ્બર ૨૦૧૮થી ધીમો પડેલો વપરાશખર્ચ વધતાં બીજા છ-આઠ મહિના નીકળી જશે. બીજા શબ્દોમાં કહીએ તો માર્ચ ૨૦૨૦ પહેલાં વપરાશખર્ચ વધવાની સંભાવના ઓછી છે.

૪. દેશમાં નવી રોજગારી ઊભી કરવાનો પ્રશ્ન સૌથી વિકટ છે. મહારાષ્ટ્રમાં કલેક્ટરની ઑફિસમાં તલાટીની નોકરીની ખાલી પડેલી ૧૮૦૦ જગ્યાઓ માટે ૬ લાખ અરજીઓ આવી છે. આ નોકરી માટેની ઓછામાં ઓછી લાયકાત ગ્રૅજ્યુએટની ડિગ્રી ગણાય છે એટલે દેશમાં ભણેલા યુવાનોમાં પ્રવર્તતી બેકારીની બીમારીનું આ આંકડાઓ સમર્થન કરે છે.

૫. જૂન ૨૦૧૯માં પૂરા થતા ત્રૈમાસિક ગાળામાં ગ્રામ્ય વિસ્તારમાં વપરાશખર્ચનો વધારો શહેરી વિસ્તારના આવા વધારા કરતાં થોડો ધીમો હતો. રોકડ નાણાંની ઉપલબ્ધિના અભાવે છેલ્લાં બે વર્ષથી વધારે સમયગાળામાં પ્રથમ વાર આમ બન્યું છે. ખેતરમાં કામ કરવા માટેના વેતનના દરના ધીમા વધારાએ પણ વપરાશખર્ચના વધારા પર બ્રેક લગાવી છે. ચોમાસાની મોડી શરૂઆતે ગામડાંઓમાં, ખાસ કરીને કિસાનોએ, તેમના વપરાશખર્ચ પર લગામ મૂકી છે.
૬. રિઝર્વ બૅન્કના એક સર્વે મુજબ છેલ્લાં ૪ વર્ષમાં જમીનજાગીરીના વેચાણમાં સ્લોડાઉનની ફરિયાદ તો છે જ, પણ સાથે-સાથે આવાસન (ઘર) ખરીદવાની પોષણક્ષમતા (અફૉર્ડેબિ‌લિટી) ઘટી છે. ૧૩ શહેરો માટે કરાયેલા આ સર્વેમાં મુંબઈની સૌથી ઓછી (એટલે મુંબઈ સૌથી મોંઘું) અને ભુવનેશશ્વરની સૌથી વધુ (એટલે ભુવનેશશ્વર સૌથી સસ્તું) જણાય છે.

૭. ઈઝ ઑફ ડુઇંગ બિઝનેસના વિશ્વબૅન્કના ઇન્ડેક્સમાં ભારતનો નંબર સુધર્યો છે એ ખરું, પણ એ ગણતરીમાં તો જે-તે દેશના રેગ્યુલેટરી એન્વાયર્નમેન્ટને લક્ષમાં રખાય છે અને એવી ધારણા બાંધી લેવાય છે કે ધંધો કે મૂડીરોકાણકારોને પેપર પર જે નિયમો છે એ પ્રમાણે અથવા એનાથી થોડા આગળ-પાછળ પરવાનગી મળે છે. હકીકતમાં એમ બનતું નથી. આવી પરવાનગી પેપર પરના નિયમો પ્રમાણે નહીં, પણ મૂડીરોકાણકારના અમલદાર કે મંત્રી સાથેના સંબંધો પર કે કેટલાક કિસ્સાઓમાં ટેબલ પર મુકાતા વજન પર એટલે કે ભ્રષ્ટાચાર પર આધાર રાખે છે.

૮. ૨૦૧૯-’૨૦ના વર્ષની ખરીફ ખેતપેદાશો (ડાંગર, જુવાર, સોયા)ના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી) વધારાયા છે એટલે ખેડૂતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવાનું અને ખેડૂતોને એની કિંમત પર ૫૦ ટકા નફો મળે તએવું પહેલી નજરનું આ પગલું લાગે છે, પણ એમાંની ગણતરીમાં ઘણીબધી કિંમતો ધ્યાનમાં લેવાતી ન હોય એટલે વાસ્તવિકતામાં આ કિંમતો પણ ધ્યાનમાં લેવાય તો તેમની પડતરકિંમત વધી જતાં કિસાનોનો નફો ઘણો ઓછો થઈ જાય. ઉપરાંત એમએસપીના વધારાની જાહેરાત પછી કઠોળના ભાવોમાં ૧થી ૮ ટકાનો વધારો નોંધાયો છે.

૯. અંદાજપત્ર દ્વારા ન્યુઝપ્રિન્ટ સહિતની અનેક ચીજવસ્તુઓ પરની કસ્ટમ ડ્યુટીનો કરાયેલો વધારો છૂટોછવાયો નથી, પણ ૩૦ વર્ષ જેટલા સમય પછી પ્રોટેક્શનિઝમ (સંરક્ષણવાદ) ફરી ઊભરી રહ્યો હોય એવી નીતિના એક ભાગ જેવો છે. મેક ઇન ઇન્ડિયાને પ્રમોટ કરવા માટે લેવાતા આવા પગલાથી હકીકતમાં નિકાસ પરનો કર પણ વધારવો પડે એવી સ્થિતિ પેદા કરે છે, જેને કારણે નિકાસોની હરીફશક્તિ પણ ઘટે છે.

૧૦. અમેરિકા અને ચીનના વેપારયુદ્ધને કારણે જપાન જેવા દેશો એના ચીનમાંના મૅન્યુફૅક્ચરિંગ એકમો બંધ કરીને વિયેટનામ જેવા દેશમાં ખસેડે છે. કસ્ટમ ડ્યુટીના વધારા જેવા પગલાને કારણે ભારત આવી તક ગુમાવી દે છે. આયાતો પરની કસ્ટમ ડ્યુટીના વધારાનો પૉલિસી ટૂલ તરીકે ઉપયોગ દૂર કરાય તો જ વિદેશી મૅન્યુફૅક્ચરિંગ એકમો ભારતના દરવાજા ખટખટાવશે અને મેક ઇન ઇન્ડિયા પ્રમોટ થશે.

અંદાજપત્રમાં જાહેર કરેલા અતિ આવશ્યક એવા લેબર રિફૉર્મ્સની વિગતોને વહેલામાં વહેલી તકે આખરી સ્વરૂપ આપીને સરકાર રોજગારીના સર્જનમાં વેગ લાવી શકે. રાજસ્થાન સરકારે આ બાબતમાં કરેલી પહેલ અને એની દૂરગામી અસરનો અભ્યાસ કરી ઝડપથી આ બાબતે આગળ વધવું જોઈએ.
૨૦૨૪-’૨૫માં અર્થતંત્ર પાંચ ટ્રિલ્યન ડૉલરનું બને એ માટે આર્થિક વિકાસનો ૮ ટકાનો દર જરૂરી છે. જ્યારે અંદાજપત્રમાંની જાહેરાત પ્રમાણે આવતાં ત્રણ વર્ષ (૨૦૧૯થી ૨૦૨૨)નો સરેરાશ આર્થિક વિકાસનો દર ૭.૩ ટકા રહેવાની ધારણા છે, જે ૨૦૨૪-’૨૫ના લક્ષ્યાંકને અસંભવ બનાવે છે. સરકારે આર્થિક વિકાસનો દર વધારવા માટે ફિસ્કલ મૅનેજમેન્ટ પર મદાર રાખવાને બદલે ફિસ્કલ મૅનેજમેન્ટ (ફિસ્કલ ડેફિસિટના લક્ષ્યાંક) માટે આર્થિક વિકાસના દર પર આધાર રાખ્યો છે. અંદાજપત્ર પ્રમાણે મધ્યમથી લાંબા ગાળામાં આર્થિક વિકાસ વધવા માટેની શક્યતાઓ ઊજળી ગણાય છે.

એક અંદાજ પ્રમાણે ૫.૭ લાખ કરોડ રૂપિયાની આવકવેરાની ડિમાન્ડ કમિશનરોને કરાયેલી અપીલના વિવાદાસ્પદ મુકદ્દમામાં સંડોવાયેલી પડી છે. આ આંકડો અંદાજપત્રની કુલ સાઇઝના ૨૦ ટકા જેટલો થવા જાય છે. બીજા શબ્દોમાં કહીએ તો એ આંક ૨૦૧૯-’૨૦ના વર્ષની ફિસ્કલ ડેફિસિટના આંકની લગભગ બરાબરી કરે છે. આ વિવાદાસ્પદ અપીલના ઝડપી નિરાકરણ દ્વારા સરકારની આવક, કરવેરાના દર વધાર્યા સિવાય વધી શકે જે સરકારની ફિસ્કલ મૅનેજમેન્ટ (૨૦૨૧-’૨૨નું ૩ ટકાનું ફિસ્કલ ડેફિસિટનું લક્ષ્ય)માં મદદ કરી શકે.

વાહનોના વેચાણનો એપ્રિલ-જૂન ૨૦૧૯ના ક્વૉર્ટરનો ૧૨ ટકાનો ઘટાડો વિશ્વના આર્થિક સ્લોડાઉન સમયના ઑક્ટોબર-ડિસેમ્બર ૨૦૦૮ના ક્વૉર્ટર માટેના ૧૭ ટકાના ઘટાડા પછીનો ૧૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. પૅસેન્જર વાહનોના વેચાણનો ૧૮ ટકાનો ઘટાડો ઑક્ટો-ડિસેમ્બર ૨૦૦૦ ના ગાળાના ૨૩ ટકા પછીનો એટલે કે છેલ્લાં ૨૦ વર્ષનો સૌથી મોટો ઘટાડો છે. ગ્રામ્ય વિસ્તારમાં વાહનોની ઘટેલી માગ, ચોમાસાની અનિશ્ચિતતાના સંદર્ભમાં સૌથી મોટી ચિંતાનો વિષય ગણાય.

ભારત જેટલી નીચી માથાદીઠ આવકવાળા કોઈ પણ દેશને જુદા-જુદા પ્રકારની સામાજિક સ્કીમોનો ખર્ચ વિસ્તાર્યા પછી ઈસ્ટ-એશિયા સ્ટાઇલ આઠ ટકાના ટકાઉ આર્થિક વિકાસ માટે જરૂરી મૂડીરોકાણ કરવાનું પોસાય નહીં.

આ પણ વાંચોઃ બજેટ પછીનું બજારઃ ના કોઈ ઉમંગ (ઉત્સાહ) હૈ, ના કોઈ તરંગ (ટ્રિગર) હૈ!

દરમ્યાન સરકાર માટેનો અગ્રક્રમ ગણાવવો હોય તો એમાં વપરાશખર્ચના વધારાનો સમાવેશ કરવો પડે. એ સિવાય અર્થતંત્રની ગાડીને પાટે ચડાવીને એનું કદ પાંચ ટ્રિલ્યન ડૉલરનું કરવાનું કામ પણ ગણાય. મોદી સરકાર ૨.૦ની ખરી કસોટીની શરૂઆત હવે થાય છે.

Whatsapp-channel Whatsapp-channel

15 July, 2019 09:14 AM IST | મુંબઈ | અર્થતંત્રના આટાપાટાઃ જિતેન્દ્ર સંઘવી

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK