તેજીના કરંટ સાથે મે વાયદો પૂર્ણ: ઇન્ડેક્સ હેવીવેઇટની મદદથી સેન્સકેસ, નિફ્ટી નવી ઊંચાઈએ

Published: May 31, 2019, 10:22 IST | મુંબઈ

એક દિવસના વિરામ બાદ ભારતીય શૅરબજારમાં ફરી એક વાર ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સરકાર શપથ લે અને નવા મંત્રીઓ કામગીરી શરૂ કરે તેના આશાવાદમાં વૈશ્વિક ચિંતાઓ છોડી ભારતીય બજાર વધી રહ્યાં છે.

એક દિવસના વિરામ બાદ ભારતીય શૅરબજારમાં ફરી એક વાર ખરીદીનો માહોલ જોવા મળ્યો હતો. નરેન્દ્ર મોદી સરકાર શપથ લે અને નવા મંત્રીઓ કામગીરી શરૂ કરે તેના આશાવાદમાં વૈશ્વિક ચિંતાઓ છોડી ભારતીય બજાર વધી રહ્યાં છે. ચીનની ટ્રેડવૉર અને અમેરિકાનાં બૉન્ડના યીલ્ડ વૈશ્વિક મંદી તરફ ઇશારો કરી રહ્યાં છે ત્યારે અમેરિકા, યુરોપ અને એશિયાઈ બજારોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પણ ભારત તેનાથી વિપરીત વધીરહ્યું છે.

રિલાયન્સ, એચડીએફસી, ટીસીએસ અને અન્ય હેવીવેઇટના સહારે સેન્સેક્સ અને નિફ્ટી સત્ર સમાપ્તિમાં ફરી એક વખત સૌથી ઊંચી સપાટીએ બંધ આવ્યા હતા. લગભગ ૪૦૦ પૉઇન્ટ વધ્યા પછી સેન્સેક્સ કામકાજના અંતે ૩૨૯.૯૨ પૉઇન્ટ કે ૦.૮૪ ટકા વધી ૩૮,૯૩૧.૯૭ અને નિફ્ટી ૮૪.૮૦ પૉઇન્ટ વધી ૧૧,૯૪૫ની સપાટીએ બંધ આવ્યા હતા.

સેન્સકેસની ૩૦ કંપનીઓમાં ૩.૪૪ ટકાના ઉછાળા સાથે એનટીપીસી સૌથી વધુ વધ્યો હતો. આ ઉપરાંત ભારતી ઍરટેલ, બજાજ ફાઇનૅન્સ, એચડીએફસી, યસ બૅન્ક અને રિલાયન્સ પણ વધ્યા હતા. ઘટનારા શૅરમાં સન ફાર્મા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર, ઓનએનજીસી, ઇન્ડસઇન્ડ બૅન્ક અને વેદાન્તા મુખ્ય હતા.

બીએસઈ ઉપર ૧૨૪૩ વધનારા શૅર સામે ૧૩૧૧ શૅરમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે દર્શાવે છે મે મહિનાના વાયદાની પતાવટના દિવસે બજારમાં પસંદગીના શૅર જ ઊછળ્યા હતા. બીએસઈ મિડ-કૅપ ઇન્ડેક્સ ૦.૪ ટકા, જયારે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૦.૨ ટકા વધ્યા હતા.

બીએસઈ ઉપર પાવર ઇન્ડેક્સ ૧.૫૮ ટકા વધ્યો હતો અને યુટિલિટી ઇન્ડેક્સ ૧.૪૬ ટકા વધ્યો હતો. એનટીપીસી ૩.૪૪ ટકા, અદાણી પાવર ૬.૪ ટકા વધ્યા હતા. પાવર ગ્રીડ કૉર્પોરેશન ૦.૪૫ ટકા, ભારત ઇલેક્ટ્રૉનિકસ ૧.૪૭ ટકા, એસજેવીએન ૧.૫૮ ટકા વધ્યા હતા.

આઇટી શૅરમાં ખરીદી જોવા મળી હતી. એમ્ફેસિસ ૪.૪૧ ટકા, હેક્ઝાવેર ૨.૦૪ ટકા, ટીસીએસ ૧.૯૧ ટકા, ઓરેકલ ફાઇનૅન્સ ૦.૮૯ ટકા અને ઇન્ફોસિસ ૦.૮૨ ટકા વધ્યા હતા.

ચોથા દિવસે પીસી જ્વેલર્સ ગબડ્યો

સતત ચાર દિવસની પીસી જ્વેલર્સના શૅરમાં વેચવાલી જોવા મળી રહી છે. કંપનીના ભાવ ચાર દિવસમાં ૨૫ ટકા જેટલા ઘટી ગયા છે. ગુરુવારે ભારે વૉલ્યુમ વચ્ચે શૅરના ભાવ એક તબક્કે ૧૦ ટકા ઘટી રૂ. ૭૭.૮૦ થયા હતા. જોકે, સત્રના અંતે શૅરનો ભાવ ગઈ કાલના બંધથી ૩.૮૮ ટકા ઘટી રૂ. ૮૦.૫૫ ઉપર બંધ આવ્યો છે. એપ્રિલની ૧૬મીના રોજ પીસી જ્વેલર્સના ભાવ રૂ. ૧૪૬ હતા જે આજે લગભગ ૪૮ ટકા જેટલા ઘટી ગયા છે.

વૉલટામ્પ ટ્રાન્સફૉર્મર નવી ઊંચાઈએ

વીજળીના વિતરણમાં વપરાતાં ટ્રાન્સફૉર્મર બનાવતી વૉલટામ્પના શૅરના ભાવ આજે બાવન સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. કંપનીએ વાર્ષિક ધોરણે ૬૦ ટકા વધારે નફો અને વધારે આવક નોંધાવી હતી. આ ઉપરાંત કંપનીએ વાર્ષિક રૂ. ૨૨.૫૦ પ્રતિ શૅર ડિવિડન્ડની જાહેરાત કરી હતી. સત્રના અંતે શૅરનો ભાવ ૧૨.૭૫ ટકા વધી રૂ. ૧૨૧૬.૬૫ બંધ આવ્યો હતો.

મે સિરીઝમાં નિફ્ટી ૨.૬ ટકા, સેન્સેક્સ ૨.૮ ટકા વધ્યા

ફ્યુચર્સ અને ઑપ્શન માર્કેટમાં આજે મે સિરીઝની પતાવટ થઈ હતી. ભારતીય વાયદાબજારમાં કૅશ સેટલમેન્ટ હોવાથી રોકડમાં નફો કે નુકસાન બાંધી લેવાનાં હોય છે અથવા આવતા મહિનાની સિરીઝમાં વાયદાનું રોલ ઓવર થાય છે. લોકસભાની ચૂંટણીનું મતદાન, એક્ઝિટ પોલ અને પરિણામના કારણે મે મહિનામાં ભારે ઊથલપાથલ જોવા મળી હતી. નિફ્ટી ૧૨,૦૦૦ની સપાટીને પાર્ટ અને સેન્સેક્સ ૪૦,૦૦૦ની સપાટીને પાર જઈ નીચે પટકાયા હતા. આ સિરીઝ દરમ્યાન માર્કેટ કૅપિટલાઇઝેશન રૂ. ૧,૯૨,૫૭૫ કરોડ વધ્યું હતું.

તા. ૨૫ એપ્રિલના, એપ્રિલ વાયદો પૂરો થયો ત્યારે ૧૧,૬૪૧ની સપાટી ઉપર બંધ આવેલો નિફ્ટી આજે ૧૧,૯૪૫ ઉપર બંધ આવ્યો છે, જે ૩૦૪ પૉઇન્ટ કે ૨.૬ ટકાનો વધારો દર્શાવે છે. સેન્સેક્સ આ સમયમાં ૧૧૦૧ પૉઇન્ટ કે ૨.૮ ટકા વધ્યો હતો. મે સિરીઝ દરમ્યાન લાર્સન ૧૫.૫ ટકા વધ્યો હતો તો સામે તાતા મોટર્સમાં ૨૧ ટકા અને યસ બૅન્કમાં ૩૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

આ પણ વાંચોઃ ટ્રેડવૉરના સમાધાનની શક્યતા ધૂંધળી બનતાં ઇન્વેસ્ટરો સોના તરફ વળ્યા

એશિયાઈ શૅરબજારોમાં ઘટાડો

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની અનિશ્ચિતતા અને વૈશ્વિક આર્થિક મંદીના ભણકારા વચ્ચે એશિયાનાં શૅરબજારોમાં ગુરુવારે ઘટાડો જોવા મળ્યો હતો. જપાનમાં ટોકિયો સ્ટૉક એક્સચેન્જમાં ઇન્ડેક્સ ૦.૩ ટકા, ચીનમાં શાંઘાઈ ૦.૩ ટકા, હૉન્ગકૉન્ગ ૦.૪ ટકા, સિંગાપોર ૦.૯ ટકા અને ઑસ્ટ્રેલિયામાં સિડની ૦.૭ ટકા ઘટયા હતા. બીજી તરફ, અમેરિકાનાં બૉન્ડને રોકાણનું સ્વર્ગ ગણવામાં આવે છે અને શૅરના જોખમ સામે બૉન્ડની ખરીદી જોવા મળી હતી અને ૧૦ વર્ષનાં અમેરિકન બૉન્ડના યીલ્ડ સપ્ટેમ્બર, ૨૦૧૭ પછીની સૌથી નીચી સપાટીએ પટકાયા હતા.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK