જો તમારી કુલ વાર્ષિક આવક, નાણાકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) દરમ્યાનમાં ૨.૫ લાખ રૂપિયાથી વધુ હોય (કપાત વિના), તો તમારે માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવું આવશ્યક છે.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
આપણે જુલાઈ મહિનામાં પ્રવેશી ચૂક્યા છીએ અને અત્યારે લગભગ દરેક જણની મહત્ત્વની જવાબદારી એટલે ઇન્કમ ટૅક્સ રિટર્ન (ITR)નું ફાઇલિંગ કરવું. તો આવો, ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલિંગ વિશે થોડુંક ઊંડાણથી સમજીએ.
ઇન્કમ ટૅક્સ રિટર્ન કોને માટે ફાઇલ કરવું જરૂરી છે?
ADVERTISEMENT
જો તમારી કુલ વાર્ષિક આવક, નાણાકીય વર્ષ (એપ્રિલથી માર્ચ) દરમ્યાનમાં ૨.૫ લાખ રૂપિયાથી વધુ હોય (કપાત વિના), તો તમારે માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવું આવશ્યક છે.
ફરજિયાત આઇટીઆર ફાઇલ કરવા માટેની અન્ય શરતો
જો તમે તમારા પોતાના અથવા અન્ય કોઈ વ્યક્તિ માટે વિદેશમાં મુસાફરી માટે કુલ ખર્ચ બે લાખ રૂપિયાથી વધુનો કર્યો હોય.
જો તમે વીજળીના બિલની ચુકવણી માટે એકંદર ૧ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો હોય.
જો તમે અમુક ઇન્કમ-હેડ હેઠળ નુકસાનને કૅરી ફૉર્વર્ડ કરવા માગતા હો.
જો તમે ભારતીય રેસિડન્ટ વ્યક્તિ (ઇન્ડિવિજ્યુઅલ) હો અને ભારતની બહાર સ્થિત એન્ટિટીમાં સંપત્તિ અથવા નાણાકીય હિત ધરાવતા હો તો ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.
તમે ભારતીય રેસિડન્ટ હો અને વિદેશી ખાતામાં સાઇનિંગ ઑથોરિટી હો તો.
જો તમે કરન્ટ અકાઉન્ટમાં ૧ કરોડ રૂપિયાથી વધુ અથવા બચત ખાતામાં ૫૦ લાખ રૂપિયાથી વધુ જમા કરાવ્યા હોય તો.
જો બિઝનેસમાંથી તમારું કુલ વેચાણ, ટર્નઓવર અથવા કુલ ગ્રોસ આવક ૬૦ લાખ રૂપિયાથી વધુ હોય / વ્યવસાયમાંથી કુલ ગ્રોસ આવક ૧૦ લાખ રૂપિયાથી વધુ હોય તો.
જો વર્ષ દરમ્યાન તમારી કુલ ટીડીએસ / ટીસીએસની કપાત ૨૫,૦૦૦ રૂપિયા અથવા એથી વધુ હોય તો (વરિષ્ઠ નાગરિકો માટે ૫૦,૦૦૦ રૂપિયા અથવા એથી વધુ).
જો નાણાકીય વર્ષ દરમ્યાન ટૅક્સની વાસ્તવિક લાયાબિલિટી કરતાં વધારે ટૅક્સ કપાયો હોય અથવા વધારે ભરાયો હોય તો આ વધારાના જમા કરાયેલા ટૅક્સનું રીફન્ડ લેવા માટે ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરવું ફરજિયાત છે.
કોઈ પણ વ્યક્તિ આઇટીઆર ફાઇલ કરી શકે છે. લોન અથવા વિઝા માટે અરજી કરતી વખતે રિટર્ન ફાઇલિંગનો પુરાવો જરૂરી હોઈ શકે છે.
કોણે કયું આઇટીઆર ફૉર્મ ભરવું?
૧. ઇન્ડિવિજ્યુઅલ (વ્યક્તિ) અને એચયુએફ (હિન્દુ અનડિવાઇડેડ ફૅમિલી)
આઇટીઆર – ૧ : જે ભારતીય રેસિડન્ટની આવક ૫૦ લાખ કરતાં ઓછી હોય, એક હાઉસ પ્રૉપર્ટી હોય અને ખેતીમાંથી થતી આવક (ઍગ્રિકલ્ચરલ ઇન્કમ) ૫,૦૦૦ રૂપિયાથી ઓછી હોય.
આઇટીઆર – ૨ : જે ઇન્ડિવિજ્યુઅલ (વ્યક્તિ) અને એચયુએફની આવક બિઝનેસ કે પ્રોફેશનમાંથી નથી થતી.
આઇટીઆર – ૩ : જે ઇન્ડિવિજ્યુઅલ (વ્યક્તિ) અને એચયુએફની આવક બિઝનેસ કે પ્રોફેશનમાંથી થાય છે.
આઇટીઆર - ૪ : જે ભારતીય રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ, એચયુએફ અને ફર્મ્સ (એલએલપી સિવાયની)ની આવક ૫૦ લાખ સુધીની હોય અને આ આવક એવા બિઝનેસ કે પ્રોફેશનમાંથી થતી હોય કે જેમનું કમ્પ્યુટેશન સેક્શન ૪૪AD, ૪૪ADA અથવા ૪૪AE હેઠળ થતું હોય.
સૅલેરી કે અન્ય સ્રોત દ્વારા કુલ ૫૦ લાખથી ઓછી હોય તો પણ નીચે આપેલા અમુક કિસ્સામાં આઇટીઆર – ૧ ફાઇલ કરી શકાતું નથી.
જો તમે વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ (VDA) મારફતે નફો કમાયા હો જેમ કે ક્રિપ્ટોકરન્સી; તો આવી આવક માટે આઇટીઆર – ૧ ન ભરી શકાય, કેમ કે એ આવક કૅપિટલ ગેઇન તરીકે ગણાશે.
ઈસોપ (ESOP) અથવા અન્ય રીતે અનલિસ્ટેડ ઇક્વિટી શૅર્સમાં રોકાણ કર્યું હોય તો.
જો કોઈ કંપનીમાં તમે ડિરેક્ટર હો તો.
તમારી પાસે ફક્ત પગારની આવક છે, પરંતુ એક કરતાં વધારે ઘર હોય તો.
જો તમે આરએનઓઆર (RNOR – રેસિડન્ટ બટ નૉટ ઑર્ડિનરી રેસિડન્ટ), એનઆરઆઇ (NRI – નૉન રેસિડન્ટ ઇન્ડિયન) હો તો તમે આઇટીઆર – ૧ ફાઇલ ન કરી શકો.
૨. કંપની
આઇટીઆર – ૬ : જે કંપનીઓ સેક્શન ૧૧ હેઠળ એક્ઝમ્પ્શન ક્લેમ કરતી હોય એ સિવાયની કંપનીઓ.
૩. ટ્રસ્ટ્સ, રાજકીય પક્ષ, યુનિવર્સિટી વગેરે
આઇટીઆર – ૭ : જે વ્યક્તિઓ અથવા કંપનીઓ માટે સેક્શન ૧૩૯ (૪A) અથવા ૧૩૯ (૪B) અથવા ૧૩૯ (૪C) અથવા ૧૩૯ (૪D) હેઠળ રિટર્ન ભરવું જરૂરી હોય ફક્ત તેમને માટે.
૪. અન્યો
આઇટીઆર – ૫ : (૧) ઇન્ડિવિજ્યુઅલ (વ્યક્તિ), (૨) એચયુએફ, (૩) કંપની અને (૪) આઇટીઆર – ૭ હેઠળ ફાઇલ કરતા હોય એ સિવાયની વ્યક્તિઓ જેમ કે ફર્મ.
લિમિટેડ લાયાબિલિટી પાર્ટનરશિપ (LLP).
અસોસિએશન ઑફ પરસન્સ (AOP).
બૉડી ઑફ ઇન્ડિવિજ્યુઅલ્સ (BOI).
સેક્શન ૨(૩૧)ની કલમ (vii)માં સંદર્ભિત આર્ટિફિશ્યલ જુરિડિશ્યલ પર્સન (AJP).
સેક્શન ૨(૩૧)ની કલમ (vi)માં સંદર્ભિત લોકલ ઑથોરિટી.
સેક્શન ૧૬૦(૧)ની કલમ (iii) અથવા (iv)માં સંદર્ભિત રિપ્રેઝન્ટેટિવ એસેસી.
કો-ઑપરેટિવ સોસાયટી.
સોસાયટીઝ રજિસ્ટ્રેશન ઍક્ટ, ૧૮૬૦ હેઠળ અથવા કોઈ રાજ્યના અન્ય કાયદા હેઠળ નોંધણીકૃત થયેલી સોસાયટી.
ફૉર્મ આઇટીઆર – ૭ હેઠળ રિટર્ન ફાઇલ કરવા પાત્ર હોય એવા ટ્રસ્ટ સિવાયના ટ્રસ્ટ.
મરનાર વ્યક્તિની એસ્ટેટ.
નાદારી નોંધેલ વ્યક્તિની એસ્ટેટ.
સેક્શન ૧૩૯(૪E)માં સંદર્ભિત બિઝનેસ ટ્રસ્ટ.
સેક્શન ૧૩૯(૪F)માં સંદર્ભિત ઇન્વેસ્ટમેન્ટ ફન્ડ.
મારા આગામી લેખમાં આપણે ઇન્કમ ટૅક્સ રિટર્ન ભરતી વખતે શું સાવચેતી રાખવી, નવા ટૅક્સ રેજીમમાં મળતા ડિડક્શન વિશે, આઇટીઆર ફૉર્મમાં આવેલા બદલાવ વગેરે બાબતો વિશે વિસ્તારથી જાણીશું.


