એલઆરએસમાં બજેટ ૨૦૨૩માં અમુક બદલાવ કરવામાં આવ્યા છે જે ૧લી જુલાઈ, ૨૦૨૩થી લાગુ પડવાના છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
એલઆરએસ (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) એ એફઈએમએ (ફૉરેન એક્સચેન્જ મૅનેજમેન્ટ ઍક્ટ) ૧૯૯૯નો ભાગ છે, જેમાં ભારતમાંથી વિદેશમાં નાણાં મોકલવા બાબત માર્ગદર્શિકા આપેલી છે. એલઆરએસ હેઠળ દરેક રહેવાસી ભારતીય એક નાણાકીય વર્ષ (એપ્રિલ-માર્ચ) દરમ્યાન ૨,૫૦,૦૦૦ અમેરિકન ડૉલર સુધીની રકમ વિદેશ મોકલી શકે છે.
એલઆરએસમાં બજેટ ૨૦૨૩માં અમુક બદલાવ કરવામાં આવ્યા છે જે ૧લી જુલાઈ, ૨૦૨૩થી લાગુ પડવાના છે. આજના લેખમાં આપણે આ બદલાવ કયા છે એ વિશે સમજીશું.
વિદેશમાં કરાતા ખર્ચાઓ માટે બજેટ ૨૦૨૩ પહેલાંનો નિયમ શું હતો?
ADVERTISEMENT
ધારો કે તમે વિદેશ ટૂર કરવા માટે પાંચ લાખ રૂપિયાનું એક પૅકેજ ખરીદ્યું છે. વિક્રેતા ટૂર ઑપરેટર તમારી પાસેથી પાંચ ટકાના દરે ટીસીએસ (ટૅક્સ કલેક્શન ઍટ સોર્સ)ના ૨૫,૦૦૦ રૂપિયા લઈ લેશે. ધારો કે તમારી આ ટ્રિપ દરમ્યાન તમે બન્જી જમ્પિંગ કરવાનો નિર્ણય કરો છો અને એ માટે તમારા ક્રેડિટ કાર્ડ દ્વારા તમે ૫૦,૦૦૦ રૂપિયા જેટલી વિદેશી મુદ્રા ખર્ચો છો તો ક્રેડિટ કાર્ડ દ્વારા ખર્ચેલી આ રકમ ઉપર ટીસીએસ નહીં લેવામાં આવે.
બજેટ ૨૦૨૩ પછીનો બહુચર્ચિત નવો નિયમ શું કહે છે? ઉપરના ઉદાહરણથી બદલાવ વિશે સમજીએ:
જો તમે જુલાઈ, ૨૦૨૩ પછી પાંચ લાખ રૂપિયાનું વિદેશ ટૂરનું પૅકેજ ખરીદો છો તો ત્યારે તમારે ટીસીએસપેઠે ૨૦ ટકાના દરે એક લાખ રૂપિયા ચૂકવવા પડશે, જે પહેલાં તમે ૨૫,૦૦૦ રૂપિયા ચૂકવ્યા હતા. આ બદલાવની ઘોષણા ફેબ્રુઆરી મહિનામાં જ બજેટ ૨૦૨૩ના ભાગરૂપે કરવામાં આવી હતી. હાલ ૧૬મી મે ૨૦૨૩ના રોજ આરબીઆઇએ નવી ઘોષણા કરી કે વિદેશમાં ક્રેડિટ કાર્ડ દ્વારા કરાતા ખર્ચને પણ હવેથી એલઆરએસ (લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ) હેઠળ આવરી લેવામાં આવશે. આથી ક્રેડિટ કાર્ડ દ્વારા વિદેશી મુદ્રામાં ખર્ચેલા દરેક રૂપિયા પર ૨૦ ટકાના દરે ટીસીએસ લાગુ પડશે. ઉપરના ઉદાહરણથી સમજીએ તો ક્રેડિટ કાર્ડ દ્વારા બન્જી જમ્પિંગ માટેના ૫૦,૦૦૦ રૂપિયાના ખર્ચ ઉપર પણ ૨૦ ટકાના દરે ટીસીએસપેઠે ૧૦,૦૦૦ રૂપિયા આપવા પડશે.
આમ છતાં કાર્યકારી પડકારોને કારણે આરબીઆઇએ ૧૯મી મે ૨૦૨૩ના રોજ ફરી ઘોષણા કરી કે સાત લાખ રૂપિયા સુધીના ડેબિટ અને ક્રેડિટ કાર્ડ દ્વારા કરાતા ખર્ચને એલઆરએસમાંથી બાકાત રાખવામાં આવશે. એનો અર્થ એમ કે બન્જી જમ્પિંગ માટેના ૫૦,૦૦૦ રૂપિયાના ખર્ચ ઉપર કોઈ ટીસીએસ લેવામાં નહીં આવે, કેમ કે એની ચુકવણી ક્રેડિટ કાર્ડ દ્વારા થઈ છે, પરંતુ જો આ રકમની ચુકવણી નેટ-બૅન્કિંગ મારફત કરવામાં આવી હોત તો ટીસીએસ લેવામાં આવશે. ફક્ત ડેબિટ અને ક્રેડિટ કાર્ડ્સ દ્વારા થતાં ટ્રાન્ઝૅક્શન્સ પર ટીસીએસ માટે સાત લાખ રૂપિયાની છૂટ રાખવામાં આવી છે.
આખા નાણાકીય વર્ષ દરમ્યાન ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મારફત થયેલો કુલ ખર્ચ સાત લાખ રૂપિયાથી વધી જાય તો જ ટીસીએસ લાગુ પડશે.
વિદેશમાં ભણતા બાળકના એજ્યુકેશન, હૉસ્ટેલનો ખર્ચ
સાત લાખ રૂપિયા સુધી એજ્યુકેશન કે મેડિકલ અને એને જ લાગતાવળગતા બીજા ખર્ચ જેવા કે હૉસ્ટેલની ફી વગેરે પર ટીસીએસ નહીં લાગુ પડે. સાત લાખ રૂપિયાથી ઉપરના ખર્ચ ઉપર પાંચ ટકાના દરે ટીસીએસ લેવામાં આવશે. જો એજ્યુકેશનના ખર્ચની ચુકવણી લોનના માધ્યમથી કરવામાં આવી હોય તો ટીસીએસનો દર ૦.૫ ટકા રહેશે. આમાં કોઈ જ બદલાવ થયો નથી.
સ્ટૉક કે બૉન્ડમાં રોકાણ કરવા માટે તમે વિદેશી નાણું મોકલવા માગતા હો તો?
ક્રેડિટ કાર્ડ મારફત રોકાણ ન કરી શકાય એટલે આવાં ટ્રાન્ઝૅક્શન્સ પર આ હાલના બદલાવની કોઈ અસર નહીં થાય. સાત લાખ રૂપિયાની ઉપરનાં આવાં ટ્રાન્ઝૅક્શન્સ પર પાંચ ટકાના દરે ટીસીએસ લાગતો આવ્યો છે. ૨૦૨૩ના બજેટ અનુસાર આ મર્યાદા નાબૂદ કરવામાં આવી છે એટલે ૧લી જુલાઈ ૨૦૨૩ પછી આવાં ટ્રાન્ઝૅક્શન્સ માટે વિદેશ મોકલતા દરેક રૂપિયા પર ૨૦ ટકાના દરે ટીસીએસ લાગશે.
તો શું વિદેશી નાણાંમાં થતા દરેક ખર્ચ પર વધારાનો ૨૦ ટકા ટૅક્સ?
શું ટીસીએસ એ તમારે માટે વધારાનો ખર્ચ છે? ટીસીએસ અને ટીડીએસ વચ્ચે શું ફરક છે? એનઆરઆઇ માટે એલઆરએસના નિયમો શું કહે છે? આ બધા વિશે આપણે મારા આગામી લેખમાં સમજીશું.


