મીરાઈ ઍસેટે આ કૅટેગરીમાં હમણાં પ્રવેશ કર્યો છે. તેમના તાજેતરમાં શરૂ કરેલા ફ્લેક્સી કૅપ ફન્ડ (ફેબ્રુઆરી ૨૦૨૩)માં ૬૦૪ કરોડ રૂપિયાનું એયુએમ છે.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ફ્લેક્સી કૅપ એ મ્યુચ્યુઅલ ફન્ડ સ્પેસમાં સૌથી મોટી ઓપન-એન્ડેડ ઇક્વિટી કૅટેગરી છે, જેનું સામૂહિક એયુએમ (ઍસેટ અન્ડર મૅનેજમેન્ટ) ૨,૪૦,૭૯૦ કરોડ રૂપિયા છે. એયુએમનો આ આંકડો જોતાં એમ લાગે છે કે એ સ્પષ્ટ રીતે રોકાણકારોનું પ્રિય છે. મીરાઈ ઍસેટે આ કૅટેગરીમાં હમણાં પ્રવેશ કર્યો છે. તેમના તાજેતરમાં શરૂ કરેલા ફ્લેક્સી કૅપ ફન્ડ (ફેબ્રુઆરી ૨૦૨૩)માં ૬૦૪ કરોડ રૂપિયાનું એયુએમ છે.
મલ્ટિ કૅપ ફન્ડ અને ફ્લેક્સી કૅપ ફન્ડનો તફાવત
ADVERTISEMENT
ઘણા રોકાણકારોએ આ બે કૅટેગરીઓની ભેળસેળ કરી હોય એવું લાગે છે, એથી ચાલો આપણે એનો તફાવત સમજીએ. મલ્ટિ કૅપ ફન્ડ અને ફ્લેક્સી કૅપ ફન્ડ એ બન્ને ડાઇવર્સિફાઇડ ઇક્વિટી ફન્ડ્સ છે, પરંતુ નોંધપાત્ર તફાવત એ છે કે એમનું વિવિધ માર્કેટ કૅપ્સમાં અલગ-અલગ પ્રમાણમાં રોકાણ હોય છે. મલ્ટિ કૅપ ફન્ડ્સમાં ત્રણ જુદા-જુદા માર્કેટ કૅપિટલાઇઝેશન સ્મૉલ કૅપ, મીડિયમ કૅપ અને લાર્જ કૅપ એ દરેકમાં ૨૫%ની ફરજિયાત ફાળવણી જરૂરી છે. જો કોઈ મલ્ટિ કૅપ ફન્ડે લાર્જ કૅપ શૅરોમાં ૫૦% ફાળવ્યા હોય તો આ સાથે તેણે સ્મૉલ કૅપ, મીડિયમ કૅપ દરેકમાં ૨૫% ની ફાળવણી કરી હશે અથવા તેણે મીડિયમ કૅપ્સમાં ૪૦% ફાળવણી, લાર્જ કૅપ્સમાં ૩૫% ફાળવણી અને સ્મૉલ કૅપ્સમાં ૨૫% ફાળવણી કરી હોઈ શકે છે.
ફ્લેક્સી કૅપ કૅટેગરીમાં ફન્ડ મૅનેજર પોતાની સ્ટ્રૅટેજી અને દરેક કૅટેગરીના માર્કેટ કૅપ માટેના એના પોતાના દૃષ્ટિકોણને આધારે અલગ-અલગ માર્કેટ કૅપ કૅટેગરી વચ્ચે છૂટથી સ્થળાંતર કરી શકે છે. આ ફન્ડમાં ત્રણેય માર્કેટ કૅપ્સની કૅટેગરીઓમાં રોકાણ કરવા બાબત ટકાવારીનું કોઈ બંધન નથી. ફન્ડ મૅનેજરને જ્યાં મહત્તમ વૅલ્યુ જણાતી હોય ત્યાં એ એની સ્ટ્રૅટેજી પ્રમાણે રોકાણ કરવા માટે સ્વતંત્ર છે. એવો પણ સમય હોઈ શકે કે જ્યારે કોઈ એક ચોક્કસ માર્કેટ કૅપમાં સાવ નજીવું રોકાણ કરેલું હોય.
ડિસેમ્બર ૨૦૨૧ સુધીમાં ફ્લેક્સી કૅપ કૅટેગરીએ લાર્જ કૅપ્સમાં સરેરાશ ૭૬%નું એક્સપોઝર જાળવ્યું હતું, જ્યારે મલ્ટિ કૅપ કૅટેગરીએ લાર્જ કૅપ્સમાં સરેરાશ ૫૪% એક્સપોઝર રાખ્યું હતું. ફેબ્રુઆરી ૨૦૨૩ સુધીમાં ફ્લેક્સી કૅપનું લાર્જ કૅપમાં આ એક્સપોઝર ૬૬% અને મલ્ટિ કૅપનું ૪૧% થઈ ગયું.
તો આ બન્નેમાંથી કોની પસંદગી કરવી
ફ્લેક્સી કૅપ ફન્ડ્સની તુલનામાં મલ્ટિ કૅપ ફન્ડ્સ પ્રમાણમાં જોખમી છે, કારણ કે પોર્ટફોલિયોના ઓછામાં ઓછા ૫૦% મિડ અને સ્મૉલ કૅપ્સમાં ફાળવવા પડે છે. અને એવું પણ બની શકે કે જો ફ્લેક્સી કૅપ ફન્ડના મૅનેજરને મિડ અને સ્મૉલ કૅપ્સમાં વધુ વૅલ્યુ જણાતી હોય તો ફન્ડના ભંડોળમાંના મોટા ભાગને એમાં સ્થળાંતરિત કરવાનો નિર્ણય લઈ શકે છે, પરંતુ જો આ સેગમેન્ટ માર્કેટમાં પિટાતું હોય તો મૅનેજર લાર્જ કૅપમાં રોકાણને સ્થળાંતરિત કરી શકે છે કે જેથી રોકાણમાં થતા ઘસારાને અમુક અંશે ઓછો કરી શકાય, પણ જો આ દરમ્યાન અચાનક માર્કેટમાં તેજી આવી જાય તો એની આ સ્ટ્રૅટેજિક ફાળવણીને કારણે એ આ તેજીનો લાભ લેવામાંથી ચૂકી જાય છે. આમ તો આ સ્ટ્રૅટેજી બહુ આકર્ષક લાગે છે, પરંતુ એ યાદ રાખવું જોઈએ કે આ ખૂબ મોટી રકમની હેરફેર હોય છે. ૧૦% મિડ કૅપમાંથી લાર્જ કૅપમાં ફેરવવા એ સાંભળવામાં જેટલું સરળ લાગે છે એટલું હોતું નથી. ફન્ડ મૅનેજરે સતત લિક્વિડિટી અને વૅલ્યુએશનનું ધ્યાન રાખવું પડે છે.
રોકાણકારની પોતાની જરૂરિયાતને આધારે જ નિર્ણય લેવો
તમારા માટે શું યોગ્ય છે એનાથી પ્રારંભ કરો. બીજા રોકાણકાર માટે જે યોગ્ય હોય એ તમારા માટે સૌથી ખરાબ પણ હોઈ શકે છે. રોકાણકારની પોતાની જોખમ ખમવાની ક્ષમતા અને એનાં આર્થિક લક્ષ્યો માટેની સમયાવધિને આધારે સ્મૉલ કૅપ, મીડિયમ કૅપ અને લાર્જ કૅપમાં રોકાણ કરવું જરૂરી છે. આક્રમક રોકાણકાર વધુ રકમ સ્મૉલ કૅપમાં ફાળવી શકે છે, જ્યારે વધુ જોખમ લેવા ન માગતા હોય એવા રોકાણકારોએ લાર્જ કૅપમાં વધારે રકમનું રોકાણ કરવું હિતાવહ ગણાય. જો કોઈ રોકાણકાર નિયમિત ધોરણે બજારને ટ્રેક કરવામાં અને બજારની બદલાતી પરિસ્થિતિને આધારે પોર્ટફોલિયોમાં ફેરફાર કરવા માટે સક્ષમ હોય તો પછી તેના/તેણીના રિસ્ક પ્રોફાઇલ અને સમયાવધિને ધ્યાનમાં રાખીને એ રોકાણ કરી શકે છે. બીજી બાજુ, જો તમારી પાસે નિયમિત ધોરણે બજારને ટ્રેક કરવા અને જરૂરી ફેરફારો (જો કોઈ જરૂરી હોય તો) કરવા માટે સમય અને જરૂરી જાણકારી ન હોય અથવા એવું કરવાની તમારી ઇચ્છા ન હોય તો પછી ફ્લેક્સી કૅપ ફન્ડ પસંદ કરવું એ રોકાણ કરવાનો એક સારો રસ્તો હોઈ શકે. આમ કરીને તમે આડકતરી રીતે ફન્ડ મૅનેજરને તમારા વતી આવા નિર્ણય લેવા માટે છૂટ આપો છો.
પસંદગી માટેના માપદંડ
ઇક્વિટીનો એક સુયોગ્ય રીતે ડાઇવર્સિફાઇડ પોર્ટફોલિયો બનાવવા માટે જુદી-જુદી ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓમાંની વિવિધ કૅટેગરીમાંથી ટોચના ફન્ડ્સની પસંદગી કરી શકો છો. પોર્ટફોલિયોમાં કોઈ ફન્ડની પસંદગી કરવા માટેનો એક માપદંડ એ ફન્ડનો રેટિંગ જોવો એ છે, સાથે-સાથે ફન્ડ મૅનેજરની ઇન્વેસ્મેન્ટ સ્ટ્રૅટેજી પણ જોવી જરૂરી છે. તેણે બનાવેલો પોર્ટફોલિયો ડાઇવર્સિફાઇડ છે કે કોઈ એક સેક્ટર કે સ્ટૉકમાં વધુ પ્રમાણમાં રોકાણ કરેલું છે એ પણ તપાસવું જરૂરી છે.
જુદા અભિગમો
અમુક ફ્લેક્સી કૅપ ફન્ડ્સને ગ્રોથના અભિગમ સાથે સંચાલિત કરાતા હોય તો અમુકને વૅલ્યુને આધારે અથવા ગ્રોથ ઍટ રિઝનેબલ પ્રાઇસ (જીએઆરપી)ના અભિગમ સાથે સંચાલિત કરતા હોય. દાખલા તરીકે કોટક ફ્લેક્સી કૅપ સતત ગ્રોથ (વૃદ્ધિ) કેન્દ્રિત અભિગમને આગળ ધપાવી રહી છે, બીજી તરફ એચડીએફસી ફ્લેક્સી કૅપ વૅલ્યુના અભિગમ સાથે ચાલે છે. આને કારણે આ ફન્ડ્સ બજારની સમાન સ્થિતિમાં ખૂબ જ અલગ પ્રદર્શન કરશે. અમુક ફ્લેક્સી કૅપ ફન્ડ્સમાં ડાઇવર્સિફિકેશન માટે વૈશ્વિક બજારોમાં પણ રોકાણ કરેલું જોવા મળે છે, જેવા કે પરાગ પરીખ ફ્લેક્સી કૅપ ફન્ડ.
સારાંશ
આમ તો ઘણા બધા ફન્ડ્સને ‘સારા’ ફન્ડની શ્રેણીમાં મૂકી શકાય, પરંતુ તમારા સમગ્ર પોર્ટફોલિયોમાં એ બંધ બેસે છે કે નહીં એ તપાસવું મહત્ત્વપૂર્ણ છે. આદર્શ રીતે રોકાણકારોએ પોતાના પોર્ટફોલિયોમાં અલગ-અલગ સ્ટ્રૅટેજીઓનું મિશ્રણ રાખવું જોઈએ જે તેમને ઍસેટ ફાળવણી, માર્કેટ કૅપિટલાઇઝેશન, ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ, ભૌગોલિક અને રોકાણની શૈલીમાં વિવિધતા પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે.


