ઈપીએસ ૯૫માં પેન્શનની રકમનો આધાર કુલ સર્વિસનાં વર્ષો પર અને છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ બેઝિક પગાર પર આધારિત છે
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ઉચ્ચ ઈપીએસ પેન્શન માટે વધારાનો ફાળો આપવા બાબતનો જૂનો નિયમ કે જેમાં વેતનની ટોચમર્યાદાથી ઉપર જેનો પગાર હોય તેમણે પગારના ૧.૧૬ ટકા વધારાના આપવા પડતા હતા, એ નિયમને નવી પદ્ધતિથી બદલવામાં આવ્યો છે. નવા નિયમ પ્રમાણે આ વધારાનો ફાળો, એમ્પ્લૉયર દ્વારા પ્રોવિડન્ટ ફન્ડમાં કરાતા એકંદર ૧૨ ટકાના યોગદાનમાંથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર ૨૦૨૨માં અગાઉનો નિયમ અમાન્ય જાહેર કર્યો હતો. પાત્ર કર્મચારીઓ હવે તેમના એકચ્યુઅલ બેઝિક પગારના માત્ર ૧૨ ટકા ચૂકવીને વધારે પેન્શનની રકમની પસંદગી કરી શકે છે. કર્મચારીઓને તેમના નિર્ણયની આર્થિક અસરોને સમજવા માટે સમય મળી શકે એ ખાતર ઈપીએફઓએ ૨૬ જૂન, ૨૦૨૩ સુધી ઉચ્ચ પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે.
નવો નિયમ કેવી રીતે કામ કરશે?
ADVERTISEMENT
ઉચ્ચ પેન્શન મેળવવા પાત્ર બનવા માટે ઈપીએફના સભ્યોએ અગાઉના ન ચૂકવાયેલા વધારાના ફાળાની બાકી રકમની વ્યાજ સાથે ચુકવણી કરવી આવશ્યક છે. એમ્પ્લૉયરનો ઈપીએસ માટેનો ફાળો ૮.૩૩ ટકામાંથી વધીને ૯.૪૯ ટકા થઈ જશે અને ભવિષ્યમાં સભ્યોએ, એમ્પ્લૉયરના હિસ્સામાંથી એમની એકચ્યુઅલ બેઝિક પગારના ૯.૪૯ ટકામાંની ઊંચી રકમને ઈપીએસમાં વાળવી પડશે. સભ્યની અગાઉની બાકી રહેલી ફાળાની રકમની ઈપીએફઓ ગણતરી કરશે અને જો એમાં રકમ ઓછી પડશે તો એટલી રકમ સભ્યએ પોતાના બૅન્કના ખાતામાંથી ચુકવણી કરવી પડશે. ઉચ્ચ પેન્શન માટે વધારાની ૧.૧૬ ટકાના ફાળાની રકમ ચૂકવવાની જવાબદારી હવેથી એમ્પ્લૉયરની રહેશે. આને કારણે એમ્પ્લૉયરનું ઈપીએફમાં યોગદાન ઓછું થઈ શકે છે અને ઈપીએસમાં વધી શકે છે. સંભવતઃ આને કારણે નિવૃત્તિ વખતે પ્રોવિડન્ટ ફન્ડમાં જમા થતી કુલ રકમ અને પેન્શનની રકમ પર અસર થઈ શકે છે.
ઉચ્ચ પેન્શન લાભકારી છે કે કેમ એ જાણવા માટેનાં પરિબળો
તમને ઉચ્ચ ઈપીએસ પેન્શન પસંદ કરવાથી લાભ થશે કે કેમ એ તમારી એમ્પ્લૉયમેન્ટ હિસ્ટ્રી, વેતનવૃદ્ધિ, ક્વૉલિફાઇંગ સર્વિસનાં વર્ષો અને છેલ્લાં પાંચ વર્ષનો સરેરાશ બેઝિક પગાર જેવાં પરિબળો પર આધારિત છે. ઈપીએસ પેન્શન માટે પાત્ર બનવા માટે તમારી પાસે ઓછામાં ઓછી ૧૦ વર્ષની ક્વૉલિફાઇંગ સર્વિસ હોવી જરૂરી છે. જો તમારી પાસે ૨૦ વર્ષની ક્વૉલિફાઇંગ સર્વિસ હોય તો તમને બોનસ તરીકે બે વધારાનાં વર્ષો પણ મળશે. ઈપીએસ ૯૫માં પેન્શનની રકમનો આધાર કુલ સર્વિસનાં વર્ષો પર અને છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ બેઝિક પગાર પર આધારિત છે. જો તમારી સર્વિસનાં કુલ ૩૩ વર્ષો હોય અને એ દરમ્યાન તમે ઈપીએસમાં ફાળો આપ્યો હોય, તો તમને જીવનભર પેન્શન તરીકે તમારાં છેલ્લાં પાંચ વર્ષના સરેરાશ બેઝિક પગારના ૫૦ ટકા મળશે.
આ પણ વાંચો : ‘સરળતાથી મળેલાં નાણાં’નો શ્રેષ્ઠ ઉપયોગ કયાં થઈ શકે?
સભ્યએ પોતાનો અને જીવનસાથી બન્નેનો, નિવૃત્તિ પછીનાં જીવનકાળના સમયગાળાની સંભવિત લંબાઈને ઊંચા ઈપીએસ પેન્શનની પસંદગી કરતી વખતે, ધ્યાનમાં રાખવો જરૂરી છે, કારણ કે પેન્શનરના મૃત્યુ પછી ભંડોળની રકમ નૉમિનીને પાછી આપવાનું કોઈ જ પ્રાવધાન નથી. જો નિવૃત્તિ પછીનો જીવનગાળો લાંબો હોય તો ઊંચા પેન્શન માટે આપેલી વધારાના ફાળાની રકમ પર ઊંચું વળતર મળી શકે છે. પાત્ર સભ્યોએ અંતિમ નિર્ણય લેતાં પહેલાં આ પાસા પર વિચાર કરવો જોઈએ, કારણ કે આ પેન્શન માટેનું યોગદાન તેઓ પોતે જ આપે છે અને તેમની પાસે હંમેશાં તેમની બચતનું રોકાણ અન્યત્ર કરવાનો વિકલ્પ હોય છે.
ઈપીએફઓએ કર્મચારીઓને ઉચ્ચ ઈપીએસ પેન્શન માટે તેમની અરજી ડિલીટ કરીને સચોટ વિગતો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી નવી અરજી કરી શકે એવી સગવડ આપી છે. જો એમ્પ્લૉયરે મૂળ અરજીનો જવાબ આપ્યો ન હોય તો જ આ વિકલ્પનો ઉપયોગ કરી શકાય છે. જો એમ્પ્લૉયર પહેલેથી જ અરજી પર કાર્યવાહી કરી ચૂક્યા હોય તો ફીલ્ડ ઑફિસર સમીક્ષા કરી લે પછી કર્મચારી હજી પણ ભૂલો સુધારી શકે છે. નિવૃત્તિ પછીના જીવનની લંબાઈ એ ઉચ્ચ ઈપીએસ પેન્શનના રોકાણ પર વળતર નક્કી કરવા માટે નિર્ણાયક પરિબળ છે અને સભ્યોએ અંતિમ નિર્ણય લેતાં પહેલાં આ વિશે વિચાર કરવો જોઈએ.
સુપ્રીમ કોર્ટના આદેશની અસર
ઈપીએફઓએ ઉચ્ચ ઈપીએસ પેન્શન માટે અરજી કરવાની અંતિમ તારીખ ૩ મે, ૨૦૨૩થી ૨૬ જૂન, ૨૦૨૩ સુધી લંબાવી છે. વેતન ટોચમર્યાદાથી વધુ જે કમાતા હોય તેઓ માટે ઉચ્ચ ઈપીએસ પેન્શન માટે વધારાના ૧.૧૬ ટકાનો ફાળો ફરજિયાત હતો, પરંતુ ૪ મે, ૨૦૨૩ના રોજ ઈપીએફઓએ જાહેરાત કરી હતી કે હવેથી આ ફાળો એમ્પ્લૉયરના એકંદર ૧૨ ટકાના યોગદાનમાંથી લેવામાં આવશે. સુપ્રીમ કોર્ટના આવેલા ચુકાદામાં અગાઉના નિયમને અમાન્ય જાહેર કર્યા પછી અને ઈપીએફઓને રિપ્લેસમેન્ટ મિકેનિઝમ સાથે આવવાનો આદેશ આપ્યો એ પછી આ વાત આવી છે.


