જો આપણે પૈસા કમાયા હોઈએ તો આપણે મોટે ભાગે એને વ્યવહારુ ઉપયોગમાં લઈશું.
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ધારો કે તમને દિવાળી કે ક્રિસમસ વખતે ૫૦૦૦ રૂપિયાની ભેટ મળી. તમે આ પૈસાને વાપરી નાખશો કે એને રોકાણ કરવાના હેતુસર તમારા બચત-ખાતામાં જમા કરી દેશો? ઘણા ખરા લોકો એને વાપરી નાખશે, એનું કારણ છે ‘મેન્ટલ અકાઉન્ટિંગ’.
‘મેન્ટલ અકાઉન્ટિંગ’ એટલે શું?
ADVERTISEMENT
પૈસાના સ્રોતને આધારે પૈસાને જુદી-જુદી રીતે ઉપયોગમાં લેવાની આદત એટલે ‘મેન્ટલ અકાઉન્ટિંગ’. આપણી આ આદતનો અમલ આપણે કેવી રીતે કરીએ છીએ એ પ્રમાણે આપણને ફાયદો અથવા નુકસાન થઈ શકે છે. જો આપણે પૈસા કમાયા હોઈએ તો આપણે મોટે ભાગે એને વ્યવહારુ ઉપયોગમાં લઈશું. જો આપણે જીત્યા હોઈએ, આપણને મળ્યા હોય અથવા તો કોઈએ આપણને આપ્યા હોય તો આપણે એને આનંદ કે ઉપભોગ કરવા માટે વાપરશું. જો એ કોઈ દુઃખદ ઘટના ઘટવાના પરિણામ સ્વરૂપે મળ્યા હોય તો કાં તો આપણે એને વાપરવાનું ટાળશું અથવા એને કોઈને આપી દઈશું.
ઘટનાઓને સમજવા અને એ પ્રમાણે એનો અમલ કરવા માટે આપણું મગજ ‘મેન્ટલ અકાઉન્ટિંગ’નો ટૂંકો રસ્તો અપનાવે છે, પરંતુ ઘણી વાર આ ભાવનાત્મક, તર્કહીન અને નુકસાનકારક નિર્ણય હોઈ શકે છે.
અણધાર્યા પૈસા એટલે?
અણધાર્યા પૈસા જેવા કે ઑફિસમાંથી મળેલું બોનસ, ટૅક્સ રીફન્ડ, ભેટ, વારસો, લૉટરી, જેના અસ્તિત્વની ખબર જ ન હોય એવી અચાનક હાથમાં આવેલી એફડીની રસીદ, રસ્તા પરથી મળેલી નોટોની થપ્પી - આવી બધી રીતે મળેલા અણધાર્યા પૈસાનો વપરાશ મોટે ભાગે વ્યર્થ ગણાતા ખર્ચ પાછળ કરવામાં આવે છે, જ્યારે જાતે કમાયેલા પૈસાનો વપરાશ વધુ સમજણપૂર્વક કરવામાં આવે છે. આવી રીતે આવેલા વધારાના પૈસાને આપણે આનંદ માટે મળેલા પૈસા તરીકે જોઈએ છીએ અને એ પ્રમાણે વાપરીએ છીએ. આમ કરવામાં આપણે કટોકટી માટેના ભંડોળને, ક્રેડિટ કાર્ડ પર ભરવા પડતા વ્યાજને, આપણા નિવૃત્તિકાળ ભંડોળ માટેની બચત તરફ બેદરકાર બની જઈએ છીએ. હકીકતમાં, ગમે એટલી નાની રકમ હોય, પણ જો એ રકમને આપણા કોઈ આર્થિક લક્ષ્ય માટે વાપરવામાં આવે તો એને કારણે આપણે એટલા વહેલા એ લક્ષ્ય તરફ પહોંચી શકીએ છીએ.
અણધાર્યા પૈસાના સ્રોતનો પ્રકાર
કોઈ પ્રિયજનના અકસ્માત મૃત્યુ પછી મળતી વિમાની રકમ અથવા વારસામાં આવેલી રકમને માનસિક રીતે જો તમે ખોયેલી વ્યક્તિ સાથે કે એ દુર્ઘટના સાથે જોડી દો ત્યારે આવેલી એ રકમનો સ્રોત દુઃખદ હોઈ શકે. આવા સમયે આ રકમ બાબત કોઈ યોગ્ય નિર્ણય લેવામાં તકલીફ પડી શકે છે. તાજેતરમાં હું એક વ્યક્તિને મળી હતી જેમણે એમની માતાને ગુમાવ્યા હતા. એમણે મેળવેલો વારસો એમને ખૂબ જ પીડાદાયક લાગતો હતો અને એ રકમની એમને જરૂરિયાત હોવા છતાં એ કોઈને આપી દેવા માગતા હતા. એમણે આ રકમને એમની માતાના વારસા તરીકે મનમાં રાખી હતી એટલે આ રકમને તેઓ કોઈ સારા કામ માટે જ વાપરવા ઇચ્છતા હતા. પોતાના નીજી ખર્ચાઓ માટે વાપરવાનું એમને જરૂરી હોવા છતાં, અયોગ્ય લાગતું હતું. હકીકતમાં એમની માતાએ તો એ જ ધાર્યું હશે કે એ રકમ એમના પુત્રને મદદરૂપ નીવડશે.
આ પણ વાંચો : કોઈ પણ મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ કરતાં પહેલાં આટલું જાણો
નાણાકીય સલાહકારોએ મને એવા પણ કિસ્સાની જાણ કરી છે કે પોતાના પ્રિયજને ખરીદેલા હોય એ કારણસર એમના મૃત્યુ બાદ ઘણા લોકો અમુક શૅર્સને વેચતા નથી, કારણ કે એ શૅર્સ એમને એ પ્રિયજનની યાદ સમાન લાગતા હોય છે, જેમને એ પોતાનાથી અળગા કરવા ઇચ્છતા નથી. પોતાના સ્વર્ગીય સ્વજન પાસેથી મળેલા વારસાની રકમમાંથી આનંદ અથવા આરામ મેળવવા વારસાની રકમ વાપરવાના વિચારથી પણ ઘણા લોકો ગુનાહિત લાગણી અનુભવતા હોય છે.
વિચારોને નવેસરથી ગોઠવો, મળેલી રકમને ફાયદા માટે વાપરો
મળેલા ટૅક્સ રીફન્ડ અથવા બોનસને ‘વધારાના પૈસા’ ગણવાને બદલે એ રકમને તમે ઘરની ખરીદી માટેના ડાઉન પેમેન્ટ તરીકે વાપરી શકો અથવા અણધાર્યા આવી શકતા ખર્ચાઓ માટે બચાવીને રાખી શકો. આવા અણધાર્યા પૈસાને તમારા નેટવર્થમાં વૃદ્ધિ કરતું માધ્યમ, વધારાનું મળેલું સુરક્ષાકવચ, વધારાનો આધાર સમજો. આ રકમને તમે બચાવી શકો એમ છો, કેમ કે આ તમારા આયોજન બહારની વધારાની રકમ છે. લાંબે ગાળે આવી બચાવેલી રકમની અસર મોટી થશે. મળેલા વારસાને પ્રિયજનની જીવંત યાદ તરીકે જોવાને બદલે પ્રિયજનના આશીર્વાદ તરીકે જુઓ જે તમને એમની ગેરહાજરી દરમ્યાન પણ સપોર્ટ આપી રહ્યા છે.
તમારા પૈસાને એક લક્ષ્ય સાથે જોડો
બૅન્કના ખાતામાં રાખી મૂકવાને બદલે એ રકમ માટે એક લક્ષ્ય નક્કી કરો, જેમ કે બાળકનું ભણતર. આમ કરવાથી એ રકમ બીજા કોઈ હેતુ માટે વાપરતા તમે અચકાશો. સરળતાથી આવેલા પૈસા સરળતાથી જ વપરાવા જોઈએ એવું નથી હોતું. થોડોક સમય આપી વિચાર કરીને યોગ્ય લક્ષ્ય માટે પૈસાને રોકવા એ એક સ્વસ્થ આર્થિક નિર્ણય બની રહેશે.


