° °

આજનું ઇ-પેપર
Sunday, 28 November, 2021


રોકડામાં સ્ટ્રૉન્ગ રિકવરી સાથે શૅરબજાર ચાર દિવસ બાદ સાધારણ સુધારામાં બંધ

24 November, 2021 03:24 PM IST | Mumbai | Anil Patel

ભારતી ઍરટેલ ગ્રાહકોની સંખ્યા વધતાં નવા શિખરે, તેનો પાર્ટ પેઇડ શૅર સાત ટકા ઊછળ્યો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

શૅરઆંક ઇન્ટ્રા-ડે બૉટમથી ૧૧૧૭ પૉઇન્ટ ઊંચકાયો અને ઇન્ટ્રા-ડે હાઈની નજીકમાં ક્લોઝિંગ આપ્યું : ભારતી ઍરટેલ ગ્રાહકોની સંખ્યા વધતાં નવા શિખરે, તેનો પાર્ટ પેઇડ શૅર સાત ટકા ઊછળ્યો : રિલાયન્સ નવી બૉટમ બતાવી એક ટકો સુધર્યો: ઇન્ડિયન મેટલ્સ ૨૪ વર્ષ બાદ બોનસ આપશે : અદાણીના શૅર ડિમાન્ડમાં, અદાણી ગ્રીન ઑલટાઇમ હાઈ : લેટેન્ટ વ્યૂનું લિસ્ટિંગ ધમાકેદાર

સળંગ ચાર દિવસની ખરાબીમાં ૨૨૫૬ પૉઇન્ટ અને સાડા નવ લાખ કરોડ રૂપિયાના ધોવાણ બાદ સેન્સેક્સ મંગળવારે ૧૯૮ પૉઇન્ટ વધીને ૫૮૬૬૪ તથા નિફ્ટી ૮૭ પૉઇન્ટના સુધારામાં ૧૭૫૦૩ બંધ આપ્યા છે. ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ ૫૭૭૧૮ના તળિયે ગયો હતો અને ત્યાંથી સ્ટ્રૉન્ગ બાઉન્સ બેક સાથે ૫૮૮૩૫ની ઇન્ટ્રા-ડે ટૉપ દેખાડી હતી, ક્લોઝિંગ તેની નજીક આવ્યું છે. મતલબ કે તેજીની પકડ છૂટી નથી અને નજીકમાં છૂટે એવી શક્યતા ઓછી છે. સેન્સેક્સના ૦.૩ ટકા જેવા નજીવા સુધારા સામે બ્રોડર માર્કેટ ૦.૯ ટકા, સ્મૉલ કૅપ ઇન્ડેક્સ પોણા બે ટકાથી વધુ તો મિડ કૅપ બેન્ચમાર્ક દોઢ ટકાથી વધુ મજબૂત રહ્યા છે. આઇટીની નજીવી નરમાઈ બાદ કરતાં તમામ સેક્ટોરલ પ્લસ હતા. મતલબ કે રોકડું અને બ્રોડર માર્કેટ મંગળવારે સારું એવું બાઉન્સ બેક થયું છે. બીએસઈ ખાતે ઘટેલા પ્રત્યેક શૅરની સામે લગભગ ત્રણ શૅર વધીને બંધ આવ્યા છે. 
ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૪૦ શૅર સુધર્યા હતા. પાવરગ્રીડ ચારેક ટકા વધી બન્ને બજારમાં ટૉપ ગેઇનર હતો. જેએસડબ્લ્યુ સ્ટીલ તેમ જ કોલ ઇન્ડિયા પણ ચાર ટકાની નજીક વધ્યા છે. એશિયન પેઇન્ટસ અને ઇન્ડ્સઇન્ડ બૅન્ક અઢી ટકા આસપાસ ખરડાઈને ટૉપ લૂઝર બન્યા છે. કસ્ટમર્સ બેઝ્ડ વધ્યો હોવાના અહેવાલ પાછળ ભારતી અૅરટેલ સવાયા કામકાજમાં બેક-ટુ-બેક ઑલટાઇમ હાઈમાં ૭૬૧ થઈ ૨.૪ ટકાની આગેકૂચમાં ૭૫૯ ઉપર બંધ હતો, તેનો પાર્ટ પેઇડ શૅર ૪૧૮ની વિક્રમી સપાટીએ જઈ સાત ટકાની તેજીમાં ૪૧૪ ઉપર બંધ રહ્યો છે. વોડાફોને પણ ભારતીને અનુસરતા પ્રી-પેઇડ ટેરિફ ૨૦-૨૫ ટકા વધારી દીધા છે, પણ ગ્રાહકોની સંખ્યા ઘટી હોવાના સમાચાર પાછળ શૅર નજીવા ઘટાડામાં ૧૦.૫૮ રૂપિયા થયો છે. ટેલિકૉમ ઇન્ડેક્સ નવી સર્વોચ્ચ સપાટી હાંસલ કરીને ગઈ કાલે બે ટકાથી વધુ રણક્યો છે, તેની ૧૬માંથી માત્ર બે જાતો ઢીલી હતી. એચએફસીએલ ૭ ટકા, તેજસ નેટ ૫ ટકા, તાતા ટેલિ તેના ધારા મુજબ ઉપલી સર્કિટે ૮૮ના નવા શિખરે જીટીપીએલ સાડા ત્રણ ટકા વધીને બંધ થયા છે.
લેટેન્ટ વ્યૂનું દમદાર લિસ્ટિંગ, પેટીએમમાં પ્રત્યાઘાતી સુધારો
એક રૂપિયાના શૅરદીઠ ૧૯૭ની ઇશ્યુ પ્રાઇસવાળા લેટેન્ટ વ્યૂ એના એનાલિટિક્સનું લિસ્ટિંગ ધારણા મુજબ ધમાકેદાર રહ્યું છે. શૅર મંગળવારે ૫૩૦ રૂપિયા ખૂલ્યા બાદ ઉપરમાં ૫૪૯ નજીક અને નીચામાં ૪૬૨ બતાવી ૧૪૭.૫ ટકા કે ૨૯૧ રૂપિયાના લિસ્ટિંગ ગેઇન સાથે ૪૮૮ જેવો બંધ થયો છે. એનએસઈમાં ભાવ ૫૧૨ ખૂલ્યો હતો. ઉપરમાં ૫૪૮ અને નીચામાં ૪૬૧ દેખાડી ૪૮૯ નજીક બંધ થયો છે. બન્ને બજાર ખાતે કુલ ૩૦૯ લાખ શૅરના કામકાજ હતા. ૬૦૦ કરોડ રૂપિયાની સાઇઝવાળો આ ઇશ્યુ કુલ મળીને ૩૨૬.૫ ગણો ભરાયો હતો જે એક વિક્રમ છે. લિસ્ટિંગના આગલા દિવસે ગ્રે માર્કેટમાં ૨૯૦-૨૯૫ના પ્રીમિયમ ચાલતા હતા. સબજેક્ટ-ટુમાં ૨૦ હજાર રૂપિયાના રેટ ક્વૉટ થતા હતા. પેટીએમ જે ૨૧૫૦ની ઇશ્યુ પ્રાઇસ સામે સતત બે દિવસમાં ૪૦ ટકા જેવા ધોવાણમાં સોમવારે ૧૨૭૧ના તળિયે જઈ ૧૩૬૦ આસપાસ બંધ રહ્યો હતો તે મંગળવારે નીચામાં ૧૩૫૮ તથા ઉપરમાં ૧૫૨૫ થઈ અંતે ૯.૯ ટકા કે ૧૩૫ રૂપિયાના પ્રત્યાઘાતી સુધારામાં ૧૪૯૫ જોવાયો છે. ફીનો પેમેન્ટ બૅન્ક પણ પાંચ દિવસની સતત ખરાબી બાદ બાર ટકા ઊંચકાઈ ૪૪૫ થયો છે. નાયકા ૧.૭ ટકા વધીને ૨૧૩૩, સેફાયર ફૂડ્સ બે ટકાના ઘટાડે ૧૧૪૮, એસજેએસ એન્ટર. સાડાત્રણ ટકા વધીને ૪૫૬, સિગાચી ઇન્ડ. એક વધુ નીચલી સર્કિટમાં પાંચ ટકા ગગડી નવા નીચા તળિયે ૫૧૬, લિસ્ટિંગ બાદ સતત મંદીની સર્કિટ ચાલુ રાખતાં નિદાન લેબ પાંચ ટકા તૂટી ૮૭ની અંદર, કાર ટ્રેડ ૯૮૮ની નવી ઑલટાઇમ બૉટમ બનાવી સહેજ ઘટી ૧૦૦૧, ક્રિશ્ના ડાયગ્નોસ્ટીક્સ ૬૨૪ની સૌથી નીચી સપાટી દેખાડી ૩.૪ ટકાના સુધારામાં ૬૫૧ રૂપિયા બંધ હતા. 
રિલાયન્સમાં હળવો સુધારો આવ્યો, પણ રૂખ ઘટાડાતરફી
માર્કેટ લીડર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગઈ કાલે એક ટકા જેવો સુધરીને ૨૩૮૭ બંધ થયો છે. જોકે ઇન્ટ્રા-ડેમાં તે નીચામાં ૨૩૦૯ થયો હતો. મતલબ કે ૧૦૦ દિવસની સિમ્પલ મૂવિંગ એવરેજની અંદર ઊતરી ગયો હતો. આ શૅર હાલમાં તેની ૧૯ ઑક્ટોબરની ૨૭૫૦ની વિક્રમી સપાટીથી સવા તેર ટકા નીચે આવી ગયો છે. એટલે બેર માર્કેટની ઑર્બિટમાં પ્રવેશી ચૂક્યો છે. વધઘટે નજીકની ચાલ ઘટાડાતરફી રહેવા સંભવ છે. ગ્રુપ કંપનીમાં ટીવી-૧૮ મીડિયા ચારેક ટકા, રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા એક ટકો, જસ્ટ ડાયલ પોણા ત્રણ ટકા, હેથવે કેબલ ચાર ટકા, ડેન નેટવર્ક ૭.૭ ટકા, સ્ટર્લિંગ અૅન્ડ વિલ્સન સોલાર ત્રણેક ટકા વધ્યા છે. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જયકોર્પ પાંચ ટકા વધીને ૧૧૬ નજીક બંધ રહી છે. 
અનિલ અંબાણી ગ્રુપ ખાતે રિલાયન્સ કેપિટલમાં પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૭.૩૫નો ભાવ હતો. રિલાયન્સ પાવર તથા રિલાયન્સ ઇન્ફ્રા પણ ૫ ટકાની તેજીની સર્કિટમાં બંધ હતા. આર.કોમ દોઢ ટકા જેવો સુધર્યો હતો. અદાણી ગ્રુપમાં ફ્લેગશિપ - અદાણી એન્ટર. બે ટકા નજીક વધીને ૧૭૦૭, અદાણી પોર્ટસ બે ટકાના સુધારે ૭૨૯, અદાણી પાવર પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૧૦૬, અદાણી ટ્રાન્સમિશન અઢી ટકા વધીને ૧૯૪૧, અદાણી ગ્રીન અૅનર્જી પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૪૦૭ ઉપર નવી વિક્રમી સપાટી બનાવી ૧૪૦૯ની નજીક તો અદાણી ટોટલ સવા ટકાના સુધારામાં ૧૬૭૫ જેવા બંધ હતા.
બૅન્કિંગમાં સાર્વત્રિક બાઉન્સ બેક વચ્ચે બૅન્ક નિફ્ટી થોડોક વધ્યો
બૅન્ક નિફ્ટી મંગળવારે ૩૬૬૪૭ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઊંચકાઈ ૩૭૪૪૯ થઈ ૧૪૪ પૉઇન્ટ સુધરીને ૩૭૨૭૩ બંધ આવ્યો છે. તેના ૧૨માંથી ૧૦ શૅર પ્લસ હતા. બૅન્ક નિફ્ટીના ૦.૪ ટકા જેવા સુધારા સામે પીએસયુ બૅન્ક નિફ્ટી ૨.૪ ટકા વધ્યો છે. યુકો બૅન્ક ૦.૪ ટકા ઘટી હતી, બાકીના ડઝન શૅર અત્રે પ્લસ હતા. સમગ્ર બૅન્કિંગ ક્ષેત્રે ૩૬માંથી ૩૧ શૅર ગઈ કાલે સુધારામાં હતા. ફીનો પેમેન્ટ બૅન્ક મોખરે હતી. યુનિયન બૅન્ક સાત ટકા, કરૂર વૈશ્ય બૅન્ક સવા પાંચ ટકા, ઇન્ડિયન બૅન્ક પાંચેક ટકા, કર્ણાટકા બૅન્ક સવા ચાર ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અને જેકે બૅન્ક સવા ત્રણ ટકા, બંધન બૅન્ક ત્રણ ટકાથી વધુ તો બૅન્ક ઑફ બરોડા પોણા ત્રણ ટકા મજબૂત હતા. ઇન્ડ્સઇન્ડ બૅન્ક સર્વાધિક અઢી ટકા જેવી ખરાબીમાં ૯૮૧ નજીક જોવાઈ છે, જ્યારે આઇસીઆઇસીઆઇ બૅન્ક, યુકો બૅન્ક, એક્સીસ બૅન્ક અને સૂર્યોદય સ્મૉલ બૅન્ક નહીંવત્ નરમ હતા. સ્ટેટ બૅન્ક ૧.૪ ટકા વધીને ૪૯૩ હતી. કોટક બૅન્ક સવા ટકો પ્લસ થઈ છે.
બીએસઈનો ફાઇનૅન્સ ઇન્ડેક્સ અડધો ટકો કે ૪૬ પૉઇન્ટ અપ હતો. અત્રે ૧૨૦માંથી ૯૬ જાતો બાઉન્સ બેક થઈ હતી. આગલા દિવસે ટૉપ લૂઝર્સ બનેલા બજાજ ટ્વીન્સ ગઈ કાલે સુધારામાં હતા. બજાજ ફિનસર્વ ૧.૭ ટકા તો બજાજ ફાઇનૅન્સ પોણા ટકા જેવો વધ્યો છે. પૈસા લો ડિજિટલ સાડા છ ટકાથી વધુ મજબૂતીમાં ૧૦૩૫, ઇક્વિટાસ હોલ્ડિંગ્સ ૫.૮ ટકા વધી ૧૨૧, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ ૫.૭ ટકાના જમ્પમાં ૨૧૬, પૂનાવાલા ફીનકોર્પ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૯૬, રેપ્કો હોમ ૪ ટકા વધી ૨૯૦ બંધ હતા. એચડીએફસી અડધો ટકો વધી હતી. બજાજ હોલ્ડિંગ્સ અઢી ટકાના સુધારામાં ૪૯૮૫ બંધ રહ્યો છે. 
જેબીએમ ઑટોમાં શૅર વિભાજનનો કરન્ટ, ઇન્ડિયન મેટલ્સમાં બોનસ 
ઑટો એન્સિલિયરી કંપની જેબીએમ ઑટોમાં ૮ ડિસેમ્બરના રોજ શૅર વિભાજન માટે બોર્ડ મીટિંગની નોટિસ આવતાં આવેલો કરન્ટ મંગળવારે આગળ વધ્યો છે. ભાવ સવા ત્રણ ટકા વધી ૯૪૮ બંધ હતો. શૅરની ફેસવૅલ્યુ પાંચની છે, ૧૦ની ફેસવૅલ્યુવાળી સિંધુ ટ્રેડ લિન્કસ પણ ૭ ડિસેમ્બરના રોજ બોર્ડ મીટિંગમાં શૅર વિભાજન અંગે વિચારણા કરવાની છે. તેનો ભાવ ૧.૯ ટકા વધીને ૫૮૯ બંધ હતો. ગત વર્ષે ૨૪ નવેમ્બરના રોજ આ શૅર ૪૫ના તળિયે હતો. ઇન્ડો યુએસ બાયોટેક પાંચ શૅરદીઠ એક બોનસમાં ૨૯મીએ એક્સ-બોનસ થવાની છે. શૅર પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૯ રૂપિયા બંધ થયો છે. એપોલો પાઇપ્સ એક શૅરદીઠ બે બોનસમાં ૨ ડિસેમ્બરના રોજ એક્સ બોનસ થશે. ભાવ છ ટકા જેવી મજબૂતીમાં મંગળવારે ૧૭૭૫ દેખાયો છે. ઇન્ડિયન અૅનર્જી એક્સચેન્જમાં શૅરદીઠ બે બોનસની રેકૉર્ડ ડેટ ૪ ડિસેમ્બર હોઈ ભાવ ૩ ડિસેમ્બરના રોજ એક્સ બોનસ થશે. શૅર ગઈ કાલે ૨.૯ ટકાના સુધારામાં ૭૯૧ હતો. ઇન્ડિયન મેટલ્સ અૅન્ડ ફેરો એલોયઝમાં ૨૬મીએ બોનસ માટે બોર્ડ મીટિંગની નોટિસ વાગતા ભાવ પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૭૧૮ બંધ રહ્યો છે. કંપનીએ છેલ્લે જાન્યુઆરી ૧૯૯૭માં શૅરદીઠ એક બોનસ આપ્યું હતું. આ ચોથું બોનસ હશે. 
ઇપ્કાની એન્ટ્રીથી લાયકા લેબ્સ ઉપલી સર્કિટ સાથે છ વર્ષની ટોચે
ફાર્મા કંપની ઇપ્કા લેબોરેટરીઝ તરફથી લાયકા લેબ્સમાં સોમવારે બલ્ક ડીલમાં ૧૦.૫ લાખ શૅર કે ૩.૬૫ ટકા હિસ્સો હસ્તગત કરાયાના અહેવાલ પાછળ લાયકા લેબ્સ ગઈ કાલે સાડા આઠ ગણા કામકાજમાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૨૯ની છ વર્ષની ઊંચી સપાટીએ બંધ રહ્યો છે. ૧૦ની ફેસવૅલ્યુવાળી આ કંપનીની બુકવૅલ્યુ માઇનસ પોણા નવ રૂપિયાની છે. શૅર છેલ્લા એક સપ્તાહમાં પોણા બાર ટકા અને મહિનામાં ૩૨ ટકા વધ્યો છે. વર્ષ પૂર્વે ભાવ ૨૩ના તળિયે હતો. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ માત્ર ૨૦ ટકા છે. ૧૮ ટકા માલ ગીરવે છે. ખોટ કરતી આ કંપની છેલ્લા બે ક્વૉર્ટરથી ટર્નએરાઉન્ડ કેસ બની હોવાથી છેલ્લા કેટલાક સમયથી લાઇમલાઇટમાં આવી છે. દરમ્યાન ગઈ કાલે બીએસઈનો હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૦માંથી ૭૭ શૅર પ્લસ આપીને દોઢ ટકો કે ૩૭૨ પૉઇન્ટ વધ્યો છે. વિનસ રેમેડીઝ ૧૧.૮ ટકા, ગ્લેનમાર્ક ફાર્મા ૧૦.૩ ટકા, ન્યુરેકા ૧૦.૪ ટકા, સ્ટ્રાઇડ ૬.૮ ટકા, હાઇકલ ૬.૭ ટકા, લિંકન ફાર્મા તથા દિશમાન સવા છ ટકા, બજાજ હેલ્થકૅર સવા પાંચ ટકા મજબૂત હતા. સનફાર્મા તથા દીવીસ લેબ પોણા બે ટકા જેવા, સિપ્લા દોઢ ટકો, અરબિંદો ૩.૭ ટકા, ફોર્ટિસ ૪.૫ ટકા, ડૉ. રેડ્ડીઝ લેબ અડધો ટકો વધ્યા છે.

24 November, 2021 03:24 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK