Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તો જ રાહતનું પૅકેજ અસરકારક બને

આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તો જ રાહતનું પૅકેજ અસરકારક બને

19 October, 2020 10:22 AM IST | Mumbai
Jitendra Sanghavi

આર્થિક પ્રવૃત્તિઓનો વ્યાપ વધે તો જ રાહતનું પૅકેજ અસરકારક બને

અર્થતંત્રના આટાપાટા

અર્થતંત્રના આટાપાટા


છેલ્લા સાત-આઠ મહિનાથી ચાલી રહેલ હતાશા અને નિરાશાના વાતાવરણમાં સમગ્ર વિશ્વ માટે અસહાય અને મજબૂર બનીને વધુને વધુ વિકટ બનતી જતી પરિસ્થિતિને નિહાળ્યા સિવાય કોઈ ઉપાય રહ્યો નથી.

સરકાર દ્વારા જાહેર કરાતા રાહતનાં મોટામસ પૅકેજો પણ આભ ફાટ્યું હોય ત્યાં થીગડા મારવા જેવા સાબિત થઈ રહ્યા છે. ડૉક્ટરો, નર્સો, અન્ય પેરામેડિકલ સ્ટાફ અને હેલ્થ વર્કરો રાત-દિવસ એક કરીને દરદીઓના દર્દ દૂર કરવામાં લાગી પડ્યા છે. કૉર્પોરેટ કંપનીઓ, ચૅરિટેબલ અને અન્ય ટ્રસ્ટો મહામારીથી હચમચી ગયેલ લોકોને જીવાડવામાં સરકાર સાથે કંધેકંધા મિલાવી પૂરી નિષ્ઠાથી પોતાની ફરજ અદા કરી રહ્યા છે. પ્રજાનો મોટો વર્ગ પણ સરકાર દ્વારા સમયે સમયે બહાર પડાતી માર્ગદર્શિકાઓ અને અન્ય આદેશોના પાલન દ્વારા સરકારને સાથ આપી રહ્યો છે.



આ બધાના સામૂહિક પરિણામરૂપે મળી રહેલા સારા સમાચાર એ છે કે કોરોના મહામારીનો ફેલાવો ઘટી રહ્યો છે, નવા કેસ ઓછા થતા જાય છે. રોજના નવા કેસનો ઊંચેને ઊંચે જતો ગ્રાફ નીચે આવી રહ્યો છે, કેસ ડબલ થવાના દિવસો વધતા જાય છે, મરણનો દર ઘટી રહ્યો છે અને અૅક્ટિવ કેસની સંખ્યા ઘટી રહી છે. બીજા શબ્દોમાં નવા કેસની સંખ્યા કરતાં સાજા થતા દરદીઓની સંખ્યા વધી રહી છે.


આ વાઇરસની રસી વિશે જે સમાચારો આવે છે તેમાંથી સામાન્ય પ્રજાજન સુધી આ રસી ક્યારે પહોંચશે તેના કોઈ ચોક્કસ તારણ પર પહોંચી શકાય તેમ નથી. તોપણ મહામારીનો ફેલાવો ઘટી રહ્યાના સમાચાર અમાસની અંધારી રાત પછીના પ્રભાતની જેમ રાહત અને આશ્વાસન આપે તેવા છે.

એની સાથે જ ભારત સરકારે જાહેર કરેલ રાહતનું બીજું પૅકેજ પણ અર્થતંત્રની ગાડી પાટે ચડાવવામાં આંશિક મદદ કરે તેવું હોઈ આનંદના સમાચાર ગણાય.
રાહત પૅકેજ અર્થતંત્રની ગાડી પાટે ચડાવવા માટેની જરૂરી શરત છે, પણ પૂરતી નહીં. રાહતનું પૅકેજ અસરકારક ત્યારે જ બની શકે જ્યારે લોકોની મુવમેન્ટ પરના રિસ્ટ્રિકશન્સ દૂર થાય. કારીગરો કામ માટે જઈ શકે એ માટે ટ્રાન્સપોર્ટની યોગ્ય અને પૂરતી વ્યવસ્થા મહામારી પહેલાંના સમયની ફરી સ્થાપિત થાય, ઑફિસો, થિયેટરો, મૉલ્સ, જિમ્સ ઓછામાં ઓછા રિસ્ટ્રિકશન્સ સાથે ખુલ્લા મુકાય.


અન્ય દેશોમાં પણ આ જ અનુભવ નજર સામે આવ્યો છે. રાહતનાં પૅકેજો ભારત કરતાં અનેકગણા મોટા હોવા છતાં તેમની રાષ્ટ્રીય આવકમાં અને આર્થિક વિકાસના દરમાં મોટો ઘટાડો નોંધાયો છે.

પેન્ડેમિકનો ફેલાવો ઓછો થાય અને આર્થિક પ્રવૃત્તિઓનું ફલક વિસ્તરતા વિસ્તરતા એના માર્ચ પહેલાંના સ્તરે પહોંચે ત્યારે જ સરકારની રાહતનાં પૅકેજોનું ધાર્યું પરિણામ મળી શકે.

ભારત સરકારના ખર્ચ-સચિવ ટી. વી. સોમનાથને કહ્યું છે કે કોરોનાની રસી જેમ હજી ઉપલબ્ધ નથી તેવી જ રીતે સરકારનું રાહત પૅકેજ પણ કોવિડગ્રસ્ત અર્થતંત્ર માટે રસી સમાન ન ગણાય. અન્ય દવાઓ કોરોનાના દરદીને રાહત આપી શકે (પણ નવા કેસ તો નોંધાતા જ રહે) તેવી જ રીતે રાહત પૅકેજ ભાંગી પડેલ અર્થતંત્રને રાહત આપી શકે. પૂરેપૂરી રિકવરી ન લાવી શકે.

લોકોની મુવમેન્ટ માટેના વધુને વધુ ક્ષેત્રો ખૂલતા જાય એ રાહતના પૅકેજને અસરકારક બનાવવાનું પૂરક પગલું છે. તો બીજી તરફ એ પગલું ભરાતું જાય અને અનલૉક આગળ વધતું જાય, તેમાં સાવધાની ચૂક્યા તો કામથી ગયા સમજવાનું. તેમ થાય તો રાહતનાં પૅકેજ માટે તે પૂરક તો ન બને, પણ ફરી એકવાર મહામારીનો ફેલાવો વિસ્તારવાનું નિમિત્ત અને સાધન પણ બની શકે.

એટલે ફરી ફરી એ જ વાત પર ભાર મૂકવો પડે કે આર્થિક પ્રવૃત્તિઓના વિસ્તારમાં સાવધાની રાખવી માત્ર જરૂરી નહીં, પણ અનિવાર્ય છે. આપણે ફ્રાન્સ, યુકે, નેધરલૅન્ડ અને ઝેક રિપબ્લિક જેવા યુરોપિયન દેશોના અનુભવમાંથી શીખીને એવી ભૂલો રિપિટ ન કરવી જોઈએ.

આર્થિક પ્રવૃત્તિઓ વિસ્તાર્યા સિવાય પણ ચાલે તેમ નથી, તો મહામારીનો ફેલાવો પણ ઘટાડવો છે (આ બન્ને લક્ષ્યો એકબીજાના વિરોધી છે.) એટલે પરિસ્થિતિ અત્યંત નાજુક ગણાય. આસો મહિનાનાં નવરાત્રિ-દશેરાના તહેવારો શરૂ થઈ ગયા હોય અને દિવાળી-નવા વર્ષના તહેવારો માથા પર હોય ત્યારે વધારે સાવધાનીની જરૂર પડે એ વિશે બેમત ન હોઈ શકે.

સરકારના ૭૩,૦૦૦ કરોડ રૂપિયાના સ્ટિમ્યુલસ ૨.૦નો એકમાત્ર આશય કન્ઝયુમર સ્પેન્ડિંગ અને મૂડી-ખર્ચ દ્વારા માગમાં વધારો કરવાનો હોઈ શકે. આ પૅકેજ રિઝર્વ બૅન્કની ઑકટોબર મહિનાની શરૂઆતમાં જાહેર કરાયેલ મૉનેટરી પૉલિસીનું પૂરક બની શકે. આ પૉલિસીમાં પણ ભાવવધારાને ધ્યાનમાં રાખીને પૉલિસીના દર ઘટાડ્યા સિવાય બોરોઇંગ કોસ્ટ ઘટે અને તે દ્વારા આર્થિક રિકવરી ઝડપી બને તેવાં પગલાં લેવાયાં છે.

સરકારનાં રાહત પૅકેજમાં ૧૨,૦૦૦ કરોડ રૂપિયાની વ્યાજ વગરની રાજ્ય સરકારોને આપવાની લોનનો (જે તેમના મૂડી-ખર્ચમાં વધારો કરી શકે), ૨૫,૦૦૦ કરોડ રૂપિયાના કેન્દ્ર સરકાર માટેના મૂડી-ખર્ચનો, ૨૮,૦૦૦ કરોડ રૂપિયાની લીવ ટ્રાવેલ કન્સેશન વાઉચર સ્કીમનો અને ૮૦૦૦ કરોડ રૂપિયાની ફેસ્ટિવલ એડવાન્સ સ્કીમનો સમાવેશ થાય છે.

સરકાર માટેના ૩૭,૦૦૦ કરોડ રૂપિયા (૧૨,૦૦૦ + ૨૫,૦૦૦) માર્ચ ૩૧ પહેલાં વાપરવાના છે અને ગ્રાહકો માટેની ૩૬,૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી સરકારની કરવેરાની આવકમાં વધારો કરી શકે તેમ છે. પરિણામે તહેવારોની સીઝનમાં માગ વધશે, ઈ-કૉમર્સ અને ડિજિટલ પેમેન્ટને ઉત્તેજન આપશે અને માળખાકીય સવલતો પાછળનું મૂડી-ખર્ચ નવી રોજગારીના સર્જન દ્વારા તેની મલ્ટિપ્લાયર અસરથી માગમાં ઓર વધારો કરશે તેવી ગણતરી છે. ખાનગી ક્ષેત્ર અને રાજ્ય સરકારો એલટીસી વાઉચર સ્કીમનો અમલ કરે તો માગમાં ભારે વધારો થઈ શકે.

દરમ્યાન છૂટક ભાવવધારો સપ્ટેમ્બર મહિને વધ્યો છે. (ઑગસ્ટના ૬.૭ ટકામાંથી ૭.૩ ટકા) એટલું જ નહીં, સતત છઠ્ઠા મહિને રિઝર્વ બૅન્કના ભાવવધારાની છ ટકાની ઉપરની મર્યાદાથી પણ ઊંચો રહ્યો છે. જથ્થાબંધ ભાવાંક પણ સપ્ટેમ્બર મહિને - સતત સાતમે મહિને વધીને ૧.૩ ટકાનો રહ્યો છે. નેગેટિવ ઝોનમાં રહેતો આ ભાવાંક ઑગસ્ટ મહિને પ્રથમવાર પૉઝિટિવ ઝોનમાં આવ્યો. છૂટક અને જથ્થાબંધ બન્ને ભાવાંકનો સપ્ટેમ્બરનો વધારો ખાદ્યપદાર્થોના ભાવવધારાને આભારી છે. સતત વધી રહેલા ભાવને કારણે રિઝર્વ બૅન્ક પૉલિસી દર હજી થોડા સમય માટે યથાવત્ જાળવી રાખે તેવી શક્યતા વધી છે. અનાજનું ઉત્પાદન સારું હોવાથી, સપ્લાય ચેઇનનું ભંગાણ સંધાતા વર્તમાન ભાવવધારો કાબૂમાં આવે તેવા સંજોગો ઊભા થયા છે. એટલે રિઝર્વ બૅન્કે પણ આર્થિક વિકાસના વધારા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

વિશ્વના પુરવઠાનું કેન્દ્ર બદલાયું હોવાથી (જે અત્યાર સુધી ચીન હતું) પણ કંપનીઓ ચીજવસ્તુઓની કિંમત વધારી શકશે જે ભાવવધારામાં પરિણમી શકવાની સંભાવના ખરી. વેતનમાં મુકાયેલ કાપને કારણે માગ પુરવઠા કરતાં ઓછી રહેવાની શક્યતા પણ ખરી, જે ભાવવધારાની છૂટ કંપનીઓને ન પણ આપે.

ઑગસ્ટ મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો ઘટાડો જુલાઈ કરતાં ઓછો રહ્યો છે (૧૦.૭ ટકાની સામે ૮ ટકા). સપ્ટેમ્બર મહિનાના મૅન્યુફૅકચરિંગ અને સેવાના ક્ષેત્રના પીએમઆઇ, રેલવે દ્વારા થતી માલસામાનની હેરાફેરી, જીએસટી કલેક્શન, ઈ-વે બિલના આંકડા જોતા એમ કહી શકાય કે તે મહિને ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો જરૂર થશે, પણ તે ઑગસ્ટ કરતાં ઘણો ઓછો હશે.

આર્થિક રિકવરીની ઝડપ વધી રહી છે ત્યારે પણ સરકારનું જાહેર કરાયેલ સ્ટિમ્યુલસ ૨.૦ માગમાં કેટલો વધારો કરી શકશે તે એક પ્રશ્ન તો છે જ, કારણ કે તેની સાથે ઘણીબધી શરતો મુકાઈ છે. ટૅક્સના ૩૦,૦૦૦ રૂપિયા બચાવવા ૩ લાખનો ખર્ચ પણ જરૂર વિના કેટલા કરે એ પણ એક સવાલ સવાલ છે જ. અર્થતંત્ર ફિસ્કલ ૨૧ના છેલ્લાં ક્વૉર્ટર (જાન્યુ.-માર્ચ ૨૦૨૧)માં આર્થિક વિકાસનો પૉઝિટિવ દર નોંધાવે ત્યારે સરકાર સ્ટિમ્યુલસ ૩.૦ જાહેર કરવાનું વિચારે પણ ખરી. શક્ય એટલાં બધાં સાધનોના ઉપયોગ દ્વારા અર્થતંત્રની ગાડી પાટે ચડાવવી એ આજનો પ્રાણપ્રશ્ન છે.

(લેખક ઇન્ડિયન મર્ચન્ટ‍્સ ચેમ્બરના ભૂતપૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ છે)

Whatsapp-channel Whatsapp-channel

19 October, 2020 10:22 AM IST | Mumbai | Jitendra Sanghavi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK