° °

આજનું ઇ-પેપર
Monday, 29 November, 2021


ઇન્ફી અને રિલાયન્સના ભારમાં બજાર ફરી વાર દબાયું, મારુતિ ટૉપ લૂઝર બન્યો

25 November, 2021 12:48 PM IST | Mumbai | Anil Patel

આર.ઝેડની સ્ટાર હેલ્થનો ૭૨૪૯ કરોડનો ઇશ્યુ ૩૦મીએ ખૂલશે, ગ્રે-માર્કેટમાં ૬૬થી ૭૨ના ભાવે કામકાજ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર

લેટેન્ટ વ્યૂમાં તેજી જારી, ભાવ બે દિવસમાં ઇશ્યુ પ્રાઇસથી ત્રેવડાયો : પેટીએમ, ફિનોપેમેન્ટ બૅન્ક, એસજેએસ એન્ટરપ્રાઇઝીસ, પૉલિસી બાઝાર, નાયકા જેવા નવા લિસ્ટેડ શૅરોમાં આગેકૂચ : આર.ઝેડની સ્ટાર હેલ્થનો ૭૨૪૯ કરોડનો ઇશ્યુ ૩૦મીએ ખૂલશે, ગ્રે-માર્કેટમાં ૬૬થી ૭૨ના ભાવે કામકાજ : ભારતી ઍરટેલ ઑલટાઇમ હાઈની હેટટ્રિક બાદ ફ્લૅટ, પાર્ટ પેઇડ શૅર સવા બે ટકા વધ્યો

બુધવારે દિવસનો મોટો ભાગ પૉઝિટિવ ઝોનમાં રહેલું બજાર લગભગ છેલ્લા કલાકમાં વેચવાલીનો નવો દૌર શરૂ થતાં ફરી એક વાર ઢીલું પડ્યું છે. સેન્સેક્સ ૩૨૩ પૉઇન્ટ તો નિફ્ટી ૮૮ પૉઇન્ટના ઘટાડે ઇન્ટ્રા-ડે બૉટમ નજીકમાં બંધ થયાં છે. સેન્સેક્સ ઇન્ટ્રા-ડેમાં તેની ટૉપથી ૮૨૫ પૉઇન્ટ ખરડાઈ નીચામાં ૫૮૧૪૩ થયો હતો. સેન્સેક્સના ૩૦માંથી ૯ તો નિફ્ટીના ૫૦માંથી ૧૩ શૅર સુધર્યા છે. ઓએનજીસી સવા ચાર ટકા, અદાણી પોર્ટસ ચાર ટકાની નજીક તો કોલ ઇન્ડિયા પોણા બે ટકા જેવા વધીને નિફ્ટી ખાતે ટૉપ થ્રી ગેઇનર થયા છે. આઇશર મોટર્સ, તાતા કન્ઝ્યુમર તથા મારુતિ સુઝુકી ૨.૮ ટકા આસપાસની કમજોરીમાં અત્રે ઘટેલી ૩૭ જાતોમાં મોખરે હતા. સેન્સેક્સમાં કોટક મહિન્દ્ર બૅન્ક અને એનટીપીસી ૧.૪ ટકાથી વધુ પ્લસ હતા. મારુતિ સુઝુકી ૨.૪ ટકાની ખરાબીમાં ટૉપ લૂઝર બન્યો હતો. રિલાયન્સમાં ઘટાડાની ચાલ શરૂ થયેલી છે, ભાવ વધ-ઘટે નવા નીચા બૉટમ અને લોઅર ટૉપ બનાવી રહ્યા છે. ભાવ ગઈ કાલે દોઢ ટકો ઘટીને ૨૩૫૧ જેવો બંધ થતાં સેન્સેક્સને ૧૦૩ પૉઇન્ટની હાનિ થઈ હતી. ભાવ સરેરાશ કરતાં છ ગણા વૉલ્યુમ સાથે ઘટ્યો છે તેની નોંધ લેવી રહી. અદાણી ગ્રુપના શૅર છેલ્લા કેટલાક દિવસથી સારી એવી મસ્તીમાં છે, સામે રિલાયન્સમાં માયૂસી છે. આ ટ્રેન્ડ ચાલુ રહ્યો તો દેશના નંબર વન ધનકુબેર તરીકે મુકેશ અંબાણીનું સ્થાન બહુ જલદીથી ગૌતમ અદાણી પડાવી લેશે. આઇટીસી દોઢ ટકાથી વધુ અને લાર્સન દોઢ ટકા નજીક ડાઉન હતા. પેટીએમના લિસ્ટિંગમાં ધબડકો થતાં પ્રાઇમરી માર્કેટમાં સન્નાટા જેવો માહોલ છે. મોબિક્વીક તરફથી તેનો આશરે ૧૯૦૦ કરોડનો ઇશ્યુ બે-ત્રણ માસ મોકૂફ રાખવાની હિલચાલ છે. તેની વચ્ચે રાકેશ ઝુનઝુનવાલાના પીઠબળવાળી સ્ટાર હેલ્થ અૅન્ડ એલાઇડ ઇન્સ્યોરન્સ કંપની ૧૦ના શૅરદીઠ ૮૭૦થી ૯૦૦ની પ્રાઇસબેન્ડમાં ૩૦ નવેમ્બરે ઇશ્યુ લઈને મૂડીબજારમાં આવવાની છે. ચાલુ કેલૅન્ડર વર્ષનો આ ત્રીજા નંબરનો સૌથી મોટો એવો ૭૨૪૯ કરોડનો આઇપીઓ છે. સાકર બજારમાં ૬૬થી ૭૨ના પ્રીમિયમ પણ બોલાવા માંડ્યાં છે.
અદાણી એન્ટર અને અદાણી ગ્રીન નવી ટોચે, અદાણી પોર્ટસ તેજીમાં
અદાણી ગ્રુપના શૅર ફરીથી લાઇમલાઇટમાં આવી ગયા છે. ફ્લેગશિપ અદાણી એન્ટરપ્રાઇઝીસ ગઈ કાલે સવાયા કામકાજમાં ૧૭૮૮ની નવી વિક્રમી સપાટી બનાવી ૨.૧ ટકાની મજબૂતીમાં ૧૭૪૩ બંધ થયો છે. અદાણી પોર્ટસ ચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૭૭૨ બતાવી ચાર ટકાની તેજીમાં ૭૫૮ હતો. અદાણી ગ્રીન અૅનર્જી દોઢા વૉલ્યુમ સાથે ૧૪૨૮ની ઑલટાઇમ હાઈ બાદ સવા ટકો ઘટી ૧૩૯૦ રહ્યો છે. અદાણી ટોટલ ગૅસ ૧૬૮૦ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકો ઘટીને ૧૬૫૦ હતો. અદાણી ટ્રાન્સ. ઉપરમાં ૧૯૮૪ નજીક જઈને સાધારણ વધી ૧૯૪૮ દેખાયો છે તો અદાણી પાવર ૧૧૦ની ઇન્ટ્રા-ડે ટૉપ પછી નજીવો ઘટીને ૧૦૬ નજીક હતો. સેન્સેક્સ અને નિફ્ટી છેલ્લા એક સપ્તાહમાં પોણા ત્રણ ટકા તો મહિનામાં લગભગ ચારેક ટકા ડાઉન થયા છે, પરંતુ આ ગાળામાં અદાણીના શૅર સામા પ્રવાહે સારા એવા વધ્યા છે. અદાણી એન્ટર એક સપ્તાહમાં ત્રણેક ટકા, અદાણી પોર્ટસ પોણા ચાર ટકા, અદાણી પાવર દોઢ ટકા, અદાણી ટ્રાન્સમિશન ૪.૩ ટકા, અદાણી ગ્રીન ૫.૯ ટકા અને અદાણી ટોટલ સવા ટકા વધ્યા છે. એક માસમાં અદાણી એન્ટર ૧૩.૮ ટકા, અદાણી પોર્ટસ એક ટકો, અદાણી પાવર ૯ ટકા, અદાણી ગ્રીન ૧૫.૭ ટકા, અદાણી ટ્રાન્સ સાત ટકા તો અદાણી ટોટલ ૧૫.૮ ટકા પ્લસ થયા છે. 
લાયકામાં ઇપ્કાની ઑપન ઑફર આવશે, ભાવ વિક્રમી સપાટીએ
ઇપ્કા લેબ તરફથી આ શૅર ૯૮ કરોડ રૂપિયામાં સેકંડરી માર્કેટમાંથી કુલ મળીને ૨૬.૬ ટકા જેવો હિસ્સો લાયકા લેબ્સમાં હસ્તગત કરાયો હોવાની જાણકારી સાથે કંપનીના મૅનેજમેન્ટમાં ભાગીદારી કરવાનો કરાર કરવાની અને ટેકઓવર રૂલ્સ અનુસાર ઑપન ઑફર લાવવાની જાહેરાત કરવામાં આવી છે. શૅર ગઈ કાલે પાંચ ટકાની તેજીની એક વધુ સર્કિટમાં ૧૩૫ ઉપર બંધ થયો છે. લાયકા લેબની આ સર્વોચ્ચ સપાટી છે. કુલ મળીને ૪૯.૭૦ લાખ શૅરનાં કામકાજ હતાં. તો ઇપ્કા લેબ ૨૦૫૮ના આગલા બંધ સામે નીચામાં ૨૦૧૮ અને ઉપરમાં ૨૧૦૦ થઈ સવા ટકો સુધરીને ૨૦૮૨ હતો. દરમ્યાન બીએસઈનો હેલ્થકૅર બેન્ચમાર્ક મંગળવારની દોઢ ટકાની મજબૂતી બાદ ગઈ કાલે ઉપરમાં ૨૫૧૬૦ થયા બાદ ૭૬ પૉઇન્ટ ઘટી ૨૪૯૪૬ થયો છે. તેના ૯૦માંથી ૪૭ શૅર નરમ હતા. બજાજ હેલ્થકૅર પાંચગણા વૉલ્યુમમાં ૧૩.૫ ટકા ઊછળી ૩૭૨ જોવાયો છે. આરતી ડ્રગ્સ જે સોમવારે ૪૯૧ની વર્ષની નીચી સપાટીએ ગયો હતો તે સતત બીજા દિવસે સુધારામાં ૫.૮ ટકાનો જમ્પ લઈ ૫૩૭ થયો છે. સસ્ટ સુંદર, કોપરાન, પેનેસિયા પાંચ-પાંચ ટકા વધ્યા છે. જેબી કેમિ. ૨.૭ ટકા વધી ૧૬૨૬ હતો. ટીટીકે હેલ્થકૅર ૪.૫ ટકા તો એસ્ટ્રાઝેનેકા ત્રણ ટકા અપ હતા. 
ઇન્ફીની આગેવાનીમાં આઇટી ઇન્ડેક્સ સવા ટકાથી વધુ ડાઉન
મંગળવારે બાકીના તમામ સેક્ટોરલના સુધારા વચ્ચે નહીંવત્ નરમ રહેલો આઇટી ઇન્ડેક્સ બુધવારે ૪૨૮ પૉઇન્ટ કે સવા ટકા જેવો ઢીલો હતો. તેના ૬૦માંથી ૨૪ શૅર વધ્યા હતા. ઓરમ પ્રોપટેક અર્થાત અગાઉની મજેસ્કો દસેક ટકાની તેજીમાં ૧૭૬ નજીક બંધ હતી. બે સપ્તાહ પૂર્વે ૧૦ નવેમ્બરના રોજ ભાવ ૯૫ આસપાસ હતો. વકરાંગી છ ટકા તો બ્રાઇટકૉમ પાંચ ટકા અપ હતા. નેલ્કો સાડા ચાર ટકા અને ઇન્ટલેક્ટ ડિઝાઇન સવા ચાર ટકા મજબૂત હતા. તાન્લા પ્લૅટફૉર્મ સવા ચાર ટકા ઘટી ૧૫૧૧ બંધ રહ્યો છે. લાર્સન ઇન્ફોટેક, બિરલા સોફ્ટ, માસ્ટેક અને માઇન્ડ ટ્રી પોણા ત્રણથી સાડા ત્રણ ટકા કટ થયા છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી બે ટકા ગગડી ૧૬૯૭ બંધ થતાં આઇટી ઇન્ડેક્સને ૨૭૭ પૉઇન્ટનો તો સેન્સેક્સને ૧૧૫ પૉઇન્ટનો માર પડ્યો છે. ટીસીએસ અડધો ટકો ઘટી ૩૪૪૩, ટેક મહિન્દ્ર ૧.૪ ટકાની નબળાઈમાં ૧૫૪૦, વિપ્રો એક ટકો ઘટી ૬૩૬, એમ્ફાસિસ અઢી ટકાના ઘટાડે ૩૨૧૦ બંધ હતા, લાર્સન ટેક્નોલોઝીસ એક ટકો, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ દોઢ ટકો, ઓરેકલ બે ટકા, હિન્દુજા ગ્લોબલ સવા બે ટકા, ૬૩ મૂન્સ એક ટકો ઢીલા હતા. ટેલિકૉમ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈની હેટટ્રિકમાં ૧૯૨૩ વટાવી બે પૉઇન્ટ જેવા નજીવા સુધારામાં ૧૮૭૭ નજીક બંધ આવ્યો છે. તેજસ નેટ અને તાતા ટેલિમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ લાગેલી હતી. આર.કૉમ ચારેક ટકા તો ઓન મોબાઇલ સવા બે ટકા અપ હતા. રેઇલટેલ દોઢ ટકો વધી ૧૨૨ નજીક સરક્યો છે. ભારતી અૅરટેલમાં મૂડીઝ તરફથી ગ્રેડિંગ અપવર્ડ થતાં ભાવ સર્વોચ્ચ સપાટીની હેટટ્રિકમાં ૭૮૨ થયા બાદ પરચૂરણ ઘટાડે ૭૫૯ નજીક બંધ થયો છે. કામકાજ અઢી ગણા હતા. તેનો પાર્ટ પેઇડ શૅર દોઢ ગણા કામકાજમાં ૪૩૮ની બેસ્ટ સપાટી બતાવી સવા બે ટકાની આગેકૂચમાં ૪૨૪ નજીક ગયો છે. વોડાફોન પોણા ચાર ટકા ઊંચકાઈને ૧૧ જેવો બંધ હતો. 
આઇઓબી તથા સેન્ટ્રલ બૅન્કમાં ડબલ ડિજિટનો જમ્પ, બૅન્કિંગ સુધર્યું
બુધવારે બૅન્કિંગ સેક્ટરના ૩૬માંથી ૧૦ શૅર ડાઉન હતા. કર્ણાટકા બૅન્ક બે ટકા નજીક, કરૂર વૈશ્ય બૅન્ક દોઢ ટકા નજીક તો કૅનેરા બૅન્ક અને યુનિયન બૅન્ક એક ટકાથી વધુની કમજોરી સાથે તેમાં મોખરે હતા. ખાનગીકરણની હવામાં ઇન્ડિયન ઓવરસીઝ બૅન્ક નવ ગણા વૉલ્યુમમાં ૨૪ નજીક ૨૦ ટકાની ઉપલી સર્કિટ મારીને છેલ્લે તેર ટકાની તેજીમાં ૨૨ ઉપર બંધ હતો. સેન્ટ્રલ બૅન્ક સાત ગણા કામકાજ સાથે ઉપરમાં ૨૪ નજીક જઈને છેલ્લે સાડા દસ ટકા વધી ૨૩ નજીક જોવાયો છે. ફીનો પેમેન્ટ બૅન્ક સાડા છ ટકા ઊંચકાઈને ૪૭૩ હતી. બૅન્ક ઑફ મહારાષ્ટ્ર પાંચ ટકા, ઇન્ડિયન બૅન્ક ચાર ટકા, સૂર્યોદય સ્મૉલ બૅન્ક સવા બે ટકા, પંજાબ-સિંધ બૅન્ક તેમ જ યુકો બૅન્ક બે-બે ટકા જેવા સુધર્યા છે. સેન્સેક્સ પેકમાં આઇસીઆઇસીઆઇ બૅન્ક એક ટકાથી વધુ પ્લસ રહીને ૭૬૦ બંધ આવી છે. એચડીએફસી બૅન્ક તથા સ્ટેટ બૅન્ક નહીંવત્ પ્લસમાં હતા. કોટક મહિન્દ્ર દોઢ ટકો વધી ૨૦૧૨નો બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બની હતી. ઇન્ડ્સઇન્ડ બૅન્ક એકાદ ટકો તો એક્સીસ બૅન્ક નજીવા નરમ હતા. બૅન્કિંગમાં એકંદર સુધારાની સાથે એન્જલ વન નવ ટકા, યુટીઆઇ એસેટ મૅનેજમેન્ટ સવા પાંચ ટકા, રિલાયન્સ કેપિટલ પાંચ ટકા, માસ ફાઇ. ત્રણ ટકા, હોમ ફર્સ્ટ ત્રણ ટકા, આઇડીએફસી પોણા ત્રણ ટકા વધતાં ફાઇનૅન્સ ઇન્ડેક્સ બાર પૉઇન્ટ વધીને બંધ હતો. ધનવર્ષા ૬.૮ ટકા, સ્પંદન ૫.૨ ટકા, પૈસા લો ડિજિટલ બે ટકા નરમ હતા. બજાજ ફાઇ. પોણો ટકો વધ્યો છે. 
લેટેન્ટ વ્યૂ તગડા લિસ્ટિંગના વળતા દિવસે ૨૦ ટકાની તેજીમાં
મંગળવારે ૧૪૮ ટકા જેવા લિસ્ટિંગ ગેઇન સાથે ૪૮૮ ઉપર બંધ રહેલો લેટેન્ટ વ્યૂ એનાલિટિક્સ ગઈ કાલે સારા વૉલ્યુમ સાથે ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૫૯૬ને વટાવી નવી ટૉપ બનાવી છેલ્લે ૧૯.૮ ટકા ઊછળી ૫૮૫ બંધ થયો છે. પેટીએમ લિસ્ટિંગની ખુવારી પછી બાઉન્સ બેકને આગળ ધપાવતા ગઈ કાલે ઉપરમાં ૧૭૯૦ બતાવી ૧૭.૩ ટકા ઊંચકાઈને ૧૭૫૩ થયો છે. નાયકા ૨૩૧૮ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સવા પાંચ ટકાની મજબૂતીમાં ૨૨૪૬, પૉલિસી બાઝાર સાત ટકાના જમ્પમાં ૧૩૦૪, એસજેએસ એન્ટરપ્રાઇઝીસ ઉપરમાં ૫૩૯ વટાવી સવા આઠ ટકાની મજબૂતીમાં ૪૯૨, ફિનો પેમેન્ટ બૅન્ક ૪૯૧ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ સાડા છ ટકાની આગેકૂચમાં ૪૭૩, સિગાચી ઇન્ડસ્ટ્રીઝ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૪૯૦ની નવી નીચી સપાટી દેખાડી ત્રણ ગણા વૉલ્યુમે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૫૪૨, આદિત્ય બિરલા સનલાઇફ નહીંવત્ સુધરીને ૬૦૦ની નજીક, નિદાન લેબ નીચલી સર્કિટનો સિલસિલો જાળવી રાખતાં પાંચ ટકા તૂટીને ૮૨ રૂપિયા બંધ રહ્યા છે. પારસ ડિફેન્સ ગઈ કાલે સરેરાશ કરતાં ૪૦ ટકાના કામકાજમાં પાંચ ટકાની તેજીની સર્કિટે ૭૧૭ નજીક પહોંચ્યો છે. કાર ટ્રેડ ૯૭૯નું ઑલટાઇમ નવું બૉટમ બનાવી એક ટકો ઘટીને ૯૯૧ બંધ થયો છે. વિન્ડલાસ બાયો ૪.૮ ટકા વધીને ૨૯૯ દેખાયો છે.

25 November, 2021 12:48 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

એમેઝોન ઇન્ડિયાના ચીફને EDએ પાઠવ્યું સમન્સ

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમેઝોન ઇન્ડિયાના વડા અમિત અગ્રવાલને સમન્સ પાઠવ્યું છે.

28 November, 2021 06:20 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

News in short: અશોક લેલૅન્ડના એમડી વિપિન સોંધીનું રાજીનામું

સોંધી આવતી ૩૧ ડિસેમ્બરે પદત્યાગ કરશે.

27 November, 2021 12:14 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

હોમ લોનનું અમોર્ટાઇઝેશન શેડ્યુલ એટલે શું?

આપણે ગયા વખતે હોમ લોનને લગતા કેટલાક શબ્દોની વાત કરી. બાકી રહી ગયેલા શબ્દોના અર્થ આજે જાણી લઈએ :  

27 November, 2021 12:04 IST | Mumbai | Ram Prasad Padhi

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK