ભારત હાલમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે તથા એના પર દેખરેખ રાખવા માટેનું માળખું ઘડી રહ્યું છે.
પ્રતીકાત્મક તસવીર
ભારતના ફાઇનૅન્શ્યલ ઇન્ટેલિજન્સ યુનિટ (FIU)એ કરેલા અભ્યાસમાં એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ક્રિપ્ટોકરન્સીનો ઉપયોગ દેશમાં આતંકવાદ, અલગતાવાદી ચળવળ, સાઇબર ગુનાખોરી, કૅફી દ્રવ્યોની હેરાફેરી તથા ગેરકાનૂની જુગાર જેવી ગંભીર ગુનાકીય પ્રવૃત્તિઓ માટે થતો હોવાની શક્યતા છે.
અહીં જણાવવું રહ્યું કે આ એજન્સીએ નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં વર્ચ્યુઅલ ડિજિટલ ઍસેટ્સ અને એનાં સર્વિસ પ્રોવાઇડર્સ (ક્રિપ્ટો એક્સચેન્જો) સંબંધે ટાઇપોલૉજી અહેવાલ તૈયાર કરાવ્યો હતો. અહેવાલમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે હાલ ક્રિપ્ટોનો ઉપયોગ ગંભીર ગુનાકીય પ્રવૃત્તિઓ માટે થતો હોવા વિશે શંકા છે. અહેવાલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ, સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન અને આવકવેરા ખાતાને સુપરત કરવામાં આવ્યો છે. અમુક કિસ્સામાં આ એજન્સીઓએ કાયદાપાલન માટેની કેટલીક આવશ્યક કાર્યવાહી કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ADVERTISEMENT
ભારત હાલમાં ક્રિપ્ટોકરન્સીના નિયમન માટે તથા એના પર દેખરેખ રાખવા માટેનું માળખું ઘડી રહ્યું છે. જ્યાં સુધી એ માળખું નહીં ઘડાય ત્યાં સુધી દેશમાં ક્રિપ્ટોકરન્સીને ગેરકાનૂની માનવામાં નહીં આવે.
દરમ્યાન વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે સુધારો થયો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન ૨.૩૫ ટકા વધીને ૨.૬૬ ટ્રિલ્યન ડૉલર પર પહોંચ્યું હતું. બિટકૉઇનમાં સતત ઉતાર-ચડાવ ચાલી રહ્યો છે અને છેલ્લા ૨૪ કલાકમાં એ ફ્લૅટ રહ્યો છે. ઇથેરિયમમાં ૨.૮૪ ટકા ઘટાડો થયો છે, જ્યારે એક્સઆરપીમાં ૧.૮૫ ટકા, સોલાનામાં ૧.૩૯ ટકા, કાર્ડાનોમાં ૨.૫૩ ટકા અને ડોઝકૉઇનમાં ૨.૮૯ ટકા વૃદ્ધિ થઈ છે.

