યુદ્ધ ચાલુ છે ત્યાં સુધી સ્થિરતાની આશા રાખી શકાય નહીંઃ સિલેક્ટિવ બનવામાં શાણપણ અને સાવચેત રહેવામાં ડહાપણ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
યુદ્ધ સહિતની વિવિધ પ્રકારની ગ્લોબલ અનિશ્ચિતતા કોઈને પણ સ્થિર નહીં રહેવા દે. આ તો શૅરબજાર છે, ચંચળતા એનો બેઝિક સ્વભાવ છે. ઈરાન-ઇઝરાયલ યુદ્ધના પરિણામની બૂરામાં બૂરી અસર લગભગ પૂર્ણ થઈ ગઈ હોવાનો મત વ્યક્ત થઈ રહ્યો છે છતાં કુછ ભી હો સકતા હૈ જેવા માહોલમાં સાવચેતી સાથે સિલેક્ટિવ સ્ટૉક્સમાં રોકાણ કરવામાં શાણપણ ગણાય. કરેક્શન અને રિકવરી બન્ને ચોક્કસ સીમા રાખીને ચાલ્યા કરશે
યુદ્ધનાં વિનાશક આર્થિક પરિણામ કેવાં હોય એના જીવંત ભયાનક ઉદાહરણ જોવા હોય તો શૅરબજારમાં છેલ્લા કેટલાક દિવસોમાં પડેલાં ગાબડાં અને કડાકા પર નજર કરવી રહી. જેમ મિસાઇલ્સ કે બૉમ્બ્સ પડવા પર બધું ધરાશાયી થવા માંડે એમ શૅરોના ભાવો અને ઇન્ડાઇસિસનાં લેવલ તૂટતાં જોવામાં આવ્યાં છે. બજારની બૉટમ ક્યાં બનશે એવો સવાલ પણ કોઈ પૂછતું કે એની ચર્ચા કરતું નથી, કારણ કે યુદ્ધે સેન્ટિમેન્ટ અને ફન્ડામેન્ટલ્સને એવાં લોહીલુહાણ કર્યાં છે કે એના જખમ રુઝાતાં અને સ્વસ્થતા હાંસલ કરતાં લાંબો સમય લાગી શકે છે. બજાર સતત કરેક્શનના માર્ગે આગળ વધશે એ નકકી છે, એ ક્યાં અટકશે એ કહેવું કઠિન છે. બજારની આ દશામાં મ્યુચ્યુઅલ ફન્ડ્સની દશા બગડ્યા વિના રહી શકે નહીં, એકમાત્ર જેને લાભ થઈ શકે એમાં છે ગોલ્ડ-સિલ્વર, ખાસ કરીને ગોલ્ડ. જોકે હાલ તો ડૉલરની સ્થિતિ જોઈ ગોલ્ડ પણ મૂંઝવણમાં હોવાનું કહેવાય છે. એમ છતાં સોનું એ સોનું છે. ઇક્વિટીના પતનમાં સોનાનું જતન થશે. બાકી ઇક્વિટી માર્કેટમાં વૉલેટિલિટી એના ખેલ બતાવતી રહેશે. ઇન્વેસ્ટર્સે પોતે વૉલેટિલિટીને બદલે વિવેક જાળવવાનો રહેશે. જો આમ થશે તો રોકાણકારો આ બૂરા દિવસોમાં પોતાના માટે અચ્છે દિનોનું સર્જન કરી શકશે. અલબત્ત, ધીરજ અને હિંમત બન્ને ભરપૂર જોઈશે.
ADVERTISEMENT
બાય ધ વે, આ માહોલ કેટલો લાંબો ચાલશે એ કહી શકાય એમ નથી, તો કરવું શું એવો સવાલ થવો અને ચર્ચાવો સહજ છે. ભારતના આર્થિક ફન્ડામેન્ટલ્સ એકંદરે સારા છે, ગ્રોથ બહેતર છે, વપરાશ અને ડિમાન્ડ તેમ જ મૂડીખર્ચ ચાલી રહ્યાં છે, પ્રોજેક્ટ્સ આગળ વધી રહ્યા છે, પરંતુ ક્રૂડના ભાવો તથા કરન્સીમાં ડૉલરનું આક્રમણ ભારતને ભારે પડી શકે છે. ભારતીય ઇકૉનૉમી અને માર્કેટ્સ યુદ્ધની અસરોથી વંચિત રહી શકશે નહીં. હાલ તો યુદ્ધના ધડાકા ચાલુ છે, કોણ ક્યારે હુમલા બંધ કરશે એ જાણવા કે સમજવા માટેના સંકેત દેખાતા નથી.
વન-ડે રિકવરી
જોકે સતત કડાકા-કરેક્શનના આક્રમણ બાદ ગયા ગુરુવારે શૅરબજારે રિકવરી દર્શાવી હતી, જેના સંદર્ભમાં ટોચના બ્રોકરેજ-ફાઇનૅન્શિયલ હાઉસ મોતીલાલ ઓસવાલ ગ્રુપના ચૅરમૅન રામદેવ અગ્રવાલે વ્યક્ત કરેલા મત મુજબ ફાઇનૅન્શિયલ માર્કેટે ઈરાનના આંચકાની સૌથી બૂરી અસરને પચાવી લીધી લાગે છે, રોકાણકારો ગ્લોબલ માહોલથી ટેવાતા જઈ રહ્યા છે. આમ પણ માર્કેટ જિયોપૉલિટકલ સિચુએશન કરતાં વધુ ઝડપથી આગળ વધતી રહીને એનાં જોખમોને પચાવી લેતી હોય છે. જો કોઈ નવી ગંભીર ઘટના ન બને તો સંભવત ઈરાનની વર્સ્ટ અસરો બજાર બહાર આવવા લાગશે. અત્યારે તો મોટા-મોટા કડાકા યુદ્ધના ભય અને નકારાત્મક અસરોને રિફ્લેકટ કરે છે.
બૅક ટુ કરેક્શન અને કન્ફ્યુઝન
આ વાતને સમર્થન આપતા બીજા દિવસે એટલે કે ગયા શુક્રવારે બજારે પુનઃ કરેક્શનનાં દર્શન કરાવ્યાં હતાં, ક્રૂડના ભાવ અને ડૉલર સામે રૂપિયાની નબળાઈ હાલ બજારને મોંઘી પડી રહી છે. ગુરુવારની રિકવરી ધોવાઈ ગઈ હતી અને બજારનું સેન્ટિમેન્ટ વધુ ખરડાયું હતું, કેમ કે માહોલ હજી તંગ અને તનાવગ્રસ્ત છે, ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ સેલર્સ રહ્યા છે. ક્રૂડ કરતાં પણ વધુ અસર કરન્સીની થઈ રહી હોવાનું પણ કહેવાય છે. બૅન્કિંગ સ્ટૉક્સ પણ તૂટતા ગયા છે. ભારતીય જ નહીં, અમેરિકા અને એશિયન માર્કેટ્સ પણ નર્વસ ઝોનમાં રહ્યા છે.
વાસ્તવમાં વર્તમાન વૈશ્વિક માહોલની અનિશ્ચિતતા ઇન્વેસ્ટર્સ વર્ગને વધુ કન્ફ્યુઝ કરે છે. એક સાથે મલ્ટિપલ ઘટનાઓ આકાર લેતી રહે છે ત્યારે રોકાણકારોની મૂંઝવણ વધવાનું સહજ ગણાય. અલબત્ત, રોકાણકારોએ આવા સમયમાં સાવચેત અને વિવેકપૂર્ણ રહેવું જરૂરી બને છે. બજારને એક કરતાં વધુ પરિબળો અસર કરી રહ્યાં છે. જોકે આ બધા વચ્ચે પણ ભારતીય માર્કેટ અન્ય માર્કેટ્સની તુલનાએ એકંદરે સ્થિર કહી શકાય. ભારત એક વિશાળ દેશ તો છે જ, પરંતુ સાથે-સાથે શાંતિપૂર્ણ પણ છે, એની નોંધ વિશ્વ ચોક્કસ લેશે. આ બાબત વિદેશી કે વૈશ્વિક રોકાણકારોને ભારત તરફ આકર્ષશે.
રોકાણકારોએ હાલમાં કરવાં જેવાં કામ
રોકાણકારોએ અતિ સિલેક્ટિવ બની રહેવું જોઈશે એમ જણાવતાં નિષ્ણાતોએ કહ્યું હતું કે સ્થાનિક અર્થતંત્ર પર આધાર રાખતા સેક્ટર અને સ્ટૉક્સ પસંદ કરવામાં સાર રહેશે. ગ્લોબલ અસરની સંભાવનાવાળાં સેક્ટરોથી સાવચેત રહેવામાં શાણપણ. ધ્યાન આપવા જેવાં સેક્ટરોમાં બૅન્કિંગ અને કન્ઝમ્પશન સેક્ટર મુખ્ય ગણાશે. લાખો વ્યક્તિગત-રીટેલ રોકાણકારો સ્ટૉક્સ સિલેક્શનની સમજ કે નિપુણતા ધરાવતા નહીં હોવાથી તેમણે આંધળું અનુકરણ કરવાને બદલે પ્રોફેશનલ સલાહ, ફન્ડ મૅનેજર પાસે જવું જોઈએ. આવામાં ઇન્ડેક્સ ફન્ડ તેમ જ એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડ (ETF) બહેતર ગણાય. બાય ધ વે, સિસ્ટમૅટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) પણ ફોરએવર ગણાય. સ્ટૉક્સમાં પસંદગી કરવી હોય તો પણ ઇન્ડેક્સમાં સ્થાન ધરાવતા લાર્જ સ્ટૉક્સને અગ્રતા આપવી જોઈએ. આવી બજારમાં બહુ ઊંચા વળતરની અપેક્ષા પણ રાખવી નહીં, બલકે સલામતીને પ્રાધાન્ય આપી વાજબી વળતરથી સંતોષ મેળવવામાં સાર રાખવો.
ઇન્ડેક્સ પાંચથી ૭ ટકા નીચે ગયા છે, જ્યારે કે સ્ટૉક્સ પચીસથી ૩૦ ટકા ડાઉન ગયા છે, એવા સ્ટૉક્સને ખરીદીની તક ગણવી જોઈએ. મજબૂત કંપનીઓના શૅર્સમાં આવેલું કરેક્શન રોકાણકારો માટે પ્રવેશનો અવસર બની શકે. દા. ત. ૧૦૦૦ રૂપિયાવાળો શૅર ૬૦૦-૭૦૦ રૂપિયા આસપાસ ચાલી રહ્યો હોય તો એને ખરીદી માટે વિચારી શકાય, આ ભાવ ૫૦૦ રૂપિયા સુધી પણ જઈ શકે, એમ છતાં થોડી-થોડી ખરીદી માટે આવા સ્ટૉક્સ ધ્યાનમાં રાખવા જોઈએ. પરંતુ આમાં વિવેકબુદ્ધિનો ઉપયોગ જરૂરી. હાલ તો યુદ્ધવિરામની આશા વ્યક્ત થાય છે, પરંતુ ખાતરીપૂર્વક કંઈ કહી શકાય એમ નથી.
દરમ્યાન સોનામાં પણ કરેક્શન નોંધાયું છે, પરંતુ યુદ્ધમાં ઇક્વિટી કરતાં સોનું બહેતર અને સલામત ગણાય છે, જેથી એમાં રોકાણ વધી શકે છે. સિલ્વર પર પણ ધ્યાન વધી શકે. બાકી સિસ્ટમૅટિક માર્ગમાં મ્યુચ્યુઅલ ફન્ડ્સ ગણાય. આવા સંજોગોમાં મોટા ભાગના IPO તો મોકૂફી પસંદ કરશે એ નિશ્ચિત જણાય છે.
વિશેષ ટિપ
યુદ્ધના માહોલમાં બજાર ઘટે-તૂટે એ સ્વાભાવિક છે. આ બધું મોટે ભાગે લાંબું ચાલતું નથી, બજાર રિકવરી તરફ પાછું ફરે છે. ભૂતકાળના ઘણા કિસ્સા આના સાક્ષી છે. જો આર્થિક ક્ષમતા હોય, ધીરજ હોય અને જોખમ લેવાનું જિગર હોય તો બેસ્ટ બાયનો આવો સમય વારંવાર મળતો નથી.
