યુદ્ધને મામલે શૅરબજારને હાલ શાંતિ મળતાં એણે આનંદના ઉછાળા માર્યા છે. આ માહોલમાં બજાર વધવા સામે આશ્ચર્ય હતું જ, જે હજી વધ્યું છે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
યુદ્ધને મામલે શૅરબજારને હાલ શાંતિ મળતાં એણે આનંદના ઉછાળા માર્યા છે. આ માહોલમાં બજાર વધવા સામે આશ્ચર્ય હતું જ, જે હજી વધ્યું છે. હવે નફો બુક ન થાય તો નવાઈ. દરમ્યાન IPOની કતાર ચાલુ થઈ હોવાથી બજારનાં નાણાં એ પણ ખેંચી શકે. બાકી ૯ જુલાઈએ અમેરિકાની ટૅરિફ-ડીલ્સની ડેડલાઇનનું શું થાય છે એના પર બજારની નજર રહેશે
થોડા દિવસ પહેલાં અમુક ઇન્વેસ્ટર્સ સાથે વાતો થઈ. ઇન્વેસ્ટર્સ સાથે. ટ્રેડર્સ સાથે નહીં. તેમનો સવાલ હતો કે આ યુદ્ધના માહોલમાં શૅરબજાર કે મ્યુચ્યુઅલ ફન્ડ્સમાં રોકાણ ચાલુ રહેવા દેવું જોઈએ કે ઉપાડી લેવું જોઈએ? જવાબ છે, ચાલુ રહેવા દેવું જોઈએ; કારણ કે તાજેતરના સમયની જ વાત કરીએ તો રશિયા-યુક્રેન યુદ્ધ દરમ્યાન અને બાદ શું થયું? ભારત-પાકિસ્તાન વચ્ચેના લેટેસ્ટ તનાવ પછી શું થયું? ઇઝરાયલ-ઈરાન બાદ પણ શું થયું કે થશે? અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ટૅરિફ-યુદ્ધ બાદ પણ શું થયું? દરેક વખતે માર્કેટને ઝટકા યા આંચકા લાગ્યા, કરેક્શન આવ્યાં અને રિકવરી પણ થઈ ગઈ. આ બધી ઘટનાઓની અસર ટૂંકા ગાળાની હોય છે; અલબત્ત, અપવાદ બન્યા કરતા હોય છે. આખરે તો બજાર આ સંજોગોમાંથી પસાર થઈને આજે નવી ટોચે પહોંચ્યું છે. નવાઈ લાગે, પણ હકીકત નજર સામે છે.
ADVERTISEMENT
અત્યારના સંજોગોને જોઈએ તો યુદ્ધ લાંબું ચાલે એ વિશ્વને માફક આવે એમ નથી. વિશ્વએ અગાઉનાં મોટાં યુદ્ધનાં પરિણામ જોયાં-ભોગવ્યાં છે. બીજું, શૅરબજારના રોકાણની વાત આવે છે ત્યાં ટ્રેડર વર્ગ પોતાની લે-વેચનાં ગણતરીપૂર્વકનાં જોખમ દર વખતે લેતો હોય છે, જ્યારે રોકાણકારોએ યુદ્ધ હોય કે ન હોય, સાવચેતી સાથે લૉન્ગ ટર્મ માટે જ રોકાણ કરવાનો અભિગમ રાખવો જોઈએ, તેમણે સ્ટૉક્સ સિલેક્ટ કરવામાં કુશળતા રાખવી, યુદ્ધના માહોલમાં જેને નેગેટિવ અસર થવાની શક્યતા હોય એવાં સેક્ટર્સ તથા કંપનીઓના સ્ટૉક્સથી દૂર રહેવું જોઈએ, વૉલેટિલિટીમાં સચેત રહેવું જોઈએ. બાકી મ્યુચ્યુઅલ ફન્ડ્સના રોકાણકારોએ તો લૉન્ગ ટર્મ સાથે જ હોલ્ડ પોઝિશનમાં રહેવું જોઈએ. હા, પોતાને નાણાંની જરૂરિયાત હોય અને તેઓ રિડમ્પ્શન કરાવે એ જુદી વાત છે, બાકી યુદ્ધના માહોલથી પૅનિકમાં આવી ફન્ડ્સની યોજનામાંથી નાણાં ઉપાડીને મૂકશો ક્યાં? જો કોઈ બહેતર રોકાણ-સાધન હોય તો ઉપાડો અને એમાં રોકો. ખાસ કરીને SIPધારકોએ તો રોકાણ ચાલુ રાખવામાં જ શાણપણ છે, કારણ કે બજાર ઘટે કે વધે તેઓ લાભમાં જ રહેવાના છે. અલબત્ત, નફો ઘરમાં લઈ જવાની વાત જુદી છે, જેથી હેવી કરેક્શન બાદ એનું પુનઃ રોકાણ થઈ શકે અથવા એને સિક્યૉર્ડ રોકાણ-સાધનોમાં મૂકી શકાય.
આપણે આ સમયમાં વિવિધ કારણો-પરિબળોની અસરોને જોઈએ તો માર્કેટ આખરે કરેક્શન બાદ પાછું રિકવરી તરફ ફરે છે. હા, આપણા દેશની વાત કરીએ ત્યારે આ બાબત વધુ લાગુ પડતી જોવા મળે છે જે દેશના આર્થિક વિકાસ, ઇકૉનૉમિક ફન્ડામેન્ટલ્સ સહિતનાં પરિબળોને આધારે છે. એટલે રોકાણકારોએ આંધળાં સાહસો કરવાને બદલે કે પછી ઑપ્શન્સ-ફ્યુચર્સના ખતરનાક જુગારમાં પડવાને બદલે ઇન્વેસ્ટમેન્ટનો માર્ગ મજબૂત કંપનીઓના સ્ટૉક્સથી જાળવી રાખવો જોઈએ.
બજારની વધઘટનાં કારણો એનાં એ જ
ગયા સોમવારે ધારણા મુજબ બજાર ક્રૅશ થયું, પરંતુ આડેધડ ન તૂટ્યું કે બહુ વધુ પડતું પણ ન તૂટયું. ઉપરથી તૂટીને રિકવર પણ થયું. ક્રૂડના હળવા થતા ભાવ, ગ્લોબલ પૉઝિટિવ સંકેત, અમેરિકા સામે ઈરાન ઠંડું પડતાં બજારે રિકવરી દર્શાવી હતી. જોકે છેલ્લે એ માઇનસ બંધ રહ્યું. અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાની અસર નિશ્ચિંત હતી, હવે આ યુદ્ધ કે તનાવ પુનઃ આકાર ન પામે એના પર નજર રહેશે. રોકાણકારોમાં ખાસ કરીને નાના રોકાણકારો સાવચેત થવા લાગ્યા છે, તો વળી સ્માર્ટ રોકાણકારો બજાર ઘટે તો એનો લાભ લેવા ખરીદી કરશે એ પણ નક્કી છે. આપણે ગયા વખતે જે વાત કરી હતી કે બજારની વધઘટના ટ્રેન્ડને જોયા કરીને એની ચાલને સમજવામાં શાણપણ છે.
આ જ ધારણાને સમર્થન આપતી ઘટનામાં મંગળવારે બજારે આશ્રર્યજનક રીતે ૧૦૦૦ પૉઇન્ટનો જમ્પ માર્યો હતો. જોકે બજાર બંધ થવાના સમય સુધીમાં આ હજાર પૉઇન્ટનું કરેક્શન પણ આવી ગયું હતું, કારણ કે ઇઝરાયલ-ઈરાન વચ્ચેનો તનાવ પુનઃ સપાટી પર આવ્યો હોવાના અહેવાલ હતા. મંગળવારે બજાર ભલે પૉઝિટિવ બંધ રહ્યું, પરંતુ એ ૧૦૦૦ પૉઇન્ટ વધીને પાછું ફર્યું હતું, જેનું એક કારણ ઊંચા ભાવોએ પ્રૉફિટ-બુકિંગ પણ હતું. મંગળવારે રાતે યુદ્ધ બંધના અહેવાલને પગલે બુધવારે માર્કેટે વધુ રિકવરી તરફ કૂચ કરી હતી. મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાના પ્રયાસ થઈ રહ્યા હોવાનું પ્રતીત થતાં આ રિકવરી મજબૂત બની હતી. જોકે આ કેટલું લાંબું ચાલે છે એ વિશે પાકી ખાતરી કોઈ આપી શકે નહીં. એમ છતાં બજારના સેન્ટિમેન્ટ માટે આ સારા સંકેત કહી શકાય. યુદ્ધ મોરચે શાંતિની પૉઝિટિવ અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડે એ સહજ છે. નોંધનીય વાત એ હતી કે બુધવારે નિફ્ટીએ ૨૫,૨૦૦ની સપાટી વટાવી હતી, જેની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. અત્યારે તો ઇઝરાયલ-ઈરાન વચ્ચે શાંતિ કરાવવાનો યશ ટ્રમ્પ લઈ રહ્યા છે, જેની અસરે બજારો પણ સુધર્યાં છે. જોકે આ જ સાહેબ ગમે ત્યારે બજારના મૂડને બગાડે એવાં લક્ષણો પણ ધરાવતા હોવાથી બજારને લાંબો ભરોસો બેસવો મુશ્કેલ છે.
છલાંગ અને છલાંગ
ગુરુવારે બજારે નવો ઉત્સાહ અને ઉછાળો દર્શાવ્યો હતો, જેમાં રૂપિયાનો ડૉલર સામે સુધારો, જે ઇક્વિટી માટે પૉઝિટિવ ગણાય એવો નોંધાયો હતો તેમ જ આ બાબત વિદેશી રોકાણ આકર્ષવા માટે પણ સારું પરિબળ બને છે. રિઝર્વ બૅન્કના રિપોર્ટમાં અર્થતંત્ર માટે સારો આશાવાદ, લાર્જ કૅપ અને હેવીવેઇટ સ્ટૉક્સમાં ભારે ખરીદી તેમ જ બૅન્ક સ્ટૉક્સમાં ઊંચી લેવાલી કારણ બની બજાર સેન્સેક્સની ૧૦૦૦ પૉઇન્ટ અને નિફ્ટીની ૩૦૦ પૉઇન્ટની છલાંગ સાથે બંધ થયું હતું. અલબત્ત, માર્કેટના ઉછાળાનું એક મુખ્ય કારણ ઇઝરાયલ-ઈરાન યુદ્ધબંધી હતું, હજી ટ્રમ્પ ઈરાન સાથે આગામી સપ્તાહમાં વાતચીત કરવાના છે એના પર નજર રહેશે. શુક્રવારે બજારે રિકવરીનો દોર ચાલુ રાખતાં સેન્સેક્સ ૮૪ હજારને પાર કરી બંધ રહ્યો અને નિફ્ટી ૨૫,૬૦૦ ઉપર બંધ રહ્યો હતો. આ રીતે વધેલા બજારમાં નવા સપ્તાહમાં પ્રૉફિટ-બુકિંગ ન આવે તો નવાઈ, સ્માર્ટ રોકાણકારો નફો ઘરમાં લેવાનું પસંદ કરશે. જ્યારે કે અમેરિકા તરફથી ૯ જુલાઈ એ ટ્રેડ-ટૅરિફની ડેડલાઇન છે, જેમાં નિષ્કર્ષ શું આવશે એના પર પણ વિશ્વની અને બજારોની દૃષ્ટિ રહેશે, જે માર્કેટની આગામી ચાલ માટે કારણભૂત બની શકે.
હવે બજારમાં IPOની લાગેલી લાઇનને તેજીનો ટ્રેન્ડ બૂસ્ટ આપવાની ફેવરમાં છે, જેથી લોકો બજારમાંથી નફો લઈ IPOમાં લગાડશે એવું બની શકે. માર્કેટમાંથી નાણાંના ઉપાડનું આ પણ એક કારણ બની શકે.
ટૅરિફ-યુદ્ધ, ફેડના વ્યાજદર
બાય ધ વે, આ બધા વચ્ચે ૨૦૨૫ના આરંભથી અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફ-યુદ્ધનું કરેલું આક્રમણ હજી પણ વિશ્વના મોટા ભાગના દેશોનાં બ્લડપ્રેશર ઊંચાં-નીચાં કરવાનું કામ કરતું રહ્યું છે. જુલાઈમાં એના પણ સંકેત જોવા મળવાની સંભાવના છે. ખાસ કરીને ભારત માટે પણ આ ડીલ હજી અધ્ધર છે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ નહીં મૂકવા પાછળ ટૅરિફની સ્પષ્ટતાના અભાવને જ કારણ ગણે છે. દરમ્યાન રિઝર્વ બૅન્કના મતે ગ્લોબલ સપ્લાય સાઇડ રિસ્ક અને ડિમાન્ડની નબળાઈ તેમ જ ઈરાન-ઇઝરાયલ વિવાદ આગામી સમયમાં ભારત માટે સમસ્યા બની શકે છે. એણે કહ્યું છે કે હાલ ઊભા થયેલા ભૂરાજકીય તનાવને લીધે ક્રૂડના ભાવ પર પણ અસર થઈ શકે છે જે વિશ્વ-વેપાર સામે અવરોધ બની શકે. આવી ઘટનાઓ અનિશ્ચિતતા સર્જીને ઓવરઑલ સેન્ટિમેન્ટ ખરડી શકે. અલબત્ત, એક વૈશ્વિક અહેવાલ કહે છે કે ટૅરિફ-યુદ્ધની અસર ભારત પર બહુ જ ઓછી અથવા નહીંવત્ થશે.

