આઇટી શૅરોમાં ઉછાળો, ડિફેન્સ શૅરોનું અબાઉટ ટર્ન, બીએસઈ દંડાઈ, એનએસઈની મોટો દંડ ભરી આઇપીઓ આગળ વધારવાની તૈયારી, સ્મૉલ-માઇક્રો કૅપની તેજી ફાસ્ટ સ્પીડે
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
ઇઝરાયલ-ઈરાન મોરચે કોઈ નોંધ લેવા જેવું છમકલું ન થતાં વૈશ્વિક સેન્ટિમેન્ટમાં સુધારો થવાની સાથે-સાથે નિફ્ટીએ પણ વર્ષ 2025નું હાઇએસ્ટ બંધ આપ્યું હતું. નિફ્ટી 50 ઇન્ડેક્સ 200 પૉઇન્ટ અથવા 0.80 ટકા વધીને 25,244 પર બંધ થયો હતો અને સેન્સેક્સ 700 પૉઇન્ટ્સ, 0.85 ટકા વધીને 82,755 બંધ હતો. બન્ને ઇન્ડેક્સ સતત ત્રીજા સત્રમાં વધ્યા હતા. મધ્ય પૂર્વમાં ભૂરાજકીય તણાવ ઓછો થયાની સારી અસર જોવાતાં સુધારો વ્યાપક અને ઘણાં સેક્ટર્સમાં ફેલાયો હતો. ઇઝરાયલ અને ઈરાન બન્નેએ પ્રાદેશિક યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી રોકાણકારોના સેન્ટિમેન્ટને ભારે બૂસ્ટર ડોઝ મળતાં અને ક્રૂડ ઑઇલના ભાવમાંથી વૉર પ્રીમિયમ ગાયબ થવાની અસરે રોકાણપ્રવાહમાં સ્થિરતાની આશા જાગી છે. વૈશ્વિક સંકેતો પણ સારા છે, એશિયન અને યુરોપિયન બજારોનો સુધારો સંઘર્ષમાં વિરામ વિશે ઇશારો કરે છે. ભારતીય ઇક્વિટી બજારોમાં સારી રિકવરી જોવા મળી છે. જોકે એફઆઇઆઇનાં રોકાણોમાં ક્યારેક નેટ લેવાલી તો ક્યારેક નેટ વેચવાલી જોવા મળતી હતી, એ હવે સાતત્યપૂર્ણ લેવાલી તરફ વળે એવી ધારણા રખાય છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ સ્થાનિક બજારોને ગતિ આપી છે. લાર્જ-કૅપ શૅરોમાં આઇટી અને ઑટોમાં બુધવારે મજબૂત ડૉલર અને સુધરેલા રિસ્ક એપેટાઇટના જોરે સારો ચમકારો જોવા મળ્યો હતો. સ્થાનિક પરિબળો, સાનુકૂળ ચોમાસાની આગાહી અને ફુગાવામાં ઘટાડાના આશાવાદે પણ તેજીવાળાઓમાં નવું જોમ પૂર્યું હતું. યુએસ ટૅરિફની સંભાવના એક સંભવિત અવરોધ છે, પણ એની હવે ટૂંકા ગાળાના બજારના સેન્ટિમેન્ટ પર વિશેષ વિપરિત અસર નહીં થાય એવું વિશ્લેષકોનું માનવું છે. નિફ્ટીના 50માંથી 42 શૅરો વધીને બંધ થયા હતા. ટેક્નૉલૉજીના શૅરોએ આગેવાની લીધી એમાં ઇન્ફોસિસ બે ટકા સુધરી 1612 રૂપિયા, ટેક મહિન્દ્ર અને વિપ્રો દોઢ-દોઢ ટકા વધી અનુક્રમે 1703 અને 269 રૂપિયા, ટીસીએસ 1.55 ટકાના ગેઇને 3443 રૂપિયા અને એચસીએલ ટેક્નૉલૉજી 1.31 ટકા સુધરી 1713 રૂપિયા બંધ હતા. જોકે નિફ્ટીમાં પહેલા 3 ક્રમાંકે ટાઇટન 3.66 ટકા, 3655 રૂપિયા, મહિન્દ્ર ઍન્ડ મહિન્દ્ર 2.16 ટકા, 3218 રૂપિયા અને ગ્રાસિમ 2.13 ટકા, 2840 રૂપિયા રહ્યા હતા. ટાઇટનમાં એના જ્વેલરી સેગમેન્ટમાં સારા ગ્રોથનો આશાવાદ સેવાતો હતો.
તાતા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ દોઢ ટકો સુધરી 1125 રૂપિયા અને નેસ્લે ઇન્ડિયા 1.66 ટકા વધી 2405 રૂપિયા થયા એના કારણે એફએમસીજી ઇન્ડેક્સને સુધારામાં મદદ મળી હતી. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ 1.64 ટકા સુધરી 39046 બંધ હતો. માસિક વેચાણના ડેટા સારા આવવાની ગણતરીએ ટીવીએસ મોટર્સ અઢી ટકા વધી 2908 રૂપિયા, મારુતિ સુઝુકી સવા ટકો વધી 12760 રૂપિયા અને મહિન્દ્ર અને મહિન્દ્ર સવાબે ટકાના ગેઇને 3218 રૂપિયાના સ્તરે બંધ હતા. ઑટો ઇન્ડેક્સ 0.97 ટકા સુધરી 23827.80ના સ્તરે વિરમ્યો હતો. બ્રૉડર માર્કેટમાં નિફ્ટી મિડકૅપ 100 ઇન્ડેક્સ 259 પૉઇન્ટ વધીને 58,882 થઈ ગયો હતો.
ADVERTISEMENT
એચડીબી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ પહેલા દિવસે 37 ટકા ભરાયો
એચડીબી ફાઇનૅન્શ્યલ સર્વિસિસને બુધવારે ભરણાના પહેલા દિવસે 37 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યા છે જેમાં રિટેલનું પ્રમાણ 30 ટકા છે. 12,500 કરોડ રૂપિયાના આ ઇશ્યુમાં QIB ક્વોટામાં ખાસ અરજીઓ નહોતી. કર્મચારી અને શૅરધારક ક્વોટામાં અનુક્રમે 176 ટકા અને 69 ટકા સબ્સ્ક્રિપ્શન સાથે મજબૂત રસ જોવા મળ્યો હતો. ભારતની સૌથી મોટી ખાનગી બૅન્ક, એચડીએફસી બૅન્કનું આ એકમ પ્રતિ શૅર 700-740 રૂપિયાની પ્રાઇસ બૅન્ડમાં શૅર ઑફર કરે છે.
IPO ખૂલતાં પહેલાં આ નૉન-બૅન્ક ધિરાણકર્તાએ એલઆઇસી, ગોલ્ડમૅન સાક્સ, બ્લૅકરૉક અને 22 સ્થાનિક મ્યુચ્યુઅલ ફન્ડ્સ સહિત ઍન્કર રોકાણકારો પાસેથી 3,300 કરોડ રૂપિયાથી વધુ એકત્ર કર્યા હતા. પ્રાઇસ બૅન્ડના ઉપલા ભાવે, એચડીબી ફાઇનૅન્શ્યલનું મૂલ્ય 61,000 કરોડ રૂપિયાથી વધુ હશે. રોકાણકારો 20 શૅરના લોટમાં અને ત્યાર બાદ 20ના ગુણાંકમાં બોલી લગાવી શકે છે. આ ઇશ્યુ શુક્રવાર, 27 જૂનના રોજ સબ્સ્ક્રિપ્શન માટે બંધ થશે. આઇપીઓની સમીક્ષા કરી ઘણા વિશ્લેષકોએ વૃદ્ધિની સંભાવનાઓ વ્યક્ત કરવા સાથે એચડીએફસીના જૂથનું કારણ બતાવી ઇશ્યુ માટે ‘સબ્સ્ક્રાઇબ’ની ભલામણ કરી છે. મૂલ્યાંકનના મોરચે, એચડીબી ફાઇનૅશ્યલ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ અને બજાજ ફાઇનૅન્સ જેવા સ્પર્ધકોની તુલનામાં સસ્તો લાગે છે, જ્યારે શ્રીરામ ફાઇનૅન્સની તુલનામાં વૅલ્યુએશનમાં મોંઘો લાગે છે.
સ્મૉલ-માઇક્રો કૅપ શૅરોમાં તીવ્ર ઉછાળો
કેએનઆર કન્સ્ટ્રક્શન્સે 4,801 કરોડ રૂપિયાના ઑર્ડર મળ્યાની જાહેરાત કર્યા પછી શૅર 9 ટકા ઊછળી 231.50 રૂપિયાના સ્તરે બંધ થયો હતો. એ જ રીતે ઑર્ડર મળ્યાના ન્યુઝના પગલે કેઈસી ઇન્ટરનૅશનલનો શૅર પણ 4.38 ટકા વધી 927 રૂપિયા બોલાતો હતો. રીટેલ રોકાણકારોના ભારે રસ થકી સમ્માન કૅપિટલ 14.69 ટકાના ઉછાળે 143 રૂપિયા, એમસીએક્સ 5.59 ટકાના ગેઇને 8675 રૂપિયા બંધ હતા.
જોકે અમુક સંરક્ષણ શૅરોમાં નફો ગાંઠે બાંધવાનું વલણ ચાલુ હતું. ભારત ઇલેક્ટ્રૉનિક્સ ત્રણ ટકા ઘટી 406 રૂપિયા, માઝગાવ ડૉક સાડાત્રણ ટકા તૂટી 3174 અને હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ 2 ટકા ઘટી 4791 રૂપિયાના સ્તરે આવી ગયા હતા.
ડેબ્ટ રિસ્ટ્રક્ચરિંગ પર રોકાણકારોના દૃષ્ટિકોણમાં સુધારો થવાને કારણે વોડાફોન આઇડિયામાં સોમવારથી શરૂ થયેલા સુધારામાં ત્રણ સત્રોમાં 10 ટકા વધી 7.14 રૂપિયા બંધ હતો.
એનએસઈના મીડિયા, માઇક્રોકૅપ 250, આઇટી, સ્મૉલકૅપ 250 અને ઇન્ડિયા ટૂરિઝમ ઇન્ડેક્સોએ દોઢથી બે ટકાનો સુધારો નોંધાવ્યો હતો. એથી વિપરિત સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝિસ ઇન્ડેક્સ વધુ 0.50 ટકા ગુમાવી 6532, નિફ્ટી પીએસઈ પણ અડધો ટકો ઘટી 9872 અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક 0.03 ટકાના લૉસે 28,126ના લેવલે બંધ હતા.
પાડાના વાંકે પખાલી દંડાશે : એનએસઈની મજબૂરી
લાંબા સમયથી રાહ જોવાતા એનએસઈના આઇપીઓની આડે કો-લોકેશન સર્વરના કૌભાંડનો સુપ્રીમ કોર્ટમાં ચાલતો કેસ આવે છે. આ કેસ સેબી પાછો ખેંચી લે એ માટે સમાધાન પેટે સેટલમેન્ટની અરજીઓ સબમિટ કરી છે જેમાં હાઈ-પ્રોફાઇલ કો-લોકેશન અને ડાર્ક-ફાઇબર મેટર કેસને ઉકેલવા માટે રેકૉર્ડ 1,388 કરોડ રૂપિયાની ઑફર કરવામાં આવી છે, એવું જાણકાર સૂત્રોનું માનવું છે. કૌભાંડીઓ તો કૌભાંડ કરી જતા રહ્યા, પણ પાડાના વાંકે પખાલી (એનએસઈ)ને આ માતબર રકમનો દંડ ભરી કેસ પાછો ખેંચાયા પછી સેબી તરફથી આઇપીઓ માટે નો ઑબ્જેક્શન મળે અને વાત આગળ વધે તો અનલિસ્ટેડમાં મોટા પ્રમાણમાં શૅર લઈને બેસી ગયેલા લોકો પણ છૂટી શકે એવું બજારમાં ચર્ચાય છે. ભારતના માર્કેટ રેગ્યુલેટર સમક્ષ પ્રસ્તાવિત અત્યાર સુધીની આ સૌથી મોટી સેટલમેન્ટ રકમ છે. 2015 - 2019ના કો-લોકેશન કૌભાંડમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે ચોક્કસ બ્રોકર્સે NSEના સર્વર્સનો ઝડપી ઍક્સેસ મેળવ્યો હતો, જ્યારે ડાર્ક-ફાઇબર કેસ ખાનગી નેટવર્કિંગ લાઇનના દુરુપયોગ સાથે સંકળાયેલો હતો જેના અન્યાયી લાભો એનએસઈમાં સત્તાસ્થાને બેઠેલી અમુક વ્યક્તિઓને મળ્યા હતા. દરમ્યાન સેબીએ બીએસઈને અમુક માહિતી એની વેબસાઇટ પર મુકાય એ પહેલાં જ અમુક લોકોને એનો એક્સેસ આપવાના કસૂર બદલ અને એની વ્યવસ્થામાં અમુક ખામીઓ સબબ 25 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
વાયદાવાળા ઇન્ડેક્સમાં રોલઓવર
જૂન વાયદો આજે પૂરો થશે ત્યારે આ વલણમાંથી ઉપલા જુલાઈ વલણમાં પોઝિશન લઈ જવા માટેના ઇન્ડેક્સ આધારિત એફઍન્ડઓ કૉન્ટ્રૅક્ટ્સમાં રોલઓવરના પ્રમાણ પર નજર કરીએ તો નિફ્ટીમાં 64.32 ટકા, બૅન્ક નિફ્ટીમાં 59.07 ટકા, નિફ્ટી નેક્સ્ટ 50માં 57.70 ટકા, મિડકૅપ સિલેક્ટમાં 56.96 ટકા અને નિફ્ટી ફાઇનૅન્સમાં 48.70 ટકા પોઝિશન જૂનથી જુલાઈ સેટલમેન્ટમાં રોલઓવર થઈ ગઈ હોવાથી આજે બજાર નવા સાપ્તાહિક હાઈ પર પહોંચે અને શુક્રવારે ઓર ઊંચાઈએ જવાનો મત એફઍન્ડઓ ઍનૅલિસ્ટ્સ વ્યક્ત કરે છે.
દરમ્યાન બૅન્ક નિફ્ટી 0.28 ટકા વધી 56,621, નિફ્ટી ફાઇનૅન્સ 0.38 ટકા સુધરી 26,851, નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 0.48 ટકાના ગેઇને 67,669 અને મિડકૅપ સિલેક્ટ 0.56 ટકાના ફાયદાએ 13,221ના સ્તરે બંધ હતા.
માર્કેટ બ્રેડ્થમાં સુધારો
બીએસઈના 4162 (4144) ટ્રેડેડ શૅરોમાંથી 2821 (2662)ના ભાવમાં સુધારો, 1207 (1339)માં ઘટાડો અને 134 (143)માં યથાવત્ સ્થિતિ હતી. એનએસઈમાં 2990 (2976)માંથી 2135 (1963) ઍડ્વાન્સિંગ, 775 (917) ડિક્લાઇનિંગ અને 80 (96) શૅરો અનચેન્જ્ડ હતા. બીએસઈમાં 109 (108) અને એનએસઈમાં 51 (44) શૅરો 52 સપ્તાહની નવી ટોચે પહોંચ્યા હતા તો સામે 43 (44) અને 23 (31) શૅરો આવી બૉટમે હતા. સર્કિટનું સ્ટૅટેસ્ટિક્સ જોઈએ તો બીએસઈમાં 8 (7) ઉપલી અને 14 (10) નીચલી સર્કિટે તો એનએસઈ ખાતે આ સંખ્યા અનુક્રમે 106 (111) અને 45 (53) હતી.
માર્કેટ કૅપિટલાઇઝેશન 4 લાખ કરોડ રૂપિયા વધ્યું
એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 451.67 (447.82) લાખ કરોડ રૂપિયા અને બીએસઈ લિસ્ટેડ શૅરોનું 454.02 (450.09) લાખ કરોડ રૂપિયે પહોંચ્યું હતું.
એફઆઇઆઇની વેચવાલી
બુધવારે કૅશ માર્કેટમાં એફઆઇઆઇએ 2427 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી, એની સામે સ્થાનિક સંસ્થાઓએ 2372 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હતી.


