કેપીઆઇ ગ્રીન ૧૦૫ રૂપિયા ઝળકીને નવી ટોચે, પીએસયુ રિફાઇનરી શૅરો મજબૂત : ટીવીએસ મોટર્સ અને તાતા મોટર્સનો ડીવીઆર નવા બેસ્ટ લેવલે, મારુતિમાં નરમાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ નવા શિખરે જઈ નરમાઈમાં બંધ, આઇટી, ટેક્નૉલૉજી અને રિયલ્ટી ઇન્ડેક્સ વધવામાં મોખરે : સીએફએફ ફ્લુઇડ કન્ટ્રોલમાં ૧૧.૪ ટકા અને સહાના સિસ્ટમ્સમાં ૨૬.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો, કૉમરેડ અપ્લાયન્સિસ આજે લિસ્ટિંગમાં જવા સંભવ : રિલાયન્સ નામ પૂરતો સુધર્યો, ઇન્ફીની મજબૂતી બજારને ૮૨ પૉઇન્ટ ફળી : પીટીસી ઇન્ડ. ૬૧૨ રૂપિયાના ઉછાળે ૨૦ ટકાની તેજીમાં ઑલટાઇમ હાઈ : કેપીઆઇ ગ્રીન ૧૦૫ રૂપિયા ઝળકીને નવી ટોચે, પીએસયુ રિફાઇનરી શૅરો મજબૂત : ટીવીએસ મોટર્સ અને તાતા મોટર્સનો ડીવીઆર નવા બેસ્ટ લેવલે, મારુતિમાં નરમાઈ
મંગળવારથી અમેરિકન ફેડની બે દિવસની પૉલિસી મીટિંગ શરૂ થઈ રહી છે. ૧૫ જૂનના રોજ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક અને ૧૬ જૂને બૅન્ક ઑફ જપાનની મીટિંગ છે. ચાઇનીઝ સેન્ટ્રલ બૅન્કની મીટિંગ પણ આ ગાળામાં જ મળવાની છે. ઑસ્ટ્રેલિયા અને કૅનેડાની મધ્યસ્થ બૅન્કોએ તાજેતરમાં વ્યાજદરમાં અણધાર્યો વધારો કરીને સૌને ચોંકાવી દીધા હતા. આથી ટ્રેડર્સ હવે ખાસ્સી સાવચેતીના મૂડમાં છે. ક્રૂડમાં બેરલદીઠ ૧૦૦ ડૉલરના ભાવનો વરતારો કરનાર ગોલ્ડમૅન સાક્સ તરફથી હવે વર્ષાન્ત સુધીમાં ૮૬ ડૉલરનો નવો અંદાજ અપાયો છે. છેલ્લા છ માસમાં આ ત્રીજી વખતનું ડાઉનવર્ડ રિવિઝન છે. દરમ્યાન સૉવરિન રેટિંગને અપગ્રેડ કરવા મૂડીઝને મનાવવા માટે નાણાખાતા તરફથી ૧૬ જૂને ખાસ બેઠક નક્કી થઈ હોવાના અહેવાલ છે. વધુમાં મૂડીઝ તરફથી જૂન ક્વૉર્ટરમાં ભારતનો જીડીપી ગ્રોથ ૬.૨ ટકા રહેવાની ધારણા જારી થઈ છે. રિઝર્વ બૅન્કનો અંદાજ આઠ ટકાનો છે. કોણ સાચું ઠરે છે એની ખબર ઑગસ્ટના અંતે પડી જશે. સોમવારે બહુમતી એશિયન શૅરબજારો ધીમાં સુધારામાં હતાં. જૅપનીઝ નિક્કી અડધો ટકો તો સિંગાપોર અને તાઇવાન સાધારણ અને ઇન્ડોનેશિયા તથા હૉન્ગકૉન્ગ નહીંવત્ પ્લસ હતા. સાઉથ કોરિયા અડધો ટકો તેમ જ ચાઇના અને થાઇલૅન્ડ નજીવા નરમ હતાં. યુરોપ સારા ઓપનિંગ બાદ રનિંગમાં અડધો-પોણો ટકો ઉપર દેખાયું છે.
ADVERTISEMENT
સેન્સેક્સ પૉઝિટિવ બાયસ સાથે ફ્લૅટ ખૂલી અંતે ૯૯ પૉઇન્ટના સુધારે ૬૨,૭૨૫ તો નિફ્ટી ૩૮ પૉઇન્ટ વધીને ૧૮,૬૦૧ બંધ થયો છે. બજારમાં વધઘટની રેન્જ અતિ સાંકડી, માંડ ૧૯૦ પૉઇન્ટની હતી, જેમાં શૅરઆંક નીચામાં ૬૨,૬૧૫ અને ઉપરમાં ૬૨,૮૦૫ થયો હતો. માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી છે. એનએસઈમાં ૧૨૨૫ શૅર પ્લસ તો સામે ૮૫૯ જાતો માઇનસ હતી. બજારના લગભગ તમામ બેન્ચમાર્ક સુધર્યા છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૯,૫૧૭ની નવી ઑલટાઇમ હાઈ બનાવી ૨૦૯ પૉઇન્ટ કે અડધા ટકાના ઘટાડે ૩૯,૨૦૩ ઉપર બંધ આવ્યો છે. આઇટી, ટેક્નૉલૉજી, રિયલ્ટી, ઑઇલ-ગૅસ, નિફ્ટી મિડિયા જેવા બેન્ચમાર્ક એકાદ ટકાથી લઈ દોઢ ટકો વધ્યા છે. મેટલ, ટેલિકૉમ અને એનર્જી ઇન્ડેક્સ અડધાથી એક ટકો પ્લસ હતા.
સોમવારે બે એસએમઈ આઇપીઓનું લિસ્ટિંગ થયું છે. ૧૦ના શૅરદીઠ ૧૬૫ની ઇશ્યુ પ્રાઇસવાળી મહારાષ્ટ્રના રાયગડની સીએફએફ ફ્લુઇડ કન્ટ્રોલ ૧૭૫ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૮૪ નજીક જઈ ત્યાં જ બંધ થતાં અહીં ૧૧.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. તો અમદાવાદી સહાના સિસ્ટમ્સનો ૧૦ના શૅરદીઠ ૧૩૫ની ઇશ્યુ પ્રાઇસવાળો ઇશ્યુ ૧૬૩ ખૂલી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૭૧ વટાવી ત્યાં જ બંધ થતાં અહીં ૨૬.૮ ટકાનો લિસ્ટિંગ ગેઇન છૂટ્યો છે. મુંબઈના જોગેશ્વરીની કૉમરેડ અપ્લાયન્સિસનું લિસ્ટિંગ મંગળવારે સંભળાય છે.
એચસીએલ ટેક્નૉ અને ભારત પેટ્રો ઝળક્યા, એનટીપીસીમાં નવી ટૉપ બની
સેન્સેક્સના ૩૦માંથી ૨૦ અને નિફ્ટીના ૫૦માંથી ૩૭ શૅર સોમવારે વધ્યા છે. એચસીએલ ટેક્નૉ ૨.૬ ટકા ઊંચકાઈ ૧૧૩૯ના બંધમાં સેન્સેક્સ ખાતે મોખરે હતો. ઇન્ફી બે ટકા વધી ૧૨૯૨, ટીસીએસ ૧.૨ ટકા વધી ૩૨૪૮ તથા ટેક મહિન્દ્ર એક ટકાના સુધારામાં ૧૦૭૫ બંધ હતો. ઇન્ફી, ટીસીએસ અને એચસીએલ થકી બજારને કુલ ૧૪૩ પૉઇન્ટનો ફાયદો થયો છે. એનટીપીસી ૧૮૬ ઉપર નવી ટૉપ બતાવી ૧.૬ ટકાની મજબૂતીમાં ૧૮૬ રહ્યો છે. નેસ્લે, મહિન્દ્ર, બજાજ ફાઇ. એક-સવા ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે ભારત પેટ્રોલિયમ ૩.૪ ટકાના ઉછાળે ૩૭૨ બંધ આપી બેસ્ટ ગેઇનર બન્યો છે. હીરો મોટોકૉર્પ અને ગ્રાસીમ એક ટકો સુધર્યા છે. રિલાયન્સ સરેરાશ કરતાં લગભગ ૪૦ ટકાના વૉલ્યુમે નજીવો સુધરી ૨૪૮૩ રહ્યો છે.
પાવરગ્રીડ સવા ટકાની નરમાઈમાં ૨૪૨ બંધ આપી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતો. આ સિવાય લાર્સન, સિપ્લા, મારુતિ સુઝુકી, ટાઇટન, વિપ્રો, એચડીએફસી બૅન્ક અડધાથી એક ટકો ઢીલા હતા. અદાણીની ફ્લૅગશિપ અદાણી એન્ટર દોઢ ટકા વધી ૨૪૮૬ રહી છે. અન્યમાં અદાણી પોર્ટ્સ એક ટકા વધી છે. અદાણી પાવર ૧.૭ ટકા ઘટ્યો હતો. ગ્રુપના બાકીના શૅર મામૂલી વધઘટે બંધ થયા છે. એનડીટીવી સામાન્ય ઘટી ૨૨૯ હતો. મોનાર્ક નેટવર્થ સુધારાની આગેકૂચમાં ૫૨ ગણા વૉલ્યુમે ૧.૮ ટકા વધીને ૨૩૧ થયો છે. ક્વિન્ટ ડિજિટલ પોણો ટકો વધ્યો છે. પતંજલિ ફૂડ્સ ૦.૩ ટકો ઘટીને ૧૦૨૨ હતો. પીટીસી ઇન્ડસ્ટ્રીઝ બમણા કામકાજે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૬૧૨ રૂપિયાની તેજીમાં ૩૬૭૩ના બેસ્ટ લેવલે ગયો છે. ભાવ વર્ષ પૂર્વે ૧૩૦૩ હતો. આ ઉપરાંત નર્મદા જિલેટિન, વેદાન્ત ઍસેટ્સ, રૂબી મિલ્સ, જયભારત મારુતિ, આકાર ઑટો ઇન્ડ, કેપીઆઇ ગ્રીન, નાગરિકા એક્સપોર્ટ્સ, મેઇડન ફોર્જિંગ્સ, મિર્ક ઇલેક્ટ્રૉનિક્સ, ઊર્જા ગ્લોબલ જેવી જાતોમાં પણ ૨૦-૨૦ ટકાનો જમ્પ જોવાયો છે. મુંબઈની સીડબ્લ્યુડી લિમિટેડ ત્રણ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૩૫૦ થઈ સવાચૌદ ટકા કે ૧૬૧ રૂપિયાની તેજીમાં ૧૨૯૧ બંધ આવી છે.
ડેટામૅટિક્સ અને આર. સિસ્ટમ્સ નવા શિખરે, સોનાટા નવી ટોચે જઈને ઘટ્યો
આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૬ શૅરના સથવારે ૪૨૨ પૉઇન્ટ કે દોઢ ટકો વધ્યો છે. રામકો સિસ્ટમ્સ પોણાબાર ટકાના ઉછાળે ૨૬૩ના બંધમાં અત્રે મોખરે હતો. ડેટામૅટિક્સ ૬૦૯ની ટૉપ બનાવી સવાસાત ટકાના જમ્પમાં ૫૮૨, આર. સિસ્ટમ્સ ૩૯૦ના શિખરે જઈ સવાપાંચ ટકાની આગેકૂચમાં ૩૮૬, ઈમુદ્રા સાડાપાંચ ટકા ઊંચકાઈ ૪૧૯ બંધ હતા. બ્રાઇટકોમ, ઓરિઅનપ્રો, ન્યુકલીઅસ, ઇન્ટલેક્ટ ડિઝાઇન, ઑનવર્ડ ટેક્નૉ, સિએન્ટ, મોસ્ચીપ ત્રણથી પાંચ ટકા પ્લસ થયા છે. કેલ્ટોન ટેક્નૉ સવાચાર ટકા અને એક્સપ્લીઓ સૉલ્યુશન્સ અઢી ટકા નરમ હતા. સોનાટા સૉફ્ટવેર ૧૦૭૮ના બેસ્ટ લેવલ બાદ પોણાબે ટકા ખરડાઈ ૧૦૧૭ની અંદર ગયો છે. લાટિમ દોઢ ટકો વધી ૪૮૯૮ હતો. ટેલિકૉમમાં ઇન્ડ્સ ટાવર પોણાચાર ટકા, તાતા ટેલિ પોણાત્રણ ટકા, વોડાફોન અઢી ટકા, ઑનમોબાઇલ સવા ટકો વધ્યા હતા. ભારતી અડધો ટકો સુધરી ૮૩૬ વટાવી ગયો છે. ટેલિકૉમ અને આઇટીની હૂંફમાં ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક ૧.૪ ટકા વધ્યો છે. જસ્ટડાયલ બે ટકા નજીક તો પીવીઆર પોણાબે ટકા પ્લસ હતા.
ઑઇલ-ગૅસ અને એનર્જી સેગમેન્ટમાં હિન્દુ. પેટ્રો ૪.૩ ટકા, ભારત પેટ્રો સવાત્રણ ટકા, ઇન્ડિયન ઑઇલ પોણાબે ટકા, જિંદલ ડ્રિલિંગ સવાસાત ટકા, હિન્દુ. ઑઇલ સવાછ ટકા, કૉન્ફિડન્સ પેટ્રો અઢી ટકા મજબૂત હતા. પાવર તથા યુટિલિટીઝમાં કેપીઆઇ ગ્રીન ૬૭૫ના શિખરે જઈ ૧૮.૭ ટકા ઊછળી ૬૬૮ થયો છે. રિલાયન્સ પાવર ૧૩.૫ ટકા, સતલજ જલ વિદ્યુત ૪ ટકા, ઓઇનોક્સ ગ્રીન સાડાત્રણ ટકા, જેપી પાવર અઢી ટકા વધ્યા હતા. નવ લિમિટેડ સાડાત્રણ ટકા અને જેએસડબ્લ્યુ એનર્જી બે ટકા ડાઉન થયા છે.
સૂર્યોદય સ્મૉલ બૅન્કમાં મોટો જમ્પ, અરમાન ફાઇ. ૧૩૦ રૂપિયા વધ્યો
બૅન્ક નિફ્ટી ૧૨માંથી આઠ શૅરના સુધારા વચ્ચે ૪૫ પૉઇન્ટ જેવો નહીંવત ઘટ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૬ શૅર પ્લસમાં આપી અડધો ટકો અપ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૧૯ શૅર ગઈ કાલે વધ્યા હતા. સૂર્યોદય સ્મૉલ બૅન્ક ૧૬૦ની ઐતિહાસિક ટૉપ બનાવી સાતેક ટકાની તેજીમાં ૧૫૬ નજીક સરકી છે. ઍક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, ફેડરલ બૅન્ક, યુનિયન બૅન્ક, એયુ બૅન્ક, તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક, સ્ટેટ બૅન્ક નામપૂરતી વધઘટે લગભગ ફ્લૅટ હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક સાડાત્રણ ટકા, કરૂર વૈશ્ય અઢી ટકા, ડીસીબી બૅન્ક બે ટકા, ફીનો બૅન્ક અને આરબીએલ બૅન્ક પોણાબે ટકા મજબૂત હતી.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૯૦ શૅરના સુધારામાં પણ ફ્લૅટ રહ્યો છે. અરમાન ફાઇ. સાત ટકા કે ૧૩૦ના ઉછાળે ૧૯૭૧ થયો છે. રેપ્કો હોમ પોણાછ ટકા, મુથૂટ કૅપિટલ પોણાપાંચ ટકા, પીએનબી હાઉસિંગ ૪.૮ ટકા, દૌલત અલ્ગો પોણાચાર ટકા, આરઈસી લિમિટેડ ૩.૭ ટકા, મેક્સ વેન્ચર્સ સાડાત્રણ ટકાથી વધુ ઊંચકાયા છે. એલઆઇસી પોણો ટકો ઘટીને ૫૯૭ થયો છે. પૉલિસી બાઝાર સવા ટકો અને પેટીએમ સાધારણ નરમ હતા. નાયકા એક ટકો વધી ૧૪૦ વટાવી ગઈ છે. ઝોમૅટો ૮૦ની વર્ષની ટૉપ બનાવી નહીંવત સુધારે ૭૮ નજીક ગયો છે. ક્રિસિલ ૪૦૨૮ના શિખરે જઈ બે ટકા વધીને ૪૦૦૮ થયો છે.
ગાર્ડન રિચ ૧૧ ટકાની તેજીમાં નવી ટોચે, સકોલાની રોકડી ગોફૅશન્સને નડી
શિપ બિલ્ડિંગ સેગમેન્ટમાં ગાર્ડન રિચ ૫૭૩નું શિખર બનાવી સવાઅગિયાર ટકાના ઉછાળે ૫૬૪ વટાવી ગઈ છે. કોચીન શિપયાર્ડ સવાત્રણ ટકાની આગેકૂચમાં ૫૫૮ તથા માઝગાવ ડોક સવા ટકો સુધરી ૧૦૪૬ બંધ હતા. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૩૮૦૦ નજીક લાઇફટાઇમ હાઈ હાંસલ કરીને સવા ટકાની પીછેહઠમાં ૩૬૮૪ થયો છે. ભારત ઇલે. તથા ભારત ડાયનેમિક્સ એક-એક ટકો માઇનસ હતા. શીલાફોમ્સ ૧૪ ટકા કે ૧૪૨ના ઉછાળે ૧૧૫૯ હતી. બ્લૉકડીલને લઈ ૨૧ ગણા કામકાજે દિલ્હીવરી ઉપરમાં ૪૦૦ નજીક જઈ છેલ્લે સવાનવ ટકાના જમ્પમાં ૩૮૨ વટાવી ગઈ છે. સુઝલોન ૧૫.૪૦ ની મલ્ટિયર ટૉપ બનાવી નવ ટકાની તેજીમાં ૧૫.૨૯ રહી છે. લિન્ડે ઇન્ડિયા પાંચ ટકા કે ૨૦૫ના ઉછાળામાં ૪૧૯૮ જોવાઈ છે. ગોફૅશન્સમાં પી/ઈ ફંડ સકોયા કૅપિટલ દ્વારા ૧૧૩૫ની ફ્લોર પ્રાઇસથી ૧૦ ટકા હિસ્સો બ્લૉકડીલમાં વેચવા મુકાતાં ભાવ નીચામાં ૧૧૩૩ થઈ ૪.૯ ટકા તૂટી ૧૧૩૬ બંધ રહ્યો છે. સિલેક્ટિવ પ્રૉફિટ બુકિંગ કામે લાગતાં શુગર ઉદ્યોગના ૧૧ શૅર પ્લસ તો સામે ૨૫ જાતો માઇનસ થઈ છે. પિકાડેલી ઍગ્રો ૭૪ની ટોચે જઈ છ ટકા વધી ૭૪ નજીક બંધ હતી. સામે ધામપુર સ્પેશ્યલિટી, મગધ શુગર, બજાજ હિન્દુ., શ્રીરેણુકા, મવાણા શુગર, ડીસીએમ શ્રીરામ ઇન્ડ. સવાબેથી સાડાત્રણ ટકા ડાઉન હતા. મેટલ ઇન્ડેક્સ અડધો ટકો વધ્યો છે. એપીએલ અપોલો સવાત્રણ ટકા વધી ૧૨૬૬ના બંધમાં અત્રે મોખરે હતો. નાલ્કો એક ટકો સુધરી ૮૫ દેખાયો છે.


