સરકારની આર્થિક નીતિઓ અને રિઝર્વ બૅન્કના સંકેત પણ ઓવરઑલ તો પૉઝિટિવ કહી શકાય
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
સપ્તાહ દરમ્યાન સેન્સેક્સ ૬૩,૦૦૦ની સપાટી વટાવી પાછો ફરી ગયો, જે દર્શાવે છે કે બજાર ફાઇનલી તો ધીમે-ધીમે નવી ઊંચાઈ તરફ જઈ રહ્યું છે, પ્રૉફિટ બુકિંગ યા અન્ય કારણસર કરેક્શનનું આવવું સ્વાભાવિક છે. બાકી ગ્લોબલ આશાવાદ ભારતીય માર્કેટને ઊંચે લઈ જવાનો હોવાથી લોકલ રોકાણકારોએ સ્ટૉક્સ જમા કરવામાં સાર રહે છે. સરકારની આર્થિક નીતિઓ અને રિઝર્વ બૅન્કના સંકેત પણ ઓવરઑલ તો પૉઝિટિવ કહી શકાય
વીતેલા સપ્તાહનો આરંભ સકારાત્મક થયો હતો. એશિયન માર્કેટ્સ સારી રહેવા ઉપરાંત યુએસ જૉબ ડેટા પણ એકંદરે બહેતર રહ્યા હતા. આ મહિનામાં ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજદર વધારો ન થવાની શક્યતાના સંકેતે પણ બજારને બૂસ્ટ મળ્યું હતું. આપણા અર્થતંત્રનાં ફંડામેન્ટલ્સમાં સતત સુધારાની અસરે માર્કેટનો બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો હોવાથી સેન્સેક્સ ૨૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૬૦ પૉઇન્ટની વૃદ્ધિ સાથે બંધ રહ્યાં હતાં. મંગળવારે યુએસ માર્કેટના નબળા સેન્ટિમેન્ટને કારણે અહીં કરેક્શન સાથે માર્કેટે શરૂઆત કરી હતી. જોકે સેન્સેક્સ અને નિફ્ટી બન્ને માત્ર પાંચ પૉઇન્ટ પ્લસ રહ્યાં હતાં. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સમાં સાધારણ વૃદ્ધિ નોંધાઈ હતી.
ADVERTISEMENT
રિઝર્વ બૅન્કની પૉલિસી પૉઝિટિવ
બુધવારે માર્કેટે પૉઝિટિવ આરંભ કર્યો હતો, કારણ કે હવે રિઝર્વ બૅન્ક તેમ જ અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્કો તરફથી વ્યાજદરના વધારાને બ્રેક મળવાની આશા ઊભી થઈ છે. દરમ્યાન ચીને એના અર્થતંત્રને વેગ આપવા સ્ટિમ્યુલસ (પ્રોત્સાહન) પૅકેજ જાહેર કર્યું હતું. સેન્સેક્સ ૩૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૯ પૉઇન્ટ વધીને બંધ રહ્યાં હતાં. સેન્સેક્સ ૬૩,૦૦૦ની ઉપર બંધ રહ્યો એ નોંધપાત્ર ઘટના હતી. બીજા દિવસે એટલે કે ગુરુવારે રિઝર્વ બૅન્કે માર્કેટની ધારણા મુજબ રિપોરેટમાં કોઈ ફેરફાર વિનાની પૉલિસી જાહેર કરી હતી. જોકે ઇન્ફ્લેશન પ્રત્યે ચેતવણી ઉચ્ચારવા સાથે આરબીઆઇએ ૨૦૨૪ માટે ઇન્ફ્લેશનના દરની આગાહી ઘટાડીને ૫.૧ ટકા મૂકી હતી, પરંતુ આ દરને ૨થી ૪ ટકાની રેન્જમાં લઈ જવાના ટાર્ગેટથી હજી આરબીઆઇ દૂર છે. ૨૦૨૪ માટેનો જીડીપી ગ્રોથરેટ ૬.૫ ટકા જળવાઈ રહેશે એવું અનુમાન મૂક્યું હતું. માર્કેટ પર આની સકારાત્મક અસર શરૂમાં થઈ, પરંતુ ઑસ્ટ્રેલિયા અને કૅનેડા તરફથી વ્યાજદરનો વધારો જાહેર થયો તેમ જ આ વધારાનો દોર આગળ પણ ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત થવા સાથે એ તરત કરેક્શનમાં પલટાઈ ગઈ હતી. યુએસ ફેડરલ રિઝર્વની પણ ટૂંક સમયમાં આ વિષયમાં મીટિંગ થવાની હોવાથી માર્કેટની નજર એના પર પણ હોવી સ્વાભાવિક છે. ઇન શૉર્ટ, રિઝર્વ બૅન્ક ગ્લોબલ સંજોગોની અનિશ્ચિતતાની ઉપેક્ષા કરી શકે એમ નથી, જેથી એણે સમતોલ સ્ટૅન્ડ લેવાનું મુનાસિફ ગણ્યું છે. અલબત્ત, પ્રવાહિતાની બાબતે બૅન્કો વધુ બહેતર સ્થિતિમાં છે. એમ છતાં, રિઝર્વ બૅન્કે કડક નીતિના સંકેત આપતાં ગુરુવારે કરેક્શન સાથે સેન્સેક્સ ૨૯૪ પૉઇન્ટ અને નિફ્ટી ૯૨ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. અલબત્ત, પ્રૉફિટ બુકિંગ પણ એક કારણ હતું.
શુક્રવારે માર્કેટે ઠંડી શરૂઆત કરી હતી અને સાધારણ વધઘટ સાથે સેન્સેક્સ ૨૨૩ પૉઇન્ટ અને નિફ્ટી ૭૧ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. હવે ફેડ રિઝર્વની મીટિંગ સુધી આ ટ્રેન્ડ ચાલતો રહેવાની ધારણા છે, જેથી સેન્સેક્સ આ દિવસોમાં નીચામાં ૬૧ અને ઊંચામાં ૬૩,૦૦૦ આસપાસ રહ્યા કરે તો નવાઈ નહીં. આપણી બજારને આમ તો ગ્લોબલ માર્કેટ સપોર્ટ મળતો રહેવાની આશા છે, એફઆઇઆઇ ખરીદીનો ટ્રેન્ડ પૉઝિટિવ રહ્યો છે. કૉર્પોરેટ કામગીરી સારી રહી છે. ઇકૉનૉમિક ફંડામેન્ટલ્સ પ્રોત્સાહક રહ્યાં છે. દરમ્યાન ચોમાસાની સ્થિતિ પર બજારની તેમ જ રિઝર્વ બૅન્કની પણ સતત નજર રહેશે. જોકે બજારને ઊંચે જવા માટે કારણો, પરિબળો અને ગ્લોબલ ઇન્વેસ્ટર્સનાં અભ્યાસપૂર્ણ તારણો મળતાં રહ્યાં છે અને મળતાં રહેશે, સમજો તો ઇશારા કાફી.
માર્કેટ માટે ગ્લોબલ આશાવાદ
દરમ્યાન ગ્લોબલ બ્રોકરેજ સંસ્થા ગોલ્ડમૅન સાક્સે ભારતીય માર્કેટ માટે ઊંચો આશાવાદ વ્યક્ત કરતાં કહ્યું છે કે છેલ્લાં ૨૦ વરસમાં ભારતનો જીડીપી સાત ગણો વધ્યો છે, જેનો કમ્પાઉન્ડિંગ ઍન્યુઅલ ગ્રોથ રેટ ૧૦ ટકા જેટલો થાય છે, જ્યારે કે ઇક્વિટી વળતર પણ ઉત્તમ રહ્યું છે, જે બીએસઈ-૨૦૦ સ્ટૉક્સમાં ૧૬ ટકા રહ્યું છે. યુએસના ૭ ટકા રિટર્ન સામે એ બમણું થાય છે. બીએસઈ-૨૦૦ના ૪૦ ટકા સ્ટૉક્સમાં છેલ્લાં ૨૦ વરસમાં ૨૦ ટકાથી વધુ વાર્ષિક વળતર છૂટ્યું છે, જે ઇમર્જિંગ માર્કેટ્સ સામે નોંધપાત્ર ઊંચું ગણાય. ભારતીય માર્કેટમાં મલ્ટિબેગર્સની સંખ્યા પણ ઊંચી રહી છે. એનએસઈ-૫૦૦માંથી આશરે ૨૬૯ સ્ટૉક્સે (૫૦ ટકાથી વધુ) ૧૦ મેજર માર્કેટ્સની સામે ૩૦ ટકા વળતર આપ્યું છે. ઇન શૉર્ટ, ભારતીય માર્કેટ લાંબા ગાળાની આકર્ષક તકો ઓફર કરે છે એવું ગોલ્ડમૅન દઢપણે માને છે. ભારતીય રોકાણકારો આને લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટનો સંકેત ગણી શકે છે. આ સાથે ગ્લોબલ બ્રોકરેજ કંપની મૉર્ગન સ્ટેનલી ઇન્ડિયાએ ઊંચા વૅલ્યુએશન છતાં ભારતીય સ્ટૉક્સને આકર્ષક ગણ્યા છે અને સેન્સેક્સ માટે થોડા સમયમાં ૬૮,૦૦૦ ઉપર પહોંચવાનો અંદાજ મૂક્યો છે.
એફપીઆઇનો રોકાણપ્રવાહ
અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) ભારતીય અર્થતંત્રની ગતિવિધિના સુધારાને લક્ષ્યમાં રાખી ભારતીય ઇક્વિટીઝમાં પોતાનું રોકાણ વધારી રહ્યો છે. દર વખતના મેને બદલે આ વરસનો મે મહિનો બજાર માટે સુખદ રહ્યો હતો, જ્યારે એફપીઆઇએ અહીંની ઇક્વિટીઝમાં ૪૮,૮૩૮ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે નવ મહિનામાં સૌથી ઊંચું રહ્યું છે, જ્યારે કે ૧૭ મહિનામાં તેમનું ૧૨ મહિનાનું રોલિંગ નેટ ઇન્વેસ્ટમેન્ટ પૉઝિટિવ રહીને ૭૪,૯૭૪ કરોડ રૂપિયા રહ્યું હતું. ભારતમાં કૉર્પોરેટ રિઝલ્ટ્સ, વ્યાજદરની સ્થિતિ, ડેફિસિટમાં ઘટાડો, મજબૂત ગ્રોથની સંભાવના વગેરે જેવા સંજોગોને ધ્યાનમાં રાખી એફપીઆઇ ચીન અને સાઉથ કોરિયા બાદ અહીં પાછા ફર્યા છે.
મહત્ત્વના આર્થિક સમાચાર-સંકેત
બજાજ ફિનસર્વે મ્યુચ્યુઅલ ફન્ડ બિઝનેસમાં ઝંપલાવવાનું નકકી કર્યું છે.
એનએસઈએ નિફ્ટી બૅન્કના ફ્યુચર્સ અને ઑપ્શન્સ કૉન્ટ્રૅક્ટની એક્સપાયરી હવે જુલાઈથી ગુરુવારને બદલે શુક્રવારની રાખવાની જાહેરાત કરી છે.
એમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફન્ડ ઑર્ગેનાઇઝેશને ઇક્વિટી સ્ટૉક્સમાં રોકાણ વધારવાનો નિર્ણય લીધો હોવાના અહેવાલ છે.
સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયા ચાલુ નાણાકીય વરસે ૫૦,૦૦૦ કરોડ રૂપિયા ડેટ સાધનો મારફત ઊભા કરવાની યોજના ધરાવે છે.
દેશમાં પેટ્રોલ-ડીઝલની રેકૉર્ડ ડિમાન્ડ રહી છે, જે મજબૂત અર્થતંત્રના સંકેત આપે છે.


