શૅરબજાર તૂટતું અટક્યું, રોજના ભારે કડાકા અને મૂડીધોવાણ અટક્યાં, ક્યાંક રિકવરી શરૂ થઈ, ક્યાંક એવું લાગી શકે કે બજારે બૉટમ બનાવી અથવા બૉટમ હવે નજીકમાં હોવી જોઈએ, પણ...
ડોનલ્ડ ટ્રમ્પ
બજારે વીતેલા સપ્તાહમાં રિકવરી દર્શાવીને અર્થતંત્ર અને વિશાળ ઇન્વેસ્ટર્સ તેમ જ કૉર્પોરેટ વર્ગને ભલે હાશકારો આપ્યો, પણ આગામી દિવસો માટેની અનિિશ્ચતતા ગઈ નથી, માર્કેટ સામે જોખમ ઊભાં હોવાથી સજાગ રહેવામાં જ શાણપણ છે
ટ્રમ્પના ટૅરિફ-યુદ્ધના આડેધડ આક્રમણ સામે પણ ગયા સપ્તાહમાં શૅરબજારના બૂરા દિવસો સારી દિશામાં ફરતા થયા, સોમવાર અને મંગળવારે કરેક્શનની ગતિ અને પ્રમાણ બન્ને ઘટવા લાગ્યાં અને બુધવારે સારી રિકવરી સાથે ઘણા દિવસોના ભારેખમ કડાકા બાદ ઇન્ડેક્સ પૉઝિટિવ બન્યા હતા. ગુરુવારે પુનઃ રિકવરી જોવાઈ હતી. જોકે શુક્રવારે બજાર સ્થિર રહ્યું કહી શકાય; ન કરેક્શન, ન રિકવરી. મજાની વાત એ છે કે સેન્સેક્સ સાત પૉઇન્ટ માઇનસ અને નિફ્ટી સાત પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા. સ્મૉલકૅપ્સમાં પણ રિકવરી જોવા મળી. લાંબા સમય પછી માર્કેટ કૅપ ઘટવાના અહેવાલ દૂર થયા અને વધવાના શરૂ થયા.
ADVERTISEMENT
હવે શું કરવું યા હવે શું માનવું?
આ સવાલોના જવાબો કઠિન છે, પરંતુ માર્કેટ એક્સપર્ટ નીલેશ શાહે વ્યક્ત કરેલા મત મુજબ લાંબા ગાળાના ઇન્વેસ્ટમેન્ટમાં વિશ્વાસ રાખતા રોકાણકારોએ છેલ્લા છ મહિનાના વળતરને ધ્યાનમાં રાખ્યા વિના સિલેક્ટેડ સ્ટૉક્સ જમા કરવાનું શરૂ કરી દેવું જોઈએ. માર્કેટ વાજબી વૅલ્યુએશનના સ્તરે આવ્યું હોવાનું કહી શકાય, અત્યાર સુધીનો ઘટાડો નોંધપાત્ર થઈ ચૂક્યો છે. જોકે દરેક ખરીદીમાં સાવચેતી અને વિવેકલક્ષી અભિગમ આવશ્યક રહેશે, ખરીદીમાં ગાંડપણ નહીં ચાલે, કારણ કે ફૉરેન ઇન્વેસ્ટર્સ હજી વેચાણ ચાલુ રાખી શકે એવી શક્યતા ઊભી હોવાનું કહી શકાય. જ્યાં સુધી આ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ વેચતા રહે છે ત્યાં સુધી માર્કેટ સ્થિર થઈ શકશે નહીં. નીલેશ શાહના શબ્દોમાં કહીએ તો અત્યારનો સમય શૅરો જમા કરવાની તક ગણાય, પણ બધું જ ખરીદી લેવાનો આ સમય નથી. એટલે ધીરજ અને શાણપણથી આગળ વધવામાં જ સાર રહેશે.
ફૉરેન ઇન્વેસ્ટર્સ ભારતમાં નાણાં કમાયા
ફૉરેન ઇન્વેસ્ટર્સે માત્ર ભારતીય બજારમાં આક્રમક વેચાણ કર્યું છે એવું નથી, તેમણે દરેક ઇમરર્જિંગ માર્કેટમાં હેવી સેલિંગ કર્યું છે, જેને પગલે મોટા ભાગનાં ઇમર્જિંગ માર્કેટ્સમાંથી વિદેશી રોકાણનાં નાણાં બહાર ગયાં છે અને કરેક્શન જોવાયાં છે. માત્ર ચીને એના આ આંકડા ઑક્ટોબર ૨૦૨૪ બાદ બહાર પાડ્યા નથી, જેનો અર્થ શું કરવો એ સ્માર્ટ રોકાણકારો સમજી શકે છે. ભારતીય માર્કેટે છેલ્લા સાત મહિના સિવાય બાકીના સમયગાળામાં બહેતર વળતર આપ્યું છે જે ચીન, બ્રાઝિલ, રશિયા અને સાઉથ આફ્રિકા કરતાં ઊંચું રહ્યું છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ અહીં નાણાં કમાયા છે.
માર્કેટની બૉટમ ક્યાં અને ક્યારે ગણવી?
બજારના અનુભવીઓ કહે છે કે દેશના જીડીપી ગ્રોથના આંકડા અને કૉર્પોરેટ અર્નિંગ્સ નિરાશાજનક છે જે માર્કેટ-વૅલ્યુએશન સામે સવાલ ઊભા કરે છે. શૅરબજારના રોકાણકારોએ પ્રાઇસ અને વૅલ્યુના ફરકને સમજવો જોઈશે, માર્કેટમાં સ્ટૉક્સ હંમેશાં એની અર્નિંગ્સ (કમાણી) જુએ છે. અર્થાત્, પ્રાઇસ એ છે જે રોકાણકાર ખરીદી માટે ચૂકવે છે અને વૅલ્યુ એ છે જે રોકાણકાર પામે છે. માર્કેટની બૉટમ ક્યાં ગણવી એવા સંકેત આપતાં જાણકારો કહે છે, જ્યારે ફૉરેન ઇન્વેસ્ટર્સ નેટ-વેચાણ બંધ કરશે અને નેટ-ખરીદી ચાલુ કરશે એ સમયમાં જે લેવલ દેખાશે એને માર્કેટની બૉટમ ગણી શકાય, જ્યારે તેમને વૅલ્યુએશન આકર્ષક લાગશે ત્યારે તેઓ ખરીદી માટે પુનઃ સક્રિય થઈ જશે.
કૅપિટલ ગેઇન ટૅક્સમાં ઘટાડાની જરૂર નથી, બધા દેશોમાં ભારત જેટલો અથવા વધુ ટૅક્સ લાગુ થાય છે. આ રાહત માત્ર ફૉરેન ઇન્વેસ્ટર્સને અપાય નહીં. સ્થાનિક રોકાણકારોને આ મામલે કોઈ અન્યાય થવો જોઈએ નહીં. આખરે બન્ને રોકાણકાર છે. ટૅક્સ કરતાં અર્નિંગ્સનું વધુ મહત્ત્વ છે. ટૅક્સ ઘટાડવાથી કૉર્પોરેટ્સ-કમાણી વધવાની ખાતરી મળી જતી નથી.
લાંબી અને ઊંડી મંદી ભારત સરકારને પણ માફક આવશે નહીં
એક સત્ય રોકાણકાર વર્ગે સમજવું અત્યંત જરૂરી છે કે સ્ટૉકમાર્કેટની લાંબી અને ઊંડી મંદી સરકારને પણ માફક આવે એમ નથી. અમેરિકા-ટ્રમ્પના ટૅરિફ-યુદ્ધ સામે પણ ભારતે લડવું તો પડશે જ. જોકે આ બધા વચ્ચે વાસ્તવિકતા એ છે કે ભારતીય અર્થતંત્રને વધુ મંદ પડવા દેવાશે નહીં, એને વેગ આપવા સતત અને નક્કર કદમ ભરવાં જ રહ્યાં. અનેક કંપનીઓ ભંડોળ ઊભું કરવાની કતારમાં છે, અનેક પ્રોજેક્ટ્સ ઊભા થવા તથા વિસ્તરવાના એજન્ડા લઈ બેઠા છે. સરકાર એનાં ચોક્કસ લક્ષ્યો નિર્ધારીને આગળ વધી રહી છે, એણે ચોક્કસ મૂડીખર્ચ કરવાનો છે, માગ અને વપરાશ વધારવાનાં છે, રોજગાર-સર્જનને જોર આપવાનું છે. હજી તાજેતરમાં જ બજેટે લાંબા ગાળાનું વિઝન આપ્યું છે. આ દિશામાં મૂવ-ઑન થવું જોઈશે. રિઝર્વ બૅન્ક પ્રવાહિતા વધારવા પ્રયાસશીલ છે, વ્યાજદરમાં હજી કાપ આવી શકે છે. ચીન પણ અમેરિકા સામે બાંયો ચડાવવા સજ્જ થઈ રહ્યું છે. ટ્રમ્પના તમાશા અને તરંગીપણાએ પણ ક્યાંક અટકવું પડશે. ભારત માત્ર સહન કરવા અને તમાશો જોવા બેસી રહી શકે નહીં. ભારતીય અર્થતંત્રની આંતરિક ક્ષમતા સહાયક બની શકે છે. વિદેશી રોકાણકારો માટે ભારત કેવું મહત્ત્વનું વિશાળ બજાર છે એ તેઓ સારી રીતે જાણે છે. ભારતીય શૅરબજારે આવા કપરા દિવસો અગાઉ પણ જોયા છે અને એમાંથી બહાર આવીને એણે નવસર્જન કર્યું છે. હાલનો ઘટાડો કે કરેક્શન માર્કેટને ‘કરેક્ટ’ કરવાની દિશામાં ઉપયોગી થશે. આ સમય પણ પસાર થઈ જશે.
કરેક્શનના સંકેત અને સંદેહ વધુ, રિકવરી સમય લેશે
દરમ્યાન માર્કેટ હવે પહેલાંની જેમ નિયમિત રિકવરી બતાવશે કે હજી કરેક્શન માથે ઊભું છે એવા સવાલના જવાબમાં ઍક્સિસ બૅન્કના ચીફ ઇકૉનૉમિસ્ટ નીલકંઠ મિશ્રા કહે છે, ભારતીય ઇકૉનૉમીના અને ગ્લોબલ ઓવરઑલ સંજોગોને જોતાં માર્કેટ હજી ૧૦ ટકા કરેક્શન દર્શાવી શકે છે. ભારતીય અર્થતંત્રના વિકાસની ગતિ હાલ ધીમી પડી હોવાથી આમ થઈ શકે છે. જોકે થોડા સમય બાદ સંજોગો થાળે પડતાં ગ્રોથરેટ સાત ટકા પહોંચી શકે છે એવું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. આ વિધાનથી પૅનિકમાં આવવાની જરૂર નથી. તેમના મતે વૉલેટિલિટી ચાલુ રહેશે. ભારતીય બજાર અગાઉના રેકૉર્ડ ઊંચા લેવલથી પાછું ફર્યું છે. છેલ્લા છ મહિનાના હેવી કરેક્શન બાબતે મિશ્રા કહે છે કે ભારતીય કંપનીઓનાં અર્નિંગ્સમાં નોંધાયેલા નોંધપાત્ર ઘટાડાને લીધે માર્કેટ કરેક્શનના શરણે ગયું હતું જેમાં શહેરી આવકવૃદ્ધિમાં મંદ ગતિ, માગ અને વપરાશમાં ઘટાડો વગેરે જેવાં પરિબળો મુખ્ય અસરકર્તા બન્યાં હતાં. આમ હાલ તો ૨૦૨૫ના અણસાર બહુ આશાસ્પદ લાગતા નથી.
જોકે જાણીતા ગ્લોબલ ઇન્વેસ્ટર સમીર અરોરા માને છે કે માર્કેટ એકથી બે મહિનામાં બૉટમ-આઉટ થઈ જશે અને સાતથી આઠ ટકાનો સુધારો પણ બતાવશે એવી આશા છે. બીજી બાજુ વેટરન ઇન્વેસ્ટર શંકર શર્મા મંદીતરફી નિવેદન કરતાં જણાવે છે કે આગામી પાંચેક વર્ષ સુધી માર્કેટ નબળું રહેશે, નિફ્ટી કંઈ પણ વળતર આપશે નહીં.

