Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ક્રૂડ ઐતિહાસિક નીચી સપાટીએ જતાં બજારના સુધારાને સથવારો મળ્યો

ક્રૂડ ઐતિહાસિક નીચી સપાટીએ જતાં બજારના સુધારાને સથવારો મળ્યો

Published : 07 March, 2025 07:09 AM | Modified : 10 March, 2025 06:54 AM | IST | Mumbai
Anil Patel

જયકૉર્પના આનંદ જૈન સામે ૨૪૩૪ કરોડના ફ્રૉડના આક્ષેપ સાથે CBIએ કેસ કર્યો હોવાની ચર્ચા, શૅર સવા ટકો સુધર્યો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એશિયન પેઇન્ટ્સ પોણાપાંચ ટકાની તેજી સાથે બન્ને બજારમાં ટૉપ ગેઇનર, પેઇન્ટ્સ ઉદ્યોગના તમામ શૅર વધીને બંધ : ચેન્નઈ પેટ્રો તથા કૅસ્ટ્રૉલ ઇન્ડિયા ડબલ ડિજિટના ઉછાળા સાથે ‘એ’ ગ્રુપમાં ઝળક્યા : રીટેલવાળાની મહેરબાનીમાં નેપ્સ ગ્લોબલનો ઇશ્યુ પાર પડ્યો, બાલાજી ફૉસ્ફેટ્સનું લિસ્ટિંગ આજે : ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટનો દિવસ સોમવાર નક્કી થતાં BSEને માઠી અસર થવાની આશંકા, ગોલ્ડમૅન સાક્સે ફરી એક વાર ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી : જયકૉર્પના આનંદ જૈન સામે ૨૪૩૪ કરોડના ફ્રૉડના આક્ષેપ સાથે CBIએ કેસ કર્યો હોવાની ચર્ચા, શૅર સવા ટકો સુધર્યો


વિશ્વબજારમાં ક્રૂડના ભાવ ઘટાડાતરફી ચાલમાં નવી ઐતિહાસિક નીચી સપાટીએ જોવાયા છે. બ્રેન્ટક્રૂડ બેરલદીઠ ૬૮.૩૩ ડૉલરની વર્ષની બૉટમ બતાવી રનિંગમાં ૭૦ ડૉલરની નીચે આવી ગયું છે જે ભારત જેવા આયાત પર નભતા દેશોના અર્થતંત્ર માટે ગગડતા ચલણની સ્થિતિમાં સારી એવી રાહત કહી શકાય. જોકે આ ઘટાડો કેવો અને કેટલો ટકાઉ નીવડે છે એ જોવું રહ્યું. બીજું, ક્રૂડ ગગડી ૭૦ ડૉલરની અંદર જવા છતાં સરકારની શાયલોક જેવી વૃત્તિને લઈ આમ જનતાને હાલ કશો ફાયદો નથી. આપણે તો રાબેતા મુજબ ૧૦૦ રૂપિયાનું લીટર પેટ્રોલ જ લેતા રહેવાનું છે, પરંતુ ક્રૂડના ભાવઘટાડાથી ક્રૂડ સેન્સિટિવ સેક્ટરની કંપનીઓને લાભ થશે, તેમનો ઉત્પાદનખર્ચ ઘટશે, નફાશક્તિ સુધરશે એવી ગણતરી કામે લાગતાં સંબંધિત સેક્ટરના શૅર ગુરુવારે લાઇમ લાઇટમાં રહ્યા છે. જોકે આ બધી ધારણા છે અને ધારણાઓને કોઈ ઘડો હોતો નથી.



આગલા દિવસના ૭૪૦ પૉઇન્ટના ટેક્નિકલ સુધારા બાદ સેન્સેક્સ ગુરુવારે ૫૭૮ પૉઇન્ટના ગૅપમાં ઉપર, ૭૪,૩૦૮ ખૂલી સીધો લથડી નીચામાં ૭૩,૪૧૫ દેખાયો હતો ત્યાંથી ક્રમશ: વધતો-વધતો ૭૪,૩૯૧ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી અંતે ૬૧૦ પૉઇન્ટ વધી ૭૪,૩૪૦ બંધ થયો છે. નિફ્ટી પણ બૅક-ટુ-બૅક ડબલ સેન્ચુરી ફટકારી, ૨૦૭ પૉઇન્ટની આગેકૂચમાં ૨૨,૫૪૫ નજીક ગયો છે. બ્રૉડબેઝ્ડ રેલીને લઈ માર્કેટ બ્રેડ્થ મઝેદાર હતી. NSEમાં વધેલા ૨૨૦૭ શૅર સામે વન-થર્ડ કે ૭૧૬ જાતો નરમ હતી. સેન્સેક્સ નિફ્ટીના પોણા ટકા પ્લસના સુધારા સામે સ્મૉલ કૅપ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ, બ્રૉડર માર્કેટ એક ટકા નજીક, એનર્જી ઇન્ડેક્સ પોણાત્રણ ટકા, મેટલ બેન્ચમાર્ક અઢી ટકાથી વધુ, ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ સવાબે ટકા, પાવર ઇન્ડેક્સ ૧.૪ ટકા, યુટિલિટીઝ દોઢ ટકો, FMCG બેન્ચમાર્ક ૧.૨ ટકા, નિફ્ટી ફાર્મા દોઢ ટકો, પીએસયુ ઇન્ડેક્સ ૧.૪ ટકા મજબૂત હતો. નિફ્ટી રિયલ્ટીની નજીવી નરમાઈ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. બૅન્કિંગ સિસ્ટમ્સમાં લિક્વિડિટી વધારવા રિઝર્વ બૅન્કે કેટલાંક નવાં પગલાં લીધાં છે, પરંતુ બૅન્ક નિફ્ટી ૦.૩ ટકા કે ૧૩૭ પૉઇન્ટના સુધારામાં ખાસ્સો માર્કેટ અન્ડર પર્ફોર્મર રહ્યો છે. જોકે સ્મૉલ બૅન્કિંગ સેગમેન્ટમાં ૯માંથી ૭ બૅન્કના શૅર સવા ટકાથી લઈ સાડાપાંચ ટકા વધ્યા હતા. બારેબાર પીએસયુ બૅન્કો પણ નહીંવત્થી માંડી બે ટકા સુધી સુધરી હતી, ખાનગી બૅન્કિંગ ક્ષેત્રે ૨૦માંથી ૧૫ શૅર પ્લસ હતા. કર્ણાટકા બૅન્ક સર્વાધિક પોણાછ ટકા ઊછળી છે. HDFC બૅન્ક જૈસે-થે રહી છે. બજારનું માર્કેટકૅપ ૪.૫૪ લાખ કરોડના ઉમેરામાં હવે ૩૯૭.૫૮ લાખ કરોડ રૂપિયા નજીક પહોંચ્યું છે.


એશિયા ખાતે થાઇલૅન્ડ દોઢ ટકો અને તાઇવાન પોણો ટકો નરમ હતું. અન્યથા હૉન્ગકૉન્ગ સવાત્રણ ટકા, ચાઇના તથા ઇન્ડોનેશિયા સવા ટકો, જપાન અને સાઉથ કોરિયા પોણો ટકો તો સિંગાપોર અડધો ટકો પ્લસ હતું. લંડન ફુત્સી રનિંગમાં એક ટકો ઘટ્યો છે. અન્યત્ર અડધા ટકાની રેન્જમાં વધઘટ જોવાતી હતી. બિટકૉઇન ૯૦,૩૩૫ ડૉલર દેખાતો હતો.

ક્રૂડ સેન્સિટિવ સેક્ટરના શૅર લાઇમલાઇટમાં આવ્યા


વિશ્વબજારમાં બ્રેન્ટ ક્રૂડ ઐતિહાસિક તળિયે જતાં ક્રૂડ સેન્સિટિવ શૅર ડિમાન્ડમાં જોવાયા છે. રિફાઇનરી અને ઑઇલ ડિસ્ટ્રિબ્યુટર્સ કંપનીઓમાં ચેન્નઈ પેટ્રો ૧૧.૭ ટકા, MRPL સવાછ ટકા, હિન્દુસ્તાન પેટ્રોલિયમ પોણા ટકા નજીક, ગાંધાર ઑઇલ સવા ટકો વધ્યા છે. ONGC દોઢ ટકા અને ઑઇલ ઇન્ડિયા એક ટકા પ્લસ હતા. ઑઇલ જાયન્ટ સાઉદી અમાર્કો તરફથી બીપીપ્લકનો લુબ્રિકન્ટ્સ બિઝનેસ ખરીદી લેવા રસ દર્શાવાયો હોવાના અહેવાલમાં કૅસ્ટ્રૉલ ભળતી તેજીમાં આઠ ગણા વૉલ્યુમે સાડાદસ ટકા ઊછળી ૨૪૬ થયો છે. એની પાછળ સવિતા ઑઇલ પાંચ ટકા, ગલ્ફ ઑઇલ ત્રણ ટકા, વિડૉલ કૉર્પોરેશન અર્થાત અગાઉની ટાઇડ વૉટર ઑઇલ છ ટકા, પનામા પેટ્રો અઢી ટકા મજબૂત હતા. ગલ્ફ પેટ્રોલિયમ સાડાપાંચ ટકા વધી ૪૩ ઉપર રહ્યો છે. ગૅસ વિતરક કંપની મહાનગર ગૅસ ચાર ટકા, ઇન્દ્રપ્રસ્થ ગૅસ સવાત્રણ ટકા અને ગુજરાત ગૅસ બે ટકા વધ્યા છે. એનર્જી સેગમેન્ટમાં સાંડૂર મેન્ગેનીઝ બમણા કામકાજે સાતેક ટકાનો જમ્પ મારી ૪૮૦ થયો છે. કોલ ઇન્ડિયા ૩.૮ ટકા મજમબૂત બન્યો છે. માર્કેટ લીડર રિલાયન્સ દોઢા કામકાજે ત્રણ ટકા ઊચકાયો હતો. અદાણી ટોટલ એક ટકો અપ હતો.

પેઇન્ટ્સ ઉદ્યોગના નવમાંથી નવ શૅર વધ્યા છે. કામધેનુ વેન્ચર્સ પાંચ ટકા, એશિયન પેઇન્ટ્સ ૪.૭ ટકા, બર્ગર પેઇન્ટ્સ સવાત્રણ ટકા, એક્ઝોનોબલ સવાબે ટકા, કન્સાઇ નેરોલેક સવાબે ટકા ઝળક્યા છે. ટાયર ળૅરોમાં અપોલો ટાયર્સ પોણાત્રણ ટકા, બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ સવાબે ટકા, ગુડયર દોઢ ટકા, MRF દોઢ ટકા કે ૧૭૩૪ રૂપિયા, સિયેટ પોણો ટકો વધ્યા છે. જેકે ટાયર સવા ટકો પ્લસ હતો. ટીવીએસ શ્રીચક્ર એક ટકો સુધર્યો છે. જિંદાલ ડ્રિલિંગ અને હિન્દુસ્તાન ઑઇલ એકસ્પ્લોરેશન એક-સવા ટકો નરમ હતા. એશિયન પેઇન્ટ્સની મજબૂતીમાં એલ્સીડ ઇન્વેસ્ટમેન્ટ ૧.૭ ટકા કે ૨૩૪૧ રૂપિયા વધી ૧,૪૨,૫૦૦ થયો છે.

રિલાયન્સ વૉલ્યુમ સાથે મજબૂતીમાં બજારને ૨૦૩ પૉઇન્ટ ફળ્યો

કોટક સિક્યૉરિટીઝ તરફથી ૧૪૦૦ની ફેરવૅલ્યુનો હવાલો આપતાં રિલાયન્સમાં બાયનો કૉલ અપાયો છે. શૅર ગઈ કાલે દોઢ ગણા વૉલ્યુમ સાથે ઉપરમાં ૧૨૧૪ થઈ ત્રણેક ટકા વધી ૧૨૧૦ના બંધમાં બજારને સર્વાધિક ૨૦૩ પૉઇન્ટ ફળ્યો છે. બીજી બાજુ ક્રૂડ ઐતિહાસિક તળિયે જવાના પગલે એશિયન પેઇન્ટ્સ દોઢા કામકાજે ૨૨૭૫ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ ૪.૭ ટકા કે ૧૦૨ રૂપિયા ઊચકાઈ ૨૨૬૭ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે બેસ્ટ ગેઇનર બન્યો છે. મેઇન બેન્ચમાર્ક ખાતે વધવામાં મોખરે રહેલા અન્ય શૅરમાં હિન્દાલ્કો ૩.૭ ટકા, કોલ ઇન્ડિયા ચારેક ટકા, ભારત પેટ્રો સાડાત્રણ ટકા, NTPC સાડાત્રણ ટકા, તાતા સ્ટીલ ત્રણ ટકા, સિપ્લા ૩ ટકા નજીક, અદાણી પોર્ટ્સ બે ટકા, બજાજ ફીનસર્વ ૨.૪ ટકા, હિન્દુસ્તાન યુનિલીવર સવાબે ટકા, આઇશર ૨.૧ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ બે ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૯ ટકા, સનફાર્મા ૨.૧ ટકા, ONGC દોઢ ટકા, ટીસીએસ ૧.૪ ટકા, બજાજ ફાઇનૅન્સ એકાદ ટકો, હીરો મોટોકૉર્પ પોણાબે ટકા મુખ્ય હતા.

ટેક મહિન્દ્ર ૨.૩ ટકા બગડી બન્ને બજારમાં ટૉપ લૂઝર હતી. કોટક બૅન્ક, ટ્રેન્ટ, ભારત ઇલેક્ટ્રિક અડધો-પોણો ટકો ઘટ્યા છે. ઝોમાટો અને તાતા મોટર્સ સામાન્યથી અડધો ટકો નરમ હતા. બજાજ ઑટો પોણો ટકો જેવા સુધારે ૭૪૬૪ થયો છે. HDFC બૅન્ક યથાવત્ હતી. આઇટીસી, ઇન્ફોસિસ, નેસ્લે તેમ જ ICICI બૅન્ક નહીંવત્ વધ્યા છે.

પ્રાઇમરી માર્કેટમાં મુંબઈના કાબલા દેવી રોડ ખાતેની નેપ્સ ગ્લોબલ ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૯૦ના ભાવનો ૧૧૮૮ લાખનો BSE SME ઇશ્યુ ગઈ કાલે આખરી દિવસે કુલ સવા ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. ઇન્દોરની બાલાજી ફૉસ્ફેટ્સનો શૅરદીઠ ૭૦ના ભાવનો NSE SME ઇશ્યુ આજે લિસ્ટિંગ થવાનો છે. તાજેતરમાં લિસ્ટેડ થયેલી કંપનીઓમાં બિઝાસણ એકસ્પ્લોટેક સવાબે ટકા ઘટી ૧૬૫, ન્યુક્લિયસ ઑફિસ એક ટકો સુધરીને ૨૦૪ તથા શ્રીનાથ પેપર પાંચ ટકા તૂટી ૩૨ નીચે બંધ રહ્યા છે.

મંદીની સર્કિટની હૅટ-ટ્રિક સાથે જેનસોલ એન્જિનિયરિંગ ૨૦ મહિનાના તળિયે

અમદાવાદી જેનસોલ એન્જિનિયરિંગ નીચલી સર્કિટની હૅટ-ટ્રિકમાં ૧૦ ટકા તૂટી ૩૩૫ની ૨૦ મહિનાની નીચી સપાટીએ બંધ રહ્યો છે. ગત વર્ષે ૧૯ ફેબ્રુઆરીએ આ શૅર NSE ખાતે ૧૩૭૭ના સર્વોચ્ચ શિખરે ગયો હતો. રેટિંગ એજન્સી ઇકરા તથા કૅર તરફથી કંપનીની આર્થિક સ્થિતિ તેમ જ લિક્વિડિટીની હાલત ખરડાયેલી હોવાના અભિપ્રાય સાથે રેટિંગ ડાઉનગ્રેડ કરવામાં આવ્યું છે. કંપનીની રિઝર્વ ૫૮૯ કરોડ છે. સામે દેવું ૧૧૪૬ કરોડને વટાવી ગયું છે. રેટિંગ એજન્સી ઇકરાએ તો ડેટ સર્વિસિંગ એટલે કે દેવાની સમયસર પરત ચુકવણી કરવાના મામલે કંપનીએ ખોટી અને ગેરમાર્ગે દોરનારી દસ્તાવેજી વિગતો પૂરી પાડી છે. આ આરોપ ઘણો ગંભીર છે. કંપનીમાં પ્રમોટર્સ હોલ્ડિંગ ૬૨.૬ ટકા છે એમાંથી ૮૨ ટકા માલ ગિરવે મુકાયેલો છે. વર્ષ પૂર્વે આ પ્રમાણ ૪૩ ટકા ઓછું હતું. આ કંપની સપ્ટેમ્બર ૨૦૧૯ની આખરમાં ૧૦ના શૅરદીઠ ૮૩ના ભાવથી લગભગ ૧૮ કરોડનો BSE SME ઇશ્યુ લાવી હતી. HNIની મહેરબાનીથી ભરણું ૧.૩ ગણું ભરાયું હતું. રીટેલ રિસ્પૉન્સ માત્ર ૩૭ ટકા હતો. લિસ્ટિંગ બાદ ઑક્ટોબર ૨૦૨૧માં ત્રણ શૅરદીઠ એક અને ઑક્ટોબર ૨૦૨૩માં એક શૅરદીઠ બેના પ્રમાણમાં બોનસ કંપનીએ આપ્યું હતું, પણ ડિવિડન્ડનું ખાનું હજી સુધી ખાલી છે. BSE ખાતે શૅરનો બેસ્ટ ભાવ ૧૧૨૬ છે જે ૨૦૨૪ની ૨૪ જૂને થયો હતો.

દરમ્યાન NSE તરફથી ડેરિવેટિવ્ઝ સેટલમેન્ટ ગુરુવારના બદલે સોમવારે કરવાનો નિર્ણય લેવાયો છે. એનાથી BSEના ઑપ્શન ફ્યુચર ટ્રેડિંગ બિઝનેસને માઠી અસર થવાની ધારણામાં ગોલ્ડમૅન સાક્સે ટાર્ગેટ પ્રાઇસ વધુ ઘટાડી ૪૨૩૦ કરી છે. શૅર ગઈ કાલે નીચામાં ૪૨૧૫ થઈ એક ટકો ઘટી ૪૨૫૩ બંધ થયો છે. મુકેશ અંબાણીના પરમ મિત્ર આનંદ જૈન સામે CBI તરફથી ૨૪૩૪ કરોડના ફ્રૉડ બદલ કેસ કરાયો હોવાની વાત ચાલે છે. જયકૉર્પનો શૅર ગઈ કાલે સવા ટકો સુધરી ૧૦૩ બંધ થયો છે. બીજી જુલાઈએ ભાવ ૪૩૮ના શિખરે હતો એ ગગડી તાજેતરમાં ત્રીજી માર્ચે ૯૦ના મલ્ટિયર તળિયે ગયો હતો.

Whatsapp-channel Whatsapp-channel

10 March, 2025 06:54 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK