બજેટ તદ્દન બોજ વિનાનું હળવું અને રાહતદાયી છે તો શૅરબજાર કેમ સુધર્યું નહીં? બજેટમાં સંખ્યાબંધ રાહતો છે તો બજારને હાલ કઈ આફતોનો ભય લાગે છે?
શૅરબજારની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
બજેટ તદ્દન બોજ વિનાનું હળવું અને રાહતદાયી છે તો શૅરબજાર કેમ સુધર્યું નહીં? બજેટમાં સંખ્યાબંધ રાહતો છે તો બજારને હાલ કઈ આફતોનો ભય લાગે છે? વિશાળ મધ્યમ વર્ગનાં નાણાં વપરાવા માટે બજારમાં અથવા ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં આવવાનાં છે, પણ એને સમય લાગશે; જેથી માર્કેટ હાલમાં ક્યાં નજર રાખી બેઠું છે એ સમજીને-મૂલવીને આગળ વધવામાં સાર રહેશે
શૅરબજાર પર બજેટની કેમ અસર થઈ નહીં? બજાર કેમ વધ્યું નહીં અથવા વધીને કેમ ઘટી ગયું? બજેટથી મોટા ભાગના લોકો રાજી થયા ગણાય છે તો બજાર કેમ રાજી ન થયું? તો હવે બજાર કઈ દિશામાં આગળ વધશે? આ સમય ખરીદીનો કહેવાય? આવા સવાલો ચાલી રહ્યા હોય તો નવાઈ નહીં, કેમ કે એ સ્વાભાવિક છે. બજેટે બજારને સીધેસીધું કંઈ આપ્યું નથી. અલબત્ત, બજેટે બજાર અને લોકો પર કોઈ નવો બોજ પણ લાદ્યો નથી, જેથી હવે બજારની ચાલ બીજાં વિવિધ પરિબળોને આધારે નક્કી થશે અને બદલાતી રહેશે; પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જેમને બજારમાં લાંબા ગાળાનું રોકાણ કરવું છે તેઓ આ બજેટમાંથી ઘણા સારા સંકેતો લઈ શકે છે. બાય ધ વે, ઇન્ડિયાની ગ્રોથ સ્ટોરી આગળ વધવાની છે.
ADVERTISEMENT
બજારની મોટી ચિંતા કઈ?
શનિવારે બજેટ જાહેર થાય એ પહેલાંના કલાકોમાં બજાર પૉઝિટિવ હતું, જે જાહેરાત સાથે પણ પૉઝિટિવ રહ્યું; પરંતુ એ પછી ધીમે-ધીમે કરેક્શન આવવા લાગ્યું અને અંતમાં બજાર જાણે ન્યુટ્રલ રહ્યું. અર્થાત્, ન ખુશી, ન ગમ, કુછ તો લગા હૈ કમ. બાય ધ વે, બજેટ તો એકદિવસીય ઘટના હતી, જેની તાત્કાલિક અસરોની આશા પણ રખાય નહીં, જે અસર હોય તો પણ એ ટૂંકા ગાળાની હોય, માર્કેટ અને ઇન્વેસ્ટર સેન્ટિમેન્ટને સમજવાનું બહુ અઘરું હોય છે. બજારને સૌથી વધુ ચિંતા દેશના ઇકૉનૉમિક ગ્રોથ રેટની એટલે કે મંદ પડેલી વિકાસની ગતિની છે. એના ઉપાય સ્વરૂપે બજેટે લોકોના હાથમાં નાણાં બચે કે વધે એવી જોગવાઈ કરી છે, આ જોગવાઈ એટલે કે આવકવેરામાં ભરપૂર રાહત સહિતનાં વિવિધ પગલાં, જેનો સૌથી વધુ લાભાર્થી સંભવતઃ મિડલ ક્લાસ અને ગ્રામ્ય વર્ગ-નીચલો વર્ગ બનવાનો છે. એક અંદાજ મુજબ આવકવેરાની રાહતથી લોકોના હાથમાં આશરે એક લાખ કરોડ રૂપિયા બચશે. આ નાણાં ખર્ચમાં જશે અથવા ઇન્વેસ્ટમેન્ટ તરફ જઈ શકે. આ બન્ને બાબત ઇકૉનૉમીના લાભમાં છે.
બજેટની અસરો સમય લેશે
આ નાણાં રાતોરાત ખર્ચમાં કે રોકાણ-જગતમાં જવાનાં નથી, આ વેરારાહત અમલમાં આવશે અને પછી એને પરિણામે લોકોના હાથમાં નાણાં વધશે. એ બાબત સમય લેશે. અલબત્ત, હાલ જ્યાં વપરાશ અને ડિમાન્ડ વધવાની શક્યતા છે એ સેક્ટરમાં કરન્ટ આવવાનાં એંધાણ વરતાય છે અને એની અસરે જે-તે સ્ટૉક્સમાં પણ કરન્ટ જોવાશે. આમાં હાલ તો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) પર વધુ નજર જાય છે; બાકીનાં સેક્ટર્સમાં કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ગ્રામ્ય ક્ષેત્ર, પાવર સેક્ટર, ટેક્સટાઇલ, મૅન્યુફૅક્ચરિંગ, ટૉય્ઝ ઉદ્યોગ, ટેક્નૉલૉજી, SME વગેરે સેક્ટર પરની અસર સમય લેશે. ઇન શૉર્ટ, બજાર પર બજેટની તરત અસર થાય એવાં કોઈ પગલાં નથી, બલકે ધીરજ ધરવી પડે એવાં પગલાં અવશ્ય છે. આમ વર્તમાન સંજોગોમાં તો બજારે બજેટની અસરો માટે પ્રતીક્ષા કરવી પડશે. પરિણામે અત્યારે બજાર બજેટની અસરોને ભૂલીને અન્ય મોટાં પરિબળો પર ધ્યાન આપી રહ્યું છે. જોકે આમ તો બજારનું ધ્યાન એ પરિબળો પરથી હટ્યું પણ નહોતું અને હટી શકે એમ પણ નથી.
શું છે આ અસરકારક મોટાં પરિબળો?
શૅરબજારને બજેટથી કોઈ શિકવા ભલે ન હોય, પરંતુ બજારને અમેરિકાનાં પગલાંઓની ચિંતા ચોક્કસ છે. ટ્રમ્પ કેવી નીતિઓ જાહેર કરે છે, ભારત માટે કેવો અભિગમ રાખે છે, અમેરિકા ઇકૉનૉમી માટે કેવાં કદમ ઉઠાવે છે એના પર ભારતની મીટ અવશ્ય છે અને રહેશે. વિદેશી રોકાણના પ્રવાહની અસર આ પગલાં પર રહેવાની છે. ગ્લોબલ રોકાણકારો અમેરિકામાં રોકાણ તરફ આકર્ષણ વધારશે અને વધુ નાણાપ્રવાહ ત્યાં જ રાખશે તો એની અસર આપણી બજાર પર ચોક્કસ થશે. ડૉલરની મજબૂતી સામે રૂપિયાની નબળાઈની ચિંતા પણ તો છે જ. ચીનનાં સ્પેસિફિક પગલાં પણ આપણા દેશ માટે કંઈક અંશે સતર્ક રહેવાના સંકેત આપે છે. ગ્લોબલ માહોલ હજી
અનિશ્ચિતતાવાળો જ છે, યુદ્ધ શસ્ત્રોનાં હોય કે ટૅરિફનાં હોય, એનો તનાવ ઘણી બાબતો પર અસર કરતો હોય છે. હાલ રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસી પણ માથે ઊભી છે, જ્યાં શું સંકેત અને ઍક્શન આવે છે એને પણ બજાર ધ્યાનમાં લેશે. આમ શૅરબજાર સામે રિકવરી કે કરેક્શન માટેનાં આ કારણો-પરિબળો ઊભાં છે.
રોકાણકારોએ હાલ શું ધ્યાનમાં રાખવું?
બાય ધ વે, તો હવે માર્કેટમાં રસ ધરાવતા વર્ગે કરવું શું? રિઝર્વ બૅન્ક શું જાહેર કરે છે એની રાહ જોવી. ફૉરેન ઇન્વેસ્ટર્સ (ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ-FII) અને ફૉરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (FPI)નો રોકાણપ્રવાહ ભારત તરફ કેવો વહે છે અને કેવો રહે છે એની પ્રતીક્ષા કરવી તેમ જ આ ગ્લોબલ ખેલાડીઓ પર નજર રાખવી. આ વર્ગ હાલ નેટ સેલર બની સતત વેચવાલ રહ્યો છે. તેમનો અભિગમ ક્યારે, કઈ રીતે નેટ બાયરમાં પરિવર્તિત થાય છે એ જોવાનું રહેશે. આ વર્ગ ભારતીય અર્થતંત્રના રિફૉર્મ્સ, ઇકૉનૉમીની મજબૂતી, કૉર્પોરેટ્સની કામગીરી, ભાવિ અંદાજ, પ્રોજેક્ટ્સ, ફન્ડામેન્ટલ્સની ગતિવિધિ વગેરે પર નજર રાખશે.
ઓવરવૅલ્યુએશન કે પ્રૉપર વૅલ્યુએશન?
એક બાબત એ પણ ખાસ નોંધવી જોઈશે કે આપણું બજાર ૨૦૨૪ના છેલ્લા ક્વૉર્ટરમાં હેવી ધોવાણ પામ્યું હતું, જે અગાઉના સમયમાં હેવી ઓવરવૅલ્યુએશનવાળું થઈ ગયું હતું. એથી એને કરેક્શનની ધારણા હતી અને જરૂર પણ હતી. આ માર્કેટની ઉપરની-વધારાની ચરબી નોંધપાત્ર નીકળી ગઈ છે એમ કહી શકાતું નથી, જેથી હજી કરેકશનનો અવકાશ છે અને આ માટેનાં કારણો પણ ઊભાં છે કે દેખાય છે. આવા સમયમાં બજારમાં દરેક હેવી કરેક્શનમાં સિલેક્ટેડ સ્ટૉક્સની ખરીદી કરતા રહેવામાં જ શાણપણ છે. વધુ ઘટાડાનું જોખમ લેવાની સજ્જતા સાથે આમ કરી શકતા હોય તેમના માટે જ આ ભલામણ છે. આ સ્ટૉક્સની ખરીદી સંભવતઃ બેન્ચમાર્ક ઇન્ડેક્સના સ્ટૉક્સમાંથી કરવી બહેતર રહેશે. બાકીના સ્ટૉક્સમાં અભ્યાસ વધુ અને સલાહ પણ સાચી જોઈશે. અન્યથા નાના-નવા રોકાણકારો માટે મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ બહેતર ગણાય.

