અમેરિકામાં પ્રમુખે પોતે મીમ કૉઇન દ્વારા ડિજિટલ ઍસેટના વિશ્વમાં પદાર્પણ કર્યું છે ત્યારે સ્પષ્ટ છે કે ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સી માર્કેટને પ્રોત્સાહન આપવાની નીતિ ધરાવે છે
ક્રિપ્ટોકરન્સીની પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકાના નવા પ્રમુખ તરીકે ડોનલ્ડ ટ્રમ્પ શપથ લે એ પહેલાં તેમના નામનો મીમ કૉઇન - $TRUMP બહાર પડ્યો અને એના ભાવમાં તીવ્ર ઉછાળો પણ આવ્યો. બે-ચાર દિવસમાં ઊભરો શમી ગયો, પરંતુ વિશ્વની મહાસત્તાના પ્રમુખ ક્રિપ્ટોકરન્સી વિશ્વમાં પોતાના નામના સિક્કા પડાવે એ ઘટના નોંધપાત્ર ચોક્કસ છે. રાજકારણ અને ડિજિટલ ફાઇનૅન્સ ક્ષેત્રે આ એક નવું વલણ કહી શકાય.
આપણા માટે વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ એવા અમેરિકામાં પ્રમુખે પોતે મીમ કૉઇન દ્વારા ડિજિટલ ઍસેટના વિશ્વમાં પદાર્પણ કર્યું છે ત્યારે સ્પષ્ટ છે કે ટ્રમ્પ ક્રિપ્ટોકરન્સી માર્કેટને પ્રોત્સાહન આપવાની નીતિ ધરાવે છે. તેમણે દેશની સેન્ટ્રલ બૅન્ક ડિજિટલ કરન્સી (CBDC)ને કોરાણે મૂકીને સીધેસીધું ક્રિપ્ટોકરન્સીને મહત્ત્વ આપવાનું શરૂ કર્યું છે.
ADVERTISEMENT
આપણે જાણીએ છીએ કે ક્રિપ્ટોકરન્સી વાસ્તવમાં બ્લૉકચેઇન ટેક્નૉલૉજી પર આધારિત છે. આથી જ એનો જેટલો પ્રચાર-પ્રસાર થશે એટલું જ બ્લૉકચેઇનનું પણ મહત્ત્વ વધશે. ટ્રમ્પ ક્રિપ્ટોને લગતાં ધારા-ધોરણો હળવાં બનાવી રહ્યાં છે એને જોતાં ભારતમાં આગામી દિવસોમાં કોઈ નિયમનકારી ફેરફાર થાય છે કે કેમ એના પર હવે સૌની નજર છે.
ભારતે અત્યાર સુધી ક્રિપ્ટોકરન્સી પ્રત્યે કડક વલણ અપનાવ્યું છે. આમ છતાં ભારતીયોને ક્રિપ્ટોમાં મોટા પાયે રસ છે. ભારતમાં બનેલાં ક્રિપ્ટો એક્સચેન્જોમાં ટ્રેડિંગનું વૉલ્યુમ વધી ગયું છે. દેશની ક્રિપ્ટોકરન્સીનાં બે મુખ્ય એક્સચેન્જોમાં ગયા ઑગસ્ટથી નવેમ્બરના ગાળામાં ટ્રેડિંગનું પ્રમાણ અનુક્રમે ૪૨૯ ટકા અને ૨૪૦ ટકા વધ્યું હતું. ભારતમાં હાલ ક્રિપ્ટોકરન્સીના વ્યવહારોથી થતા કૅપિટલ ગેઇન પર ૩૦ ટકાના દરે કરવેરો લાદવામાં આવ્યો છે. એ ઉપરાંત એક ટકો TDS પણ છે. આ અવરોધો હોવા છતાં ભારતીય રોકાણકારો ક્રિપ્ટો ક્ષેત્રે વધુ લાભ મેળવવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
મીમ કૉઇનનું પણ ટ્રેડિંગ શક્ય
એમ તો ટ્રમ્પના નામનો કૉઇન એક મીમ કૉઇન છે, પરંતુ એનું પણ ટ્રેડિંગ થઈ શકે છે. ભારતીય રોકાણકારો આંતરરાષ્ટ્રીય એક્સચેન્જો મારફત $TRUMPમાં ખરીદી-વેચાણના વ્યવહારો કરી શકે છે. એક એક્સચેન્જે તો આ માટેની માર્ગદર્શિકા પણ બહાર પાડી છે. ટ્રમ્પના નામનો સિક્કો પડે છે ત્યારે રોકાણકારોને એકંદરે ક્રિપ્ટોકરન્સીમાં પણ રસ જાગે એ સ્વાભાવિક છે.
$TRUMP લોકપ્રિય બન્યો છે, પરંતુ દરેક મીમ કૉઇનને લાગુ પડતાં જોખમો એના માટે પણ સાચાં છે. કોઈ પણ ક્રિપ્ટોકરન્સી વૉલેટાઇલ હોય છે. $TRUMPના ભાવમાં પણ ફક્ત બે દિવસમાં મોટો ઉછાળો આવ્યો હતો, જે હવે શમી ગયો છે. વળી ભારત સહિતના અનેક દેશોમાં ક્રિપ્ટોકરન્સી માટે કડક નિયમો છે. પરિણામે ક્રિપ્ટોમાં રોકાણ કરનારાઓ માટે જોખમ ઘણું વધારે છે. એને લગતાં જોખમો જાણીને જ રોકાણનો વિચાર કરવો જોઈએ. સાથે-સાથે દરેક બીજી માર્કેટની જેમ ક્રિપ્ટો માર્કેટના વલણનો પણ અભ્યાસ કરવો જરૂરી છે. ડિજિટલ ઍસેટ હજી ઘણી નવી બાબત છે. આથી રોકાણકારોએ એના વિશે હજી ઘણું જાણવા-સમજવાની જરૂર છે.

