Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા મોટા કરેક્શનના વરતારા વચ્ચે શૅરબજાર ૫૫૬ પૉઇન્ટ પ્લસ

વિદેશી બ્રોકરેજ હાઉસ દ્વારા મોટા કરેક્શનના વરતારા વચ્ચે શૅરબજાર ૫૫૬ પૉઇન્ટ પ્લસ

Published : 05 May, 2023 12:23 PM | IST | Mumbai
Anil Patel

સિમેન્સ તથા એબીબીમાં નવી ટૉપ સાથે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ : પરિણામની પૂર્વસંધ્યાએ તત્ત્વ ચિંતન ફાર્મામાં ૧૫૧નો જમ્પ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


એચડીએફસી ટ‍્વિન્સ નવાં બેસ્ટ લેવલ બનાવી બજારને ૨૫૨ પૉઇન્ટ ફળ્યા : જનરલ ઇન્શ્યૉરન્સ તથા ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ તગડા ઉછાળે એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બન્યા : તદ્દન સાધારણ પરિણામ છતાં તાતા ટેલિમાં ૧૦ ટકાની તેજીની સર્કિટ લાગી, જેકે બૅન્ક નવી ટૉપ બનાવી પરિણામ પૂર્વે પોણાચાર ટકા ગગડ્યો : સિમેન્સ તથા એબીબીમાં નવી ટૉપ સાથે કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ઑલટાઇમ હાઈ : પરિણામની પૂર્વસંધ્યાએ તત્ત્વ ચિંતન ફાર્મામાં ૧૫૧નો જમ્પ 

અમેરિકન ફેડ તરફથી ધારણા મુજબ વ્યાજદરમાં નવો ૦.૨૫ ટકાનો વધારો થયો છે. એની સાથે બૅન્કોનાં ઉઠમણાં, ડેટ સિલિંગની મડાગાંઠ અને ફુગાવાની આગામી ગતિવિધ‌િનો અભ્યાસ જરૂરી હોવાનું કારણ આગળ ધરીને હવે પછી વ્યાજદરમાં વધારાનો નિર્ણય લેવામાં આવશે એમ જણાવાયું છે. આને લીધે ફેડરેટમાં વધારાની સાઇકલ હવે અટકશે એવું તારણ કાઢતાં અમેરિકન શૅરબજાર પ્રારંભે હરખાયું હતું, પરંતુ ફેડના ચૅરમૅન જેરોમ પૉવેલે જૂનની આગામી બેઠકમાં ફેડરેટ યથાવત્ રખાશે એવી કોઈ ગૅરન્ટી ફેડના નિવેદનમાં નથી એવી ચોખવટ કરતાં માર્કેટનો ઉત્સાહ ઠંડો પડી ગયો હતો. ફેડની આ બેમોઢાની કે બે બાજુની વાતમાં અમેરિકન ડાઉ પોણો ટકો ઘટીને બુધવારે બંધ થયો છે. વૈશ્વિક સોનું ટ્રોય ઔંસ (૩૧.૧૦ ગ્રામ) દીઠ ૨૦૮૦ ડૉલર નજીક નવી વિક્રમી સપાટી બનાવી રનિંગમાં ૨૦૪૨ ડૉલર રહ્યું છે. હાજર સોનું ૨૦૩૫ આસપાસ હતું. એમસીએક્સ ગોલ્ડ ૧૦ ગ્રામદીઠ ૬૧૪૯૦ની ઑલટાઇમ હાઈ બતાવી છેલ્લે ૬૧૩૫૬ આસપાસ જોવા મળ્યું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલર ઉપર હતું. એશિયા ખાતે જપાન અને થાઇલૅન્ડ રજામાં હતા. હૉન્ગકૉન્ગ સવા ટકો અને ચાઇના પોણો ટકો વધ્યું છે.



અન્યત્ર સામાન્ય સુધારો હતો.


યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની વ્યાજદરમાં સમીક્ષા માટેની બેઠક પર નજર રાખતાં યુરોપનાં શૅરબજારો રનિંગમાં સાધારણ માઇનસ જણાયા છે. 

વિદેશી બ્રોકરેજ હાઉસ બોફા સિક્યૉરિટીઝ તરફથી બજાર હાલમાં અવાસ્તવિક ઊંચા સ્તરે હોવાના અભિપ્રાય સાથે નિફ્ટી ઘટીને ૧૬૦૦૦ થવાનો વરતારો આવ્યો છે. મતલબ કે સેન્સેક્સ ૫૪૦૦૦ આસપાસનો થયો. જોકે માર્કેટ આ વરતારાને અવગણીને ગુરુવારે ૫૫૬ પૉઇન્ટ વધી ૬૧૭૪૯ તથા નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ વધીને ૧૮૨૫૬ બંધ રહ્યો છે. પૉઝિટિવ બાયસમાં ઓપનિંગ બાદ સેન્સેક્સ ઘટી નીચામાં ૬૧૧૨૦ની ૬૧૭૯૮ થયો હતો. જૂજ અપવાદ સિવાય તમામ સેક્ટોરલ વધ્યાં છે. નિફ્ટી મેટલ અને ફાઇ. સર્વિસિસ બેન્ચમાર્ક સવા-દોઢ ટકા તથા ટેલિકૉમ ઇન્ડેક્સ ૧.૪ ટકા પ્લસ હતા. 


ડીમર્જરને લીલી ઝંડીમાં રિલાયન્સ સુધર્યો, અદાણીના શૅર બાઉન્સ બૅકથી ગુરુવારે માર્કેટ બ્રેડ્થ ખાસ્સી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં વધેલા ૧૩૮૧ શૅર સામે ૬૫૦ શૅર ઘટ્યા છે. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૧ અને નિફ્ટીના ૫૦માંથી ૩૩ શૅર પ્લસ હતા. એચડીએફસી ૨.૬ ટકા અને એની બૅન્ક ૨.૧ ટકા વધતાં બજારને કુલ ૨૫૨ પૉઇન્ટનો ફાયદો થયો છે. બજાજ ફાઇનૅન્સ ૩.૪ ટકા કે ૨૧૨ રૂપિયા ઊંચકાઈને ૬૩૯૦ થયો છે. બજાજ ફિન સર્વ બે ટકા વધ્યો છે. એશિયન પેઇન્ટ્સ ૧.૭ ટકા, સ્ટેટ બૅન્ક ૧.૭ ટકા, તાતા સ્ટીલ ૧.૧ ટકા, ટીસીએસ ૧.૩ ટકા મજબૂત હતા. રિલાયન્સમાં ફાઇનૅન્સ બિઝનેસના ડીમર્જરને શૅરધારકો સહિત અન્ય લાગતાવળગતાની મંજૂરી મળી જતાં ભાવ ઉપરમાં ૨૪૫૨ થઈ ૧.૨ ટકા વધીને ૨૪૪૮ બંધ આવ્યો છે. પાવરગ્રિડ, તાતા મોટર, ઇન્ડસઇન્ડ બૅન્ક, નેસ્લે જેવી જાતો સેન્સેક્સ ખાતે અડધોએક ટકો નરમ હતી. નિફ્ટી ખાતે યુપીએલ સવા ટકો અને ઇન્ડસઇન્ડ બૅન્ક એક ટકો માઇનસ હતા. 
આગલા દિવસે દસેદસ શૅરની નબળાઈ બાદ અદાણી ગ્રુપના ૧૦માંથી ૧૦ શૅર ગઈ કાલે વધ્યા છે. અદાણી એન્ટર ૩.૯ ટકા, અદાણી પોર્ટ્સ દોઢ ટકો, અદાણી પાવર ત્રણ ટકા, અંબુજા સિમેન્ટ્સ સવા ટકો, એસીસી ૧.૩ ટકો પ્લસ હતા. અદાણી ટ્રાન્સ બે ટકા મજબૂત હતો. 

ગો ઍર ફેમ ગો ફર્સ્ટનાં ઉઠમણાંને પગલે આગલા દિવસે વાડિયા ગ્રુપના શૅર ખરડાયા હતા. ગઈ કાલે પણ બૉમ્બે ડાઇંગ ૨.૨ ટકા અને બૉમ્બે બર્મા બે ટકા ઢીલા થયા છે. નૅશનલ પેરોક્સાઇડ પોણો ટકો ઘટીને બંધ હતો. હરીફ જેટ ઍરવેઝ ૩ ટકા અને સ્પાઇન જેટ બે ટકા વધ્યા છે. ઇન્ડિગો સાધારણ ઘટીને ૨૧૫૮ રહ્યા છે. 

એચડીએફસી ટ‍્વિન્સમાં નવાં શિખર, સૂર્યોદય બૅન્ક ૧૪ ટકાની તેજીમાં 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારે ૩૭૩ પૉઇન્ટ વધી ૪૩૬૮૫ બંધ થયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરના સથવારે સવા ટકો વધ્યો છે. બૅન્કિં સેક્ટરના ૩૭માંથી ૨૮ શૅર સુધર્યા છે. સૂર્યોદય સ્મૉલ બૅન્કનાં રિઝલ્ટ તો ૧૫ મેએ છે, પણ શૅર ગઈ કાલે ૧૫ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૧૯ થઈ ૧૩.૮ ટકાની તેજીમાં ૧૧૬ બંધ આવ્યો છે. ઇક્વિટાસ બૅન્ક ૩.૬ ટકા, ઉજ્જીવન બૅન્ક ૨.૬ ટકા, બૅન્ક ઑફ ઇન્ડિયા ૩.૩ ટકા, ડીસીબી બૅન્ક ૨.૨ ટકા, પંજાબ સિંધ બૅન્ક ૨.૪ ટકા મજબૂત હતા. જેકે બૅન્ક પરિણામ પૂર્વે નીચામાં ૫૮ થઈ ૩.૮ ટકા તૂટી ૫૯ રહ્યો છે. 
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૩૬ શૅરની નરમાઈ વચ્ચે ૧.૪ ટકો ઊંચકાયો છે. જનરલ ઇન્શ્યૉરન્સ કૉર્પોરેશન ૫૩ ગણા જંગી કામકાજમાં ૨૦ ટકાની ઉપલી સર્કિટમાં ૧૮૬ નજીક જઈ ૧૮૫ બંધ થયો છે. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૧૪ ગણા વૉલ્યુમે ૧૫ ટકાના ઉછાળે ૧૨૬ હતો. બહેતર પરિણામમાં ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટ ૯૭૦ના નવા શિખરે જઈ ૭ ટકાના જમ્પમાં ૯૪૯ થયો છે. મહિન્દ્ર ફાઇનૅન્સ ૨૮૯ નજીક નવી ટૉપ બનાવી ૬.૨ ટકા ઊંચકાઈ ૨૮૮ હતો. જીઆઇસી હાઉસિંગ ૪.૮ ટકા, લાર્સન ફાઇ. ૩.૬ ટકા, કૅફિન ટેક ૫.૬ ટકા, મણપ્પુરમ ફાઇ. ૪.૭ ટકા, મુથૂટ કૅપિટલ અઢી ટકા, સાટિન ક્રેડિટ ૪ ટકા, એલઆઇસી હાઉસિંગ ૪ ટકા મજબૂત હતા. આવાસ ફાઇ. અઢી ટકા બગડી ૧૪૦૩ રહ્યો છે. એસબીઆઇ લાઇફ ૨.૭ ટકા અને એચડીએફસી લાઇફ ૧.૩ ટકા પ્લસ હતા. એલઆઇસી આવા સારા માહોલ વચ્ચે નજીવો વધીને ૫૫૩ નજીક બંધ આવ્યો છે. નાયકા ૩.૭ ટકા અને પેટીએમ ૧.૪ ટકા વધ્યા છે. મોનાર્ક નેટવર્થ સામાન્ય ઘટાડે ૨૦૮ બંધ હતો. એચડીએફસી બૅન્ક ૧૭૩૪ની નવી ટૉપ બનાવી ૨.૧ ટકા વધી ૧૭૨૭ તો એચડીએફસી ૨૮૬૭ના શિખરે જઈ ૨.૬ ટકા વધી ૨૮૬૨ બંધ રહી છે. 

આ પણ વાંચો :  માત્ર એક મહિનામાં ડબલ થઈ ગયો આ સરકારી કંપનીના શૅરનો ભાવ, ઇન્વેસ્ટરો ખુશ

આઇટીમાં સુધારો, ઓરિયનપ્રો ૧૩ ટકાના ઉછાળે ૪૩૧ બંધ 

આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૪૬ શૅરના સથવારામાં ૦.૬ ટકા કે ૧૫૮ પૉઇન્ટ સુધર્યો છે. ઓરિયનપ્રો ઉપરમાં ત્રીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગયો છે. ટીસીએસ સવા ટકો વદધ્યો છે. વિપ્રો ૦.૪ ટકા નરમ હતો. એચસીએલ ટેક્નૉ પોણો ટકો પ્લસ, તો ઇન્ફી સહેજ વધી ૧૨૭૩ બંધ રહ્યો છે. ટેક મહિન્દ્ર અડધો ટકા સુધર્યો છે. ઓરેકલ ૩૭૦૩ની નવી ટૉપ બનાવી એક ટકો વધી ૩૬૮૮ હતો. તાતા ટેલિ સર્વિસિસની ત્રિમાસિક આવક ૪ કરોડ વધી છે. નેટ લૉસ ત્રણેક કરોડ રૂપિયા ઘટી છે. આ સિવાય પરિણામમાં કશું જ ખાસ નથી છતાં શૅર રિઝલ્ટ બાદ ૧૦ ટકાની તેજીમાં ઉપલી સર્કિટે ૬૭ વટાવી ત્યાં જ બંધ થયો છે. ઑપ્ટિમસ ૩.૪ ટકા, એમટીએનએલ ૩.૩ ટકા, વીંધ્ય ટેલિ ૨.૨ ટકા પ્લસ હતા. ભારતી, વોડાફોન અને ઇન્ડસ ટાવર એકાદ ટકો સુધર્યા છે. 

કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૭૩૧૮ની વિક્રમી સપાટી બતાવી ૧૩૮ પૉઇન્ટ વધી ૩૭૧૨૮ બંધ થયો છે. એબીબી ઇન્ડિયા સારાં પરિણામમાં ૩૬૬૨ની નવી ટોચે જઈ ૫.૫ ટકા કે ૧૯૧ રૂપિયાની તેજીમાં ૩૬૪૬ બંધ થયો છે. સિમેન્સ આગેકૂચમાં ૩૫૯૭ના શિખરે જઈ સવા ટકો વધી ૩૫૮૪ હતો. હિન્દુ. ઍરોનૉટિક્સ ૩૦૫૦ના બેસ્ટ લેવલ બાદ પ્રૉફિટ બુકિંગમાં દોઢ ટકો ઘટી ૨૯૫૯ રહ્યો છે. એફએમસીજી બેન્ચમાર્ક ફ્લૅટ હતો, પણ વાડીલાલ ઇન્ડ ૨૬૧ રૂપિયા કે ૧૩.૨ ટકાના ઉછાળે ૨૨૩૯ થયો છે. ચમનલાલ સેટિયા ૬.૪ ટકા, કેઆરબીએલ એક ટકા, એલટી ફૂડ્સ એક ટકો વધ્યા છે. કોહિનૂર ફૂડ્સ પાંચ ટકા તૂટી ૪૧ની અંદર ગયો છે. 

રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા અને જયકૉર્પ વૉલ્યુમ સાથે ઊછળ્યા 

મુકેશ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા ગઈ કાલે ૧૪ ગણા કામકાજમાં ઉપરમાં ૯૨૪ થઈ છેલ્લે ૭ ટકા ઊંચકાઈને ૮૯૬ બંધ રહી છે. એની સાથે મુકેશ મિત્ર આનંદ જૈનની જયકૉર્પ પણ સાડાનવ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૬૫ થઈ સવાદસ ટકાના ઉછાળે ૧૬૩ નજીક પહોંચી છે. ભારત અર્થમૂવર બાર ગણા કામકાજે ૧૪૨૭ થઈ સવાનવ ટકાની મજબૂતીમાં ૧૩૮૭ હતી. બાય ધ વે, બીએસઇનો પીએસયુ ઇન્ડેક્સ ૧૦૩૯૫ની મલ્ટિયર ટૉપ બનાવી પોણો ટકો વધી ૧૦૩૮૧ બંધ આવ્યો છે. અહીં ૫૪માંથી ૩૬ શૅર પ્લસ હતા. જનરલ ઇન્શ્યૉરન્સ અને ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ તેજીમાં મોખરે હતા. આ ઉપરાંત એસટીસી ૮.૮ ટકા, એમએમટીસી ૭.૭ ટકા, એન્ડ્રુયેલ ૫.૫ ટકા, નૅશનલ ફર્ટિ સાડાત્રણ ટકા, હુડકો ત્રણ ટકા મજબૂત હતો. વડોદરાની તત્ત્વ ચિંતન ફાર્મા પરિણામની પૂર્વસંધ્યાએ ૯ ટકા કે ૧૫૧ રૂપિયાના ઉછાળે ૧૮૩૩ બંધ થયો છે. સારાં રિઝલ્ટમાં આગલા દિવસે ૪૬૦૦ કરતાં વધુની તેજીમાં રહેલો એમઆરએફ ગઈ કાલે દોઢ ટકો કે ૧૩૭૨ રૂપિયાની આગેકૂચમાં ૯૪૯૦૦ બંધ રહ્યો છે. એન્જિનિયર્સ ઇન્ડિયા ૯૮ ઉપર નવી ઐતિહાસિક ટૉપ બનાવી નફારૂપી વેચવાલીમાં સાડાત્રણ ટકા ઘટીને ૯૨ની અંદર ગયો છે. વારિ રિન્યુએબલ ચાર આંકડે જવાની તૈયરીમાં હોય એમ ૯૯૪ના બેસ્ટ લેવલે જઈ ૪.૮ ટકાના ઉછાળે ૯૮૯ થયો છે. 

Whatsapp-channel Whatsapp-channel

05 May, 2023 12:23 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK