મણપ્પુરમ ફાઇ. ૧૨ ટકાના કડાકામાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર, સીમેન્સ તથા હિન્દુ. ઍરોનૉટિક્સ નવા શિખર સાથે લાખેણી લિસ્ટમાં : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
રેટિના પેઇન્ટ્સનું નીરસ લિસ્ટિંગ, ક્વિક ટચમાં તેજીની આગેકૂચ : અદાણી એન્ટર. નિફ્ટીમાં વર્સ્ટ પર્ફોર્મર, ગ્રુપના દસેદસ શૅર ઘટાડામાં : ગો ઍરફેમ ગો ફર્સ્ટ આઇપીઓ લાવતાં પહેલાં જ નાદાર બની ગઈ, વાડિયાના શૅર ઘટ્યા : તગડા રિઝલ્ટ પાછળ એમઆરએફમાં ૪૬૩૦ રૂપિયાનો ઉછાળો, સિયેટ અને ટીવીએસ શ્રીચક્રમાં સેંકડો ફર્યો : મણપ્પુરમ ફાઇ. ૧૨ ટકાના કડાકામાં ‘એ’ ગ્રુપ ખાતે ટૉપ લૂઝર, સીમેન્સ તથા હિન્દુ. ઍરોનૉટિક્સ નવા શિખર સાથે લાખેણી લિસ્ટમાં : માર્કેટ બ્રેડ્થમાં નબળાઈ
ફર્સ્ટ રિપબ્લિક બૅન્કના રેસ્ક્યુથી થયેલા હાશકારાના વળતા દિવસે જ વૉલ સ્ટ્રીટમાં નવો આંચકો અનુભવાયો છે. પેકવેસ્ટ અને વેસ્ટર્ન અલાયન્સ નામની બે રીજનલ બૅન્કોના શૅર ૧૫ ટકા તૂટી જતાં એમાં કામકાજ થંભાવી દેવાની ફરજ પડતાં સમગ્ર બજારનું માનસ બગડ્યું છે. બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ ક્ષેત્રે સધ્ધરતાને લઈ નવી શંકાકુશંકા પેદા થઈ છે. સરવાળે મંગળવારની મોડી રાત્રે અમેરિકન શૅરબજાર એક ટકો ઘટીને બંધ થયું હતું. એની પાછળ બુધવારે મોટા ભાગનાં એશિયન બજારો પણ નરમ રહ્યાં છે. હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા અને ઇન્ડોનેશિયા એક ટકાની આસપાસ, સિંગાપોર પોણો ટકો તો તાઇવાન અડધો ટકો ઘસાયું છે. ચાઇનીઝ બજાર રજામાં છે. જૅપનીઝ નિક્કી તથા થાઇલૅન્ડ નામપૂરતા સુધર્યાં હતાં. યુરોપ રનિંગમાં સાધારણથી લઈને અડધા ટકા જેવું ઉપર દેખાયું છે. બુધવારની મોડી રાત્રે અમેરિકન ફેડનું આઉટકમ છે, જેમાં વ્યાજદર કમસે કમ ૦.૨૫ ટકા વધવાની ધારણા રખાય છે. બ્રેન્ટ ક્રૂડ ઘટી ૭૪ ડૉલર આસપાસ આવી ગયું છે.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ આગલા બંધથી પોણોસો પૉઇન્ટ નરમ, ૬૧,૨૭૫ ખૂલ્યા બાદ છેલ્લે ૧૬૧ પૉઇન્ટની પીછેહઠમાં ૬૧,૧૯૩ બંધ થયો છે. નિફ્ટી ૫૮ પૉઇન્ટના ઘટાડે ૧૮,૦૯૦ હતો. બજાર ઉપરમાં ૬૧,૨૭૫ અને નીચામાં ૬૧,૦૨૪ થયું હતું. મોટા ભાગનાં સેક્ટોરલ નરમ હતાં. નિફ્ટી મેટલ, પીએસયુ બૅન્ક નિફ્ટી, ટેલિકૉમ, આઇટી અને ટેક્નૉલૉજીઝ જેવાં ઇન્ડાઇસિસ એકથી સવા ટકો ડાઉન હતા. ઑઇલ-ગૅસ ઇન્ડેક્સ પોણો ટકો ઘટ્યો છે. એફએમસીજી બેન્ચમાર્ક ૧૭,૩૮૩ની નવી સર્વોચ્ચ સપાટી બનાવી ૧૨૦ પૉઇન્ટ કે ૦.૭ ટકા વધી ૧૭,૩૪૫ રહ્યો છે. માર્કેટ બ્રેડ્થ નબળી પડી છે. એનએસઈમાં વધેલા ૯૬૫ શૅરની સામે ૧૦૬૮ જાતો માઇનસ થઈ છે.
રેટિના પેઇન્ટ્સનું લિસ્ટિંગ ફિક્કું નીવડ્યું છે. ૧૦ના શૅરદીઠ ૩૦ની ઇશ્યુ પ્રાઇસ સામે ભાવ ૨૯ ખૂલી ઉપરમાં ૩૦.૫૦ થઈ ત્યાં જ બંધ થતાં અહીં ૧.૭ ટકાનો નજીવો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે, જ્યારે ૫૮.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન આપનારી ક્વિક ટચ ટેક્નૉલૉજી બીજા દિવસેય પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૧૦૧ની ઉપર નવી ટોચે ગઈ છે. મેનકાઇન્ડ ફાર્માનું લિસ્ટિંગ ૮મીએ થવાની શક્યતા છે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઘટીને હાલમાં ૮૧-૮૨ આસપાસ બોલાય છે. બજાર ગઈ કાલે દિવસ દરમ્યાન લગભગ ૨૫૦ પૉઇન્ટ જેવી અતિ સાંકડી રેન્જમાં જોવાયું એ સૂચક છે.
ગો ઍર નાદાર થતાં વાડિયાના શૅર ડાઉન, હરીફ ઍરલાઇન્સ શૅરમાં સુધારો
સેન્સેક્સના ૩૦માંથી ૧૨ અને નિફ્ટીના ૫૦માંથી ૧૮ શૅર બુધવારે પ્લસ હતા. હિન્દુસ્તાન યુનિલીવર દોઢેક ટકા નજીક અને એશિયન પેઇન્ટ્સ એકાદ ટકો વધી બન્ને બજાર ખાતે સુધારામાં મોખરે હતા. તાતા મોટર્સ પોણો ટકો અને અલ્ટ્રાટેક પોણા ટકાની નજીક સુધર્યો છે. આઇટીસી ૪૨૮ ઉપર નવું બેસ્ટ લેવલ બતાવી ૦.૭ ટકા વધીને ૪૨૭ થયો છે. રિલાયન્સ સરેરાશ કરતાં ૬૦ ટકાના વૉલ્યુમે ૦.૯ ટકાની નરમાઈમાં ૨૪૨૦ની અંદર ગયો છે. ભારતી ઍરટેલ અને ટેક મહિન્દ્ર દોઢેક ટકાના ઘટાડે સેન્સેક્સમાં ટૉપ લૂઝર બન્યા છે. ઍક્સિસ બૅન્ક સવા ટકો તો ટીસીએસ અને લાર્સન સવા ટકાની નજીક માઇનસ હતા. બજાજ ફાઇનૅન્સ એક ટકાથી વધુ નબળો પડ્યો છે. સનફાર્મા વધુ ૦.૯ ટકા નરમ થયો છે. નિફ્ટી ખાતે અદાણી એન્ટર, સવાચાર ટકા કે ૮૧ રૂપિયા અને અદાણી પોર્ટ્સ પોણાબે ટકાની ખરાબીમાં વર્સ્ટ પર્ફોર્મર હતા. ઓએનજીસી ૧.૯ ટકા તથા યુપીએલ ૧.૭ ટકા ડાઉન હતા. અદાણી ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર બે ટકા, અદાણી ટ્રાન્સ પોણાત્રણ ટકા, અદાણી ગ્રીન સવાત્રણ ટકા, અદાણી ટોટલ પોણાચાર ટકા, નબળા રિઝલ્ટમાં અદાણી વિલ્મર સવાચાર ટકા, એસીસી ૧.૧ ટકા, અંબુજા સિમેન્ટ્સ ૨.૮ ટકા અને એનડીટીવી દોઢ ટકો ઘટ્યા છે. ગ્રુપના તમામ ૧૦ શૅર રેડ ઝોનમાં ગયા છે.
ગો ઍરફેમ ગો ફર્સ્ટ જે ૩૬૦૦ કરોડનો પબ્લિક ઇશ્યુ લાવવાની ક્વાયતમાં લાગેલી હતી, આઇપીઓ લાવતાં પૂર્વે જ તેણે નાદારી જાહેર કરી છે. એના પગલે નસલી વાડિયા ગ્રુપની બૉમ્બે બર્મા છ ટકા જેવી ગગડી ૯૭૮, બૉમ્બે ડાઇંગ ચાર ટકા ખરડાઈને ૮૮ તથા નૅશનલ પેરોકસાઇડ દોઢ ટકો ઘટી ૧૩૭૨ બંધ રહી છે. ધંધામાં એક હરીફ ઓછો થતાં જેટ ઑરવેઝ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૬૦ ઉપર, ઇન્ડિગો ફેમ ઇન્ટરગ્લોબ એવિયેશન સાડાચાર ટકા ઊંચકાઈ ૨૧૬૪ બંધ રહેતાં પહેલાં ૨૨૩૬ના બેસ્ટ લેવલે ગઈ હતી. સ્પાઇસ જેટ દોઢ ટકો સુધરી છે.
ટાયર શૅરોમાં તેજીની હવા ભરાઈ, રેલવે ખાતાના શૅરોની આગેકૂચ
બીએસઈનો આઇટી ટેક્નૉ ઇન્ડેક્સ એકાદ ટકો ઘટ્યો છે. ફ્રન્ટલાઇનમાં ટીસીએસ સવા ટકા, ઇન્ફી ૦.૭ ટકા, ટેક મહિન્દ્ર દોઢ ટકા, વિપ્રો પોણો ટકા, લાટિમ ૧.૪ ટકા અને એચસીએલ ટેક્નૉ અડધો ટકો નરમ હતા. બ્રાઇટકૉમ સતત બીજા દિવસે પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ગયો છે. સાસ્કેન સવાછ ટકા, ડીલિન્ક ઇન્ડિયા સાડાચાર ટકા, ન્યુજેન સૉફ્ટવેર સવાત્રણ ટકા ઘટ્યા છે. ઇન્ડ્સ ટાવર, વિન્દય ટેલિ, તેજસ નેટ, રાઉટ મોબાઇલ, ઑફ્ટીમસ, ભારતી ઍરટેલ દોઢથી સવાત્રણ ટકા ઘટતાં ટેલિકૉમ ઇન્ડેક્સ સવા ટકો ટક થયો છે. રેલટેલ કૉર્પોરેશન સાડાત્રણ ટકા વધી ૧૨૨ નજીક ગયો છે. રેલવેના અન્ય શૅરમાં ઇરકોન ઇન્ટર. ૮૯, વિકાસ નિગમ બીજી ૧૦ ટકાની તેજીની સર્કિટમાં ૧૩૦ની નવી ઊંચી સપાટીએ, આઇઆરએફસી સાડાપાંચ ટકા ઊંચકાઈ ૩૫ની ઉપર, ઇન્ડિયન રેલવે કૅટરિંગ ૬૨૭ના લેવલે ફ્લૅટ બંધ રહ્યા છે. ટેક્નૉલૉજીઝ બેન્ચમાર્ક આઇટી અને ટેલિકૉમના ભારમાં એક ટકો ઘટ્યો છે. અત્રે ટીવી-૧૮ પોણાત્રણ ટકા અને વોડાફોન પોણો ટકો સુધર્યો છે.
તાતા સ્ટીલના ત્રિમાસિક નફામાં ગાબડું પડ્યું છે, છતાં બજારની એકંદર ધારણા જેટલાં પરિણામ ખરાબ આવ્યાં નથી. આથી શૅર અડધો ટકો ઘટી ૧૧૦ નજીક બંધ હતો. નાલ્કો, હિન્દાલ્કો અને વેદાન્ત એકાદ ટકો નરમ હતા. સેઇલ પોણો ટકો સુધર્યો છે. બહેતર પરિણામના જોરમાં એમઆરએફ ઉપરમાં ૯૪,૨૫૫ થઈ સવાપાંચ ટકા કે ૪૬૩૦ રૂપિયાની તેજીમાં ૯૩,૨૨૪ બંધ આવ્યો છે. સિયેટ આઠ ટકા કે ૧૨૨ રૂપિયા, અપોલો ટાયર્સ પોણાત્રણ ટકા, જેકે ટાયર્સ સવાસાત ટકા, ટીવીએસ શ્રીચક્ર સાડાપાંચ ટકા કે ૧૫૮ રૂપિયા મજબૂત થયા છે.
હિન્દુ. ઍરોનૉટિક્સ, લાખેણી અને સીમેન્સ સવા લાખ કરોડની કંપની બની
બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરની પીછેહઠમાં ૩૯ પૉઇન્ટ જેવો નરમ હતો, પરંતુ પીએસયુ બૅન્ક નિફ્ટી એક ટકો ઘટ્યો છે. ઇન્ડિયન બૅન્ક દોઢ ટકો પ્લસ હતી. એ સિવાય બાકીના ૧૧ શૅર અત્રે માઇનસ થયા છે. બૅન્કિંગના ૩૭માંથી ૧૫ શૅર પ્લસ હતા. જેકે બૅન્ક સાતેક ટકાના જમ્પમાં ૬૨ નજીક ગયો છે. યસ બૅન્ક, સીએસબી બૅન્ક અને ફેડરલ બૅન્ક એક ટકો વધ્યા છે. સૂર્યોદય બૅન્ક અને ફીનો પેમેન્ટ બૅન્ક પણ આટલા જ સુધર્યા છે. સામે ઉજ્જીવન બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, સાઉથ ઇન્ડિયન બૅન્ક, બૅન્ક ઑફ બરોડા પોણાબેથી બે ટકા ઘટ્યા છે. પંજાબ સિંઘ બૅન્ક સવાઆઠ ટકા અને યુકો બૅન્ક તથા સેન્ટ્રલ બૅન્ક ૫-૫ ટકા તૂટ્યા હતા. આઇઓબીમાં પોણાત્રણ ટકાની ખરાબી હતી. ઍક્સિસ બૅન્ક સવા ટકો, સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક અડધો ટકો નરમ હતા.
ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૭૨ શૅરના ઘટાડે નામજોગ નરમ હતો, પણ યુગ્રો કૅપિટલ ૮.૭ ટકા, આઇએફસીઆઇ સવાઆઠ ટકા, પીએનબી હાઉસિંગ સવાછ ટકા, કેફીન ટેક્નૉ સાડાપાંચ ટકા અને સ્પંદન સ્ફૂર્તિ સાડાચાર ટકા મજબૂત રહ્યા છે. મનપ્પુરમ ફાઇનૅન્સ લગભગ ૧૦ ગણા વૉલ્યુમે ૧૨ ટકા બગડીને ૧૧૪ની અંદર ગયો છે. એલઆઇસી, પેટીએમ, પૉલિસી બાઝાર નહીંવત્ પ્લસ તો નાયકા અડધો ટકો ઘટી છે. કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૨૪માંથી ૧૭ શૅર વધવા છતાં ફ્લૅટ રહ્યો છે, કેમ કે હેવીવેઇટ લાર્સન ૧.૨ ટકા ઘટીને ૨૩૫૬ બંધ હતો. સિમેન્સ ૩૫૪૭ની નવી ટૉપ બતાવી એક ટકાની આગેકૂચમાં ૩૫૪૦ થતાં એનું માર્કેટ કૅપ સવાલાખ કરોડ રૂપિયાને વટાવી ગયું છે. બેલ સાડાછ ટકા ઊછળી ૮૭ નજીક પહોંચ્યો છે. હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ૩૦૩૨ના નવા શિખરે જઈ સવાબે ટકા વધી ૩૦૦૬ બંધ થતાં માર્કેટ કૅપ એક લાખ કરોડને આંબી ગયું છે.
એન્જિનિયર્સ ઇન્ડિયા વૉલ્યુમ સાથે તગડા જમ્પમાં નવી ટોચે
રોકડામાં યુએચ ઝવેરી, સનકોડ ટેક્નૉ અને ક્લીચ ડ્રગ્સ લગભગ ૨૦-૨૦ ટકાની તેજીમાં બંધ થયા છે. ક્લીચ ડ્રગ્સમાં ૨૧૩ની નવી ટૉપ બની છે. સરકારી કંપની એન્જિનિયર્સ ઇન્ડિયા ૨૧ ગણા કામકાજે ૯૭ ઉપર નવી ઐતિહાસિક ટૉપ બતાવી ૧૫ ટકાના ઉછાળે ૯૫ થઈ છે અને ‘એ’ ગ્રુપમાં એ ટૉપ ગેઇનર બની છે. મનપ્પુરમ ફાઇ. ૧૨.૧ ટકા, દિશમાન કાર્બોજેન સવાઆઠ ટકા અને બૉમ્બે બર્મા છ ટકા નજીકની ખરાબીમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર રહ્યા છે.
એસઆરયુ સ્ટીલ બે શૅરદીઠ એક બોનસમાં એક્સ-બોનસ થતાં પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૨૪ ઉપર નવી ટોચે બંધ થયો છે. અપોલો માઇક્રો સિસ્ટમ્સ ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગુરુવારે એક્સ-સ્પ્લિટ થવાનો છે. ભાવ નજીવા સુધારે ૩૩૦ બંધ હતો. જ્યારે કમ્ફર્ટ ફીનકૅપ ૧૦ના શૅરના બેમાં વિભાજનમાં એક્સ-સ્પ્લિટ થવાની પૂર્વસંધ્યાએ પાંચ ટકાની ઉપલી સર્કિટમાં ૪૩ ઉપર બંધ આવ્યો છે. જીએસકે ફાર્મા ૧૨૨૮ની નવી નીચી સપાટી બનાવી દોઢેક ટકાના સુધારામાં ૧૨૪૮ વટાવી ગયો છે. પરિણામ ૧૭ મેએ આવશે. ગઈ કાલે બીએસઈ ખાતે ઇન્ટ્રા-ડેમાં એબીબી ઇન્ડિયા, એક્ઝો ઇન્ડિયા, અનુપમ રસાયણ, અપોલો ટાયર્સ, બેક્ટર ફૂડ્સ, ભારત વાયર્સ, ડેટામેટિક્સ, એલેન્ટાસ, હરિઓમ પાઇપ્સ, ઇન્ડિયન બૅન્ક, મોલ્ડટેક, લોકેશ મશીન્સ, નિર્લોન, ઓરેકલ, પોલીકૅબ, પાવર મેક, આરઈસી, તિલકનગર ઇન્ડ, સ્ટાર સિમેન્ટ, ડબ્લ્યુપીઆઇએલ, સિન્જેન ઇન્ટર ઇત્યાદિ સહિત ૧૨૨ શૅરમાં નવી ઐતિહાસિક ટૉપ બની છે.


