Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > રિલાયન્સ અને બૅન્કિંગના ભારમાં બજારનો પ્રારંભિક સુધારો ધોવાયો

રિલાયન્સ અને બૅન્કિંગના ભારમાં બજારનો પ્રારંભિક સુધારો ધોવાયો

Published : 07 May, 2025 08:03 AM | Modified : 10 May, 2025 06:35 AM | IST | Mumbai
Anil Patel

ઑટો ઇન્ડેક્સ નજીવો સુધર્યો, બાકીનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં : બ્રૉડર માર્કેટ અને રોકડામાં ભારે ખરાબી, બજારનું માર્કેટકૅપ ૬.૦૭ લાખ કરોડ રૂપિયા સાફ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઈલ તસવીર


ઑટો ઇન્ડેક્સ નજીવો સુધર્યો, બાકીનાં તમામ સેક્ટોરલ રેડ ઝોનમાં : બ્રૉડર માર્કેટ અને રોકડામાં ભારે ખરાબી, બજારનું માર્કેટકૅપ ૬.૦૭ લાખ કરોડ રૂપિયા સાફ : તદ્દન કંગાળ પ્રતિસાદને લઈ પુણેની વૅગન્સ લર્નિંગે ભરણું રદ કરવું પડ્યું, શ્રીજી DLMમાં ૩૦નું પ્રીમિયમ : બૅન્કિંગના ૪૧માંથી ૩૯ શૅર ડાઉન, તમામ શૅરના ઘટાડે PSU બૅન્ક નિફ્ટી પોણાપાંચ ટકા તૂટ્યો : ખરાબ પરિણામ પાછળ બૅન્ક ઑફ બરોડા ‘એ’ ગ્રુપમાં વર્સ્ટ લૂઝર બની


સેન્સેક્સ મંગળવારે ૧૧૨ પૉઇન્ટ પ્લસમાં, ૮૦,૯૦૭ ખુલ્યા પછી અંતે ૧૫૬ પૉઇન્ટની પીછેહઠમાં ૮૦,૬૪૧ તથા નિફ્ટી ૮૧ પૉઇન્ટની નબળાઈમાં ૨૪,૩૭૯ બંધ થયો છે. શરૂના અતિ ટૂંકા સુધારા બાદ બજાર આખો દિવસ નેગેટિવ ઝોનમાં હતું. શૅર આંક ઉપરમાં ૮૦,૯૮૧ અને નીચામાં ૮૦,૪૮૧ થયો હતો. મેઇન બેન્ચમાર્કની વધઘટની એકંદર નાની રેન્જ તથા નાનકડી પીછેહઠ સામે બજારનો આંતરપ્રવાહ ખાસ્સો નબળો હતો. બ્રૉડર માર્કેટ એક ટકાથી વધુ તથા રોકડું સવાબે ટકા આસપાસ સાફ થતાં માર્કેટ બ્રેડ્થ ખાસ્સી ખરાબ હતી. NSEમાં વધેલા ૫૪૫ શૅર સામે ૪ ગણાથી વધુ, ૨૩૩૧ જાતો ઘટી છે. ગઈ કાલે બજારનું માર્કેટકૅપ ૬.૦૭ લાખ કરોડ ખરડાઈને ૪૨૧.૩૧ લાખ કરોડ રહ્યું છે. ઑટો ઇન્ડેક્સના નહીંવત સુધારાને બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ લાલ થયાં છે. રિયલ્ટી ઇન્ડેક્સ સાડાત્રણ ટકા તરડાયો છે. પાવર-યુટિલિટીઝ સવાબે-અઢી ટકા, ઑઇલ-ગૅસ બે ટકા, એનર્જી ઇન્ડેક્સ પોણાબે ટકા, કૅપિટલ ગુડ્સ બેન્ચમાર્ક ૧૦૮૩ પૉઇન્ટ કે પોણાબે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકાથી વધુ, ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧.૩ ટકા, નિફ્ટી મીડિયા દોઢ ટકો, નિફ્ટી ફાર્મા એક ટકો સાફ થયો છે. PSU બૅન્ક નિફ્ટી તમામ ૧૨ શૅરની ખુવારીમાં સર્વાધિક પોણાપાંચ ટકા છોલાયો છે. બૅન્ક નિફ્ટી સવા ટકો કે ૬૪૮ પૉઇન્ટ ગગડ્યો છે. એના ૧૨માંથી એકમાત્ર ICICI બૅન્ક નજીવો પ્લસ હતો.



પાકિસ્તાની શૅરબજાર ૧,૧૪,૧૦૨ના આગલા બંધથી પોઝિટિવ ઓપનિંગ બાદ ૯૯૧ પૉઇન્ટ વધી ૧,૧૫,૦૯૩ વટાવી ગયું હતું, પરંતુ ઊંટના ઢેકા જેવી ચાલમાં ત્યાંથી ૧૬૭૫ પૉઇન્ટ લથડી નીચામાં ૧,૧૩,૪૧૮ થઈ છેવટે ૬૨૬ પૉઇન્ટ ખરડાઈ ૧,૧૩,૪૭૬ જોવાયું છે. એશિયા ખાતે જપાન અને સાઉથ કોરિયા રજામાં હતાં. ચાઇના તથા ઇન્ડોનેશિયા એક-એક ટકો, હૉન્ગકૉન્ગ પોણો ટકો અને સિંગાપોર સાધારણ વધ્યું છે. થાઇલૅન્ડ એક ટકો તો તાઇવાન નહીંવત નરમ હતાં. લંડન ફુત્સી નહીંવત નેગેટિવ બાયસમાં જણાયો છે. અન્ય યુરોપનાં બજાર અડધો-પોણો ટકો નરમ હતાં. બ્રેન્ટ ક્રુડ ૬૦ ડૉલર નીચે ગયા પછી પ્રત્યાઘાતી સુધારામાં ૬૧ ડૉલર વટાવી ગયું છે. નાયમેક્સ ક્રૂડ સવાબે ટકા બે ટકા વધીને ૫૮ ડૉલર ઉપર ચાલતું હતું. છેલ્લા ૨૪ કલાક દરમ્યાન બિટકૉઇન ઉપરમાં ૯૫,૧૧૪ ડૉલર થઈ આ લખાય છે ત્યારે ૯૩,૯૮૨ ડૉલર બતાવતો હતો.


બૅન્કિંગના ૪૧માંથી કેવળ બે શૅર પ્લસ હતા. જૅપનીઝ સુમિતોમો મિત્સુઈ તરફથી યસ બૅન્કમાં ૨૪ ટકા હિસ્સો લેવા બતાવાયેલી તૈયારીના અહેવાલમાં યસ બૅન્ક સવાચાર ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૯.૪૪ થઈ છેવટે સવા ટકો સુધરી ૧૮ નજીક બંધ હતી. ICICI બૅન્ક નામ પૂરતી વધી છે. બૅન્ક ઑફ બરોડા ખરાબ પરિણામમાં ૨૫૧ની ઇન્ટ્રા-ડે હાઈથી તૂટી ૨૧૨ની ઇન્ટ્રા-ડે બૉટમ બતાવી સવાદસ ટકાના કડાકામાં ૨૨૪ નીચે બંધ થઈ બૅન્કિંગમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. ઉત્કર્ષ બૅન્ક, ધનલક્ષ્મી બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, યુનિયન બૅન્ક, આઇઓબી, સેન્ટ્રલ બૅન્ક, કૅનેરા બૅન્ક પાંચથી સવાછ ટકા ધોવાઈ છે. સરકાર જાહેર બૅન્કોમાં OFS મારફત હોલ્ડિંગ ઘટાડવા વિચારી રહી હોવાના અહેવાલની સરકારી બૅન્કોમાં ખાસ્સી નકારાત્મક અસર જોવા મળી છે.

કોલેબ પ્લૅટફૉર્મ્સ સતત ૮૧મા દિવસે ઉપલી સર્કિટમાં


નવી દિલ્હીની કોલેબ પ્લૅટફૉર્મ્સ સતત ૮૧મા દિવસે બે ટકાની ઉપલી સર્કિટ મારી ૧૪૬ ઉપરની સર્વોચ્ચ સપાટીએ બંધ થયો છે. સાતેક મહિના પૂર્વે, ૭મી ઑક્ટોબરે ભાવ ૧૧ની અંદરના વર્સ્ટ લેવલે હતો. કંપનીએ બેની ફેસવૅલ્યુવાળા શૅરનું એકમાં વિભાજન જાહેર કરેલું છે. એની રેકૉર્ડડેટ ૨૧ મે છે. છેલ્લા એક વર્ષમાં આ બીજી વખતનું શૅરવિભાજન છે. આ કંપની મૂળ JSL લીઝિંગ તરીકે ઓળખાતી હતી. ડિસેમ્બર ૨૦૨૨માં નામ બદલી કોલેબ ક્લેઉડ પ્લૅટફૉર્મ્સ કરાયું હતું. માર્ચ ૨૦૨૫થી નવું નામ કોલેબ પ્લૅટફૉર્મ્સ રખાયું છે. કંપનીએ જાન્યુઆરી ૨૦૨૪માં શૅરદીઠ એક બોનસ આપેલું છે. કંપનીમાં પટેલ, પટણી અને મોદી પરિવાર સ્કાયબ્રિજ ઇન્કેપ ઍડ્વાઇઝરી મારફત ૩૩.૯ ટકા હિસ્સો ધરાવે છે. કુલ ૧૦,૫૩૩ શૅરધારકોમાંથી ૧૦,૪૦૮ જેટલા નાના શૅરધારક પાસે માત્ર ૬.૭ ટકા માલ છે. વર્ષ ૨૦૨૩-૨૪માં ૧૫૯ લાખની આવક પર ૧૭૯ લાખનો નેટ પ્રૉફિટ બતાવનારી આ કંપનીએ ચાલુ વર્ષે પ્રથમ છ માસમાં ૩૭૪૧ લાખની આવક પર ૧૪૭ લાખનો ચોખ્ખો નફો કર્યો છે. સામે આજની તારીખે એનું માર્કેટકૅપ ૧૪૯૪ કરોડને વટાવી ગયું છે. શૅર આશરે  ૬૯૭નો P/E બતાવે છે.

થાણે મુંબઈ ખાતેની RRP સેમિકન્ડક્ટ્સ પણ બે-લગામ સટ્ટાકીય તોફાનમાં સતત ઉપલી સર્કિટ મારતી રહી ગઈ કાલે બે ટકા વધી ૯૩૫ના બેસ્ટ લેવલે પહોંચી છે. વૉલ્યુમનો આંકડો BSE બતાવતી નથી. અહીં પ્રમોટર્સ હોલ્ડિંગ સવા ટકા જેવું છે. કુલ ૧૩૨ શૅરધારક છે. એમાંથી ૧૦૮ નાના શૅરધારક પાસે માત્ર ૧.૧ ટકા માલ છે. (વાત સમજાય છેને?) શૅરની ફેસવૅલ્યુ ૧૦ની અને બુકવૅલ્યુ ૮.૪૦ની છે. પહેલી એપ્રિલ ૨૦૨૪ના રોજ ભાવ ૧૫ રૂપિયા હતો. આજની તારીખે માર્કેટકૅપ ૮૯૯ કરોડનું છે. સામે પ્રથમ છ માસની આવક ૧૦૭૭ લાખ અને નેટ પ્રૉફિટ ૩૫૦ લાખ રૂપિયા છે.

એથર એનર્જીનું નબળું લિસ્ટિંગ, પોણાછ ટકાથી લિસ્ટિંગ લૉસ

વર્ષ ૨૦૨૫-’૨૬નું મેઇન બોર્ડમાં પ્રથમ લિસ્ટિંગ નબળું ગયું છે. એથર એનર્જી એકના શૅરદીઠ ૩૨૧ની અપર બૅન્ડ અને છેલ્લે ગ્રે માર્કેટમાં બોલાતા બે રૂપિયાના પ્રીમિયમની સામે ગઈ કાલે ૩૨૬ ખૂલી ઉપરમાં ૩૩૩ નજીક ગયા બાદ પટકાઈ ૩૦૦ બતાવી અંતે પોણાછ ટકાની લિસ્ટિંગ લૉસમાં ૩૦૨ ઉપર બંધ આવી છે. SME સેગમેન્ટમાં ચેન્નઈની મનોજ જ્વેલર્સનો ૧૦ના શૅરદીઠ ૫૪ના ભાવનો ૧૬૨૦ લાખ રૂપિયાનો BSE SME IPO પ્રથમ દિવસે કુલ ૬૯ ટકા ભરાયો છે. શ્રીજી ડીએલએમનો શૅરદીઠ ૯૯ના ભાવનો ૧૬૯૮ લાખ રૂપિયાનો BSE SME ઇશ્યુ તગડા રિસ્પૉન્સને જાળવી રાખતાં બીજા દિવસના અંતે કુલ ૫૭ ગણો ભરાઈ જતાં ગ્રે માર્કેટમાં પ્રીમિયમ ઊછળીને ૩૦ રૂપિયા થઈ ગયું છે. ગુજરાતની કૅનરિક ઇન્ડસ્ટ્રીઝનો ૧૦ના શૅરદીઠ પચીસના ભાવનો ૮૭૫ લાખનો નાનકડો BSE SME ઇશ્યુ રીટેલની મહેરબાનીમાં આખરી દિવસે કુલ બે ગણો છલકાઈ પૂરો થયો છે. HNI પોર્શન માત્ર ૨૦ ટકા જ ભરાયો છે.

સૌથી મહત્ત્વની ઘટના વૅગન્સ લર્નિંગની છે. પુણેની આ કંપની ૧૦ના શૅરદીઠ ૮૨ની અપર બૅન્ડમાં ૩૮૩૮ લાખનો BSE SME IPO લઈને મૂડીબજારમાં આવી હતી. ભરણાને કંગાળ પ્રતિસાદ મળતાં બીજા દિવસના અંતે એ માત્ર ૮ ટકા જ ભરાયું હતું. સરવાળે કંપનીને ઇશ્યુ રદ કરવાની ફરજ પડી છે.

ભારતી ઍરટેલ નવા શિખર સાથે સેન્સેક્સમાં ટૉપ ગેઇનર

ભારતી ઍરટેલ તરફથી ૪૦ હજાર કરોડ રૂપિયાના AGR (ઍડ્જેસ્ટેડ ગ્રોસ રેવન્યુ) પેટેના સરકારી દેવાને ઇક્વિટીમાં કન્વર્ટ કરવા રજૂઆત કરાઈ છે. એ સ્વીકૃત થતાં ભારતી ઍરટેલમાં સરકાર ૪-૫ ટકાની ઇક્વિટી હોલ્ડર બનશે, ભારતી ઋણમુક્ત થશે. ગઈ કાલે ભારતી ઍરટેલ ૧૯૧૨ની ઑલટાઇમ હાઈ બનાવી ટકા જેવો વધી ૧૮૯૬ બંધ આપી સેન્સેક્સ ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. નિફ્ટી ખાતે હીરો મોટોકૉર્પ પોણાત્રણ ટકાની તેજીમાં ૩૮૭૨ બંધ આપીને બેસ્ટ ગેઇનર હતો. લાર્સનનાં પરિણામ ૮મીએ છે. શૅર નજીવો ઘટી ૩૩૨૫ રહ્યો છે. અન્યમાં તાતા સ્ટીલ, હિન્દુસ્તાન યુનિલીવર, મહિન્દ્ર, નેસ્લે, JSW સ્ટીલ, આઇશર એકથી દોઢ ટકો પ્લસ હતા.

રિલાયન્સ એકાદ ટકાની પીછેહઠમાં ૧૪૧૮ બંધ આપી બજારને સર્વાધિક ૭૫ પૉઇન્ટ નડી છે. ઝોમાટો ત્રણ ટકાથી વધુની ખરાબીમાં ૨૩૨ બંધ રહી સેન્સેક્સમાં ટૉપ લુઝર બની છે. સામે આગલા દિવસની હીરો અદાણી એન્ટરપ્રાઇઝ ૪ ટકાથી વધુ, ૧૦૧ રૂપિયા ખરડાઈ ૨૩૫૪ના બંધમાં નિફ્ટી ખાતે ટૉપ લુઝર હતી. અદાણી પોર્ટ્સ સવાબે ટકા ઢીલી પડી છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર સાડાત્રણ ટકા, અદાણી એનર્જી ત્રણ ટકાથી વધુ, અદાણી ગ્રીન સવાચાર ટકા, અદાણી ટોટલ પોણાપાંચ ટકા, અદાણી વિલ્મર સાડાપાંચ ટકા તો NDTV સવાચાર ટકા, એસીસી બે ટકા, અંબુજા સિમેન્ટ્સ પોણાબે ટકા, સાંધી ઇન્ડસ્ટ્રીઝ સવા ટકો, ઓરિએન્ટ સિમેન્ટ એક ટકાથી વધુ, આઇટીડી સિમેન્ટેશન સાડાપાંચ ટકા તથા PSP પ્રોજેક્ટસ સાધારણ ઘટી છે. રિલાયન્સની જિયો ફાઇનૅન્સ સાડાત્રણ ટકા, ટ્રેન્ટ પોણાત્રણ ટકા, SBI લાઇફ અઢી ટકા, સિપ્લા અને તાતા મોટર્સ બે-બે ટકા, સ્ટેટ બૅન્ક બે ટકા, NTPC ૧.૯ ટકા, ઇન્ડ્સ બૅન્ક પોણાબે ટકા, બજાજ ફાઇનૅન્સ દોઢ ટકો સાફ થઈ છે.

CCL પ્રોડક્ટ્સ ચિક્કાર વૉલ્યુમે ૧૭ ટકાની તેજીમાં બંધ

ડીસીએમ શ્રીરામ લિમિટેડ દ્વારા બાવન ટકાના વધારામાં ૧૭૯ કરોડના નફા સાથે બહેતર પરિણામ જાહેર થતાં શૅર ૩૯ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૧૨૮ બતાવી છેવટે અડધા ટકાના ઘટાડે ૧૦૧૨ બંધ થઈ છે. CCL પ્રોડક્ટ્સ ત્રિમાસિક નફામાં ૫૬ ટકાના વધારાના પગલે ૧૮૨ ગણા કામકાજે ઉપરમાં ૭૦૭ વટાવી ૧૭ ટકા કે ૧૦૧ રૂપિયા તેજીમાં ૬૯૫ બંધ આપી ‘એ’ ગ્રુપમાં ઝળકી છે. પોલી મેડિક્યોર પરિણામ પૂર્વે ઉપરમાં ૨૮૪૦ વટાવી ૬.૭ ટકાની મજબૂતીમાં ૨૭૫૮ હતો. SRF લિમિટેડમાં ૫૦.૨ ટકા હિસ્સો ધરાવતી પેરન્ટ કંપની કામા હોલ્ડિંગ્સ ૨૭૮૧ની ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ૩.૨ ટકા ઊચકાઈ ૨૬૩૨ રહી છે. બજાજ કન્ઝ્યુમર કૅરનો નફો ૧૩ ટકા ઘટી ૩૧ કરોડ થયો છે, પણ શૅર ૧૧ ગણા વૉલ્યુમે ઉપરમાં ૧૮૩ થઈ ૨.૨ ટકા વધી ૧૭૨ બંધ હતો.

અનિલ અંબાણી ગ્રુપની રિલાયન્સ ઇન્ફ્રા ૭.૭ ટકા ગગડી ૨૩૭ હતી. સોનાટા સૉફ્ટવેર તાજેતરની રૅલી બાદ ઉપરમાં ૪૩૬ વટાવ્યા પછી પ્રૉફિટ બુકિંગમાં પોણાનવ ટકા ખરડાઈ ૩૮૫ હતો. નબળાં પરિણામનો વસવસો જળવાઈ રહેતાં કેસોલ્વ્સ ઇન્ડિયા એક વધુ નીચલી સર્કિટમાં ૧૦ ટકા લથડી ૩૭૪ થઈ ત્યાં જ બંધ હતી. તત્ત્વ ચિંતન ફાર્મા ૧૯ ગણા વૉલ્યુમે ૮૧૫ની ઇન્ટ્રા-ડે ટૉપ બનાવી સવાસાત ટકાના ઉછાળે ૭૬૦ હતી. કંપનીની આવક વધી છે, પરંતુ નેટ નફો ૮૯ ટકા ગગડી ૧૦૩ લાખ રહ્યો છે. પોલિકૅબ ઇન્ડિયાનો નફો ૩૪ ટકા વધી ૭૩૦ કરોડ આવ્યો છે. શૅર ઉપરમાં ૬૦૭૮ થયા બાદ ૧.૯ ટકા વધી ૫૯૦૮ હતો.

તાતા ગ્રુપની ઇન્ડિયન હોટેલ્સે ૩૦ ટકાના વધારામાં ૪૮૧ કરોડના નફા સાથે સારાં પરિણામ આપ્યાં છે, પણ શૅરમાં વધારાને અવકાશ ઓછો હોવાના વિશ્લેષકોના અભિપ્રાયમાં ભાવ ચાર ગણા વૉલ્યુમે નીચામાં ૭૪૮ થઈ ૬.૧ ટકા બગડી ૭૫૩ હતો. બૉમ્બે ડાઇંગ દ્વારા આવકમાં ૧૨ ટકાના ઘટાડા સામે ચોખ્ખા નફામાં ૮૩ ટકાનું ગાબડું દર્શાવાતાં શૅર ત્રણ ગણા કામકાજે નીચામાં ૧૨૪ થઈ ૬.૨ ટકા ખરડાઈ ૧૨૫ નજીક બંધ રહ્યો છે. વાડિયા ગ્રુપની બૉમ્બે બર્મા પણ ૨.૭ ટકાની નરમાઈમાં ૧૮૩૭ હતી.  

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2025 06:35 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK