Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > અન્ડર કરન્ટમાં ખાસ્સી નબળાઈ વચ્ચે શૅરબજાર નજીવા ઘટાડે બંધ, માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ યથાવત્

અન્ડર કરન્ટમાં ખાસ્સી નબળાઈ વચ્ચે શૅરબજાર નજીવા ઘટાડે બંધ, માર્કેટ બ્રેડ્થમાં બૂરાઈ યથાવત્

29 March, 2023 10:24 AM IST | Mumbai
Anil Patel

નાશિકની નિર્માણ ઍગ્રીનું એકંદર પ્રોત્સાહક લિ​સ્ટિંગ, હીરો મોટોકૉર્પને ડાઉન ગ્રેડિંગ નડ્યું : અલ્ટ્રાટેક નવી ટૉપ બતાવી પાછો પડ્યો, નીતા જિલેટિન વિક્રમી સપાટી બાદ મંદીની સર્કિટમાં ગયો 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અદાણીના દસેદસ બીજા દિવસે પણ ડૂલ, એસીસી ૨૫ મહિનાની નીચી સપાટીએ : રિલાયન્સ સુધર્યા, પણ ગ્રુપના શૅર માઇનસ થયા, ટીવી-૧૮, ડેન નેટવર્ક અને હેથવે કેબલ નવા નીચા તળિયે : એલઆઇસી સતત નવા ઑલટાઇમ બૉટમની શોધમાં, મોનાર્ક નેટવર્થ પાંચેક ટકા તૂટ્યો : નાશિકની નિર્માણ ઍગ્રીનું એકંદર પ્રોત્સાહક લિ​સ્ટિંગ, હીરો મોટોકૉર્પને ડાઉન ગ્રેડિંગ નડ્યું : અલ્ટ્રાટેક નવી ટૉપ બતાવી પાછો પડ્યો, નીતા જિલેટિન વિક્રમી સપાટી બાદ મંદીની સર્કિટમાં ગયો 

ફર્સ્ટ સિટિઝન્સ દ્વારા સીવીબી બૅન્કની ઍસેટ્સ હસ્તગત કરવાની ડીલ થઈ જતાં બૅ​ન્કિંગ ફાઇ.ના શૅરોમાં રાહતનો માહોલ જોવાયો છે. એશિયા યુરોપનાં શૅરબજારોમાં વધઘટે સુધારાનું વલણ જળવાઈ રહ્યું છે. મંગળવારે હૉન્ગકૉન્ગ, સાઉથ કોરિયા, થાઇલૅન્ડ, ઇન્ડોનેશિયા પોણાથી એક ટકો તો સિંગાપોર અડધો ટકો વધીને બંધ હતું. તાઇવાન પોણો ટકો ઘટ્યું છે. જપાન અને ચાઇના સાધારણ વધઘટમાં હતા. યુરોપ નહીંવતથી લઈ સાધારણ રનિંગમાં પ્લસ હતું. બ્રેન્ટ ક્રૂડ વધીને ૭૮ ડૉલરની પાર તો નાયમેક્સ ક્રૂડ ૭૩ ડૉલર થયું છે. 



ઘર આંગણે ૯૭ પૉઇન્ટના પૉઝિટિવ ઓપનિંગ બાદ તરત વધુ ૧૯૮ પૉઇન્ટ ઊંચકાઈ ૫૭,૯૪૯ થયેલો સેન્સેક્સ ધીમા ઘસારામાં ૫૭,૪૯૫ થઈ અંતે ૪૦ પૉઇન્ટ ઘટી ૫૭,૬૧૪ બંધ થયો છે. નિફ્ટી ૩૪ પૉઇન્ટ નરમ હતો. મંગળવારે પણ માર્કેટ બ્રેડ્થમાં ભારે નબળાઈ જોવાઇ હતી. એનએસઈ ખાતે વધેલા ૫૧૨ શૅરની સામે ૧૫૬૬ જાતો ઘટીને બંધ આવી છે. બન્ને બજારોનાં લગભગ તમામ સેક્ટોરલ માઇનસ ઝોનમાં ગયા છે. પાવર, યુટિલિટી ટેલિકૉમ, નિફ્ટી રિયલ્ટી, નિફ્ટી મેટલ, નિફ્ટી ઑટો જેવા બેન્ચમાર્ક પોણાથી દોઢ ટકો ડાઉન હતા. નિફ્ટી મીડિયા પોણાબે ટકા તો બીએસઈનો સર્વિસિસ ઇન્ડેક્સ પોણાત્રણ ટકા તૂટ્યા છે. બૅન્ક નિફ્ટી સાધારણ સુધર્યો છે. 


નાશિકની નિર્માણ ઍગ્રી જેનેટિક્સ ૯૯ની ઇશ્યુ પ્રાઇસ સામે ૧૦૨ ખૂલી નીચામાં ૯૭ની અંદર તથા ઉપરમાં ૧૦૭ વટાવી ૨.૩ ટકાના લિ​​સ્ટિંગ ગેઇનમાં ૧૦૧ બંધ આવી છે. બુધવારે ભાવનગરની દેવ લૅબ ટેક વેન્ચર તથા કલકત્તાની કમાન્ડ પૉલિમર્સના એસએમઈ ઇશ્યુનું લિ​​સ્ટિંગ થવાનું છે. ગ્રે માર્કેટમાં દેવ લૅબ ટેકમાં ૫ જેવું પ્રિમિયમ તો કમાન્ડ પૉલિમર્સમાં પાંચનું ડિસ્કાઉન્ટ બોલાય છે. 

અદાણીના દસેદસ બીજા દિવસે પણ ડૂલ, ૮ શૅર ૫થી ૭ ટકા સુધી તૂટ્યા 


સેન્સેક્સના ૬૦માંથી ૧૧ અને નિફ્ટીના ૫૦માંથી ૧૭ શૅર સુધર્યા છે. ઇન્ડ્સઇન્ડ બૅન્ક ૨.૧ ટકા ઊંચકાઈને ૧૦૩૪ના બંધમાં બન્ને મેઇન બેન્ચમાર્ક ખાતે ટૉપ ગેઇનર બન્યો છે. પાવરગ્રીડ, એચડીએફસી બૅન્ક, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બૅન્ક અડધાથી સવા ટકો પ્લસ હતા. નિફ્ટી ખાતે યુપીએલ બે ટકા વધી ૭૧૫ હતો. ડૉ. રેડ્ડીઝ લૅબ એક ટકા, હિન્દાલ્કો પોણો ટકો અને એનટીપીસી અડધો ટકો અપ હતા. 

આગલા દિવસનો હીરો રિલાયન્સ અડધો ટકો વધી ૨૨૪૮ બંધ આવ્યો છે. ગ્રુપના અન્ય શૅરમાં રિલાયન્સ ઇન્ડ. ઇન્ફ્રા બે ટકા, નેટવર્ક-૧૮ સવાબે ટકા, ટીવી-૧૮ અઢી ટકા, ડેન નેટવર્ક્સ ૫.૯ ટકા, હેથવે કેબલ ૩.૯ ટકા, આલોક ઇન્ડ. પાંચેક ટકા, સ્ટર્લિંગ વિલ્સન અડધો ટકો ડાઉન થયા હતા. હેથવે કેબલ, ડેન નેટવર્ક્સ તથા ટીવી ૧૮માં તો નવા ઐતિહાસિક બૉટમ બન્યાં છે. સેન્સેક્સ ખાતે ટેક મહિન્દ્ર ૨.૯ ટકા, તાતા મોટર્સ ૨.૩ ટકા, ભારતી ઍરટેલ બે ટકા, વિપ્રો દોઢ ટકા, એચસીએલ ટેક્નૉ. સવા ટકો, બજાજ ટ્વિન્સ એકથી સવા ટકો, લાર્સન ૦.૯ ટકા બગડ્યા હતા. 

નિફ્ટી ખાતે અદાણી એન્ટર ૭ ટકા કે ૧૨૨ રૂપિયા ગગડી ૧૬૦ના બંધમાં અને અદાણી પોર્ટસ ૫.૭ ટકા ખરડાઈ ૫૯૩ના બંધમાં વર્સ્ટ પર્ફોર્મર બન્યા છે. ગ્રુપના અન્ય શૅરમાં અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, અદાણી ગ્રીન, અદાણી ટોટલ, અદાણી વિલ્મરમાં પાંચ-પાંચ ટકાની મંદીની સર્કિટ લાગેલી હતી. એસીસી ૧૫૯૪થી નીચે નવી બૉટમ બનાવી ૪.૩ ટકા તરડાઈને ૧૬૧૪ તો અંબુજા સિમેન્ટ્સ ૨.૯ ટકાની ખરાબીમાં ૩૫૯ બંધ હતો. એનડીટીવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૭૪ થયો છે. મતલબ કે અદાણીના દસમાંથી દસ શૅર સતત બીજા દિવસે પણ લથડ્યા છે. અદાણી સાથે સંકળાયેલી મોનાર્ક નેટવર્થ ૫ ટકાની લોઅર સર્કિટમાં ૧૯૬ની અંદર જઈને ૧૯૬ બંધ આવ્યો છે. એલઆઇસી ૫૩૫ની નવી ઑલટાઇમ બૉટમ બનાવી દોઢ ટકાના ઘટાડે ૫૩૭ રહ્યો છે. પાવર, યુટિલિટી, ઑઇલ ગૅસ બેન્ચમાર્ક એકથી સવા ટકો ડૂલ થયા એમાંય અદાણીના શૅરનો મોટો ફાળો હતો. બીએસઈનો મેટલ ઇન્ડેક્સ નહીંવત્ વધ્યો છે. નિફ્ટી મેટલ પોણો ટકો ઘટ્યો છે, જેમાં અદાણીની ખરાબી ભાગ ભજવી ગઈ છે. 

બંધન બૅન્ક ત્રણ વર્ષના તળિયે, વિપ્રોમાં નવું ઐતિહાસિક બૉટમ 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરના સથવારે ૧૩૭ પૉઇન્ટ વધ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૦ શૅરની નરમાઈમાં નહીંવત્ ઘટ્યો છે. બૅ​ન્કિંગના ૩૭માંથી ૧૫ શૅર પ્લસ હતા. બૅન્ક ઑફ ઇન્ડિયા, સીએસબી બૅન્ક, ઉજજીવન બૅન્ક અને ઇ​ક્વિટાસ બૅન્ક ત્રણથી સાડાચાર ટકા તો ઇન્ડિયન બૅન્ક, ડીસીબી બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક સવાબેથી અઢી ટકા મજબૂત હતી. આઇઓબી, યુકોબૅન્ક, યસ બૅન્ક, કર્ણાટકા બૅન્ક, સિટી યુનિયન બૅન્ક, આઇડીબીઆઇ બેથી સાડાત્રણ ટકા બગડ્યા છે. બંધન બૅન્ક ઍસેટ્સ ક્વૉલિટીની ફિકરમાં ૧૮૨ના ત્રણ વર્ષના તળિયે જઈ સવાપાંચેક ટકાના ધબડકામાં ૧૮૭ હતો. ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૯૩ શૅરના ઘટાડા વચ્ચે સામાન્ય સુધર્યો છે. પ્રુડેન્ટ કૉર્પોરેટ, મેક્સ વેન્ચર્સ, વીએલએસ ફાઇ. સેન્ટ્રમ કૅપિટલ ૫થી ૭ ટકા ગગડ્યા છે. પીએનબી હાઉસિંગ ચાર ટકા બાઉન્સ થઈ ૪૮૫ હતો. પૉલિસી બાઝાર સવાબે ટકા પ્લસ તો નાયકા સાડાચાર ટકા માઇનસ થયો છે.

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૪૮ શૅરની નરમાઈમાં ૨૩૭ પૉઇન્ટ કે ૦.૯ ટકા કટ થયો છે. બ્લૅક બૉક્સ, કેલ્ટોન ટેકનૉ, સેરેબ્રા ઇન્ટર, બ્રાઇટકૉમ, કન્ટ્રોલ પ્રિન્ટ, થ્રી-આઇ ઇન્ફો પોણાપાંચથી સાડાછ ટકા ડૂલ થયા છે. ઇન્ફી પોણો ટકો, ટેક મહિન્દ્ર ૨.૯ ટકા, એચસીએલ ટેક્નૉ સવા ટકો, લાર્સન ટેક્નૉ બે ટકા, ટીસીએસ નજીવો નરમ હતા. વિપ્રો ૩૫૫ની નવી બૉટમ બનાવી દોઢેક ટકો ગગડી ૩૫૬ ઉપર રહ્યો છે. ભારતી, વોડાફોન, રેલટેલ, ઇન્ડ્સ ટાવર, આઇટીઆઇ, મોબાઇલ અને ઑ​પ્ટિમસ ૪.૮થી ૭.૯ ટકા જેવા કટ થતાં ટેલિકૉમ ઇન્ડેક્સ દોઢ ટકાથી વધુ ખરડાયો છે. રાઉટ મોબાઇસ ત્રણ ટકા ઊછળી ૧૩૫૯ થયો છે. ૧૮ ટ્વિન્સ, સનટીવી, ઍમ્ફાસિસ સવાબેથી સવાત્રણ ટકા ડાઉન હતા. 

 બ્લૉક ડીલમાં જંગી વૉલ્યુમ સાથે કલ્યાણ જ્વેલર્સ ૧૦ ટકા ઝંખવાયો 

વૉરબર્ગ પિનકુલ તરફથી બ્લૉકડીલ મારફત આંશિક હો​​લ્ડિંગ વેચાયું હોવાના અહેવાલમાં કલ્યાણ જ્વેલર્સ ભારે વૉલ્યુમ સાથે નીચામાં ૧૦૬ થઈ ૯.૮ ટકા ઝંખવાઈને ૧૦૭ બંધ આવ્યો છે. હીરો મોટો કૉર્પનો માર્કેટશૅર કે બજાર હિસ્સો ઘટવાની ધારણા સાથે કોટક ઇસ્ટી ઇ​ક્વિટી દ્વારા ૨૬૦૦ની ટાર્ગેટ પ્રાઇસ ઘટાડી ૨૫૦૦ કરવામાં આવતાં શૅર નીચામાં ૨૨૪૭ થઈ સવાબે ટકા ઘટીને ૨૨૫૫ બંધ રહ્યો છે. પીએનસી ઇન્ફ્રાટેકને ૮૧૯ કરોડનો હાઇવે પ્રોજેક્ટ મળતાં ભાવ ૧૧ ગણા કામકાજે ૨૮૯ વટાવી સાડાછ ટકાના જમ્પમાં ૨૮૨ થયો છે. ઇનોવાના થિન્કલૅબ્સ શૅરદીઠ એક બોનસમાં એક્સ બોનસની પૂર્વસંધ્યાએ ૪.૮ ટકા તૂટી ૫૯૫ હતો. સમ્રાટ ફાર્મા મંદીની ચાલમાં અઢી ગણા કામકાજે ૩૩૨ની વર્ષની બૉટમ બતાવી ૬.૪ ટકા લથડી ૩૪૪ બંધ રહ્યો છે. ૨૦ સપ્ટેમ્બરના રોજ અહીં ૧૨૫૦ની ઑલટાઇમ હાઈ બની હતી. અલ્ટ્રાટેક સિમેન્ટ ૭૫૧૦ની નવી ઐતિહાસિક ટૉપ દેખાડી અડધો ટકો ઘટી ૭૪૦૬ થયો છે. ક્વીન્ટ ડિજિટલ મીડિયા ઉપરમાં ૧૨૯ દેખાડી ૭ ટકા ઊછળી ૧૨૫ હતો. આગલા દિવસે ૧૬.૮ ટકાની તેજીમાં એ-ગ્રુપ ખાતે ટૉપ ગેઇનર બનેલી વિજ્યા ડાયગ્નૉસ્ટિક્સ મંગળવારે નીચામાં ૩૯૬ થઈ ૯.૯ ટકા તૂટી ૪૦૫ હતો. કેરીઅર પૉઇન્ટ ચાર ગણા વૉલ્યુમે ૨૨૫ની નવી ટૉપ બનાવી નવ ટકાની મજબૂતીમાં ૨૨૩ થયો છે. ૨૦ જૂને ભાવ ૯૮ના તળિયે ગયો હતો. નીતા જિલેટિન ૯૭૦નું શિખર હાંસલ કરી પાંચ ટકાની નીચલી સર્કિટે ૯૦૨ થઈ ૯૦૭ બંધ આવ્યો છે. 

વિજ્યા ડાયગ્નૉસ્ટિક દસેક ટકા તૂટ્યો, સ્પાર્ક છ ટકા વધીને બંધ 

ઑટો ઇન્ડેક્સ ૧૬માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૨૨૯ પૉઇન્ટ કે પોણો ટકો ડાઉન હતો. તાતા મોટર્સ અઢી ટકા, હીરો મોટોકૉર્પ ૨.૩ ટકા, ટીવીએસ મોટર દોઢ ટકો, આઇશર સવા ટકો, મહિન્દ્ર એક ટકાની નજીક નરમ હતા. મારુતિ પોણો ટકો ઘટ્યો છે. મેટલ ઇન્ડેક્સ ૧૦માંથી ૬ શૅર પ્લસમાં આપીને ૪૪ પૉઇન્ટ જેવો સાધારણ વધ્યો છે, પણ નિફ્ટી મેટલ ૧૫માંથી ૯ શૅરના ઘટાડામાં પોણો ટકો માઇનસ થયો છે. અત્રે અદાણી એન્ટર ૭ ટકા, જિંદાલ સ્ટેનલેસ સવાચાર ટકા, રત્નમણિ સવાત્રણ ટકા, એમઓઆઇએલ અઢી ટકા, વેલકૉર્પ ૨.૪ ટકા, હિન્દુ. કૉપર દોઢ ટકો ડાઉન હતા. લાર્સન એકાદ ટકો ઘટી ૨૧૩૩ના બંધમાં ૨૬૨ પૉઇન્ટ કે પોણો ટકો ઘટેલા કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સને ૧૫૪ પૉઇન્ટ નડ્યો છે. એલ્જી ઇ​ક્વિપમેન્ટ્સ પાંચ ટકા અને સોનાકૉમ સ્ટાર અઢી ટકા ડાઉન હતા. 

હેલ્થકેકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૬૩ શૅરના ઘટાડે સામાન્ય નરમ હતો. વિજ્યા ડાયગ્નૉ ૯.૯ ટકા, ટેક સોલ્યુશન્સ ૮.૫ ટકા, ફર્મેન્ટા ૮ ટકા, મોર્પેન લૅબ ૫.૮ ટકા, આરપીજી લાઇફ સાડાછ ટકા, ન્યુરેકા છ ટકા તૂટ્યા છે. સ્પાર્ક છ ટકાની તેજીમાં ૧૭૯ થયો છે. એફએમસીજી ઇન્ડેક્સ ૮૦માંથી ૨૩ શૅરના સુધારા વચ્ચે અડધા ટકા નજીક નરમ હતો. આઇએફબી ઍગ્રો ૮.૮ ટકા ઊછળી ૪૫૩ વટાવી ગયો છે. ઇમામી ૪.૭ ટકા પ્લસ હતો. હિન્દુ. યુનિલીવર, આઇટીસી, ડાબર, તાતા કન્ઝ્યુ. યુનાઇટેડ ​સ્પિરિટ જેવી ચલણી જાતો માઇનસમાં બંધ આવી છે. 

Whatsapp-channel Whatsapp-channel

29 March, 2023 10:24 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK