Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > નબળા આંતરપ્રવાહ વચ્ચે રિલાયન્સની આગેવાની હેઠળ શૅરબજારમાં સુધારો જળવાયો

નબળા આંતરપ્રવાહ વચ્ચે રિલાયન્સની આગેવાની હેઠળ શૅરબજારમાં સુધારો જળવાયો

28 March, 2023 10:13 AM IST | Mumbai
Anil Patel

ભારત ઍગ્રિફર્ટમાં માથે શૅરવિભાજન વચ્ચે મોમેન્ટમ, કન્ટ્રોલ પ્રિન્ટમાં વૉલ્યુમ સાથે મજબૂતી : માર્કેટ બ્રેડ્થમાં ભારે બૂરાઈ 

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


અદાણીના દસેદસ શૅર ડાઉન, એલઆઇસીમાં નવું ઑલટાઇમ બૉટમ : નવા પ્લાન્ટ માટે ૨૨૦ એકર જમીન લીઝ પર લેતાં ગ્રાસિમ ત્રણ ટકા ઊંચકાયો : આદિત્ય બિરલા સનલાઇફમાં નવું ઑલટાઇમ તળિયું, ઑટોમાં સાર્વત્રિક પીછેહઠ વચ્ચે મારુતિ મજબૂત : મર્જરની યોજનામાં ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ સીજી સુધર્યા, બટરફ્લાય ગાંધીમતી ડાઉન : ભારત ઍગ્રિફર્ટમાં માથે શૅરવિભાજન વચ્ચે મોમેન્ટમ, કન્ટ્રોલ પ્રિન્ટમાં વૉલ્યુમ સાથે મજબૂતી : માર્કેટ બ્રેડ્થમાં ભારે બૂરાઈ 

વીકલી ધોરણે સેન્સેક્સમાં ૦.૮ ટકા અને નિફ્ટીમાં ૦.૯ ટકાના ઘટાડા સાથે નરમાઈની હૅટ-ટ્રિક બાદ બજાર નવા સપ્તાહે ચાર દિવસના કામકાજનું છે. ગુરુવારે રામનવમી નિમિત્તે રજા છે. સોમવારે સેન્સેક્સ આગલા બંધથી ૪૦ પૉઇન્ટ જેવો પ્લસ ખૂલી અંતે ૧૨૭ પૉઇન્ટ વધી ૫૭,૬૫૪ બંધ થયો છે. નિફ્ટી ૪૧ પૉઇન્ટના સુધારામાં ૧૬,૯૮૬ રહ્યો છે. માર્કેટ ઇન્ટ્રા-ડેમાં નીચામાં ૫૭,૪૧૫ અને ઉપરમાં ૫૮,૦૧૯ થયું હતું. માર્કેટ બ્રેડ્થ ઘણી નબળી રહી છે. એનએસઈમાં વધેલા ૪૩૧ શૅરની સામે ૧૬૪૯ જાતો ડાઉન હતી. બજારના બહુમતી ઇન્ડાઇસિસ ઘટ્યા છે. નિફ્ટી ફાર્મા ૧.૧ ટકા, હેલ્થકૅર ઇન્ડેક્સ પોણો ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી તથા એફએમસીજી બેન્ચમાર્ક સામાન્ય સુધારામાં રહ્યા છે. સામે પક્ષે પાવર-યુટિલિટી બેથી અઢી ટકા અને નિફ્ટી રિયલ્ટી
સવા ટકો માઇનસ થયો છે. વિશ્વબજારોની વાત કરીએ તો એશિયા ખાતે હૉન્ગકૉન્ગ પોણાબે ટકા, ઇન્ડોનેશિયા પોણો ટકો, ચાઇના અને તાઇવાન અડધા ટકાની આજુબાજુ નરમ હતા.



સિંગાપોર પોણો ટકો અને જપાન સાધારણ સુધર્યા છે, યુરોપ અડધાથી સવા ટકાની રેન્જમાં રનિંગમાં પ્લસ દેખાયું છે. બ્રેન્ટ ક્રૂડ ૭૫ ડૉલર ઉપર ટકેલું હતું. 


અમેરિકન ફેડ તરફથી વ્યાજદરમાં નવો ૦.૨૫ ટકાનો વધારો આવ્યા પછી ઘરઆંગણે રિઝર્વ બૅન્ક પણ એનું અનુસરણ કરશે એમ મનાય છે. રિઝર્વ બૅન્કની ત્રણ દિવસની પૉલિસી-મીટિંગ ૩ એપ્રિલથી શરૂ થવાની છે, એનું આઉટકમ ૬ એપ્રિલે આવશે. 

સેન્સેક્સમાં રિલાયન્સ અને નિફ્ટીમાં ગ્રાસિમ ઝળક્યો 


સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૭ શૅર વધ્યા છે. ગ્રાસિમ તરફથી ગુજરાતના ભરૂચ ખાતે ૨૫૫ કરોડ રૂપિયામાં સેન્ચુરી ટેક્સટાઇલ પાસેથી ૨૨૦ એકર જમીન લીઝ ઉપર લેવામાં આવી છે, જ્યાં એ નવો પ્લાન્ટ નાંખવા માગે છે. શૅર ઉપરમાં ૧૬૪૮ થઈ ૨.૩ ટકા ઊંચકાઈને ૧૬૩૧ બંધ આપી નિફ્ટી ખાતે ટૉપ ગેઇનર રહ્યો છે. સેન્ચુરી ટેક્સટાઇલ ઉપરમાં ૬૪૩ વટાવી પ્રૉફિટબુકિંગમાં ૬૦૮ થઈ સવા ટકાની નરમાઈમાં ૬૧૫ હતો. રિલાયન્સ ૨૨૫૪ની ઇન્ટ્રા-ડે હાઈ બાદ દોઢ ટકો વધીને ૨૨૩૭ બંધ થતાં બજારને ૧૦૩ પૉઇન્ટનો ફાયદો થયો છે. સનફાર્મા ૧.૨ ટકા, કોટક બૅન્ક અડધો ટકો, સ્ટેટ બૅન્ક ૦.૯ ટકા, મારુતિ સુઝુકી એક ટકા વધ્યા છે. અપોલો હૉસ્પિટલ્સ એક ટકા, સિપ્લા ૧.૪ ટકા, ઓએનજીસી અડધો ટકો સુધર્યા છે. 

પાવર ગ્રીડ અને ઍ​ક્સિસ બૅન્ક એક ટકો તો મહિન્દ્ર તાતા મોટર્સ તથા એનટીપીસી એક ટકાની નજીક નરમ થયા છે. નિફ્ટી ખાતે અદાણી પોર્ટ્સ ૧.૪ ટકાના ઘટાડે ટૉપ લૂઝર બન્યો છે. અદાણીના અન્ય શૅરમાં અદાણી એન્ટરના એક ટકો ઘટી ૧૭૨૩, અદાણી પાવર પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૧૮૩, અદાણી ટ્રાન્સ પાંચ ટકાની મંદીની સર્કિટમાં ૧૦૬૯, અદાણી ગ્રીન સાડાચાર ટકા ગગડી ૯૫૮, અદાણી ટોટલ ૪.૯ ટકાની ખરાબીમાં ૯૫૮, અદાણી વિલ્મર પાંચ ટકા જેવો તૂટીને ૩૮૮ તથા એનડીટીવી સાડાચાર ટકાની ખુવારીમાં ૧૮૩ બંધ થયા છે. મતલબ કે ગઈ કાલે અદાણી ગ્રુપની દસેદસ જાતો માઇનસમાં ગઈ છે. મૉનાર્ક નેટવર્થ અઢી ટકા ગગડીને ૨૦૧ રહ્યો છે. 

બૅ​​ન્કિંગના ૩૭માંથી ૨૬ શૅર ડાઉન, ફાઇનૅન્સ ક્ષેત્રે વ્યાપક નરમાઈ

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરના સુધારામાં ૩૬ પૉઇન્ટ જેવો નજીવો વધ્યો છે. અહીં એચડીએફસી બૅન્ક અને પીએનબી જૈસે-થે હતા. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૭ શૅરના ઘટાડા વચ્ચે સામાન્ય સુધર્યો છે. બૅન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૧૧ શૅર પ્લસ હતા. તામિલનાડુ મર્કેન્ટાઇલ બૅન્ક ૪૧૪ નજીક જૈસે-થે હતો. કોટક બૅન્કમાં બાયનું રેટિંગ આવતાં ભાવ ઉપરમાં ૧૭૧૩ થઈ પોણો ટકો વધી ૧૭૦૫ થયો છે. કૅનેરા બૅન્ક દોઢ ટકો, બૅન્ક ઑફ બરોડા એકાદ ટકો, સ્ટેટ બૅન્ક ફિનો પેમેન્ટ બૅન્ક સવાચાર ટકા તૂટી ૨૦૧ની નીચે ગયો છે. સૂર્યોદય બૅન્ક પોણાચાર ટકા, ઇ​ક્વિટાસ બૅન્ક અઢી ટકા, ધનલક્ષ્મી બૅન્ક ૪.૮ ટકા, આઇડીબીઆઇ બૅન્ક ૩.૮ ટકા, ડીસીબી અને બંધન બૅન્ક અઢી ટકા ઘટ્યા છે. પંજાબ સિંધ બૅન્ક, યુકો બૅન્ક, આઇઓબી તથા બૅન્ક ઑફ મહારાષ્ટ્ર ત્રણ-સવાત્રણ ટકા બગડ્યા હતા. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૪૧માંથી ૧૦૭ શૅરના ઘટાડા વચ્ચે ૧૮ પૉઇન્ટ જેવો મામૂલી નરમ હતો. વીએલએસ ફાઇનૅન્સ ૮.૯ ટકા તૂટ્યો છે. આદિત્ય બિરલા સનલાઇફ ૩૦૯ના ઑલટાઇમ તળિયે જઈ ૮.૨ ટકાના કડાકામાં ૩૧૨ થયો છે. મુથૂટ ફાઇનૅન્સ તથા ધાની સર્વિસિસ સાડાસાત ટકા, ઇન્ડિયન એનર્જી એક્સચેન્જ સવાછ ટકા, પીએનબી હાઉસિંગ છ ટકા, સેન્ટ્રમ કૅપિટલ ૫.૪ ટકા લથડ્યા હતા. કેફિન ટેક્નૉલૉજીઝ પોણાપાંચ ટકાના ધબડકામાં ૨૭૮ રહ્યો છે. એલઆઇસી ૫૪૦ની લાઇફટાઇમ બૉટમ બનાવી ૨.૭ ટકા તૂટી ૫૪૫ થયો છે. નાયકા ત્રણ ટકા ડાઉન તો પૉલિસીબાઝાર અડધો ટકો સુધર્યો છે. 

આ પણ વાંચો: ગ્લોબલ બૅન્કોની ક્રાઇસિસનો એકધારો કકળાટ કરેક્શનનાં કારણો વધારશે

ઑટોમાં મારુતિ સુઝુકી એકાદ ટકો વધીને ૮૩૧૫ હતો, પણ બજાજ ઑટો, આઇશર, મહિન્દ્ર, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ અડધાથી સવાબે ટકા રિવર્સમાં ગયા છે. અદાણીના શૅરોની ખરાબી સાથે જેએસડબ્લ્યુ એનર્જી, તાતા પાવર, વાટેક વાબેગ, કેપી ગ્રીન, સીઈએસસી, ટૉરન્ટ પાવર, આઇનૉક્સ ગ્રીન ત્રણથી સવાચાર ટકા ગગડતાં પાવર અને યુટિલિટી ઇન્ડેક્સ બેથી અઢી ટકા કટ થયા છે. જેપી પાવર સાત ટકા તૂટ્યો છે. ડીએલએફ પ્રેસ્ટીઝ એસ્ટેટ, ગોદરેજ પ્રૉપર્ટીઝ, ઑબેરૉય રિયલ્ટી, મેક્રોટેક ડેવલપર્સ, ઇન્ડિયા બુલ્સ રિયલ્ટી દોઢથી સાડાચાર ટકા તરડાતાં રિયલ્ટી ઇન્ડેક્સ સવા ટકો જેવો ડાઉન થયો છે. 

ભારત ઍગ્રિફર્ટમાં શૅરવિભાજનની ફૅન્સી, બટરફ્લાય ૪ ટકા ગગડ્યો

ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ કન્ઝ્યુમર ઇલે​ક્ટ્રિકલ્સ અને બટરફ્લાય ગાંધીમતી તરફથી મર્જરની જાહેરાત વીક-એન્ડમાં આવી છે. જે મુજબ બટરફ્લાયના શૅરધારકોને પ્રત્યેક પાંચ શૅરદીઠ ક્રૉમ્પ્ટનના ૨૨ શૅર બદલામાં મળશે. બટરફ્લાયના શૅરની ફેસવૅલ્યુ ૧૦ની અને ક્રૉમ્પ્ટનની બે રૂપિયાની છે. બટરફ્લાયનો શૅર શુક્રવારે આઠેક ટકાના ઉછાળે ૧૨૯૯ બંધ રહ્યા પછી ગઈ કાલે ચારેક ટકા ગગડીને ૧૨૧૬ થયો છે. ક્રૉમ્પ્ટનનો ભાવ આગલા દિવસે નહીંવત્ સુધરી ૨૯૨ થયા પછી સોમવારે એક ટકો વધી ૨૯૫ રહ્યો છે. એનએસઈ લિસ્ટેડ ઇનોવાના થિન્કલૅબ્સ શૅરદીઠ એક બોનસમાં ૨૯મીએ એક્સ બોનસ થવાનો છે. ભાવ ગઈ કાલે નજીવો ઘટીને ૬૨૫ બંધ આવ્યો છે. 

ભારત ઍગ્રિફર્ટ ઍન્ડ રિયલ્ટી ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં બુધવારે એક્સ સ્પ્લિટ થવાનો છે. શૅર ગઈ કાલે ઉપરમાં ૧૦૫૯ બતાવી સાધારણ વધીને ૧૦૩૪ બંધ થયો છે. દરમ્યાન કંપનીએ ૨૦૨૩-૨૪ના વર્ષ માટે ​સ્પિક સાથે ૨૫,૦૦૦ ટન એસએસપી ખાતરના માર્કેટિંગના સહયોગ કરારને રિન્યુ કર્યો છે તથા ઇન્ડિયન પોટાશ લિમિટેડ સાથે ૩૦ હજાર ટનનું માર્કેટિંગ ટાઈ-અપ પ્રોસેસ હેઠળ છે. કંપની નવા વર્ષે એના માર્કેટિંગ નેટવર્ક મારફત ૧૫,૦૦૦ ટનનું વેચાણ કરશે. સરવાળે ફર્ટિલાઇઝર ડિવિઝનની રેવન્યુ ૮૦થી ૮૫ કરોડ રૂપિયા રહેવાનું અનુમાન છે. અસોસિએટ કન્સર્ન એમઓઆઇ કેમ લિમિટેડ તરફથી કંપનીને ૯ કરોડ રૂપિયાની લોનનું પૂરેપૂરું રીપેમેન્ટ મળી ગયું છે. આની અસર માર્ચ ક્વૉર્ટરના પરિણામમાં પૉઝિટિવ જોવા મળશે. 

આઇટીમાં સાઇડ કાઉન્ટર્સ બગડ્યાં, ૧૮ ટ‍્વિન્સમાં સામસામા રાહ...

આઇટી ઇન્ડેક્સ ૫૯માંથી ૫૦ શૅરની નરમાઈમાં નહીંવત્ ઘટીને બંધ હતો. કન્ટ્રોલ પ્રિન્ટ બમણા વૉલ્યુમે ૫૩૯ નજીકની ટોચ પાસે જઈ સવાચાર ટકાની તેજીમાં ૫૩૮ બંધ આવ્યો છે. સોનાટા સૉફ્ટવેર, થ્રી-આઇ કૉમ, સાઇબરટેક, સેરેબ્રા ઇન્ટર, એચસીએલ ઇન્ફો, કેલ્ટોન ટેક્નૉ, ઈમુદ્રા પોણાપાંચથી સવાછ ટકા કપાયા છે. ઇન્ફી અડધો ટકો પ્લસ હતો. ટેક મહિન્દ્ર, વિપ્રો અને ટીસીએસ નામ પૂરતી વધઘટે બંધ રહ્યા છે. લાટિમ એક ટકો ઘટીને ૪૫૫૭ હતો. તેજસ નેટ, સ્ટરલાઇટ ટેક્નૉ, વોડાફોન, તાતા ટેલિ, ઑ​પ્ટિમસ, એચએફસીએલ, એમટીએનએલ, ઑન મોબાઇલ, આઇટીઆઇ બેથી સાડાસાત ટકા ગગડતાં ટેલિકૉમ ઇન્ડેક્સ સવા ટકો કટોકટ થયો છે. ભારતી ઍરટેલ નજીવા ઘટાડે ૭૫૨ હતો. ટેક્નૉલૉજી બેન્ચમાર્ક લગભગ ફ્લૅટ હતો. નેટવર્ક ૧૮ પોણાત્રણ ટકા નજીક વધ્યો છે. જસ્ટ ડાયલ સવાટકો, સનટીવી સવાબે ટકા, ટીવી ૧૮ ત્રણેક ટકા, સારેગામા ત્રણ ટકા ડાઉન હતા. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૩૬ શૅરના સુધારામાં પોણોટકો વધ્યો છે. સિન્કૉમ ફૉર્મ્યુલેશન્સ સાડાનવ ટકા, ગુજરાત થેમિસ નવ ટકા, એસએમએસ ફાર્મા આઠ ટકા, હાઇકલ પોણાસાત ટકા, વોઆર્ટ સવાછ ટકા, સોલરા ઍ​ક્ટિવ અને બજાજ હેલ્થકૅર સાડાપાંચ ટકા ૫ટકાયા છે. વિજ્યા ડાયગ્નૉસ્ટિક ૧૬.૮ ટકાની તેજીમાં ૪૫૦ થયો છે. મોર્પેન લૅબ ૮ ટકા, બાયોકૉન પોણાચાર ટકા, ગ્લેનમાર્ક સવાત્રણ ટકા, લુપિન ત્રણ ટકા વધ્યા છે. 

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2023 10:13 AM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK