Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > ગ્લોબલ બૅન્કોની ક્રાઇસિસનો એકધારો કકળાટ કરેક્શનનાં કારણો વધારશે

ગ્લોબલ બૅન્કોની ક્રાઇસિસનો એકધારો કકળાટ કરેક્શનનાં કારણો વધારશે

27 March, 2023 02:42 PM IST | Mumbai
Jayesh Chitalia

નાણાપ્રધાનની કેટલીક જાહેરાતે માર્કેટનો મૂડ બગાડ્યો છે. માર્કેટમાં કરેક્શન માટેનાં કારણો વધતાં જાય છે, એક માત્ર આશ્વાસન રિઝર્વ બૅન્ક તરફથી મળે છે

પ્રતિકાત્મક ફાઇલ તસવીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતિકાત્મક ફાઇલ તસવીર


યુએસ અને યુરોપિયન બૅન્કોની ક્રાઇસિસે માર્કેટમાં કાળો કકળાટ કરી નાખ્યો છે. બૅન્ક સ્ટૉક્સ ઉપરાંત મોટા ભાગના સ્ટૉક્સમાં કડાકા જ વધુ જોવા મળે છે. એમાં વળી નાણાપ્રધાનની કેટલીક જાહેરાતે માર્કેટનો મૂડ બગાડ્યો છે. માર્કેટમાં કરેક્શન માટેનાં કારણો વધતાં જાય છે, એક માત્ર આશ્વાસન રિઝર્વ બૅન્ક તરફથી મળે છે

વીતેલા સપ્તાહનો આરંભ નેગેટિવ થયો હતો. માર્કેટ ખૂલતાની સાથે ગ્લોબલ અસરોથી તૂટવાનું શરૂ થઈ ગયું હતું. ગ્લોબલ બૅન્કોની ક્રાઇસિસનો ભય ફેલાયેલો હોવાથી માર્કેટને મંદીના માર્ગે ચાલવું પડ્યું હતું. ભારતીય બૅન્કોના સ્ટૉક્સ પણ દબાણ હેઠળ રહ્યા હતા. એફઆઇઆઇની વેચવાલીનું પ્રેશર ચાલુ રહ્યું હતું. અદાણી સ્ટૉક્સને હજી નક્કર કળ વળી નથી, એણે એક મોટો પ્રોજેક્ટ હાલ પડતો મૂકવાની જાહેરાત કરી હોવાની પણ માર્કેટ પર અસર હતી. નેગેટિવ પરિબળો અને સેન્ટિમેન્ટને કારણે સોમવારે સેન્સેક્સ ૩૬૧ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૧ પૉઇન્ટ નીચે ઊતરી ગયાં હતાં. આમાં આશ્વાસન માત્ર એટલું હતું કે સેન્સેક્સ આરંભમાં ૮૦૦ પૉઇન્ટ સુધી માઇનસ થઈ પાછો ફર્યો હતો. ફેડની વ્યાજ વિશેની મીટિંગ પહેલાં આવો જ વૉલેટાઇલ ટ્રેન્ડ રહેવાની ધારણા મુકાતી હતી.  માર્કેટમાં ફિયર ફૅક્ટર કામ કરી રહ્યું છે. માર્કેટ હજી તૂટવાના અણસાર દેખાઈ રહ્યા હતા. 



રિઝર્વ બૅન્કનો આશાવાદ


સોમવારના કડાકાની કરુણતા એ હતી કે રોકાણકારોએ સોમવાર સુધીના છેલ્લા આઠ ટ્રેડિંગ દિવસોમાં ૧૧ લાખ કરોડ રૂપિયાનું મૂડીધોવાણ જોઈ લીધું હતું. જોકે મંગળવારે બજારે રિકવરીનો ટર્ન લીધો હતો. સેન્સેક્સ ૪૪૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૧૯ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. રિઝર્વ બૅન્કે એના બુલેટિન મારફત સારા સંકેત આપતાં કહ્યું હતું કે ૨૦૨૪માં રીટેલ ઇન્ફ્લેશનનો રેટ ૫થી ૫.૬ ટકાની વચ્ચે આવી જવાની આશા છે. ગ્લોબલ સ્તરે ભલે ક્રાઇસિસનો માહોલ હોય, ભારતની સ્થિતિ બહેતર છે અને ૨૦૨૪માં જીડીપી ગ્રોથ સાત ટકા ઉપર રહેશે, એવી ધારણા છે. બૅન્કોમાં ભંડોળ ઊભું કરવાની સ્પર્ધાને કારણે ડિપોઝિટ પરના વ્યાજદર પણ વધવાનો ઇશારો રિઝર્વ બૅન્કે કર્યો છે. આ ટ્રેન્ડ આમ પણ હાલ શરૂ થઈ ગયો છે અને ડિપોઝિટ ગ્રોથ પણ નોંધાઈ રહ્યો છે. રિઝર્વ બૅન્ક અર્થતંત્ર માટે ઊંચો આશાવાદ ધરાવતી હોવાનું સ્પષ્ટ કર્યું હતું. 

ગ્લોબલ બૅન્કોના સંકેત નિરાશાજનક વધુ


બુધવારે માર્કેટની શરૂઆત ઠંડી પણ પૉઝિટિવ થઈ અને ફેડના વ્યાજ વધારાની તલવાર લટકતી હોવા છતાં સેન્સેક્સ દોઢસો પૉઇન્ટ અને નિફ્ટી પચાસ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યાં હતાં. બીજા દિવસે ગુરુવારે પણ માર્કેટે હળવી અને સાવચેતીપૂર્વકની શરૂઆત કરી હતી, કેમ કે ફેડ રિઝર્વનો પા ટકો (૨૫ બેસિસ પૉઇન્ટ) વ્યાજનો વધારો જાહેર થઈ ચૂક્યો હતો, જે ધારણા અનુસારનો હતો. ફેડે આક્રમકતા ઓછી કરી એવું જણાય છે. ધારણા ૫૦ બેસિસ પૉઇન્ટના વધારાની હતી, પરંતુ ગ્લોબલ સિચુએશનને અને ખાસ કરીને બૅન્કોની ક્રાઇસિસને ધ્યાનમાં રાખી ફેડ પણ હળવાશ સાથે આગળ વધવા માગતું હોવાનું અનુમાન છે. જોકે આ સમયમાં ફેડના ચૅરમૅને કરેલા નિવેદનની નોંધ લેવી રહી. તેમણે કહ્યું હતું કે હાલ હાઉસહોલ્ડ અને બિઝનેસ માટે ધિરાણ મેળવવાની સ્થિતિ કડક બનશે, જેની અસર આર્થિક પ્રવૃ‌‌ત્ત‌િઓ પર તેમ જ નવા રોજગાર સર્જન અને મોંઘવારી પર કેવી પડશે એ અનિશ્ચિત કહી શકાય. આ નિવેદનને તેજી માટે સ્પીડબ્રેકર અને સાવચેતી સમાન કહી શકાય. આ ઉપરાંત યુએસ ફાઇનૅન્સ મિનિસ્ટરે પણ કડક નિવેદન કરતાં સેન્ટિમેન્ટને અસર હતી. બીજી બાજુ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ ગુરુવારે ૨૫ બેસિસ પૉઇન્ટનો વ્યાજ વધારો જાહેર કર્યો હતો. ફેડ હજી પણ વ્યાજ વધારો કરે એવી શક્યતા છે, જ્યારે કે એપ્રિલમાં રિઝર્વ બૅન્ક તરફથી પણ વ્યાજ વધારાની સંભાવના જણાય છે.  

નાણાપ્રધાનની જાહેરાતથી ગૂંચવણ અને નિરાશા

દરમ્યાન નાણાપ્રધાને ડેટ ફન્ડ, ગોલ્ડ ફન્ડ, ઇન્ટરનૅશનલ ફન્ડ પરનો ઇન્ડેક્શેસન સહિતનો લૉન્ગ ટર્મ કૅપિટલ ગેઇનનો લાભ પાછો ખેંચી એને શૉર્ટ ટર્મ કૅપિટલ ગેઇન ટૅક્સ લાગુ કરવાની જાહેરાત કરી હતી, જેને પરિણામે ડેટ ફન્ડ્સના રોકાણકારો દુખી થયા હતા. આ ઉપરાંત એસટીટી (સિક્યૉરિટીઝ ટ્રાન્ઝૅક્શન ટૅક્સ) મામલે પણ ગૂંચવણ સર્જાઈ હતી. આ વિશે નાણાં ખાતાએ પછીથી ફેરવી તોળ્યું હતું અને વધારો ઓછો હોવાનું કહ્યું હતું. જ્યારે કે ડેરિવેટિવ્ઝ માર્કેટમાં આ ટૅક્સ વધારાની જાહેરાતથી ટ્રેડર્સ વર્ગ પર નેગેટિવ અસર હતી. આગામી દિવસોમાં આ અસર વધવાની ધારણા છે.   

શુક્રવારના સેન્ટિમેન્ટની અસર નવા સપ્તાહમાં

ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડની જાહેરાત બાદ શુક્રવારની માર્કેટ મંદ ખુલ્યા બાદ વધ-ઘટ સાથે આખરે સેન્સેક્સ ૩૯૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧૩૧ પૉઇન્ટ માઇનસ થઈ ૧૭,૦૦૦ નીચે બંધ રહ્યા હતા. ગ્લોબલ માર્કેટ્સ પણ તૂટ્યાં હતાં. યુરોપિયન માર્કેટમાં વેચવાલીને પગલે યુએસની અગ્રણી બૅન્કોના સ્ટૉક્સ પણ ડાઉન ગયા હતા. જેપી મૉર્ગન, મૉર્ગન સ્ટેનલી, બૅન્ક ઑફ અમેરિકા, ગોલ્ડમૅન સાક્સ ગ્રુપ, સિટી બૅન્ક ગ્રુપ વગેરે તૂટ્યાં હતાં. દરમ્યાન નાણાપ્રધાને બૅન્કોની ખાસ બેઠક બોલાવી હતી, જેમાં ગ્લોબલ ઘટનાઓની શું અસર પડી છે યા પડી શકે છે એનો તાગ કાઢવાનો ઉદ્દેશ હતો. બીજી બાજુ, નાણાં ખાતાએ બજેટ દરખાસ્તોમાં સંખ્યાબંધ સુધારા રજૂ કર્યા હતા, જેની કેવી અસર જોવા મળશે એ તો નજીકનો સમય કહેશે. રિઝર્વ બૅન્કે એની નિરીક્ષણ યંત્રણા વધુ બારીક અને સખત કરી છે. આ મામલે ભારત સરકાર અને નિયમન સંસ્થાઓ સાવચેતીના અભિગમ સાથે જ આગળ વધવા માગે છે. હાલ માર્કેટને સ્થિરતા કે વેગ મળવાની આશા રાખવી નિરર્થક છે. સ્થાનિક પરિબળો અને સપોર્ટને લીધે માર્કેટ તૂટે નહીં તો ય ઘણું છે. 

ફૉરેન ફન્ડ્સની લેવાલી-વેચવાલી

ફૉરેન ઇન્વેસ્ટર્સ સંજોગોને આધિન છેલ્લા લાંબા સમયથી સતત વેચવાલ રહ્યા છે. અલબત્ત, તેઓની વેચવાલી પોતાની જરૂરિયાત ઉપરાંત પ્રૉફિટ બુકિંગનું પણ છે. પ્રાઇવેટ ઇક્વિટી ફન્ડ્સ અને મોટા વિદેશી રોકાણકારો પ્રાઇમરી અને સેકન્ડરી માર્કેટમાં સેલર્સ રહ્યાં છે. છેલ્લા છ મહિનામાં તેમણે ૨૫ મોટા બ્લૉક ડિલ્સ કર્યા છે. બ્લૅકસ્ટોન, અપેક્ષ પાર્ટનર, સૉફ્ટ બૅન્ક અને ટાઇગર ગ્લોબલ, બેઇન કૅપિટલ, જનરલ ઍટલાન્ટિક સહિતનાં ફૉરેન ફન્ડ્સ તરફથી ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની વેચવાલી થઈ છે. જોકે માર્કેટ સ્થાનિક ફન્ડ્સના ટેકાથી ટકી જાય છે, પરંતુ મૂડીધોવાણ સતત ચાલુ છે. ગ્લોબલ બૅન્કિંગ ક્રાઇસિસ બાદ ફૉરેન ઇન્વેસ્ટર્સ યુએસ અને યુરોપ માર્કેટ્સમાં બૅન્ક સ્ટૉક્સમાં ધૂમ વેચાણ કરી રહ્યા છે, જ્યારે કે ભારતીય બૅન્કોના સ્ટૉક્સ વેચવાથી તેઓ દૂર રહ્યા હોવાના અહેવાલ છે. તેમની ભારતીય બૅન્કોમાં ખરીદી ચાલુ રહી છે. તેમણે માર્ચના પ્રથમ પખવાડિયામાં ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં ૨૮૦૦ કરોડની ખરીદી કરી. તેઓ ભારતીય માર્કેટમાં આઇટી સ્ટૉક્સમાં ૩૮૦૦ કરોડ રૂપિયાની વેચવાલી કરી છે, જ્યારે કે બીજા સેક્ટરમાં ઑટો સ્ટૉક્સમાં એફઆઇઆઇએ ૩૧૦૦ કરોડ રૂપિયાની ખરીદી કરી છે અને ઑઇલ-ગૅસ સ્ટૉક્સમાં ૨૩૦૦ કરોડ રૂપિયાનું અને હેલ્થકૅર સ્ટૉક્સમાં ૧૬૦૦ કરોડ રૂપિયાનું વેચાણ કર્યું છે. જીક્યુજી પાર્ટનર્સે અદાણી સ્ટૉક્સમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ખરીદી કરી હોવાથી આ ટ્રેન્ડ પ્લસમાં રહ્યો છે, બાકી નેટ વેચવાલીનો ટ્રેન્ડ ચાલુ છે અને નજીકના ભવિષ્યમાં ચાલુ રહેવાની ધારણા મુકાય છે. 

Whatsapp-channel Whatsapp-channel

27 March, 2023 02:42 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK