Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સની ૪૧૮ પૉઇન્ટની આગેકૂચ, બજાર સર્વોચ્ચ સપાટીથી ફક્ત ૪૪૦ પૉઇન્ટ દૂર

સેન્સેક્સની ૪૧૮ પૉઇન્ટની આગેકૂચ, બજાર સર્વોચ્ચ સપાટીથી ફક્ત ૪૪૦ પૉઇન્ટ દૂર

Published : 14 June, 2023 02:47 PM | IST | Mumbai
Anil Patel

ક્રૂડ ત્રણ મહિનાના તળિયે જતાં પેઇન્ટ્સ શૅરોમાં ચમક આવી : ઍક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક નવી ટોચે, ફીનો પેમેન્ટ બૅન્ક પોણાસાત ટકા ઊછળી : સારા બજારમાંય એલઆઇસી માત્ર દોઢ રૂપિયો સુધરી, ઝી એન્ટર.માં સેબીના સપાટાની અસર પચાવાઈ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સ્મૉલ કૅપ, મિડ કૅપ, કૅપિટલ ગુડ્સ, રિયલ્ટી અને કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ નવા શિખરે : મુંબઈના જોગેશ્વરીની કૉમરેડ અપ્લાયન્સિસમાં ૬૯ ટકાનો તગડો લિસ્ટિંગ ગેઇન મળ્યો : એમઆરએફનો શૅર એક લાખ રૂપિયાનો થઈને પાછો પડ્યો, આઇનોક્સ વિન્ડ સાથેના મર્જરમાં આઇનોક્સ વિન્ડ એનર્જી વિક્રમી સપાટીએ જઈ ૨૫૫ રૂપિયા ઊછળી : ક્રૂડ ત્રણ મહિનાના તળિયે જતાં પેઇન્ટ્સ શૅરોમાં ચમક આવી : ઍક્સિસ બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક નવી ટોચે, ફીનો પેમેન્ટ બૅન્ક પોણાસાત ટકા ઊછળી : સારા બજારમાંય એલઆઇસી માત્ર દોઢ રૂપિયો સુધરી, ઝી એન્ટર.માં સેબીના સપાટાની અસર પચાવાઈ

ચાઇનીઝ મધ્યસ્થ બૅન્ક તરફથી શૉર્ટ ટર્મ પૉલિસી રેટ ઘટાડીને ૧.૯ ટકા કરાયો છે. આના પગલે ૨૦ જૂને મળનારી બેઠકમાં પ્રાઇમ રેટમાં નોંધપાત્ર ઘટાડાની ગણતરી શરૂ થઈ છે. ડૉલર સામે ચાઇનીઝ યુઆન ૭.૧૬ના છ માસના તળિયે ગયો છે. ધીમા પડતા અર્થતંત્રને ટેકો આપવા મોટા સ્ટિમ્યુલસ ડોઝની જરૂર છે. ચાઇનીઝ સત્તાવાળા અહીં કેટલી હિંમત દાખવે છે એ જોવું રહ્યું. દરમ્યાન એશિયન બજારો મંગળવારે પણ મૂડમાં રહ્યાં છે. જૅપનીઝ નિક્કી ૩૩,૧૨૭ની જુલાઈ ૧૯૯૦ પછીની ટૉપ બનાવી ૧.૮ ટકા ઊંચકાઈ ૩૩,૦૧૮ ઉપર બંધ થયો છે. તાઇવાનીઝ ટવેસી ઇન્ડેક્સ પણ ૧૭,૨૫૫ની લગભગ ૧૪ માસની ઊંચી સપાટીએ જઈ દોઢ ટકો વધીને ૧૭,૨૧૬ દેખાયો છે. હૉન્ગકૉન્ગ તથા થાઇલૅન્ડ અડધા ટકાથી વધુ તો સાઉથ કોરિયા અને ચાઇના સાધારણ પ્લસ હતાં. સામે સિંગાપોર અને ઇન્ડોનેશિયા નહીંવત્ ઘટ્યાં છે. યુરોપ રનિંગમાં લગભગ ફ્લૅટ હતું. બ્રેન્ટ ક્રૂડ ૭૩ ડૉલરની અંદર તથા નાયમેક્સ ક્રૂડ ૬૮ ડૉલરની નીચે ત્રણ માસના તળિયે આવી ગયું છે. 



ઘરઆંગણે સેન્સેક્સ આરંભથી અંત સુધી પૉઝિટિવ પકડ જાળવી રાખતાં ૪૧૮ પૉઇન્ટની આગેકૂચમાં ૬૩,૧૪૩ તથા નિફ્ટી ૧૧૫ પૉઇન્ટ ઊંચકાઈને ૧૮,૭૧૬ બંધ રહ્યો છે. બજારમાં વધ-ઘટની રેન્જ રાબેતા મુજબ ઘણી નાની કે સાંકડી રહી છે. સેન્સેક્સ નીચામાં ૬૨,૭૭૭ અને ઉપરમાં ૬૩,૧૭૭ થયો હતો. માર્કેટ બ્રેડ્થ સ્ટ્રૉન્ગ હતી. એનએસઈ ખાતે ૧૨૪૩ શૅર પ્લસ તો સામે ૮૩૧ કાઉન્ટર નરમ હતાં. સેન્સેક્સ નિફ્ટીના ૦.૬ ટકા જેવા સુધારા સામે મિડ કૅપ ઇન્ડેક્સ ૨૮,૦૦૨ની ઑલટાઇમ હાઈ બનાવી ૧.૨ ટકા વધી ૨૭,૯૮૯ તો સ્મૉલ કૅપ ઇન્ડેક્સ ૩૧,૯૦૫ની વિક્રમી સપાટી હાંસલ કરી પોણા ટકાથી વધુની મજબૂતીમાં ૩૧,૮૭૭ બંધ થયો છે. બ્રૉડર માર્કેટ ૫૦૧માંથી ૩૫૩ શૅર પ્લસમાં આપીને પોણો ટકો વધ્યું છે. સેક્ટોરલ્સમાં કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સ ૩૯,૫૪૫ની લાઇફ ટાઇમ ટૉપ બનાવી પોણો ટકો વધી ૩૯,૫૧૪ બંધ થયો છે. રિયલ્ટી ઇન્ડેક્સ ૪૧૮૦ની મલ્ટિયર ટૉપ મેળવી ત્રણ ટકાની તેજીમાં ૪૧૬૭ નજીક ગયો છે. કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી ઇન્ડેક્સ ૬૩૭૪નું શિખર હાંસલ કરીને એક ટકો વધી ૬૩૬૯ હતો. નિફ્ટી ઑટોની નહીંવત્ પીછેહઠ બાદ કરતાં બન્ને બજારનાં તમામ સેક્ટોરલ વધ્યાં છે. કન્ઝ્યુમર ડ્યુરે. ઇન્ડેક્સ તથા ટેલિકૉમ બેન્ચમાર્ક પોણાબે ટકા જેવા, મેટલ અને હેલ્થકૅર ઇન્ડેક્સ એક ટકો મજબૂત હતા. મુંબઈના જોગેશ્વરીની કૉમરેડ અપ્લાયન્સિસ શૅરદીઠ ૫૪ની ઇશ્યુ પ્રાઇસ સામે ૮૭ ખૂલી પાંચ ટકાની તેજીની સર્કિટમાં ૯૧ ઉપર બંધ થતાં અહીં ૬૯.૨ ટકા કે શૅરદીઠ ૩૭ રૂપિયાથી વધુનો લિસ્ટિંગ ગેઇન મળ્યો છે. 


અદાણીના ૧૦માંથી ૭ શૅર ડાઉન, એનડીટીવીમાં તેજીની સર્કિટ લાગી

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૯ અને નિફ્ટીના ૫૦માંથી ૩૬ શૅર પ્લસ હતા. નિફ્ટી ખાતે એનટીપીસી તથા એચડીએફસી લાઇફ યથાવત્ હતા. સેન્સેક્સમાં એશિયન પેઇન્ટ્સ ૨.૨ ટકા વધીને ૩૨૬૨ના બંધમાં મોખરે હતો. બાય ધ વે, બર્ગર પેઇન્ટ્સ સવાત્રણ ટકા, કન્સાઇ નેરોલેક સવાબે ટકા, એક્ઝો નોબલ સવા ટકો, સિરકા પેઇન્ટ્સ એક ટકો, ઇન્ડિગો પેઇન્ટ્સ પોણો ટકો વધ્યા છે. ટાઇટન બે ટકા, આઇટીસી બે ટકાની નજીક, તાતા સ્ટીલ દોઢ ટકો, બજાજ ફીનસર્વ ૧.૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૯૮૯ની ઑલટાઇમ હાઈ બનાવી સવા ટકો વધી ૯૮૬, હિન્દુસ્તાન યુનિલીવર-ઇન્ફી તથા બજાજ ફાઇ. એક-એક ટકો મજબૂત હતા. રિલાયન્સ દોઢ ટકો વધી ૨૫૨૦ના બંધમાં બજારને સર્વાધિક ૧૧૩ પૉઇન્ટ ફળ્યો છે. નિફ્ટી ખાતે તાતા કન્ઝ્યુમર ૨.૪ ટકા ઊંચકાઈ ૮૨૦ તથા સિપ્લા સવાબે ટકાની તાકાતમાં ૯૮૧ ઉપર બંધ આવ્યો છે. અન્યમાં ડિવીઝ લૅબ ૧.૪ ટકા, જેએસડબ્લ્યુ સ્ટીલ સવા ટકો, હિન્દાલ્કો એક ટકાથી વધુ પ્લસ હતા. કોટક મહિન્દ્ર બૅન્ક સવા ટકાની નબળાઈમાં ૧૮૫૬ બંધ આપી બન્ને બજારમાં વર્સ્ટ પર્ફોર્મર બની છે. મહિન્દ્ર ૦.૭ ટકા, એચસીએલ ટેક્નૉ ૦.૬ ટકા, અદાણી એન્ટર ૦.૯ ટકા, અદાણી પોર્ટ્સ ૦.૬ ટકા નરમ હતા. અદાણીના અન્ય શૅરમાં અદાણી પાવર દોઢ ટકા, અદાણી ટ્રાન્સ. એક ટકો નજીક, અદાણી ગ્રીન અડધા ટકાથી વધુ, અદાણી ટોટલ એક ટકાથી વધુ, અદાણી વિલ્મર પોણો ટકો ડાઉન હતા. એનડીટીવી પાંચ ટકાની ઉપલી સર્કિટે ૨૪૦ નજીક ગયો છે.  


એમઆરએફમાં ૪૮ વર્ષથી બોનસનો દુકાળ, તાતા મોટર્સનો ડીવીઆર નવી ટોચે 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૯ શૅરના સથવારે ૧૩૫ પૉઇન્ટ વધીને ૪૪,૦૮૦ નજીક બંધ રહ્યો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારામાં નજીવો વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૨૫ શૅર વધ્યા છે. કૅનેરા બૅન્ક જૈસે-થે હતી. ફીનો પેમેન્ટ બૅન્ક પોણાસાત ટકા ઊછળી ૨૩૨ થયો છે. ઉજ્જીવન બૅન્ક ચાર ટકા, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક ૨.૮ ટકા, બંધન બૅન્ક અને ઇક્વિટાસ બૅન્ક પોણાબે ટકા મજબૂત હતી. ઍક્સિસ બૅન્ક ઉપરાંત આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, ઇન્ડ્સઇન્ડ બૅન્ક ગઈ કાલે નવા બેસ્ટ લેવલે ગયા હતા. સાઉથ ઇન્ડિયન બૅન્ક પોણાત્રણેક ટકા ગગડી છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૦માંથી ૯૭ શૅરના સુધારામાં અડધો ટકો વધ્યો છે. ૩૬૦ વન, મેક્સ વેન્ચર્સ, આઇઆઇએફએલ, પૉલિસી બાઝાર, કેફીન ટેક, ઇન્ડિયા બુલ્સ હાઉસિંગ, સ્પંદન સ્ફૂર્તિ ત્રણથી સાડાચાર ટકા મજબૂત હતા. પેટીએમ અઢી ટકા વધી ૮૩૩ થયો છે. પીએનબી હાઉસિંગ અઢી ટકા વધી ૫૭૫ની વર્ષની ટોચે બંધ થયો છે. સારા બજારમાંય એલઆઇસી દોઢ રૂપિયાના મામૂલી સુધારામાં ૫૯૯ નીચે જોવાયો છે. 

બીએસઈનો ઑટો ઇન્ડેક્સ ૩૩,૮૧૫ના લેવલે યથાવત્ હતો. તાતા મોટર્સ સાધારણ ઘટ્યો છે, પરંતુ એનો ડીવીઆર સવાત્રણ ટકા વધી ૩૦૯ના શિખરે બંધ રહ્યો છે. એમઆરએફ છ આંકડે પહોંચનારી દેશની સર્વપ્રથમ કંપની બનતાં ભાવ ૧,૦૦,૩૦૦ની ઑલટાઇમ હાઈ થયા પછી છેવટે એક ટકો કે ૧૦૪૮ રૂપિયા વધી ૯૯,૯૮૭ ઉપર બંધ રહ્યો છે. ૧૦ના શૅરની બુકવૅલ્યુ ૩૪,૬૭૮ રૂપિયા છે. કંપનીએ ૪૮ વર્ષથી બોનસ આપ્યું નથી. છેલ્લે એપ્રિલ ૧૯૭૫માં બે શૅરદીઠ એક બોનસ આવ્યું હતું. ચાર્ટવાળાને અહીં એક લાખ વીસ હજારનો ભાવ હવે દેખાય છે. જોકે ઍનલિસ્ટો ૮૪,૦૪૭ના ટાર્ગેટથી બેરિશ વ્યુ આપે છે.

સુભાષ ગોએલ ઍન્ડ સન્સ પર સેબીનો સપાટો, શૅર ગગડી પાછો ફર્યો 

ઝી ગ્રુપના પ્રમોટર્સ સેબીના સપાટે ચડ્યા છે. ઝી એન્ટર સહિત અન્ય ગ્રુપ કંપનીઓમાંથી ભંડોળ તેમ જ એસેટ્સની ઉચાપત કરવાના આરોપ સાથે સેબીએ સુભાષચંદ્ર ગોએલ અને પુનીત ગોબેન્કા પર કોઈ પણ લિસ્ટેડ કંપનીમાં ડિરેક્ટર કે મૅનેજમેન્ટમાં ચાવીરૂપ હોદ્દો ધરાવવાની માનઈ ફરમાવી દીધી છે. ઝી ગ્રુપ સેબીના આ આદેશ સામે સ્ટેમાં જવાનું છે. સુનાવણી ૧૫ જૂને છે. સુભાષ ગોએલ ઍન્ડ ફૅમિલીનું હોલ્ડિંગ ઝી એન્ટરમાં ચાર ટકા, ઝી મિડિયામાં સવાચાર ટકા, ડીશ ટીવીમાં ૪ ટકા, ઝી લર્નમાં ૧૫ ટકાનું છે. આટલા નજીવા હોલ્ડિંગ છતાં સુભાષ ગોએલ ઍન્ડ સન્સ કંપનીના પ્રમોટર્સ થઈને જલસા મારે છે. આ એક પ્રકારની કૉર્પોરેટ ભાઈગીરી છે. ગઈ કાલે ઝી એન્ટરનો શૅર નીચામાં ૧૮૨ થઈ છેલ્લે ૯.૪ ટકા ઘટી ૧૯૪, ઝી મિડિયા સવાબે ટકા ઘટી ૮ રૂપિયા, ઝી લર્ન ત્રણ રૂપિયાના લેવલે જૈસે-થે તથા ડીશ ટીવી ૫.૭ ટકા ઊંચકાઈ સાડાચૌદ આસપાસ બંધ રહ્યો છે. દરમ્યાન આઇનોક્સ વિન્ડ એનર્જીનું આઇનોક્સ વિન્ડમાં મર્જર નક્કી થયું છે. આઇનોક્સ વિન્ડના ૧૦ શૅરદીઠ આઇનોક્સ વિન્ડના ૧૫૮ શૅર બદલામાં અપાશે. આ જાહેરાત પાછળ આઇનોક્સ વિન્ડનો શૅર સાડાત્રણ ટકા ઘટી ૧૪૦ ઉપર બંધ થયો છે, પણ આઇનોક્સ વિન્ડ એનર્જી ૨૧૫૦ની વિક્રમી સપાટી બનાવી ૧૪ ટકા કે ૨૫૫ની તેજીમાં ૨૦૬૭ બંધ હતો. 

લોઢાની મેક્રોટેક તગડા ઉછાળે નવી ટોચે, ઓરેકલમાં ૨૦૧ રૂપિયાની મજબૂતી 

આઇટી બેન્ચમાર્ક ૫૯માંથી ૩૪ શૅરના સુધારે અડધો ટકો વધ્યો છે. તાન્લા પ્લૅટફૉર્મ ૧૬.૪ ટકા કે ૧૩૬ની તેજીમાં ૯૬૪ તો ઓરેકલ ૩૮૩૭ના શિખરે જઈ ૫.૬ ટકા કે ૨૦૧ના જમ્પમાં ૩૭૯૪ બંધ હતા. ઓરિઅન-પ્રો સાડાચાર ટકાની મજબૂતીમાં ૯૧૫ના બેસ્ટ લેવલે બંધ થયો છે. બ્રાઇટકોમમાં ઉપલી સર્કિટ ચાલુ છે. ન્યુકલીઅસ સવાપાંચ ટકા લથડીને ૧૧૧૫ હતો. કેપીઆઇટી ટેક્નૉ ૪.૩ ટકા ગગડી ૧૦૯૨ રહ્યો છે. ફ્રન્ટલાઇનમાં ઇન્ફી એક ટકો અને ટેક મહિન્દ્ર સામાન્ય સુધર્યા છે. એચસીએલ ટેક્નૉ અડધા ટકાથી વધુ, ટીસીએસ નહીંવત્ અને વિપ્રો નામકે વાસ્તે નરમ હતો. ટેલિકૉમમાં તાતા કમ્યુ. ૧૬૧૫ની ટોચે જઈ આઠ ટકા કે ૧૧૯ના ઉછાળે ૧૫૯૭ થઈ છે. એમટીએનએલ ૪.૪ ટકા અને વોડાફોન ૨.૮ ટકા રણકી છે. ટીવી-૧૮ સાડાચાર ટકા અને નેટવર્ક-૧૮ પોણાબે ટકા પ્લસ હતા. 

રિયલ્ટીમાં લોઢાની મેક્રોટેક ૧૦.૮ ટકાની તેજીમાં ૬૭૯ના બેસ્ટ લેવલે બંધ રહી છે. શોભા સવાચાર ટકા, ડીએલએફ અને ગોદરેજ પ્રૉપર્ટીઝ અઢી ટકા, પ્રેસ્ટિજ એસ્ટેટ તથા ઑબેરૉય રિયલ્ટી બે ટકાથી વધુ પ્લસ હતા. આરડીબી રિયલ્ટી ૨૦ ટકાના ઉછાળે ૬૮ની ટોચે ગયો છે. કૅપિટલ ગુડ્સમાં એબીબી ૪૩૨૯ના શિખરે જઈ ૧૭૨ રૂપિયા કે ૪.૨ ટકા ઊંચકાઈ ૪૩૨૨ હતો. સિમેન્સ બે ટકા, ભારત ઇલે. અઢી ટકા, એલ્જી ઇક્વિપ સાડાત્રણ ટકા વધ્યા છે. લાર્સન ૦.૭ ટકા વધી ૨૩૫૫ થયો છે. શિપ બિલ્ડિંગમાં ગાર્ડન રિચ ૫૭૩ની ટૉપ બનાવી નજીવો ઘટી ૫૬૩ હતો. માઝગાવ ડોક પોણો ટકો અને કોચીન શિપયાર્ડ સવા ટકો ઘટ્યા છે. હરિયાણા શિપબ્રેકર્સ સવાપંદર ટકાના જમ્પમાં ૮૧ વટાવી ગયો છે. હિન્દુ. ઍરોનૉટિક્સ એકાદ ટકો ઘટી ૩૬૫૦ તો ભારત ડાયનેમિક્સ પોણાબે ટકા ઘટી ૧૧૧૯ હતો.  

Whatsapp-channel Whatsapp-channel

14 June, 2023 02:47 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK