Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > એ ભાઈ, જરા દેખ કે ચલો

એ ભાઈ, જરા દેખ કે ચલો

06 March, 2023 03:45 PM IST | Mumbai
Jayesh Chitalia

રાજ્યોમાં બીજેપીની જીતે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલ્યું છે, છતાં યુએસ ફેડ અને રિઝર્વ બૅન્ક પર વ્યાજદર સંબંધી નજર રહેવાની હોવાથી માર્કેટ ઉપર-નીચે થયા કરવાનું છે

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતિકાત્મક ફાઇલ તસ્વીર


બજારની ચાલ ‘મેરા નામ જોકર’નું ગીત યાદ કરાવે છે, ‘એ ભાઈ, જરા દેખ કે ચલો, આગે ભી નહીં, પીછે ભી, ઉપર ભી નહીં, નીચે ભી...’ અદાણી પ્રકરણે વળાંક લઈ લીધો કે આ કામચલાઉ પ્રતિભાવ છે? એના સ્ટૉક્સ તો રિકવરી પથ પર આવતા જાય છે. બીજી બાજુ કેટલાંક રાજ્યોમાં બીજેપીની જીતે પણ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલ્યું છે, છતાં યુએસ ફેડ અને રિઝર્વ બૅન્ક પર વ્યાજદર સંબંધી નજર રહેવાની હોવાથી માર્કેટ ઉપર-નીચે થયા કરવાનું છે

સપ્તાહની શરૂઆત નબળી અને નેગેટિવ થઈ, ઇન્ડેક્સને નીચે દોડવું છે અને ઢાળ મળતો જાય છે એવી દશા દેખાતી હતી. નબળા ગ્લોબલ સંકેત અને વેચવાલીનું દબાણ ઘટાડા માટે કારણભૂત રહ્યું હતું. જોકે માર્કેટ વધુ પ્રમાણમાં ઘટ્યા બાદ રિકવર થતાં અંતમાં સેન્સેક્સ ૧૭૫ પૉઇન્ટ અને નિફટી ૭૩ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. માર્કેટ કરેક્શનનો આ સતત સાતમો દિવસ હતો અને આ દિવસે મૂડીધોવાણ બે લાખ કરોડ રૂપિયા ઉપર થયું હતું. મંગળવારે કરેક્શનનો આઠમો દિવસ હતો. નબળા ગ્લોબલ ઇશારા અને વેચવાલીના પ્રેશરમાં તેમ જ ઇન્ડેક્સ હેવીવેઇટ સ્ટૉક્સની વીકનેસ સાથે સેન્સેક્સ ૩૨૬ પૉઇન્ટ અને નિફટી ૮૮ પૉઇન્ટ નીચે ઊતરી ગયા હતા. વ્યાજદરના વધારાની શક્યતા માથે લટકતી હોવાની પણ અસર હતી.



આર્થિક ડેટાના સંકેત


દેશના જીડીપીના જાહેર થયેલા ઑક્ટોબરથી ડિસેમ્બર માટેના આંકડા નિરાશાજનક રહ્યા હતા, જીડીપી દર અગાઉના ક્વૉર્ટરના ૬.૩ ટકાની સામે ઘટીને ૪.૪ ટકા આવ્યો હતો. ગ્લોબલ સ્લો ગ્રોથની અસર પણ સતત છવાયેલી રહી છે. જોકે કોર સેક્ટરના ગ્રોથના આંકડા સુધારાતરફી આવ્યા હતા. બીજી બાજુ ફિસ્કલ ડેફિસિટ વધી છે. આવા મિશ્ર ટોન વચ્ચે બુધવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરી હતી. નોંધનીય વાત એ હતી કે મંગળ અને બુધવારે અદાણીના સ્ટૉક્સમાં ઘટાડો અટકીને સુધારો જોવા મળ્યો હતો, એટલું જ નહીં, બુધવારે તો અદાણીના દસેદસ સ્ટૉક્સમાં રિકવરી સાથે એનું માર્કેટ કૅપ વધ્યું હતું. આ સાથે ઓવરઑલ માર્કેટમાં રિકવરીનો જબરદસ્ત માહોલ બની જતાં સેન્સેક્સે ૪૪૯ પૉઇન્ટનો અને નિફ્ટીએ દોઢસો પૉઇન્ટનો જમ્પ માર્યો હતો. રોકાણકારની મૂડીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. બુધવારની સાંજે જીએસટી કલેક્શનના ફિગર પણ પ્રોત્સાહક આવ્યા હતા. આ કલેક્શન ગયા વર્ષના ફેબ્રુઆરી સામે ૧૨ ટકા વધીને દોઢ લાખ કરોડ રૂપિયા થયું હતું. જોકે એ ગયા મહિને જાન્યુઆરીમાં ૧.૫૭ લાખ કરોડ રૂપિયા નોંધાયું હતું. અલબત્ત, આ વખતે સેસની રકમનું કલેક્શન ઊંચું રહ્યું હતું. ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ સ્થિર રહ્યો હતો. આમ દેશના આર્થિક ડેટા વધતે ઓછે અંશે પૉઝિટિવ રહ્યા છે. દરમ્યાન ચીનમાં કંઈક અંશે રિકવરીના સંકેત દેખાયા હોવાથી પણ બુધવારે માર્કેટમાં પૉઝિટિવ કરન્ટ હતો. 

મૂડીખર્ચ અને વિકાસ


ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતનો ગ્રોથ રેટ ૨૦૨૩ માટે વધારીને ૫.૫ ટકા અંદાજ્યો છે, જેનો અગાઉ અંદાજ ૪.૮ ટકા મુકાયો હતો, પરંતુ સરકારના ઊંચા મૂડીખર્ચના નિર્ણય બાદ આ અંદાજ વધારવામાં આવ્યો છે. બજેટમાં થયેલી જાહેરાત મુજબ સરકાર ૧૦ લાખ કરોડ રૂપિયાનો મૂડીખર્ચ કરવાનું લક્ષ્ય ધરાવે છે. આ રકમ જીડીપીના ૩.૩ ટકા જેટલી છે, જેને પગલે ૨૦૨૪માં જીડીપી ગ્રોથ રેટ ૭ ટકા આસપાસ થઈ શકે છે. સરકારી મૂડીખર્ચ સાથે ખાનગી ક્ષેત્રનો મૂડીખર્ચ પણ વધી શકે છે, જેને પરિણામે રોજગારસર્જન વધશે અને ડિમાન્ડ વધશે એવી આશા ચોક્કસ રાખી શકાય. વૈશ્વિક રોકાણ સંસ્થા મૉર્ગન સ્ટૅનલીના મતે ભારતની હાઉસહોલ્ડ સેવિંગ-ઇન્વેસ્ટમેન્ટને કારણે તેમ જ કૅપિટલ એક્સપેન્ડિચરને લીધે ભારતની કન્ઝમ્પ્શન ગ્રોથ સ્ટોરી મજબૂત બનશે તથા રોજગારસર્જનને પણ બૂસ્ટ મળશે. 

વ્યાજના ભયે ૫૦૦ પૉઇન્ટ ડાઉન

જોકે ગુરુવારે માર્કેટે આગલા દિવસની રિકવરી સામે તરત જ કરેક્શન બતાવવાનું શરૂ કર્યું અને બુધવારની રિકવરીને ધોઈ નાખી. સેન્સેક્સ ૫૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૧૩૦ પૉઇન્ટ નીચે લાવી દીધો હતો. ગ્લોબલ સંજોગોમાં મિશ્ર વલણ હતું, બાકી માર્કેટમાં ભારે વેચવાલીનું દબાણ હતું. ફેડરલ રિઝર્વ હજી વ્યાજવધારા માટે સજ્જ થયું છે, જેથી હવે પછી રિઝર્વ બૅન્ક શું સ્ટૅન્ડ લે છે એના પર નજર રહેશે. ફેડનો વ્યાજવધારો ૬ ટકા સુધી જવાની ચર્ચા છે. આરબીઆઇ સંભવતઃ પા ટકો વધારો કરે અથવા જે છે એને જાળવી રાખે એવી ધારણા છે. ભારતમાં યુએસ કરતાં સંજોગો જુદા હોવાથી વ્યાજ માટેનું સ્ટૅન્ડ જુદું રહી શકે. 

સેન્ટિમેન્ટથી ૧૦૦૦ પૉઇન્ટ અપ

શુક્રવાર બજાર માટે ફરી મંગળમય બની ગયો હતો, જેનું મુખ્ય કારણ બીજેપીની અમુક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીત હતું તેમ જ બદલાયેલું માર્કેટ સેન્ટિમેન્ટ હતું. અદાણીના સ્ટૉક્સમાં વિદેશી કંપનીએ કરેલી મોટી ખરીદીનું પરિબળ પણ ભળ્યું હતું. અમેરિકા સ્થિત બોટિક ઇન્વેસ્ટમેન્ટ કંપની જીક્યુજીએ અદાણી ગ્રુપની ૪ કંપનીઓની કુલ ૧૫૪૪૬ કરોડ રૂપિયાની ઇક્વિટી ખરીદીનો કરાર કર્યો છે. આ ચાર કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એનર્જીનો સમાવેશ છે. પરિણામે શરૂઆતના બેથી અઢી કલાકમાં જ સેન્સેક્સ ૮૦૦ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫૦ પૉઇન્ટ ઊછળ્યા હતા. એક તબક્કે સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ સુધી ઊંચે ગયો હતો. આખરમાં એ ૯૦૦ પૉઇન્ટ વધીને અને નિફ્ટી ૨૭૨ પૉઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. રોકાણકારોની મૂડીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાથી વધુ વૃદ્ધિ થઈ હતી. હવે આ સપ્તાહમાં બજાર ફરી રિકવરી આગળ વધારશે કે કરેક્શન એની ધારણા કઠિન છે, કેમ કે યુએસ ફેડના વ્યાજદર માટેની મીટિંગ પર નજર રહેશે. આ નિર્ણયની અસર બજાર પર પડશે. આવી જ નજર રિઝર્વ બૅન્ક પર પણ રહેશે. આ સંજોગોમાં બજારની ચાલ ઉપર-નીચે થયા કરશે. ગ્લોબલ માહોલ સ્થિરતા ટકવા દેશે નહીં. અદાણીમાં રિકવરી કેટલી ચાલશે એના પર પણ ધ્યાન આપવું જોઈશે, કારણ કે સેબીની તપાસ બાદ પણ રિયલ પિક્ચર ક્લિયર થશે કે નહીં એ સવાલ છે. બાકી જેમને દેશના આર્થિક સંજોગોના સુધારાનો દોર ચાલુ છે અને રહેશે એ સમજાય અને વિશ્વાસ બેસે તેમણે શું કરવું જોઈએ એ કહેવાની જરૂર નથી. 

 સુપ્રીમ કોર્ટ અને અદાણી

અદાણીના સ્ટૉક્સમાં બુધવારે, ગુરુવારે અને શુક્રવારે સતત રિકવરી જોવા મળી હતી. એક તો સુપ્રીમ કોર્ટે સેબીને અદાણી પ્રકરણમાં કોઈ કાયદા-નિયમોનું ઉલ્લંઘન થયું છે કે નહીં એની તપાસ કરવાનો આદેશ આપ્યો છે તેમ જ બે મહિનામાં તપાસનો અહેવાલ સુપરત કરવાનું જણાવ્યું છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે માર્કેટ વૉલેટિલિટીમાં રોકાણકારોના રક્ષણ માટે રેગ્યુલેટરી માળખું મજબૂત કરવા વિશે ભલામણો કરવા સંદર્ભે એક સ્વતંત્ર સમિતિની રચના કરવાનું પણ કહ્યું છે. દરમ્યાન રોકાણકારોનો કૉન્ફિડન્સ પાછો મેળવવા અદાણી ગ્રુપે લંડન, દુબઈ અને યુએસનાં ચોક્કસ શહેરોમાં ફિક્સ્ડ ઇન્કમ રોડ શો પણ પ્લાન કર્યો છે, જ્યાં તેઓ ઇન્વેસ્ટર્સ વર્ગને સંબોધશે.

Whatsapp-channel Whatsapp-channel

06 March, 2023 03:45 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK