Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > વૈશ્વિક સંજોગોને લીધે માર્કેટમાં રિકવરી અને કરેક્શન ઊઠક-બેઠક રમ્યા કરે છે

વૈશ્વિક સંજોગોને લીધે માર્કેટમાં રિકવરી અને કરેક્શન ઊઠક-બેઠક રમ્યા કરે છે

Published : 08 May, 2023 02:43 PM | IST | Mumbai
Jayesh Chitalia

ગયા સપ્તાહે આપણે પ્રૉફિટ બુકિંગની સંભાવના વ્યક્ત કરી હતી, એને બદલે સપ્તાહની શરૂઆત વધુ સુધારા સાથે થઈ. જોકે સપ્તાહનો અંત કરેક્શન સાથે થયો, જેમાં વિવિધ કારણો સાથે નફા-બુકિંગનું કારણ આવ્યું ખરું. નવા સપ્તાહમાં આવો જ ટ્રેન્ડ ચાલુ રહે તો નવાઈ નહીં

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

સ્ટૉક ટ્રેન્ડ

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)


વીતેલા સપ્તાહનો પ્રથમ દિવસ રજાથી શરૂ થયો હતો. જ્યારે કે બીજા દિવસે મંગળવારે શુભ શરૂઆત થઈ હતી. જીએસટી કલેક્શનના નવા ઊંચા રેકૉર્ડે કલેક્શને પૉઝિટિવ અસર કરી હતી. આર્થિક વિકાસના વધુ સંકેતો આંકડારૂપે બહાર આવ્યા હતા. એપ્રિલમાં જીએસટીની વસૂલી ગયા વરસના સમાન ગાળાની સામે ૧૨ ટકા વધીને ૧.૮૭ લાખ કરોડ રૂપિયાના વિક્રમી આંક પર પહોંચી હતી. એ જ રીતે પર્ચેઝિંગ મૅનેજર્સ ઇન્ડેક્સ ૫૭.૨ થઈને ચાર મહિનાની ઊંચાઈએ હતો. કોલસાનું ઉત્પાદન, ફ્યુઅલ (પેટ્રોલ અને ડીઝલ) ડિમાન્ડ અને ઑટો સેલ્સમાં સુધારો નોંધાયો હતો. કૉર્પોરેટ પરિણામોની અને આર્થિક સંકેતોની સારી અસરે સેન્સેક્સ ૨૪૨ પૉઇન્ટ અને નિફ્ટી ૮૨ પૉઇન્ટના સુધારા સાથે બંધ રહ્યો હતો. આમ માર્કેટ મોમેન્ટમ ચાલુ રહ્યું હતું. બ્રૉડબેઝ્ડ માર્કેટમાં પણ સુધારો હતો. મોટા ભાગના સેક્ટરલ ઇન્ડેક્સ પણ રિકવરી ટ્રેન્ડમાં રહ્યા હતા. બીજી બાજુ યુએસમાં વધુ એક બૅન્કે ઊઠમણું નોંધાવ્યું હતું, જ્યારે કે ભારતમાં ગો ફર્સ્ટ ઍરલાઇન્સે બૅન્કરપ્ટસી (નાદારી) નોંધાવી હતી. આ કંપની સખત નાણાભીડનો સામનો કરી રહી છે. દરમ્યાન દેશમાં એપ્રિલમાં બેરોજગારીનો દર માર્ચના ૭.૮ ટકાની સામે વધીને ૮.૧૧ ટકા થયો હતો, જે ચાર મહિનાની ઊંચી સપાટીએ હતો. અર્બન બેરોજગારીનું પ્રમાણ પણ વૃદ્ધિતરફી હતું. જોકે ગ્રામ્ય રોજગારીમાં વૃદ્ધિ થઈ હતી. રોકાણકારોની નજર ૩ મેએ ફેડરલ રિઝર્વની મળનારી મીટિંગ પર હતી.  

એફઆઇઆઇનો બદલાયેલો અભિગમ



ભારતીય માર્કેટે એપ્રિલમાં પૉઝિટિવ ટર્ન લેવાનાં કારણોમાં મુખ્યત્વે એફઆઇઆઇનો બદલાયેલો અભિગમ રહ્યો છે, જે લાંબા સમય સુધી નેટ સેલર્સ રહ્યા બાદ નેટ બાયર્સ બન્યા છે, જેનું કારણ વૅલ્યુએશન વાજબી બન્યા હોવા ઉપરાંત રૂપિયાનો ડૉલર સામે થયેલો સુધારો પણ ગણાય છે. આ સાથે ભારતીય અર્થતંત્રના વિકાસના બહેતર સંકેત પણ ખરા. માર્કેટનો અન્ડરકરન્ટ બુલિશ બનતો ગયો છે. ખાસ કરીને એશિયા માર્કેટ્સ સામે ભારતીય માર્કેટ ઘણું આકર્ષક બન્યું છે.  


બુધવારે માર્કેટે કરેક્શનથી આરંભ કર્યો હતો. કરેક્શન બાદ થોડી રિકવરી થઈ, પરંતુ અંતમાં સેન્સેક્સ ૧૬૧ પૉઇન્ટ અને નિફ્ટી ૫૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યાં હતાં. જોકે સ્મૉલ અને મિડ કૅપમાં સુધારો હતો. સતત નવ દિવસના અપવર્ડ ટ્રેન્ડ બાદ પ્રૉફિટ બુકિંગનો સમય પાકી ગયો હતો. દરમ્યાન યુએસ રિસેશન સુધી પહોંચી ગયું હોવાના અહેવાલ નક્કર બનતા જાય છે. ગ્લોબલ સંકેત નબળાઈના નિર્દેશ કરી રહ્યા છે. આપણો દેશ એકમાત્ર વિકાસના પથ પર આગળ વધી રહ્યો છે, પણ ગ્લોબલ સંજોગોની અસરથી ભારત સાવ મુક્ત રહે એવું બની શકે નહીં. કોઈ અસર સારી તો કોઈ અસર બૂરી પણ હોઈ શકે છે. રોકાણકારોએ લૉન્ગ ટર્મ સ્ટોરીને ધ્યાનમાં રાખી આગળ વધવામાં જ શાણપણ રહેશે. 

ફેડના વધારા બાદ પણ માર્કેટ ઊંચકાયું


ગુરુવારે માર્કેટે ફ્લૅટ શરૂઆત બાદ રિકવરી માર્ગે આગળ વધ્યું હતું. ફેડરલ રિઝર્વની ૨૫ બેસિસ પૉઇન્ટના વ્યાજવધારાની જાહેરાત થઈ ચૂકી હતી, આ વધારાનો દોર ચાલુ રહે એવા સંકેત હતા. આ સાથે ફેડરલ રિઝર્વ હવે એકાદ વિરામ લે એવી પણ શક્યતા ચર્ચાતી હતી, પરંતુ પૉલિસી કડક રહેવાનું નક્કી છે. યુએસમાં વધુ બે બૅન્ક તકલીફમાં હોવાનું બહાર આવવા ઉપરાંત રિસેશનના ટેન્શનનો દોર ચાલુ રહ્યો હોવાથી ગ્લોબલ સ્તરે પણ તનાવ તો ખરો જ. બીજી બાજુ બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ પણ વ્યાજવધારો ચાલુ રાખે એવી સંભાવના વ્યક્ત થઈ હતી. જોકે એફઆઇઆઇની ખરીદીને આધારે ભારતીય સ્ટૉક માર્કેટમાં વૃદ્ધિ ચાલુ રહી હતી, સેન્સેક્સ ૫૫૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૬૬ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા.

કરેક્શનને નક્કર કારણ મળ્યાં

શુક્રવારે જેની જરૂર હતી એ થયું, માર્કેટમાં પ્રૉફિટ બુકિંગ આવ્યું. સેન્સેક્સ ૬૧,૦૦૦ને પાર કરવા તરફ આગળ વધી રહ્યો હતો, ત્યાં કરેક્શન આકાર પામ્યું. યુએસ ઇકૉનૉમી પણ આનું એક કારણ બની હતી. જોકે છેલ્લા અમુક દિવસોથી વિદેશી રોકાણકારોની ખરીદીનું જોર ચાલુ જ રહ્યું હતું, જ્યારે સ્થાનિક ફન્ડ્સ દ્વારા વેચવાલી જોવાઈ હતી. રૂપિયાનો અને ભારતીય ઇકૉનૉમીનો સુધારો વિદેશી રોકાણ પ્રવાહની વૃદ્ધિ માટે કારણભૂત રહી હતી. આરંભ સાથે જ સેન્સેક્સે ૪૦૦ પૉઇન્ટનો કડાકો નોંધાવ્યો હતો. ફેડરલ રિઝર્વનો રેટ હાઇકનો સિલસિલો હજી ચાલુ છે ત્યાં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પણ વ્યાજવધારો જાહેર કરી દીધો હતો અને હજી વધારવાના સંકેત પણ આપ્યા હતા. વૉલ સ્ટ્રીટમાં બૅન્કિંગ ક્રાઇસિસના ભયને પરિણામે વેચવાલીનું જોર હતું. વધુમાં એચડીએફસીના મર્જર બાદ ફન્ડ આઉટફ્લૉના ડરને પરિણામે ભારે વેચવાલી આ સ્ટૉક્સમાં આવવાથી ઇન્ડેક્સને વધુ અસર પડી હતી. સેન્સેક્સ ૬૯૫ પૉઇન્ટ અને નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ તૂટી ગયા હતા. સપ્તાહના અંતે પ્રૉફિટ બુકિંગે પણ માર્કેટને નીચે લઈ જવાની ભૂમિકા ભજવી હતી. નવા સપ્તાહમાં પણ ગ્લોબલ પરિબળોની અસર વધુ કામ કરશે. બજારનું ચાલકબળ એફઆઇઆઇ બની રહેશે. બાકી તો વૈશ્વિક સંજોગોની અનિશ્ચિતતામાં બજારમાં રિકવરી અને કરેક્શન વચ્ચે ઊઠક-બેઠકની રમત ચાલ્યા કરે છે. 

આઇપીઓમાં ૫૦ ટકાનો ઘટાડો

નાણાકીય વર્ષ ૨૦૨૨-’૨૩માં આઇપીઓ માટેના ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ્સ ફાઇલિંગમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે. જિયોપૉલિટિકલ ટેન્શન, હાઈ વૅલ્યુએશન, વ્યાજદરો, નબળું સેન્ટિમેન્ટ વગેરે એનાં કારણ રહ્યાં છે. ગયા નાણાકીય વર્ષના ૫૩ આઇપીઓ સામે આ વર્ષ ૨૦૨૨-’૨૩માં ૩૪ આઇપીઓ આવ્યા. માર્કેટની દશા અને દિશા જોઈ સારા ભાવ નહીં મળે એવી ધારણા સાથે કેટલીક કંપનીઓએ હાલ આઇપીઓ લાવવાનો વિચાર પડતો મૂક્યો છે અને ઘણી કંપનીઓએ સબમિટ કરેલાં પેપર્સ પાછાં ખેંચી લીધાં છે. તાજેતરના દિવસોમાં આવેલા ૧૧ આઇપીઓમાંથી ૧૦ આઇપીઓના સ્ટૉક્સ એની ઑફર પ્રાઇસ કરતાં નીચે બોલાય છે. આ અસર સંભવતઃ ગ્લોબલ બૅન્કિંગ ક્રાઇસિસને લીધે ખરડાયેલા માર્કેટ સેન્ટિમેન્ટની હોય શકે છે. રોકાણકારોએ આ બાબતને ધ્યાનમાં લેવા જેવી છે. 

મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેત

ગો ફર્સ્ટ કંપની નાદારીમાં જતાં એમાં બૅન્ક ઑફ બરોડા, ઍક્સિસ બૅન્ક અને આઇડીબીઆઇ બૅન્ક સહિતની કેટલીક બૅન્કોની ૬૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ અટવાઈ છે. 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઈડી)એ મનાપુરમ ફાઇનૅન્સ કંપનીની વિવિધ શાખાઓ પર દરોડા પાડ્યા છે, જેમાં મની લૉન્ડરિંગ વિશે તપાસ થઈ રહી છે. આ એનબીએફસીએ રિઝર્વ બૅન્કના નિયમના ઉલ્લંઘન સાથે ૧૫૦ કરોડ રૂપિયાની ડિપોઝિટ ઊભી કરી છે.

ભારતીય માર્કેટે એપ્રિલમાં ગ્લોબલ પિયર્સ સામે બહેતર કામગીરી બજાવી છે, ભારતની ઇક્વિટી માર્કેટને આશરે ૧.૩ અબજ ડૉલરનો રોકાણ પ્રવાહ પ્રાપ્ત થયો છે. 
ભારતના ફૉરેન એકસચેન્જ રિઝર્વમાં ૪.૫૩ અબજ ડૉલરની વૃદ્ધિ થઈ છે, જે રૂપિયા માટે પણ સારી નિશાની છે.

Whatsapp-channel Whatsapp-channel

08 May, 2023 02:43 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK