Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૭૦૦ પૉઇન્ટ્સનો કડાકો, નિફટી ૧૮,૧૦૦ની નીચે બંધ

સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં ૭૦૦ પૉઇન્ટ્સનો કડાકો, નિફટી ૧૮,૧૦૦ની નીચે બંધ

Published : 06 May, 2023 05:05 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઈડીની ઍક્શન બાદ મણ્ણપુરમ ફાઇનૅન્સ ૧૧ ટકા ડાઉન

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


એચડીએફસી ટ‍્વિન્સને લીધે સેન્સેક્સના આશરે ૬૫૦ પૉઇન્ટ્સ સાફ : બૅન્ક નિફ્ટીમાં ૧૦૦૦ પૉઇન્ટ્સનો કડાકો : નબળા બજાર વચ્ચે રાણે ગ્રુપ સ્ટૉક્સમાં ખરીદી : ઈડીની ઍક્શન બાદ મણ્ણપુરમ ફાઇનૅન્સ ૧૧ ટકા ડાઉન : માત્ર ઑટો, એફએમસીજી, કન્ઝ્‍યુમર ડ્યુરેબલ્સ ઇન્ડેક્સ વધ્યા : એમઆરએફનું કાઉન્ટર ઑલટાઇમ હાઈ પર બંધ : બીએસઈ સ્થિત ૧૨૯ સ્ટૉક્સ વર્ષના શિખરે : ટાઇટન બે ટકાના જમ્પ સાથે સેન્સેક્સ-નિફ્ટીમાં ટૉપ ગેઇનર પુરવાર થયો, રેલવે સ્ટૉક્સ ફુલ સ્પીડમાં ભાગ્યા

બૅન્કિંગ સંકટની ચિંતાઓ વચ્ચે ગુરુવારે સતત ચોથા સેશનમાં યુએસ માર્કેટ ઘટી હતી, જે સાથે ડાઉ જોન્સે વર્તમાન કૅલેન્ડર યરનો અત્યાર સુધીનો સંપૂર્ણ વધારો ગુમાવી દીધો હતો. છેલ્લાં ૪ સેશનમાં ડાઉ જોન્સે આશરે ૧૦૦૦ પૉઇન્ટ્સ ગુમાવ્યા છે. અમેરિકામાં બૅન્કિંગ સંકટને લીધે સેન્ટિમેન્ટ ખરડાયું છે. ગુરુવારે અમેરિકાની નાની બૅન્કો જેમ કે પીએસી વેસ્ટ ૫૦ ટકા, વેસ્ટર્ન અલાયન્સ ૩૮ ટકા, ફર્સ્ટ હોરાઇઝોન ૩૩ ટકા, કોમેરિકા અને ઝિઓન બૅન્કોર્પ ૧૨ ટકા ડાઉન થયા હતા. માર્કેટના જાણકારોના મતે ડિપોઝિટરો દ્વારા બૅન્કમાંથી નાણાં પાછાં ખેંચાતાં આગામી સમયમાં યુએસ ખાતે બૅન્કિંગ સંકટ હજી પણ વધવાની આશંકા છે. અધૂરામાં પૂરું, ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા વ્યાજદરમાં પા ટકાનો વધારો કરવામાં આવ્યો હતો અને આગામી સમયમાં પણ ઈસીબી વ્યાજદરમાં વધારો કરે એવાં એંધાણ છે. ગ્લોબલ માર્કેટના નબળા સંકેત વચ્ચે સ્થાનિક માર્કેટમાં પણ સેન્ટિમેન્ટ ખરડાયું હતું. બૅન્કિંગ-ફાઇનૅન્શિયલ સ્ટૉક્સમાં જબરદસ્ત વેચવાલીને પરિણામે સેન્સેક્સ-નિફ્ટી એક ટકાની આસપાસ કટ થયા હતા. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ ૬૯૫ પૉઇન્ટ્સ ઘટીને ૬૧,૦૫૪ પર, જ્યારે નિફ્ટી ૧૮૭ પૉઇન્ટ્સના કડાકા સાથે ૧૮,૦૬૯ પર બંધ રહ્યો હતો. બૅન્ક નિફ્ટી ઇન્ડેક્સ ૨.૩૪ ટકા એટલે કે ૧૦૨૪ પૉઇન્ટ્સ તૂટીને ૪૨,૬૬૧ પર ક્લોઝ થયો હતો.



સેન્સેક્સના ૩૦માંથી ૨૦ સ્ટૉક્સ, જ્યારે નિફ્ટીના ૫૦માંથી ૩૦ સ્ટૉક્સ ઘટીને બંધ રહ્યા હતા. બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ ખાતે ૧૬૦ સ્ક્રિપ્સને તેજીની, જ્યારે સામા છેડે ૧૨૦ સ્ટૉક્સને મંદીની સર્કિટ લાગી હતી. બીએસઈના માર્કેટ કૅપમાં ગઈ કાલે આશરે ૧.૩૯ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું હતું. સેક્ટોરલ ઇન્ડાઇસિસમાં ૨.૮ ટકાના ઘટાડા સાથે પ્રાઇવેટ બૅન્કિંગ સેક્ટર ટૉપ લૂઝર પુરવાર થયું હતું. આ ઇન્ડેક્સના ૧૦માંથી માત્ર એક સ્ટૉક આઇસીઆઇસીઆઇ બૅન્ક વધ્યો હતો. બાકીનાં તમામ સ્ટૉક્સ ઘટીને બંધ રહ્યા હતા. ફેડરલ બૅન્ક ૮ ટકા એટલે કે ૧૧ રૂપિયાના ઘટાડા સાથે ટૉપ લૂઝર રહ્યો હતો. ત્યાર બાદ એચડીએફસી બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક અને સિટી યુનિયન બૅન્ક ૬-૪ ટકાની રેન્જમાં ડાઉન થયા હતા. આરબીએલ બૅન્ક ૭ રૂપિયાના ઘટાડા સાથે ૧૪૮ રૂપિયા પર ક્લોઝ થયો હતો. બંધન બૅન્ક બે ટકાની નબળાઈમાં ૨૨૯ રૂપિયા પર ક્લોઝ થયો હતો. નિફ્ટીનો ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સ ૪૫૫ પૉઇન્ટ્સ (૨.૩ ટકા) તૂટ્યો હતો. આ ઇન્ડેક્સમાં એચડીએફસી ટ્વિન્સ ૫.૫ ટકાના ગાબડા સાથે સૌથી અધિક તૂટ્યા હતા. ત્યાર બાદ પીએફસી ૩.૩ ટકાના ઘટાડા સાથે ૧૬૯ રૂપિયા પર, જ્યારે આરઈસી ૩ ટકા તૂટીને ૧૩૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. કોટક મહિન્દ્ર બૅન્ક ૧.૫ ટકા ડૂલ થઈને ૧૯૧૮ રૂપિયા પર બંધ રહ્યો હતો. એચડીએફસી લાઇફ અને બજાજ ફિનસર્વ ૧ ટકો ડૂલ હતા.


એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં એચડીએફસી બૅન્કનું વેઇટેજ ન વધતાં એચડીએફસી ટ‍્વિન્સમાં કડાકો

માર્કેટ્સની ધારણાથી વિપરીત એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં મર્જર બાદ એચડીએફસી બૅન્કનું વેઇટેજ અગાઉ જેટલું જ અથવા થોડું ઓછું રહી શકે છે. અગાઉનો અંદાજ હતો કે એચડીએફસી બૅન્કમાં એચડીએફસીના મર્જરથી બૅન્કનો હિસ્સો એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં આશરે ડબલ થઈ જશે. પણ એમએસસીઆઇએ ગઈ કાલે એના ઇન્ડેક્સમાં ફેરફાર કર્યો છે જેથી આ ઇન્ડેક્સમાં એચડીએફસી બૅન્કનું વેઇટેજ અગાઉ જેટલું જ અથવા તો થોડું ઓછું રહેવાનો સંકેત મળ્યો છે. એમએસસીઆઇ ઇન્ડિયા ઇન્ડેક્સમાં એચડીએફસી બૅન્કનું વેઇટેજ ન વધતાં માર્કેટમાં નિરાશા જોવા મળી હતી. એચડીએફસી અને એચડીએફસી બૅન્ક એમ બન્ને કાઉન્ટરમાં જબરદસ્ત વેચવાલી જોવા મળી હતી. કામકાજના અંતે એચડીએફસી બૅન્ક ૫.૮૪ ટકા (૧૦૧ રૂપિયા) ગબડીને ૧૬૨૭ રૂપિયા પર બંધ રહ્યો છે, જ્યારે એચડીએફસી ૫.૫ ટકા એટલે કે ૧૫૯ રૂપિયાના કડાકા સાથે ૨૭૦૩ રૂપિયા પર બંધ રહ્યો હતો. સેન્સેક્સના ૬૯૫ પૉઇન્ટ્સના કડાકામાં એચડીએફસી ટ‍્વિન્સનો ફાળો ૬૫૦ પૉઇન્ટ્સનો હતો. માર્કેટ એક્સપર્ટના જણાવ્યા મુજબ અગાઉ મર્જ્‍ડ એન્ટીટીની ગણતરી માટે ઍડ્જસ્ટમેન્ટ ફૅક્ટર એક ગણું હતું, પણ એમએસસીઆઇના મતે હવે એ ૦.૫ ગણું હશે, પરિણામે અગાઉ એવો અંદાજ હતો કે એચડીએફસી બૅન્કના શૅર્સમાં ૩ અબજ ડૉલરનું રોકાણ જોવા મળશે, પણ હવે ૧૫.૨૦ અબજ ડૉલરનો આઉટફ્લો જોવા મળી શકે છે.


માર્કેટના ઘટાડાના માહોલ વચ્ચે પણ નિફ્ટી ઑટો ઇન્ડેક્સ સુધરીને ક્લોઝ થયો હતો. ટીવીએસ મોટર્સ અનુમાન કરતાં સારાં પરિણામ બાદ સ્ટૉક લગભગ ૪ ટકા સુધરીને ૧૨૧૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. મારુતિ સુઝુકી ૧૫૦ રૂપિયાના જમ્પમાં ૮૯૫૦ રૂપિયા પર ક્લોઝ થયો હતો. હીરો મોટો ૧ ટકો સુધરીને ૨૫૪૨ રૂપિયા પર ક્લોઝ થયો હતો. તાતા મોટર્સની ૧૨ મેએ યોજાનારી બોર્ડ-મીટિંગમાં પરિણામની સાથે ડિવિડન્ડની પણ વિચારણા થવાની છે. .

ફ્રન્ટલાઇન મેટલ સ્ટૉક્સ ઘટ્યા, પીએસયુ શૅર્સમાં પ્રૉફિટ બુકિંગ

ગઈ કાલે નિફ્ટીનો મેટલ ઇન્ડેક્સ આશરે ૧.૫ ટકા નબળો પડીને ૫૮૦૭ પર બંધ થયો હતો. નિફ્ટી મેટલની ૧૫માંથી માંડ બે જ કંપનીઓ વધી હતી. નૅશનલ ઍલ્યુમિનિયમ ૩ રૂપિયા અર્થાત્ ૩.૫ ટકાની નરમાઈ સાથે ૮૦ રૂપિયા પર ક્લોઝ થયો હતો. સ્ટીલ ઑથોરિટી ૩ ટકાના કડાકા સાથે ૮૩ રૂપિયા પર ક્લોઝ થયો હતો. વેલસ્પન કૉર્પ ૬ રૂપિયા ઘટીને ૨૨૯ રૂપિયા પર બંધ થયો હતો. એનએમડીસી ૨.૫ ટકા ઘટીને ૧૦૮ રૂપિયા પર, જ્યારે હિન્દ કૉપર ૨.૬ રૂપિયાની નરમાશ સાથે ૧૦૫ રૂપિયા પર બંધ રહ્યો હતો. હિન્દાલ્કોએ ૧૦ રૂપિયાના કડાકા સાથે ૪૩૫ રૂપિયા પર ક્લોઝિંગ આપ્યું હતું. તાતા સ્ટીલ અને જિન્દલ સ્ટીલ બે ટકાની આસપાસ ડાઉન હતા. 

ગુરુવારના નોંધપાત્ર સુધારા બાદ ગઈ કાલે પીએસયુ સ્ટૉક્સમાં નફા-વસૂલીનો માહોલ જોવા મળ્યો હતો. બીએસઈનો પીએસયુ ઇન્ડેક્સ પોણા ટકાના ઘટાડા સાથે બંધ થયો હતો. આ ઇન્ડેક્સમાં ભેલ ૬ ટકાના કડાકા સાથે સૌથી અધિક ડૂલ થયો હતો. ત્યાર બાદ ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ કંપની ૬ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ ૫.૬ ટકા, પંજાબ ઍન્ડ સિંધ બૅન્ક પાંચ ટકા ઘટ્યા હતા. જોકે બજારના ઘટાડાથી વિપરીત અમુક પીએસયુ સ્ટૉક્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. આઇટીઆઇ ૯ ટકાની તેજીમાં ૧૦૫ રૂપિયા પર ક્લોઝ થયો હતો. એન્જિનિયર્સ ઇન્ડિયા ૬.૫ ટકા સુધરીને ૯૭.૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. શુક્રવારે રેલવે સ્ટૉક્સમાં નોંધપાત્ર ખરીદી નોંધાઈ હતી. આરવીએનએલ ૯.૬ ટકાના ઉછાળા સાથે ૧૪૧.૮ રૂપિયા પર બંધ થયો હતો. આ સાથે જ આરવીએનએલનો સ્ટૉક વર્ષના શ‌િખરે પહોંચ્યો હતો. આરવીએનએલનો સ્ટૉક હજી એક વર્ષ અગાઉ ૨૯ રૂપિયાની આસપાસ ટ્રેડ કરી રહ્યો હતો. આમ વર્ષમાં આ કાઉન્ટર આશરે પાંચ ગણું વધ્યું છે. ઇરકોન અને રાઇટ્સ પણ ૫.૫ ટકાની તેજીમાં અનુક્રમે ૮૭ રૂપિયા અને ૪૧૭ રૂપિયા પર બંધ રહ્યા હતા.

ટાયર સ્ટૉક્સમાં તેજીની હવા, એમઆરએફ ઇન્ટ્રાડેની ટોચે

સીએટ લિમિટેડ દ્વારા ચોથા ક્વૉર્ટરનાં સારાં પરિણામ બાદ સ્ટૉક પોણાચાર ટકાના સુધારામાં ૧૭૧૭ રૂપિયા પર બંધ રહ્યો હતો. અન્ય ટાયર કંપની એમઆરએફના કાઉન્ટરમાં પણ ૩.૬ ટકાની તેજી જોવા મળી હતી. ટ્રેડિંગના અંતે એમઆરએફનો સ્ટૉક ૩૪૯૨ રૂપિયાના જમ્પમાં ૯૮,૫૮૮ રૂપિયા પર ક્લોઝ થયો હતો. આ સ્ટૉક ઇન્ટ્રાડે ૯૯,૦૦૦ રૂપિયાના અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો. માર્ચ ૨૦૦૯માં માત્ર ૧૫૦૦ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહેલા એમઆરએફ (મદ્રાસ રબર ફૅક્ટરી)ના સ્ટૉકે છેલ્લાં ૧૪ વર્ષમાં આશરે ૬૬ ગણું રિટર્ન આપ્યું છે. અન્ય ટાયર કંપનીઓમાં જેકે ટાયર પાંચ ટકાના જમ્પ સાથે ૨૦૫ રૂપિયા પર, અપોલો ટાયર ૨.૫ ટકાના ઉછાળા સાથે ૩૬૯ રૂપિયા પર બંધ થયા હતા. ટીવીએસ શ્રીચક્ર ૧૬૧ રૂપિયા (૫.૩ ટકા) સુધરીને ૩૧૬૧ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ગુડ યર ઇન્ડિયા ૪.૫ ટકાના ઉછાળા સાથે ૧૨૦૨ રૂપિયા પર ક્લોઝ થયો હતો. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ નામ કે વાસ્તે અડધો ટકો સુધરીને ૨૧૪૨ રૂપિયા પર ક્લોઝ થયો હતો.

મની લૉન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા મણ્ણપુરમ ફાઇનૅન્સના એમડી-સીઈઓ વી. પી. નંદકુમારની ૧૪૩ કરોડ રૂપિયાની મિલકત જપ્ત થવાના અહેવાલે સ્ટૉક ૧૩.૬ રૂપિયા એટલે કે ૧૧.૫ ટકા તૂટીને ૧૦૫.૬ રૂપિયા પર ક્લોઝ થયો હતો. ઈડીએ એ એમડી-સીઈઓના ૨૦૦૦ કરોડ રૂપિયાના ૧૯,૨૯ કરોડ શૅર્સ જપ્ત કર્યા હોવાના અહેવાલ પાછળ કાઉન્ટરમાં સેન્ટિમેન્ટ ખરડાયું હતું. ગો ફર્સ્ટની મુશ્કેલીઓ વધતાં બૉમ્બે બર્માના કાઉન્ટરમાં ઘટાડો આગળ વધ્યો હતો અને સ્ટૉક ૧.૭ ટકા ઘટીને ૯૪૦ રૂપિયા પર ક્લોઝ થયો હતો. શુક્રવારે ટેલિકૉમ ઇક્વિપમેન્ટ સ્ટૉક્સમાં જબરદસ્ત ખરીદી જોવા મળી હતી. આઇટીઆઇ ૯ ટકા, જ્યારે વીંધ્ય ટેલિપાંચ ટકાના જમ્પ સાથે બંધ રહ્યા હતા.

એફઆઇઆઇની ૭૭૮ કરોડ રૂપિયાની નેટ ખરીદી

શુક્રવારે ભારતીય શૅર માર્કેટના નબળા સેન્ટિમેન્ટ વચ્ચે પણ વિદેશી રોકાણકારોએ નોંધપાત્ર રોકાણ કર્યું હતું. એફઆઇઆઇ (વિદેશી સંસ્થાકીય રોકાણકારો)એ ગઈ કાલે કુલ ૮૨૪૩ કરોડ રૂપિયાની ગ્રોસ ખરીદી કરી હતી, જ્યારે ૭૪૬૫ કરોડ રૂપિયાની ગ્રોસ વેચવાલી કરી હતી. આમ એફઆઇઆઇએ ગઈ કાલે ૭૭૮ કરોડ રૂપિયાની ચોખ્ખી ખરીદી નોંધાવી હતી. ડીઆઇઆઇ (સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો)એ ગઈ કાલે કુલ ૪૯૫૭  કરોડ રૂપિયાની ગ્રોસ ખરીદી કરી હતી, જ્યારે ૭૧૫૫ કરોડ રૂપિયાની ગ્રોસ વેચવાલી કરી હતી. આમ ડીઆઇઆઇએ ૨૧૯૯ કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી નોંધાવી હતી.

Whatsapp-channel Whatsapp-channel

06 May, 2023 05:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK