° °

આજનું ઇ-પેપર
Sunday, 29 January, 2023


બજાર સવાત્રણસો પૉઇન્ટનો પ્રારંભિક સુધારો ભૂંસીને સરવાળે ફ્લૅટ, ઑટો ફ્રન્ટલાઇન ઝળક્યા

25 January, 2023 02:54 PM IST | Mumbai
Anil Patel

શુગર શૅરોમાં નરમાઈ જારી, શ્રી સિમેન્ટ વધુ ૪૫૯ રૂપિયા તરડાયો : પરિણામની પૂર્વસંધ્યાએ તાતા ઍલેકસી મામૂલી સુધારામાં : માર્કેટ બ્રેડ્થમાં ઉધાર પાસું યથાવત્ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

બીટકૉઇન ત્રણેક સપ્તાહમાં સાડાછ હજાર ડૉલર વધ્યો : પાકિસ્તાનમાં વ્યાજદર વધીને ૧૭ ટકાની ૨૫ વર્ષની ટોચે ગયો, પણ શૅરબજાર સુધારામાં : ઍક્સિસ બૅન્ક સારી કામગીરી દાખવીને  બગડ્યો, એચડીએફસી ટ‍્વિન્સની આગેકૂચ : અદાણી એન્ટરમાં ગ્રે માર્કેટ ખાતે પ્રીમિયમ સુધરીને ૬૭-૬૮ થયું : શુગર શૅરોમાં નરમાઈ જારી, શ્રી સિમેન્ટ વધુ ૪૫૯ રૂપિયા તરડાયો : પરિણામની પૂર્વસંધ્યાએ તાતા ઍલેકસી મામૂલી સુધારામાં : માર્કેટ બ્રેડ્થમાં ઉધાર પાસું યથાવત્ 

મોટા ભાગનાં અગ્રણી એશિયન બજારો લુનરની રજા માણી રહ્યાં છે.જૅપનીઝ નિક્કી સુધારાની ચાલ જાળવતાં દોઢ ટકો મંગળવારે આગળ વધ્યો છે. થાઇલૅન્ડ તથા ઇન્ડોનેશિયા નામ જોગ નરમ હતા. ચૅનલો પર પાકિસ્તાનની હાલતના રોજેરોજ મરશિયા ચાલી રહ્યા છે. ભારે ભૂખમરાની અને અંધારપટની કાગારોળનો ઍન્કરો જશ્ન મનાવી રહ્યા છે. સોમવારે ત્યાંની મધ્યસ્થ બૅન્કે ફુગાવાને ડામવા વ્યાજદર સીધો એક ટકો વધારીને ૧૭ ટકા કરી નાખ્યો છે. જે ઑક્ટોબર ૧૯૯૭ પછીની ટૉપ છે. આમ છતાં કરાચી શૅરબજાર ૬૧૨ પૉઇન્ટ કે દોઢ ટકાથી વધુ ઊંચકાઈ ૩૯૦૫૬ દેખાયું છે. ઍની વે, યુરોપનાં બજારો રનિંગમાં નહીંવત્‍થી સાધારણ ઢીલા જણાયા છે. ઘરઆંગણે સેન્સેક્સ ઉપરમાં ૬૧૨૬૬ થયા બાદ નીચામાં ૬૦૮૪૯ બતાવી ૩૭ પૉઇન્ટ જેવા પરચૂરણ સુધારામાં ૬૦૯૭૯ નજીક બંધ થયો છે. નિફ્ટી નામકે વાસ્તે નેગેટિવ બાયસમાં ૧૮૧૧૮ના આગલા લેવલે યથાવત્ રહ્યો છે. રોકડું તથા બ્રૉડર માર્કેટ થોડું વધુ નરમ હતું, એટલે માર્કેટ બ્રેડ્થ રાબેતા મુજબ નબળી રહી છે. એનએસઈમાં ૭૬૯ શૅર પ્લસ તો ૧૨૩૫ જાતો માઇનસ થઈ છે. બહુમતી ઇન્ડાઇસિસ રેડ ઝોનમાં ગયા છે. રિયલ્ટી, ફાર્મા હેલ્થકૅર, પીએસયુ બૅન્ક નિફ્ટી, ટેલિકૉમ, કૅપિટલ ગુડ્સ, પાવર યુટિલિટીઝ ખાતે પોણાથી સવા ટકાની નરમાઈ નોંધાઇ છે. સામે વધવામાં ઑટો ઇન્ડેક્સ અને આઇટી નજરે પડ્યા છે. 

સુસ્ત બજારમાં સેલન એક્સ્પ્લોરેશન ૧૯.૨ ટકા ઊછળી ૨૭૬ તથા નિર્મિતિ રોબોટિક્સ ૨૦ ટકાની એક વધુ ઉપલી સર્કિટે ૧૧૮ બંધ થયા છે. સાગર સિમેન્ટ તથા કોઠારી પ્રોડક્ટસ ૧૦-૧૦ ટકા તૂટ્યા છે. લોઢાની નૅશનલ સ્ડાન્ડર્ડ્સ ૧૦-૧૦ ટકાના ત્રણ દિવસના ધબડકા બાદ સાડાચાર ટકા ગગડી ૫૭૭૦ રહી છે. 

બીટકૉઇન ૨૩૦૦૦ની પાર થઈ પાંચેક મહિનાની ટોચે પહોંચ્યો 

ગઈ કાલે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. તાતા મોટર્સ તથા મારુતિ સુઝુકી ૩.૩ ટકાની મજબૂતી સાથે મોખરે હતા. બજાજ ઑટો. ૧.૭ ટકા, બ્રિટાનિયા દોઢ ટકો, એચસીએલ ટેક્નૉ ૧.૪ ટકા નિફ્ટી ખાતે વધ્યા હતા. એચડીએફસી ટ‍્વિન્સ, એશિયન પેઇન્ટ્સ, ઇન્ડસઇન્ડ બૅન્ક પોણાથી દોઢ ટકાની નજીક સુધર્યા છે. ઍક્સિસ બૅન્ક સારાં પરિણામ આપીને પણ બન્ને બજાર ખાતે અઢી ટકા કપાઈને ટૉપ લૂઝર બન્યો છે. હિન્દાલ્કો, ડૉ. રેડ્ડીઝ લૅબ, પાવર ગ્ર‌િડ, એસબીઆઇ લાઇફ ગ્રા‌સિમ, જેએસડબ્લ્યુ સ્ટીલ, લાર્સન દોઢથી બે ટકા ઢીલા થયા છે. રિલાયન્સ વિશ્લેષકો અને બ્રોકરેડ હાઉસ બુલિશ છે, પણ શૅર ચાલતો નથી. ભાવ વધુ અડધો ટકો ઘટી ૨૪૧૫ બંધ થયો છે, ઇન્ટ્રા-ડેમાં તો ૨૩૮૮નું લેવલ દેખાયું હતું. કામકાજ બમણાં હતાં. 

અદાણી એન્ટર નહીંવત્ સુધારે ૩૪૪૩ થયો છે. એનો ૨૦ હજાર કરોડનો ફૉલોઑન ૨૭મીએ ખૂલશે. ગ્રે માર્કેટમાં પ્રીમિયમ સુધરીને ૬૭-૬૮ બોલાવા માંડ્યા છે. અદાણી પોર્ટસ, અદાણી ટ્રાન્સમિશન અને અદાણી ગ્રીન એકાદ ટકો માઇનસ હતા. અદાણી વિલ્મર પાંચ ટકાની તેજીની સર્કિટે ૫૭૩ થયો છે. અંબુજા સિમેન્ટ અડધો ટકો નરમ તો એસીસી અડધો ટકો પ્લસ હતા. આગલા દિવસના ધબડકા બાદ શ્રી સિમેન્ટ બે ટકા કે ૪૫૯ રૂપિયા વધુ બગડ્યો છે. અલ્ટ્રાટૅક અડધો ટકો ડાઉન હતો. દરમ્યાન ૨૦૨૩નો અત્યાર સુધીનો સમય બીટકૉઇન માટે એકંદર સારો નીવડ્યો છે. ડિસેમ્બરના અંતે ભાવ ૧૬,૫૦૦ ડૉલર જેવો હતો એ સુધારાની ચાલમાં ગઈ કાલે ઉપરમાં ૨૩,૧૬૫ થઈને રનિંગમાં ૨૨,૮૯૫ દેખાયો છે, જે લગભગ પાંચેક મહિનાની ટોચ કહી શકાય.

બમણા નફામાં મારુતિની ગાડી દોડી, રાઉટ મોબાઇલ સાડાસાત ટકા અપ 

મારુતિ સુઝુકીએ ડિસેમ્બર ક્વૉર્ટરમાં આશરે ૧૩૦ ટકાના વૃદ્ધિદર સાથે ૨૩૯૧ કરોડનો નેટપ્રૉફિટ દર્શાવી બહેતર પરિણામ આપ્યાં છે. બજારની ધારણા ૧૮૮૧ કરોડ જેના નેટ નફાની હતી. પરિણામના પગલે શૅર ૮૪૧૬ની ઇન્ટ્રા-ડે બૉટમથી ઉપરમાં ૮૭૧૬ થઈ ૩.૩ ટકા કે ૨૭૫ રૂપિયાના જોરમાં ૮૬૯૮ બંધ થયો છે. વૉલ્યુમ ચારેક ગણું હતું. મારુતિની પાછળ અન્ય ઑટો શૅરોને પણ હૂંફ મળી ગઈ હતી. એમાં ઑટો બેન્ચમાર્ક ૧.૨ ટકા વધ્યો હતો. તાતા મોટર્સ ત્રણ ગણા કામકાજે ૩.૩ ટકા વધી ૪૨૨ રહી છે. બજાજ ઑટો પરિણામના ઇન્તજારમાં પોણાબે ટકા વધીને ૩૬૮૭ હતો. આઇશર અડધો ટકો વધ્યો છે. મહિન્દ્રા સાધારણ નરમ તથા હીરો મોટોકૉર્પ નહીંવત સુધારે હતો. 

આઇટીમાં સુધારો જળવાયો છે. ઇન્ડેક્સ ૬૦માંથી ૪૦ શૅર પ્લસમાં આપી ૧૯૭ પૉઇન્ટ પ્લસ હતો. સોનાટા સૉફ્ટવેર ૫.૪ ટકા, હૅપ્પીએસ્ટ માઇન્ડ ૫.૭ ટકા, ઑનવર્ડ ટેક્નૉલૉજિસ ૪.૮ ટકા, ન્યુજેન ત્રણ ટકા, લાર્સન ટૅક્નો ત્રણ ટકા મજબૂત હતા. ઇન્ફી સાધારણ વધીને ૧૫૫૨ તથા ટીસીએસ અડધો ટકો વધી ૩૪૩૬ બંધ થયા છે. એચસીએલ ટૅક્નો દોઢ ટકા અપ હતો. ટેક મહિન્દ્રા અડધો ટકો પ્લસ અને વિપ્રો સહેજ નરમ હતા. લાટિમ આગલા દિવસની મજબૂતી આગળ ધપાવતાં ૩ ટકા વધી ૪૫૦૦ થયો છે. તાતા એલેક્સી પરિણામની પૂર્વસંધ્યાએ ૦.૩ ટકા સુધરી ૬૬૮૭ રહ્યો છે. ટેલિકૉમમાં તાતા કૉમ્યુ. નબળા પરિણામમાં દોઢા વૉલ્યુમે ૪.૩ ટકા બગડી ૧૩૨૪ થયો છે. સ્ટરલાઇટ ટૅક્નો ૩.૭ ટકા, એમટીએનએલ ૨.૭ ટકા, ઇન્ડ્સટાવર સવા ટકો નરમ હતા. ભારતી ઍરટેલ સાધારણ વધ્યો છે. રાઉટ મોબાઇલનાં પરિણામ ૨૬મીએ છે. શૅર ગઈ કાલે ત્રીસેક ગણા કામકાજમાં ઉપરમાં ૧૨૯૫ વટાવી ૭.૬ ટકાની તેજીમાં ૧૨૨૯ જોવાયો છે. ટૅક્નો સ્પેસમાં પીવીઆર ૩.૭ ટકા તથા આઇનૉક્સ લીઝર બે ટકા, પ્લસ હતા. સન ટીવી ૩.૪ ટકા અને જસ્ટ ડાયલ દોઢ ટકા માઇનસ હતા. ઝી એન્ટર અડધો ટકો ઘટી ૨૨૩ હતો. 

સારાં પરિણામ છતાં ઍ​​​ક્સિસ બૅન્ક ડાઉન, ગગડતા નાયકામાં બાઉન્સ બૅક 

બૅ​ન્કિંગ મંગળવારે મૂરઝાયેલું હતું. બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૩ શૅરના સુધારા વચ્ચે ૮૮ પૉઇન્ટ નરમ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૧ શૅરના ઘટાડામાં ૧.૪ ટકા ડાઉન હતા. સમગ્ર બૅ​ન્કિંગ ક્ષેત્રના ૩૭માંથી ૨૭ શૅર નરમ થયા છે. ઍ​​ક્સિસ બૅન્કનાં પરિણામ અપેક્ષા કરતાં સારાં આવવાં છતાં શૅર પ્રૉફિટ બુકિંગ જામતાં નીચામાં ૯૦૩ થઈ અઢી ટકા ઘટી ૯૧૦ રહ્યો છે. વૉલ્યુમ ત્રણ ગણું હતું. એચડીએફસી બૅન્ક સાથે એચડીએફસીના મર્જરના મામલે એનક્લેટનું ફાઇનલ હિયરિંગ ૨૭મીએ છે. શૅર સુધારાની ચાલમાં ૧૭૨૨ની ઑલટાઇમ હાઈ નજીક સરકતાં ઉપરમાં ૧૭૦૨ થઈ ૧.૪ ટકા વધી ૧૬૯૫ થયો છે. એચડીએફસી પણ એકાદ ટકો વધી ૨૭૬૬ બંધ હતો. આ બન્ને શૅર બજારને કુલ મળીને ૧૨૮ પૉઇન્ટ ફળ્યા હતા. મર્જરના ભાગરૂપ એચડીએફસીના ૨૫ શૅર સામે એચડીએફસી બૅન્કના ૪૨ શૅર મળવાના છે. સ્ટેટ બૅન્ક એક ટકા, કોટક બૅન્ક ૧.૩ ટકા નરમ હતા. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૮૭૧ના લેવલે ફ્લૅટ હતો. જેકે બૅન્ક ૨.૪ ટકા, સૂર્યોદય બૅન્ક એક ટકો, ઇન્ડિયન બૅન્ક પોણો ટકો સુધર્યા છે. સામે સાઉથ ઇન્ડિયન બૅન્ક ૮.૪ ટકા અને આરબીએલ બૅન્ક ૪.૨ ટકા બગડ્યા હતા. આઇડીબીઆઇ બૅન્ક, સીએસબી બૅન્ક, ધનલક્ષ્મી, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, યુકો બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, આઇઓબી, પીએનબી, બૅન્ક ઑફ ઇન્ડિયા, સેન્ટ્રલ બૅન્ક બેથી ૪.૨ ટકા ડાઉન થયા છે. 

ફાઇનૅન્સ બેન્ચમાર્ક ૧૩૭માંથી ૪૯ શૅરના સુધારા વચ્ચે નજીવો ઘટ્યો હતો. જનરલ ઇન્શ્યૉરન્સ ૪.૩ ટકા, પીએનબી હાઉસિંગ ૪.૮ ટકા, મોનાર્ક ૩.૨ ટકા, પૂનાવાલા ફિનકૉર્પ ૪.૨ ટકા, જીઆઇસી હાઉસિંગ ૪ ટકા મજબૂત હતા. ન્યુ ઇન્ડિયા એસ્યૉરન્સ ૨.૩ ટકા વધ્યો છે. એલઆઇસી સાધારણ સુધારે ૭૦૨ હતો. પેટીએમ સહેજ ઘટીને ૫૪૩ તો પૉલિસી બાઝાર સવા ટકો વધી ૪૨૫ હતા. સતત નવા તળિયા દેખાડતો નાયકા વધી ૪૨૫ હતા. સતત નવા તળિયા દેખાડતો નાયકા સવાત્રણ ગણા કામકાજે ઉપરમાં ૧૩૫ થઈ પોણો આઠ ટકાના બાઉન્સ બૅકમાં ૧૩૪ બંધ આવ્યો છે. 

મેટલ અને હેલ્થકૅરમાં નબળાઈ, ઇન્ડોકો રેમેડીઝ રિઝલ્ટમાં તૂટ્યો મેટલ

પીછેહઠ આગળ વધી છે. સેઇલ, હિન્દાલ્કો, જેએસડબ્લ્યુ સ્ટીલ, તાતા સ્ટીલ, કોલ ઇન્ડિયાના એકથી સવાબે ટકાના ઘટાડે આંક ૨૬૨ પૉઇન્ટ કે સવાટકા માઇનસ થયો છે. હિન્દુસ્તાન ઝિન્ક અઢી ટકા વધી ૩૫૫ હતો, વેદાન્તા ફ્લૅટ રહ્યો છે. હેલ્થકૅર બેન્ચમાર્ક ૯૬માંથી ૭૩ શૅરના ઘટાડામાં એક ટકો ઢીલો પડ્યો છે. આરતી ઇન્ડ. ગ્લાન્ડફાર્મા, જીએસકે ફાર્મા, લૌરસ લૅબ, મેકર્સ લૅબ, પિરામલ ફાર્મા, સંજીવની પૅરન્ટલ્સ, થા​ઇરોકૅર, વીનસ રેમેડીઝ જેવાં કાઉન્ટર ઇન્ટ્રા-ડેમાં નવા ઐતિહાસિક તળિયે ગયા હતા. ઇન્ડોકો રેમેડીઝનો નફો ૩૩ કરોડથી ઘટી ૨૮ કરોડ આવવાની સાથે ગોવા ખાતેના પ્લાન્ટ સંબંધે અમેરિકન એફડીએ તરફથી ઑબ્ઝર્વેશન્સ જારી થતાં શૅર ૪૦૮ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૫૯ થઈને ૧૦.૫ ટકાના કડાકામાં ૩૬૨ બંધ આવ્યો છે. સ્ટ્રાઇડ ફાર્મા ૫.૪ ટકા, સિન્જેન ચાર ટકા, યુનિકૅમ ત્રણ ટકા બગડ્યા હતા. ડૉ. રેડ્ડીઝ લૅબ પરિણામ નબળાં આવવાની હવામાં બે ટકા ઘટ્યો છે. સન ફાર્મા પોણો ટકો પાછો પડ્યો છે. સિપ્લા ૧૦૬૨ના લેવલે ફલૅટ હતો.

એફએમસીજી ઇન્ડેક્સ ૮૭માંથી ૩૭ શૅરના સથવારે મામૂલી સુધર્યો છે. વાડીલાલ ઇન્ડ. છ ટકા ઊછળી ૨૯૯૯ થયો છે. અદાણી વિલ્મરમાં પાંચ ટકાની ઉપલી સર્કિટ હતી. આઇટીસી અડધા ટકા નજીક વધી ૩૩૯ હતો. પરિણામ ૩ ફેબ્રુ.એ છે. હિન્દુ. યુનિલીવર ૨૫૯૮ એ યથાવત્ રહ્યો છે. બ્રિટાનિયા સવા ટકો પ્લસ હતો. શુગર સેક્ટરના ૩૮માંથી ૮ શૅર જ સુધર્યા છે. સર શાદીલાલ સાડાત્રણ ટકા વધ્યો હતો રાજશ્રી શુગર, બલરામપુર ચિની, રિગાશુગર, એસબીઈસી શુગર ત્રણથી પાંચ ટકા ડાઉન હતા. 

25 January, 2023 02:54 PM IST | Mumbai | Anil Patel

અન્ય લેખો

News In Shorts:શૅરબજારે ટ્રેડ પ્લસ વન સેટલમેન્ટની પ્રક્રિયા પૂર્ણ કરી

ભારતીય શૅરબજારોએ શુક્રવારે ટૂંકા પતાવટ ચક્ર અથવા T+1 (ટ્રેડ પ્લસ વન) પ્રક્રિયા સફળતાપૂર્વક હાંસલ કરી છે

28 January, 2023 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ પૂરો થાય અને સૌનું હિત સચવાય એ માટે મહારેરાનુ પરિપત્રક

પ્રમોટરો અને રિયલ એસ્ટેટ એજન્ટોએ અન્ય રિયલ એસ્ટેટ સંસ્થાઓમાંનાં પોતાનાં હિતની જાહેરાત કરવી પડશે એવું જણાવતા પરિપત્રકની આપણે ગયા વખતે વાત કરી હતી.

28 January, 2023 03:55 IST | Mumbai | Parag Shah

ચાઇનીઝ વિનાઇલ ટાઇલ્સની આયાત પર ઍન્ટિ-ડમ્પિંગ ડ્યુટીની ભલામણ

વાણિજ્ય મંત્રાલયે ચીન ઉપરાંત તાઇવાનથી પણ આયાત પર ડ્યુટીની ભલામણ કરી

28 January, 2023 03:51 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK