Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ ૫૧૯ પૉઇન્ટના ઉછાળે ૨૮,૦૦૦ થવાના આરે

સેન્સેક્સ ૫૧૯ પૉઇન્ટના ઉછાળે ૨૮,૦૦૦ થવાના આરે

01 November, 2014 07:36 AM IST |

સેન્સેક્સ ૫૧૯ પૉઇન્ટના ઉછાળે ૨૮,૦૦૦ થવાના આરે

સેન્સેક્સ ૫૧૯ પૉઇન્ટના ઉછાળે ૨૮,૦૦૦ થવાના આરે


શૅરબજારનું ચલકચલાણું- અનિલ પટેલ

યુએસ જીડીપી ગ્રોથ ધારણા કરતાં સારો ૩.૨ ટકા આવવાની સાથે બૅન્ક ઑફ જપાન દ્વારા નીચા વ્યાજદર જાળવી રાખતા સ્ટિમ્યુલસ પૅકેજમાં અણધાર્યો તગડો વધારો જાહેર કરાયો છે. એની અસરે વિશ્વભરનાં શૅરબજારો ગઈ કાલે હરખની હેલીએ ચડ્યાં હતાં. મોદીસરકાર તરફથી આર્થિક સુધારાને નવો પુશ મળવાની સાથે હવે રિઝવર્‍ બૅન્ક તરફથી વ્યાજદરમાં ઘટાડાની આશા પણ પ્રબળ બની છે. આ બધાના પગલે શૅરબજાર ગઈ કાલે ૫૧૯ પૉઇન્ટના જમ્પમાં ૨૭૮૬૬ નજીક તથા નિફ્ટી ૧૫૩ પૉઇન્ટના ઉછાળામાં ૮૩૨૨ બંધ રહ્યા છે. સળંગ ચોથા દિવસની મજબૂતીમાં બન્ને બજારોમાં ગઈ કાલે બૅક-ટુ-બૅક નવી ઑલટાઇમ હાઈ બની છે. માર્કેટકૅપ પણ ૧.૪૯ લાખ કરોડ રૂપિયાના ઉમેરામાં ૯૬.૮૪ લાખ કરોડ રૂપિયા નજીક આવી ગયું છે. બીએસઈ ખાતે સેન્સેક્સ ઉપરાંત બીએસઈ-૧૦૦, બીએસઈ-૨૦૦, બીએસઈ-૫૦૦, ગ્રીનેક્સ, કાર્બોનેક્સ, ઇન્ફ્રા ઇન્ડેક્સ, ઑટો ઇન્ડેક્સ, બૅન્કેક્સ જેવા આઠ બેન્ચમાર્ક સર્વોચ્ચ શિખરે ગયા હતા. બૅન્ક ઑફ જપાને વર્ષે ૫૦ લાખ કરોડ યેનના પ્રારંભિક સ્ટિમ્યુલસ પૅકેજનું કદ વધારીને એકાએક ૮૦ લાખ કરોડ યેનનું કરી નાખવાની જાહેરાત કરી એના પગલે ડૉલર સામે યેન ૧૧૧.૪૩ની જાન્યુઆરી ૨૦૦૮ પછીની નીચી સપાટીએ ગયો છે. આનાથી જૅપનીઝ નિકાસ વધુ સ્પર્ધાક્ષમ બનશે. ત્યાંનો નિક્કી ઇન્ડેક્સ ઇન્ટ્રા-ડેમાં ૧૬૫૩૪ થઈ છેલ્લે ૭૫૬ પૉઇન્ટ કે ૪.૬ ટકાનો કૂદકો મારીને ૧૬૪૧૪ની બીજી નવેમ્બર ૨૦૦૭ પછીનાં સાત વર્ષની ટોચે બંધ રહ્યો છે. એશિયા ખાતે ચાઇના, સિંગાપોર, થાઇલૅન્ડ, હૉન્ગકૉન્ગ ૧.૨ ટકા જેવા તથા તાઇવાન એક ટકો વધીને બંધ હતા. યુરોપ એકથી અઢી ટકા પર દેખાતાં અહીં દલાલ સ્ટ્રીટમાં છેલ્લા કલાકમાં વધુ જોર આવ્યું હતું.


આરંભથી અંત સુધી તેજીની પકડ

બજાર આગલા બંધથી ૯૩ પૉઇન્ટ ગૅપમાં ઉપર ખૂલ્યા બાદ છેવટ સુધી એકધારું ઊંચકાયું હતું જેમાં સેન્સેક્સ ૨૭૮૯૪ની ટોચે ગયો હતો. નિફ્ટીમાં ૮૩૩૧ની ટોચ બની હતી. સેન્સેક્સ ખાતે ૩૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. એકમાત્ર ભારતી ઍરટેલ ૨.૩ ટકા ઘટીને ૩૯૮ રૂપિયા બંધ હતો. માર્કેટના ૨૪ બેન્ચમાર્કમાંથી ૨૩ ઇન્ડાઇસિસ પ્લસ હતા. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૩૨૪ પૉઇન્ટ કે ૩.૨ ટકા ડાઉન હતો. માર્કેટ-બ્રેડ્થ ગણનાપાત્ર રીતે પૉઝિટિવ હતી. ૩૧૧૨ શૅરમાં કામકાજ થયાં હતાં એમાંથી ૧૭૮૮ શૅર ઊંચકાયા હતા. ૧૨૦૭ જાતો નરમ હતી. ‘એ’ ગ્રુપના ૨૯૯માંથી ૮૩ ટકા જેવા ૨૪૭ શૅર વધીને બંધ હતા. એનએસઈ ખાતે નિફ્ટી ૫૦ના પાંચ શૅર ઘટuા હતા, ૪૫ વધ્યા હતા. બેન્ક નિફ્ટી ૧૭૦૬૦ની ઑલટાઇમ ટોચ બનાવી છેલ્લે બારેબાર શૅરના સુધારામાં ૧.૭ ટકા વધીને ૧૬૦૪૫ બંધ હતો.




સેન્સેક્સના ૩૦માંથી ૮ શૅર વિક્રમી સપાટીએ

સેન્સેક્સ ખાતેના ૩૦ શૅરમાંથી ૮ શૅર સર્વોચ્ચ શિખરે ગયા હતા; જેમાં ઍક્સિસ બૅન્ક, બજાજ ઑટો, સિપ્લા, ગેઇલ, એચડીએફસી બૅન્ક, ઇન્ફી અને મારુતિ સુઝુકી સામેલ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧૯ સપ્ટેમ્બર પછી પ્રથમ વાર ચાર આંકડે ૧૦૦૩ રૂપિયા નજીક જઈને છેલ્લે બે ટકાની આગેકૂચમાં ૯૯૯ રૂપિયા બંધ હતો. આ શૅર સળંગ ૧૦ દિવસથી સુધારામાં છે. એચડીએફસી સર્વાધિક ૪.૧ ટકાના જમ્પમાં ૧૧૦૬ રૂપિયાનો બંધ આપી સેન્સેક્સ માટે ૭૮ પૉઇન્ટનો દાતા બન્યો હતો. ઇન્ફીની ૨.૭ ટકાની તેજી બજારને ૫૮ પૉઇન્ટ ફળી હતી. લાર્સનનું દાન ૫૪ પૉઇન્ટનું હતું. ગેઇલ ૩.૮ ટકા, તાતા પાવર ૩.૪ ટકા, તાતા સ્ટીલ ૩.૨ ટકા, તાતા મોટર ૧.૮ ટકા, સિપ્લા અઢી ટકા, મારુતિ સુઝુકી ૩ ટકા, સન ફાર્માસ ડૉ. રેડ્ડીઝ લૅબ અને ઍક્સિસ બૅન્ક બે ટકા, હિન્દાલ્કો પોણાબે ટકા પ્લસ હતા. એસબીઆઇ ૨.૪ ટકા વધીને ૨૭૦૧ રૂપિયા હતો. ટીસીએસ ૧.૮ ટકા તો વિપ્રો પોણા ટકાની નજીક પ્લસ હતા. ‘એ’ ગ્રુપ ખાતે એનસીસી ૧૩ ટકા વધીને ટૉપ ગેઇનર બન્યો હતો. એચસીસી ૧૧.૬ ટકા, રિલાયન્સ ઇન્ફ્રા ૬.૮ ટકા, આર. પાવર ૪.૮ ટકા, રિલાયન્સ કૅપિટલ ૩.૮ ટકા ઊંચકાયા હતા. ટાઇટન ૬.૪ ટકા, પીપાવાવ ડિફેન્સ પાંચ ટકા અને એસઆરએફ ૪.૫ ટકાની ખરાબીમાં ‘એ’ ગ્રુપમાં ટૉપ લુઝર બન્યા હતા.



ઇન્ફી ૪૦૦૦ને પાર, ઑલટાઇમ હાઈ

ઇન્ફોસિસે ૪૦૦૦ રૂપિયાનું લેવલ પાર કરી લીધું છે. ગઈ કાલે ઇન્ટ્રા-ડેમાં શૅર ઉપરમાં ૪૦૭૦ રૂપિયાની ટોચે ગયો હતો. અંતે ૨.૬૭ ટકાની તેજીમાં ૪૦૫૧ રૂપિયા બંધ હતો, જે એની ઑલટાઇમ હાઈ છે. વૉલ્યુમ બમણાં હતાં. ઇન્ફી ૮ સપ્ટેમ્બર બાદથી માર્કેટમાં આઉટ પર્ફોર્મર રહ્યો છે. સેન્સેક્સના ૧.૨ ટકાના વધારા સામે ઇન્ફોસિસ આ ગાળામાં ૧૦ ટકા ઊછળી ગયો છે. માર્કેટકૅપ ૨,૩૨,૬૪૮.૯૧ કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. ઇન્ફીની તેજી બજારને ૫૮ પૉઇન્ટ ફળી હતી. સેન્સેક્સ ખાતે ઇન્ફોસિસ ઉપરાંત ટીસીએસ ૧.૮૨ ટકાની મજબૂતીમાં ૨૬૦૫ રૂપિયા નજીક બંધ હતો. ટીસીએસથી બજારને બીજા ૩૧ પૉઇન્ટ મળ્યા હતા. વિપ્રો ૦.૭૦ ટકા અપ હતો. આઇટી ઇન્ડેક્સ ઇન્ફોસિસની આગેવાનીમાં બે ટકા નજીકની તેજીમાં ૧૦૭૦૧.૯૯ હતો. એના ૧૦માંથી ૮ શૅર વધ્યા હતા. એમ્ફાસિસ અને માઇન્ડ ટ્રીમાં અનુક્રમે ૧.૮૦ ટકા અને ૦.૧૩ ટકાની નબળાઈ હતી. સૌથી વધુ તેજી પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સમાં ૪.૨૨ ટકાની હતી. એચસીએલ ટેક્નૉ ૧.૭૮ ટકા, ઓરેકલ ફાઇ. ૧.૫૭ ટકા, ટેક મહિન્દ્ર ૧.૨૮ ટકા અને કેપીઆઇટી ટેક્નૉલૉજીઝ ૦.૮૫ ટકા ઊંચકાયા હતા. ટેક્નૉલૉજી ઇન્ડેક્સમાં દોઢ ટકા નજીકની તેજી હતી.


રિયલ્ટીમાં એફડીઆઇનો કરન્ટ યથાવત્

સરકાર દ્વારા રિયલ્ટી સેક્ટરમાં વિદેશી રોકાણના નિયમો હળવા કરાયા છે. એની અસરમાં ગુરુવારે રિયલ્ટી ઇન્ડેક્સમાં કરન્ટ જોવા મળ્યો હતો અને આ કરન્ટ ગઈ કાલે શુક્રવારે પણ યથાવત્ રહ્યો હતો. રિયલ્ટી ઇન્ડેક્સ ૧૩માંથી ૧૧ કાઉન્ટરના વધારા સાથે દોઢ ટકા નજીકની તેજીમાં બંધ હતો. ફોનેક્સ મિલ્સમાં ૦.૬૪ ટકા અને શોભા ડેવલપર્સમાં ૦.૫૮ ટકાની ઢીલાશ હતી. સૌથી વધુ છ ટકા નજીકની તેજી સાથે યુનિટેક ૨૦.૪૫ રૂપિયા બંધ રહ્યો હતો.ત્યાર બાદ ૫.૭૯ ટકા વધીને ડીબી રિયલ્ટી બીજા નંબરે રહ્યો હતો. ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ ૨.૮૯ ટકા વધીને ૭૧.૧૦ રૂપિયા, એચડીઆઇએલ ૨.૩૪ ટકાની તેજીમાં ૮૩.૨૫ રૂપિયા, ઑબેરૉય રિયલ્ટી ૧.૦૭ ટકાના વધારામાં ૨૪૪.૭૦ રૂપિયા, અનંતરાજ ૧.૦૩ ટકાના સુધારામાં ૫૩.૭૦ રૂપિયા અને પ્રેસ્ટિજ એસ્ટેટ ૦.૭૬ ટકા ઊંચકાયા હતા. મહિન્દ્ર લાઇફસ્પેસ ૦.૭૧ ટકા, ઓમેક્સ ૦.૬૫ ટકા, ગોદરેજ પ્રૉપર્ટીઝ ૦.૬૦ ટકા અને ડીએલએફ ૦.૪૮ ટકા અપ રહ્યા હતા.



કૅપિટલ ગુડ્સમાં સૌથી વધુ ૨.૬૬ ટકાની તેજી

સેન્સેક્સ ખાતેના તમામ ઇન્ડાઇસિસમાંથી ગઈ કાલે સૌથી વધુ તેજી કૅપિટલ ગુડ્સ ઇન્ડેક્સમાં ૨.૬૬ ટકા હતી. આ ઇન્ડેક્સમાં ઉપરમાં ૧૫૯૫૧.૭૫ થયા બાદ છેલ્લે ૧૫૯૨૪.૫૧ પર બંધ રહ્યો હતો. એનાં કુલ ૧૮ કાઉન્ટર્સમાંથી ૧૫ શૅર વધીને તો ૩ જાતો ઘટીને બંધ રહી હતી. એઆઇએલ ૭.૫૭ ટકાની તેજી સાથે મોખરે હતો. પૂંજ લૉઇડમાં ૩.૯૬ ટકાનો વધારો થયો હતો. એલટી અને એસકેએફ ઇન્ડિયા અનુક્રમે ૩.૬૧ ટકા અને ૩.૫૬ ટકા મજબૂત બન્યા હતા. લક્ષ્મી મશીન્સ ૨.૮૮ ટકા, ક્રૉમ્પ્ટન ગ્રીવ્ઝ ૨.૨૧ ટકા, એલ્સટૉમ ટીઍન્ડડી ૨.૨૧ ટકા અને બીઈએલ ૧.૮૦ ટકા સુધર્યા હતા. સુઝલોન સારા પરિણામની અસરમાં ૧.૯૭ ટકા વધીને ૧૩.૪૫ રૂપિયા બંધ હતો. સિમેન્સ ૧.૬૮ ટકા ઊંચકાયો હતો. હેવેલ્સ ૧.૬૬ ટકા અને ફાગ બેરિંગ્સ ૧.૫૯ ટકા અપ હતા. થર્મેક્સ ૧.૨૨ ટકા વધીને ૮૯૧.૯૫ રૂપિયા અને વાટેક વાબેગ ૦.૭૩ ટકા વધીને ૧૬૦૬.૫૦ રૂપિયા હતા. હેવીવેઇટ ભેલ ૦.૨૯ ટકાના સુધારામાં ૨૫૫.૭૫ રૂપિયા બંધ જોવા મળ્યો હતો.

આજનાં કંપની પરિણામો

ઍડ્વેન્ટાનો ત્રિમાસિક નફો ૯૮૧ ટકાના જમ્પમાં ૧૮૯૨ લાખ રૂપિયા આવતાં શૅર ૩૬૦ રૂપિયાના શિખરે જઈ ૧૦.૬ ટકાના ઉછાળે ૩૩૮ રૂપિયા હતો.


શ્રીરામ ઈપીસી દ્વારા મોટર્સની તરફેણમાં પ્રેફરન્શિયલ ઇશ્યુ માટે ૪ નવેમ્બરની ર્બોડ-મીટિંગ જાહેર થતાં શૅર ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૩૯.૬૦ રૂપિયા હતો.


ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ પરિણામ બાદ પ્રૉફિટ બુકિંગમાં શૅર ૬.૪ ટકા ગગડીને ૩૯૩ રૂપિયા બંધ હતો


ઑન મોબાઇલની ત્રિમાસિક ચોખ્ખી ખોટ ૨૩૯૦ લાખ રૂપિયાથી ઘટીને ૧૨૦ લાખ રૂપિયા રહેતાં શૅર ૧૯ ટકાની તેજીમાં ૩૯ રૂપિયા રહ્યો હતો.


શ્રી સિમેન્ટ ૪૦ ગણા કામકાજમાં ૯૨૦૦ રૂપિયાની ઑલટાઇમ હાઈ બનાવી અંતે પોણાપાંચ ટકાની મજબૂતીમાં ૯૧૦૫ રૂપિયા હતો.


અતુલ ઑટો સાત ગણા કામકાજમાં સવાનવ ટકાના ઉછાળે ૩૯૯ રૂપિયા ઉપર બંધ હતો.


મારુતિ સુઝુકી ત્રણ ગણા વૉલ્યુમમાં ૧૦૭ વધીને ૩૩૪૯ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી અંતે ત્રણ ટકાની તેજીમાં ૩૩૩૮ રૂપિયા હતો.


જેએમ ફાઇનૅન્શિયલ પાંચેક ગણા કામકાજમાં ૪૭.૮૦ રૂપિયાના નવા શિખરે જઈ અંતે ૪.૮ ટકાની મજબૂતીમાં ૪૭.૩૫ રૂપિયા બંધ હતો.


કૅડિલા હેલ્થકૅર પાંખા કામકાજમાં ૧૪૫૪ રૂપિયાની સર્વોચ્ચ સપાટી બનાવી અંતે ૧.૪ ટકાની પીછેહઠમાં ૧૪૦૨ રૂપિયા નજીક રહ્યો હતો.


વી-માર્ટ નબળા પરિણામ થકી ઉપરમાં ૫૯૦ રૂપિયાની ટોચથી ગગડીને ૫૨૦ રૂપિયા થયા બાદ ૮ ટકાની ખરાબીમાં ૫૩૫ રૂપિયા હતો.

Whatsapp-channel Whatsapp-channel

01 November, 2014 07:36 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK